02 December, 2023 07:13 AM IST | Mumbai | Parth Nanavati
પ્રતીકાત્મક તસવીર
‘ઓકે ડિયર, મિલતે હૈં બ્રેક કે બાદ...’
સવારે નતાશા અમદાવાદ જવા માટે ફાર્મહાઉસના મુખ્ય દરવાજા પર ઊભેલી કારમાં બેસી રહી હતી ત્યારે ડૉ. સમીર કાર પાસે પહોંચ્યો ને ચવાઈને ચુથ્થો થઈ ગયેલો ડાયલૉગ મારીને નતાશાને મનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
‘વી સિલ સી... તિવારીને રાખ્યો છે એ હૉસ્પિટલનું ઍડ્રેસ મેસેજ કરી દેજો’ કહીને નતાશાએ કારમાં ગોઠવાઈને ડોર ઝડપથી ખેંચીને બંધ કરી દીધું.
‘ડિયર, આ પ્રોજેક્ટ પૂરો થાય પછી તને એવો તો પાઠ ભણાવીશને...’ નતાશાના હોઠ એ રીતે ફ્ફડ્યા કે તેનો પ્રતિભાવ જોઈને સમીરનો ચહેરો તંગ થઈ ગયો.
નતાશાને લઈને કાર નીકળી એ પછી સમીર ફ્ટાફ્ટ ફાર્મહાઉસના હૉલમાં આવ્યો. આર્મેન્ડો અને હ્યુગો હૉલના છેડે આવેલા ડાઇનિંગ ટેબલ પર બેસીને બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા.
‘ગુડ મૉર્નિંગ... આપણે થોડી વાત કરવાની છે.’ સમીરે અંગ્રેજીમાં બન્નેને ઉદ્દેશીને કહ્યું.
‘સે ઇટ...’ સમીરની સામે જોયા વિના આર્મેન્ડોએ જવાબ આપ્યો.
‘અમારે ત્યાં ઇન્ડિયામાં - ખાસ તો ગુજરાતમાં ગન રાખવાનો કાયદો બહુ સખત છે. પરમિટ જોઈએ... તમે લોકો આ ગન ક્યાંથી લાવ્યા?’ સમીરે પૂછ્યું.
‘અમારા બૉસે વ્યવસ્થા કરેલી. અમદાવાદ લૅન્ડિંગ કર્યું એ પછી ઍરપોર્ટની બહાર અમને કોઈ આપી ગયું!’ હ્યુગોએ જવાબ આપ્યો.
‘સાલાઓનું અહીં ઇન્ડિયામાં પણ નેટવર્ક છે.’ સમીર મનોમન બબડ્યો.
‘ઓકે, પણ અહીં ગનની જરૂર નથી. પ્લીઝ, તમે બન્ને ગન પોલીસને સોંપી દો.’ સમીરે હળવેકથી કહ્યું, પણ આટલું બોલતાં સમીરને પરસેવો છૂટી ગયો. તેને બીક હતી કે પેલો પાગલ આર્મેન્ડો ફરી ક્યાંક ભડકીને ભડાકા ન કરવા માંડે.
‘નૉટ પૉસિબલ... શક્ય નથી.’ હવે આર્મેન્ડોએ વેધક નજરે સમીર તરફ જોયું.
‘ઓકે, જોઈશું. ઍનીવે, બ્રેકફાસ્ટ પતાવીને મળો, આજથી કામ શરૂ કરવાનું છે.’ સમીરે ગનની વાત પડતી મૂકી, પણ આવી પળોજણમાં નાખવા માટે તે સાળા સાવન પટેલને મનોમન ગાળો આપતો પોતાની રૂમ તરફ ગયો.
એકાદ કલાક પછી બન્ને મેક્સિકનને લઈને નીકળ્યા. એક કારમાં ભાનુ અને બીજીમાં સમીર અને અજય ગણાત્રા હતા. બન્ને કાર પાળજ ગામના ‘સૂર્યા સહકારી બૅન્ક’ના બિલ્ડિંગ પર પહોંચી.
આમ તો અજય ગણાત્રાની ઓળખ ડૉ. સમીર ખેતાણીના પીએ કે રાઇટ હૅન્ડમૅન તરીકે હતી, પણ સાથોસાથ તે સમીરની આઇટી કંપની પણ સંભાળતો અને હવે શરૂ થનારા મની લૉન્ડરિંગ ઑપરેશનની તમામ ટેક્નિકલ બાબત પણ તે સંભાળવાનો હતો.
