03 September, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન
શાળાના છેક છેવાડાના ક્લાસરૂમમાં એક ખૂણામાં બેઠેલી ચંદાનું આખું શરીર સખત કળતું હતું. તે રડતી-રડતી પોતાની મા કજરીને મણ-મણની ગાળો ભાંડતી હતી. આ ચંદાની મા કજરી એટલે કાજલ કામાઠીપુરા વિસ્તારમાં દેહવ્યવસાય કરતી હતી.
કાજલનાં માતા-પિતા સુરત નજીકના એક નાનકડા ગામમાં રહે. રંગે શ્યામ, માતા-પિતાનું એકનું એક સંતાન એટલે લાડ-પ્યારમાં કોઈ કચાશ નહોતી. વળી શરીરે ગોળમટોળ એટલે ગામના લોકો તેને ગોલુ જ કહેતા. કાજલ પોતાના રંગ અને કદ-કાઠીને લઈને કોઈની સાથે જલદી ભળતી નહીં. સૌ તેને કાળી-કલૂટી, કાગડી, ઢમઢોલ વગેરે વિશેષણોથી નવાજતા. કાજલ શાળા છોડીને રડતી-રડતી ઘરે આવી જતી. આઠમા ધોરણ પછી તો તેણે શાળાએ જવાનું સાવ જ બંધ કરી દીધું હતું. માતા-પિતાએ પણ કાજલ ઘરે રહીને જે થોડુંઘણું જ્ઞાન પ્રાપ્ત કરે એમાં જ સંતોષ માન્યો હતો.
આ ગામનો રઘુ કાજલ સાથે બહુ સારી રીતે વાત કરતો. તેને કહેતો, ‘એમાં શું થયું? એમ તો કૃષ્ણ પણ કાળા જ હતાને?’ કાજલ હવે કેવળ તેની સાથે જ હળતી-મળતી. સોળમું વરસ બેઠું ત્યાં કાજલે રઘુ સાથે બધી જ મર્યાદા પાર કરી લીધી. રઘુ જે કહે એ બધું જ કરવા તે તૈયાર હતી. રઘુ એ જ લાગમાં હતો. તેણે કાજલને મુંબઈની ચમકદમક, રંગીન દુનિયા, બૉલીવુડ વગેરેની વાતો કરીને ફોસલાવી, ‘ચાલ, આપણે બંને મુંબઈ જતાં રહીએ. ત્યાં કોઈ તારી મજાક નહીં ઉડાવે. આપણે લગ્ન કરીને ઠરીઠામ થઈએ પછી આપણા બંનેનાં માવતરને ફોન કરીને જણાવી દઈશું. તે બધાં જરૂર આપણને અપનાવી લેશે.’
કાજલની ઇચ્છા પોતાનાં માબાપની સંમતિથી જ લગ્ન કરીને રઘુ સાથે મુંબઈ જવાની હતી, પણ રઘુએ તેને કહ્યું, ‘તું હજી ૧૬ વર્ષની જ છે અને ૨૦ વર્ષ નહીં થાય ત્યાં સુધી તારાં કે મારાં માબાપ આપણાં લગ્ન માટે રાજી નહીં થાય. વળી મને ત્યાં એક થિયેટરમાં ટિકિટબારી પર નોકરીની ઑફર આવી છે. ચાર વર્ષનો કૉન્ટ્રૅક્ટ સહી કરવાનો છે. શું તું મારા વગર ચાર વર્ષ રહી શકીશ?’
આખરે કાજલ તૈયાર થઈ ગઈ. રઘુએ તેને કહ્યું, ‘મુંબઈમાં આપણને એક ખોલી ભાડે લેવી પડશે. એ માટે હું મારી પાસે છે એટલા પૈસા લઈ લઉં છું અને તું તારા દાગીના સાથે લઈ લે. લગ્નટાણે દાગીના વગરની દુલ્હન કેવી લાગે!’
અને એક રાત્રે કાજલ અને રઘુ બંનેએ ગામને રામરામ કરી દીધા.