અજયની સૂચના પ્રમાણે બૅન્કની ત્રણ માળની ઇમારતના બેઝમેન્ટમાં એક ફુલ્લી ઍરકન્ડિશન્ડ આઇટી રૂમ તૈયાર કરવામાં આવેલી, જ્યાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, અદ્યતન સર્વરરૂમ, લોડશેડિંગ થાય, લાઇટ જાય તો એને માટે બૅટરી બૅકઅપ અને ફાસ્ટ પ્રોસેસિંગ કરી શકે એવી કમ્પ્યુટર્સ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. બેઝમેન્ટના આ ખંડ સુધી જવાના દરવાજા પર હાઈ-ટેક સિક્યૉરિટી રેટિના સ્કૅનર લૉક હતાં. ખાસ કહેવાય એવા માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ આ રૂમમાં પ્રવેશી શકે એના વિશેષ કોડ-પાસવર્ડ આપવામાં આવ્યા હતા. આવા ખાસમાં એક ભાનુ હતો, જે બેઝમેન્ટમાં કામ કરતા આઇટીના માણસો માટે ચા-પાણી અને ખાવાની વ્યવસ્થા કરતો હતો.
‘આ લોકોને નીચે લઈ જા.’ ભાનુને સૂચના આપીને સમીરે સાથે આવેલા અજયને સૂચના આપી,
‘તું મારી સાથે ઑફિસમાં આવ.’
બન્ને મેક્સિકનને ભાનુ બેઝમેન્ટના દાદરા તરફ લઈ ગયો અને ‘ચૅરમૅન’ના બોર્ડવાળી વિશાળ કૅબિનમાં સમીર-અજય પ્રવેશ્યા.
‘બધું રેડી છેને?’
ઑફિસ ડેસ્કની લેધર રિવૉલ્વિંગ ચૅર પર સમીરે પડતું મૂક્યું.
‘જી. લાસ્ટ મેસેજ પ્રમાણે રકમ હૉન્ગકૉન્ગથી તેના સિંગાપોરના અકાઉન્ટમાં સેફલી રાઉટ થઈ ગઈ છે - જમા થઈ ગઈ છે... નો રેડ ફ્લૅગ!’
‘હવે, વૉટ નેક્સ્ટ... આગળ શું?’
‘હવે આપણા આ બે મેક્સિકનને એક કોડ આવશે, ઓટીપી જેવો. એ કોડ આપણે એન્ટર કરીશું એટલે અમાઉન્ટનો પહેલો હપ્તો આપણા ખાતામાં જમા!’ બે-નંબરી રકમની જટિલ ટેક્નિકલ પ્રોસેસને અજયે સાદી ભાષામાં સમજાવી.
‘કેટલી છે રકમ?’
‘લગભગ ૧૦ મિલ્યન ડૉલર્સ.’
‘બસ? માત્ર ૧૦ મિલ્યન - ૮૩ કરોડ?’
‘હા સર, આ લોકો બહુ કૅરફુલ છે. આ એક નાની ટ્રાયલ લેવા માગે છે. જો આ ટેસ્ટ સફળ થઈ તો એ લોકો અમાઉન્ટ વધારતા જશે...’ અજયે સમજાવ્યું.
‘ઓકે, ટ્રાયલ સફળ થાય પછી આપણો જે સ્પેશ્યલ પ્રોજેક્ટ છે એને બની શકે એટલો જલદી પતાવો... મારે આ બન્ને ગાંડિયા મેક્સિકનને અહીંથી જલદી પાછા ધકેલી દેવા છે!’
‘સર, ધીમે-ધીમે કામ કરવું પડશે. આપણે અહીં પણ ઈડી અને ઇન્ક્મ-ટૅક્સથી બચવાનું છે. દરેક વખતે આ બન્નેની જરૂર પડશે સર, કારણ કે આપણને જોઈતો કોડ તેમની પાસે જ આવશે... એ કોડ વગર કોઈ લેવડ–દેવડ કે ટ્રાન્ઝૅક્શન શક્ય નથી.’
‘વેરી સ્માર્ટ... બહુ હોશિયાર છે માળા. સારું, તમે નીચે જઈને પ્રોસેસ ચાલુ કરો. કામ પતે એટલે મને અપડેટ આપો.’ સમીરે કહ્યું.