મુંબઈ પહોંચીને રઘુ કાજલને સીધો મુન્નીબાઈના કોઠે લઈ ગયો. સવારનો સમય હતો એટલે સ્મશાનવત્ શાંતિ હતી. તું મારી માસી પાસે બેસ, ત્યાં સુધીમાં હું આપણા માટે ખોલીની જોગવાઈ કરી લઉં અને મારી નોકરી માટે પણ થિયેટર જઈ આવું એમ કહીને તે નીકળી ગયો.
મુન્નીબાઈએ તો કાજલનો વાન અને કદ જોઈને જ મોં મચકોડ્યું ને જેવી કાજલ અંદર ગઈ એટલે બોલી, ‘યે કાલી-કલૂટી કા કુછ નહીં મિલેગા.’
રઘુ ઘણું કરગર્યો અને જે થોડાઘણા પૈસા મળ્યા એ અને કાજલના દાગીના લઈને છૂમંતર થઈ ગયો. સાંજ થવા આવી. રઘુનો કોઈ અતોપતો નહોતો. કાજલનો ફોન પણ તેના સામાનમાંથી ગાયબ અને હવે તો ઘૂંઘરુઓની ખનક સંભળાવા લાગી હતી. ગંદા વાસ મારતા, દારૂ પીને આવતા પુરુષો, તેમને લલચાવતી અહીં રહેતી મહિલાઓ અને કોઈ પુરુષ એક સ્ત્રીના હાવભાવ કે નખરાંમાં લલચાઈ જાય તો તેને ખેંચીને કમરામાં લઈ જતી તે સ્ત્રી. આ બધું જોઈને કાજલ ગભરાઈને રડવા લાગી.
‘રઘુને બોલાવો. તે કેમ નથી આવ્યો? મારો ફોન નથી મળતો. મારે મારાં માબાપ પાસે જવું છે...’ બોલતી જાય અને રડતી જાય.
છેવટે મુન્નીબાઈની કમાન છટકી, ‘ચૂપ હરામજાદી, એક તો સાવ રદ્દી માલ તારો રઘુ પકડાવી ગયો ને પાછી આવાં ત્રાગાં કરે છે. ઘર છોડતી વખતે માબાપનો ખ્યાલ ન આવ્યો?’
અને હવે પછી રોજ રાતે કાજલની અસ્મત લૂંટાતી રહી. મુન્નીબાઈએ તેનું નામ કોઠાને અનુરૂપ કજરી પાડ્યું અને કજરીનું એકમાત્ર સંતાન એટલે આ ચંદા. રોજ નવા-નવા પુરુષો દ્વારા દેહ ચૂંથાતો હોય એમાં બાપ કેમ શોધાય?
ભૂતકાળ વીસરીને કજરીએ પોતાનું બધું ધ્યાન ચંદા પર કેન્દ્રિત કર્યું. કોઈ પણ ભોગે તે ચંદાને આ ગંદા માહોલથી દૂર રાખવા માગતી હતી.
આ કામાઠીપુરામાં કેટલીયે કુંવારી માતા હતી જેમનાં સંતાનોને પોતાનો બાપ કોણ છે એય ખબર નહોતી. આ બધી માતાઓને પોતાનાં બાળકોને સારામાં સારી જિંદગી આપવી હતી, અહીંથી દૂર લઈ જવાં હતાં; પણ જ્યારે રોજીરોટી જ અહીં હતી તો જાય ક્યાં? કજરીએ હિંમત કરીને વસ્તીથી થોડે દૂરની એક શાળામાં ફૉર્મમાં ખોટી માહિતી ભરીને ચંદાનો દાખલો લીધો. સાચું બોલીને કઈ વેશ્યાની દીકરીને શાળામાં ઍડ્મિશન મળે?
થોડાં વરસ તો બધું બરાબર ચાલ્યું. ભણવામાં પણ ચંદા ઘણી હોશિયાર. જોકે તેને પંદર વર્ષ થયાં અને શાળામાં કોઈને જાણ થઈ ગઈ કે તે તો કામાઠીપુરામાં દેહવ્યવસાય કરતી કજરીની દીકરી છે. હવે સૌ તેને રંડીની બેટી, ગાયનું ગોબર, પાપની નિશાની, ધરતી પરનો બોજ વગેરે કહીને ચીડવવા લાગ્યા. શાળાના છોકરાઓ તેને અણછાજતો સ્પર્શ કરે અને કહે કે તને એમાં શું વાંધો હોય, આખરે તો તારે એ જ કરવાનું છે જે તારી મા કરે છે.