બૅન્કના ભોંયતાળિયામાં ખાસ તૈયાર કરવામાં આવેલી આઇટી રૂમમાં જઈને અજયે જાતે જ સૉફ્ટવેરની મદદથી હૉન્ગકૉન્ગ પેઢીની સિંગાપોર બ્ર્રાન્ચમાંથી રકમ ‘સૂર્યા સહકારી બૅન્ક’ના ખાતામાં ટ્રાન્સફર કરી. સમીર અને જયસુખ પટેલની સખત સૂચના હતી કે આ કામગીરીમાં બીજા કોઈને પણ સામેલ કરવા નહીં. આ જ કારણસર આ પ્રોસેસ જાણવા-શીખવા માટે અજય પણ સમીર સાથે હૉન્ગકૉન્ગ-સિંગાપોર લટાર મારી આવેલો.
અજયે ટ્રાન્ઝૅક્શન રિક્વેસ્ટ મોકલી એટલે આર્મેન્ડાના મોબાઇલ પર એ રિક્વેસ્ટના વેરિફિકેશનનો સિક્યૉરિટી મેસેજ આવ્યો. આર્મેન્ડાના મોબાઇલ પર આવેલા મેસેજનો ક્યુઆર કોડ સ્કૅન થયો કે ગણતરીની મિનિટમાં જ રકમ તેમના ખાતામાં જમા થઈ ગઈ... જોકે અજયને ભય હતો કે મુંબઈની ‘ઈડી’ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની ઑફિસમાંથી હમણાં આ ટ્રાન્ઝૅક્શનની તપાસ કરતો ફોન આવશે, પણ હૉન્ગકૉન્ગની ચાઇનીઝ પેઢીએ આપેલા વચન પ્રમાણે આખી લેવડ-દેવડ તેમના ભેદી ન શકાય એવા સર્વર દ્વારા થઈ હતી, જેની કોઈને ગંધ સુધ્ધાં આવી નહીં.
‘યસ... ડન.’ ૧૦ મિલ્યન ડૉલર જેવી જંગી રકમ જોઈને અજય ઉતેજિત થઈ ગયો. તેણે ફટાફટ મોબાઇલ પર સમીરને કૉલ કર્યો ઃ
‘સર, ડિલિવરી નૉર્મલ થઈ છે... મૉમ-બેબીની તબિયત સારી છે!’ સાંકેતિક ભાષામાં તેણે સમીરને કહ્યું.
‘ઓકે, હવે બાકીનું કામ શરૂ કરો.’
સમીર પણ ખુશ થઈ ગયો. આવેલી રકમ હવે ‘સૂર્યા સહકારી બૅન્ક’માં ખોલવામાં આવેલાં ખેડૂતોનાં બનાવટી ખાતાંઓમાં લોનરૂપે ટ્રાન્સફર કરવાની હતી. એ માટે હૉન્ગકૉન્ગની પેઢીએ તૈયાર કરી આપેલું ક્સ્ટમ મેડ સૉફ્ટવેર યુઝ કરવાનું હતું, જેથી બૅન્કનાં નૉર્મલ ખાતાં સંભાળતા સ્ટાફને શંકા ન આવે.
અજયે હવે એ સૉફ્ટવેરની મદદથી જુદી-જુદી રકમ સહકારી બૅન્કનાં હજારો નકલી ખાતાંઓમાં મોકલી. ભાનુ એક ખૂણામાં ઊભો-ઊભો ટેક્નૉલૉજીનો આ અજીબ ખેલ જોઈ રહ્યો હતો.
કૉલેજના બીજા વર્ષમાં જ ભણતર પડતું મૂકીને જયસુખ પટેલના સ્ટાફમાં જોડાયેલા ભાનુને ટેક્નૉલૉજીની બહુ ગતાગમ હતી નહીં, પણ આર્મેન્ડોએ જે રીતે પોતાનો મોબાઇલ સ્કૅન કર્યો અને જે રીતે કમ્પ્યુટરના સ્ક્રીન પર એકની પાછળ એક ધડાધડ ઉમેરાતાં મીંડાં જોઈને તે સમજી ગયો કે કે જરૂર કોઈ મોટી રકમની હેરફેર ‘સૂર્યા સહકારી બૅન્ક’ મારફત થઈ રહી છે... આ આખી ઘટના તેના બટન કૅમેરામાં રેકૉર્ડ થઈ હતી... હવે અનુપભાઈ એ જોઈને તાળો મેળવી લેશે...
‘ભાનુ...’
‘ઓ ભાનુ.’
અજયે બીજી વાર થોડા ઊંચા અવાજે કહ્યું ત્યારે ભાનુ ચામક્યો :
‘જી સર.’
‘આ બન્ને ક્લાકારને હાઇવેની કોઈ નૉનવેજ હોટેલમાં જમાડીને ફાર્મહાઉસ પર પહોંચાડી દે. આજનું તેમનું કામ પૂરું. કાલે ફરીથી આ જ પ્રમાણે તેમને લઈ આવીશું.’