ચંદા ત્રાસી ગઈ અને એક દિવસ હિંમત કરીને પોતાના વર્ગશિક્ષક શર્માસરને તે છોકરાઓની ફરિયાદ કરી. સર બોલ્યા, ‘શાળા પૂરી થાય પછી જે કોઈ પણ તારી મજાક કરે છે એ બધાનાં નામની યાદી બનાવીને મને આપ. હું એકેએકને દંડ કરીશ.’
શાળા આખી ખાલી થઈ ગઈ હતી. કેવળ ચંદા તેના ક્લાસમાં નામની યાદી બનાવતી હતી. દસ મિનિટ બાદ શર્મા એ ક્લાસમાં પહોંચ્યા. અંદરથી આગળિયો વાસ્યો. ચંદા ચમકી, શર્મા લપક્યો અને બોલ્યો, ‘વેશ્યાની દીકરીને વળી શેની શરમ.’ ચંદા છટપટાતી રહી ને તેની આબરૂ લૂંટાઈ ગઈ. શર્માસર તો જતા રહ્યા. ત્યાં શાળાનો વૉચમૅન બધા ક્લાસ બંધ છે કે નહીં એ જોવા નીકળ્યો. અહીં ચંદાને જોતાં તે બધું સમજી ગયો. તેણે પણ પોતાની હવસ સંતોષી. આમ એક જ દિવસમાં ચંદા બે વાર લૂંટાઈ.
રડી-રડીને આંસુ સુકાયાં, માને ગાળો આપીને થાકી; પણ પછી શું? જવું ક્યાં? આખરે લથડિયાં ખાતી પાછી એ જ કામાઠીપુરાના નરકમાં ગઈ. કજરી સાથે ઝઘડો કર્યો, બોલવાનું બંધ કર્યું. બે દિવસ પછી સ્વસ્થ થઈ હિંમત એકઠી કરીને શાળાનાં પ્રિન્સિપાલ
ઇન્દુબહેનને ફરિયાદ કરી. ઇન્દુબહેન ભલી બાઈ હતી. શર્માની હવસની ઊડતી-ઊડતી વાતો બીજેથી પણ સાંભળેલી. ખાતરી કર્યા બાદ તેમણે શર્મા અને વૉચમૅન બંનેને નોકરીમાંથી પાણીચું આપ્યું અને ચંદાને લઈ પોલીસ
સ્ટેશને ફરિયાદ કરીને બંનેને
જેલભેગા કર્યા.
ઇન્દુબહેન ખરા અર્થમાં ચંદાનાં માર્ગદર્શક બન્યાં. તેમણે ચંદાને શાળા પૂરી કરી કૉલેજમાં ડિગ્રી લેવા ખૂબ પ્રોત્સાહન આપ્યું. તેમણે ચંદાને કહ્યું, ‘તારો અવાજ, તને થયેલો અન્યાય સમાજમાં ગુંજવો જોઈએ. કોઈ પણ સ્ત્રી સ્વેચ્છાએ દેહવ્યવસાય નથી કરતી. દરેકની કોઈ મજબૂરી હોય છે. તારી માની પણ કોઈ લાચારી હશે. તેના પ્રત્યે ગુસ્સો ન રાખ.’
આ બધા શબ્દોએ ધારી અસર કરી. ચંદા ઉન્નત મસ્તકે જિંદગીમાં આગળ વધવા કટિબદ્ધ થઈ.
તેમના કહેવાથી ચંદા પર્સમાં નાનકડી ધારદાર છરી રાખતી ને જો કોઈ તેને વેશ્યાની બેટી કહીને અણછાજતો સ્પર્શ કરવાની કોશિશ કરે તો તેનું ગુપ્તાંગ જ વાઢી નાખવાની ધમકી આપતી.
ઇન્દુબહેનની દોરવણી હેઠળ ચંદા ઘણું ભણી. ઉચ્ચ ડિગ્રી સાથે નોકરીની તક બહુ ઊજળી હતી. જો કોઈ ઑફિસમાં ઇન્ટરવ્યુ માટે બોલાવે અને પરિવાર વિશે પૂછવામાં આવે તો ખચકાટ વગર કહેતી, ‘મારી મા કીમાઠીપુરામાં દેહવ્યવસાય કરે છે, બાપના નામની ખબર નથી.’