‘ઓકે’ કહી ભાનુએ ઇશારો કરી હ્યુગો-આર્મેન્ડોને ઊભા કર્યા. એ જ વખતે અજયના મોબાઇલ પર નતાશાનો મેસેજ આવ્યો ઃ
‘હાય, મિસ યુ.... ફ્રી થાય તો કૉલ કરજે... નાતાશા’ સાથે કિસનું ઇમોજી!
અજયને એ ઘડીએ વિચાર પણ આવી ગયો કે પોતે કોઈ બૅન્કમાં નવું બનાવટી ખાતું ખોલાવી લે અને પછી ૧૦ મિલ્યનમાંથી બે મિલ્યન એ નવા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને નતાશા સાથે પૂર્વ યુરોપ કે દક્ષિણ અમેરિકાના કોઈ દેશમાં કાયમ માટે અલોપ થઈ જાય... પછી માઈ જાય જયસુખ પટેલનો પરિવાર ને જે થવાનું હોય એ થાય તેના લફરાબાજ ડૉક્ટર જમાઈનું!
lll
હાઇવેની નૉનવેજ હોટેલ ‘ફ્રાય સેન્ટર’માં બન્ને મેક્સિકનને બેસાડીને ભાનુએ ફોન લગાડ્યો.
‘બોલ, ભાનુ...’ બીજી જ રિંગે સામા છેડેથી અનુપનો અવાજ સંભળાયો.
‘સર... સૉરી અનુપભાઈ... આજે સાંજે અહીં આવી શકો?’ ભાનુએ પૂછ્યું.
‘કેમ? કાંઈ થયું?’
‘ના, પણ બહુ મોટા સમાચાર છે. પેલા બે પરદેશી અને આ પટેલ પરિવારના કામનો મને લગભગ ખ્યાલ આવી ગયો છે.’
‘ઓકે, તેં રેકૉર્ડિંગ કર્યું?’
‘હા અનુપભાઈ, એકદમ મસ્ત રેકૉર્ડિંગ થયું છે... હવે હાથ બેસી ગયો છે.’
‘ઓકે... ઓકે... સાંભળ, આજે હવે બીજું કાંઈ રેકૉર્ડ ન કરતો. હું સાંજે આવું છું. મને એક વાર ફુટેજ જોવા દે, પછી આગળનું વિચારીએ.’ અનુપે સૂચના આપી.
‘ઓકે, તમે સાંજે ચોકડી પર મળો. આપણી કાયમની જગ્યાએ.’ ભાનુએ કહ્યું.
‘હા, ચાલ મળીએ.’
‘કોને મળવાની વાત થાય છે, કાયમની જગ્યાએ?’ ભાનુની પાછળ ઊભેલા મોમીન પઠાણે પાણીના જગમાંથી મોટો ઘૂંટડો ભરીને કોગળો કર્યો અને પછી ભાનુને પૂછ્યું ત્યારે ભાનુના પગ નીચેથી જમીન સરકી ગઈ.
lll
‘યાર... આટલી બધી વાર?’
અમરીશ કાનાણીએ તેની પ્રેમિકા મુન્ની ઉર્ફે શાલિની શર્માને પોતાની તરફ ખેંચી.
‘પાછો નાહ્યો નથીને? અમરીશ, મેં તને કેટલી વાર કહ્યું કે અમદાવાદમાં પાણીનો કોઈ જ પ્રૉબ્લેમ નથી.’ શાલિનીએ છણકો કર્યો.
‘અરે યાર, નાહ્યો હતો, પણ આ ‘એમઆર’ની જૉબમાં ડૉક્ટરો-કેમિસ્ટ્સ પાછળ આખા દિવસની રઝળપાટ પછી આ ગરમીમાં પરસેવો તો થાયને? અમરીશે પાંગળો બચાવ કર્યો.
‘તો આ રૂમમાં એસી નખાવને ભાઈસાબ, હું નૉર્થની છું. મારાથી આ ગરમી-પસીનો સહન નથી થતાં.’ અમરીશને હડસેલીને શાલિની દૂર બેઠી.
‘બેબી, આવતા મહિને ૧૦૦ ટકા. મેં એરિયા મૅનેજરને બોનસની વાત કરી દીધી છે.’
‘અને તારા રૂમ-પાર્ટનરને કહે કે પોતાના આ અન્ડીસ બાથરૂમમાં રાખે. છી, કેવાં ગંધાય છે!’ શાલિનીએ એક ખૂણામાં ઉતારેલાં કપડાં તરફ મોં બગાડ્યું.