કોઈ-કોઈ ઑફિસમાં તેની આ વાતને લઈને સીધો જાકારો મળતો, કોઈ ઑફિસમાં તેને શેઠ અને આસપાસના લોકોની નજરમાં સાપોલિયાં રમતાં દેખાતાં તો કોઈ ઑફિસવાળા તેની આ હિંમતની દાદ આપતા.
બહુ દિવસો બાદ આખરે એક ઑફિસમાં તેની વરણી થઈ. ઘર તો હજી કામાઠીપુરામાં જ હતું. એટલે રોજ સાંજે ઘરે ફરતાં તે બીજાં પોતાનાં હમઉમ્ર છોકરા-છોકરીઓને, નાની વયનાં બાળકોને જોતી ને એ સૌ માટે તેને અનુકંપા ઊપજતી. ચંદા આ સૌને કામાઠીપુરાના દળદળમાંથી બહાર કાઢવા માગતી હતી. શું કરવું એ તેને સૂઝતું નહોતું. ઇન્દુબહેન પણ શાળામાંથી રિટાયર થઈને દીકરા પાસે વિદેશ વસી ગયેલાં. ત્યાં ચંદાને આ જ કામાઠીપુરાનું સંતાન સૂરજ મળ્યો. તેને પણ કોઈનો દલાલ બનવામાં રસ નહોતો. દસમું ધોરણ પાસ કરીને તે એક ઑફિસમાં પટાવાળાની નોકરી કરતો હતો. તેણે ચંદાને સુઝાવ આપ્યો, ‘દીદી, ચાલો એક સંસ્થા સ્થાપીએ અને આપણો અવાજ આખા દેશમાં ગુંજતો કરીએ. આપણી માતાઓ કુમળી વયે આ દેહવ્યવસાયમાં કોઈ ને કોઈ લાચારી, ફસામણી કે લાલચથી આવી છે. એમાં ન તેમનો વાંક છે ને ન આપણો. અહીંનાં સૌ બાળકોને ઇજ્જતતથી જીવવાનો પૂરો હક છે.’
ચંદા અને સૂરજે ‘ગુંજ’ની સ્થાપના કરી. કામાઠીપુરાનાં બાળકો અને અહીંની કુંવારી માતાઓ સૌ આ અભિયાનમાં જોડાયાં. એ બધાને સમાજમાં માનભેર જીવવું હતું.
ચંદા-સૂરજના અથાગ પ્રયત્નોથી ઘણી શાળાઓ અને કૉલેજો આ બાળકોને ઍડ્મિશન આપતી થઈ. શિક્ષકો બીજાં બાળકોને ‘ગુંજ’નાં બાળકો સાથે સામાન્યપણે હળવા-ભળવા સમજાવતા.
ચંદાની હિંમતને દેશવાસીઓએ સલામ કરી. ભારતનાં કેટલાંય શહેરોમાં ‘ગુંજ’ની શાખા ખોલવામાં આવી. ચંદા અને સૂરજ દેશભરનાં બાળકોને આ દળદળમાંથી બહાર કાઢવા કટિબદ્ધ છે.
રાષ્ટ્રપતિભવન ભાઈ-બહેનની આ જોડીને પદ્મશ્રીના અવૉર્ડથી નવાજવા તત્પર છે.
‘ગુંજ’ની ગુંજ યુનો સુધી પહોંચી. તેમણે ચંદાને આ વિષય પર ચર્ચા કરવા આમંત્રિત કરી. તેને વિપરીત પરિસ્થિતિમાં પણ સમાજમાં સ્વમાનભેર ઉન્નત મસ્તકે પોતાનું સ્થાન બનાવવા ખાસ અવૉર્ડ આપવામાં આવ્યો.
આ ‘ગુંજ’ની ગુંજ હવે કાયમ ગુંજતી રહેશે.
- સ્ટોરી હર્ષા મહેતા
નવા લેખકોને આમંત્રણ
ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર.
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે.
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી.
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે.
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો.
તે સમજી ગઈ કે તેની દ્વિધા હંમેશ માટે મટી ગઈ હતી.