‘અરે, મૂક એ વાતને... તું અહીં મારા બેડ પર આવી જા...’ કહીને અમરીશે ફરી તેને ખેંચી.
‘અમરીશ, મારે ૨૫,૦૦૦ રૂપિયા તાત્કાલિક જોઈએ છે.’ અમરીશની છાતી પર શાલિનીએ માથું ટેકવીને કહ્યું.
‘કેમ... એકદમ, અચાનક? મારી પાસે એટલા તો ક્યાંથી હોય અને એમાંય આ મન્થ એન્ડ... તું તો જાણે છેને કે મારે ગામ બા-બાપુજીને પણ મોકલવાના હોય છે.’
‘અબે, અમદાવાદના એ. કે. હંગલ... મને ખબર છે તારી ફાઇનૅન્શિયલ અને બીજી બધી કૅપેસિટીની. આવતા મહિને ‘રેડિયો તીરછી’નું અમદાવાદમાં લૉન્ચ છે. મારી દિલ્હીની ફ્રેન્ડની લાગવગથી ‘રેડિયો તીરછી’ની લૉન્ચ-પાર્ટીના ઇન્વાઇટનો જુગાડ કરી લીધો છે. બસ, મારે એ પાર્ટી માટે એક મસ્ત ડ્રેસ લેવો છે. એ લોકો ત્યાર પછી આરજેનું ઑડિશન પણ કરવાના છે... હું ત્યાં હાજર હોઉં તો જૉબ મળવાના મારા ચાન્સ વધી જાય!’
‘પણ એને માટે ૨૫,૦૦૦ રૂપિયા?!’ અમરીશ અવઢવમાં અટવાયો.
‘ના, ડ્રેસ તો ૧૫-૧૭ હજારનો પડશે, પણ બાકીના આપણી પાસે ઇમર્જન્સી ખર્ચના હોવા જોઈએને.’
‘પણ આટલી મોટી રકમ?’ અમરીશ ખરેખર ચિંતામાં પડી ગયો.
‘એની ચિંતા ન કર... એ રકમ ક્યાંથી લાવવી એનો પણ મારી પાસે પ્લાન છે!’ ઉત્સાહથી ઊછળતી શાલિનીએ મૂંઝાયેલા અમરીશના ગાલ પર હાથ ફેરવ્યો.
‘ક્યાંથી લાવવાના છે?’ શાલિનીના હૂંફાળા સ્પર્શથી અમરીશ થોડો ઢીલો પડ્યો.
‘રૉબરી... લૂંટ કરીને!’ શાલિની લુચ્ચું હસી.
વૉટ? ગાંડી થઈ છે કે શું?’ અમરીશ ભડક્યો.
‘અરે સંભાળને, આ સૌથી સહેલી રૉબરી છે, એકદમ સિમ્પલ. કોઈ જ રિસ્ક નહીં. મારી પાસે માસ્ટર પ્લાન છે!’ શાલિની વધુ નજીક સરકી.
‘મારો જવાબ ના છે, છતાં એ તો કહે કે કોને લૂંટવાનો છે?’
‘એ પછી... પહેલાં તું હા પાડ!’
‘અરે... હું ધારતો હતો એના કરતાં પણ તું વધુ ગુંડી નીકળી.’
‘...ને હું ધારતી હતી એના કરતાં તું વધુ ડરપોક નીકળ્યો. વાંધો નહીં... નો પ્રેશર. મારી ઑફિસમાં એક યુવાન છે, તે થોડો ડેરિંગબાજ છે, તે મને ના નહીં પાડે!’
‘એમ? હવે તું મને જેલસ કરી રહી છે.’
‘ના યાર, એમાં શું જેલસ... મારે જે જોઈએ છે એ તું નથી આપી શકતો તો બીજો ઑપ્શન... એમાં ઝાઝા સેન્ટી નહીં થવાનું!’
‘ઓકે... સો ધાર કે હું આ દુનિયાથી સૌથી સેફ અને સહેલી લૂંટ માટે રાજી થઈ જાઉં તો મને સમજાવ કે પ્લાન શું છે?’ રઘવાયો અમરીશ કિનારે આવેલી હોડી ડુબાડવા નહોતો માગતો.
‘ઓકે તો સાંભળ મારો પ્લાન...’ શાલિનીએ ઇરાદાપૂર્વક બે-પાંચ ક્ષણ મૌન રહીને પછી ઉમેર્યું,
‘તારે મારા કાકા નંદકિશોર શર્માને લૂંટવાના છે!’
ક્રમશ: