યહૂદી (પ્રકરણ-3)

06 December, 2023 07:10 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ગુરુની બીજી સવારે વિશાલદેવે અચાનક બિઝનેસ-મીટિંગ માટે સિંગાપોર જવાનું થયું. પત્ની, અને સહ-કર્મચારી તરીકે નિહારિકા પતિના લાસ્ટ મોમેન્ટ પ્રોગ્રામ્સથી ટેવાઈ ગયેલી.

યહુદી વાર્તા માટે આપવામાં આવેલું ઇલસ્ટ્રેશન

‘બાય!’
ગુરુની બીજી સવારે વિશાલદેવે અચાનક બિઝનેસ-મીટિંગ માટે સિંગાપોર જવાનું થયું. પત્ની, અને સહ-કર્મચારી તરીકે નિહારિકા પતિના લાસ્ટ મોમેન્ટ પ્રોગ્રામ્સથી ટેવાઈ ગયેલી. મોડી રાતે મીટિંગનું અપડેટ આવતાં વિશાલદેવે વહેલી સવારે નીકળવાનું કહ્યું ત્યારે ‘હાશ, શાંતિ!’ની લાગણી થઈ અને બે દિવસ બાદ તે પાછા આવશે જાણીને ચિત્તમાં આશ્રય રમતો થઈ ગયો : ‘વિશાલની ગેરહાજરીમાં તેને પલોટ્યો હોય તો!’ 
અત્યારે પોતાને ‘આવજો’ કહેતી પત્નીના દિમાગમાં કઈ ખીચડી પકતી હશે એ ધારવું મુશ્કેલ નહોતું વિશાલદેવ માટે. પોતાનાથી વીસેક વરસ નાની પત્ની તેનાથી નાના જુવાનને તાકી છાતીમાં ઊનો શ્વાસ ભરે એ નજરે નોંધ્યા પછી નિહારિકાનો મનોભાવ કલ્પવો તેના જેવા ખંધા આદમી માટે સહજ હતું.
‘જીવનમાંથી મા-બાપ (એક પ્રેમિકા પણ ખરી!) અને પત્ની કાળક્રમે વિદાય લેતાં ગયાં એથી પોતે કોઈ ખાલીપો નહોતો અનુભવ્યો, કદાચ પોતાનું એ બંધારણ જ નહોતું. ઘણા મને ઈગોઇસ્ટિક કહેતા હોય છે અને આઇ ઑલ્વેઝ બિલીવ કે યૉર ‘આઇ’ શુડ બી બિગર ધૅન ઍનીબડી! પંચાવનની ઢળતી જુવાનીમાં મને ઘર માંડવાના ઓરતા નહોતા, નિહારિકાએ મને પલોટ્યો એ કેવળ મારા પૈસા ખાતર એ તો મને ત્યારેય દીવા જેવું સ્પષ્ટ લાગ્યું હતું. પરણીને તે થોડા મહિનામાં કોઈ બહાને છૂટાછેડાનો કેસ ઠોકીને એલિમની ન માગે એ માટે તો દસ્તાવેજ પણ કરાવી રાખેલા. જાણું છું કે મારી કાયામાં કસ નથી રહ્યો, પણ એથી તરસી પત્ની બીજા કાંઠે ચાલી જાય એ તો ચલાવી ન જ લેવાય!’ 
અત્યારે પણ તેમની આંખોમાં તિખારો ચમક્યો : ‘આ સંદર્ભે મેં તને ટકોરી પણ છે નિહારિકા, અને મારી પીઠ પાછળ તું મને ધોકો ન દે એની વ્યવસ્થા પણ મેં કરી રાખી છે, એની તને ક્યાં ખબર છે?’
lll
‘અં...’ આશ્રય ગૂંગળાતો હતો, એથી વધુ હેબતાયો હતો. 
બપોરે લંચ-અવરમાં સ્ટાફ કૅન્ટીનમાં જતાં ફ્લોર ખાલી રહેતો હોય. નિહારિકામૅ’મે અર્જન્ટ કામના નામે સવારથી કૅબિનમાં બોલાવી રાખેલો એ તો ઠીક, લંચ પણ સાથે લેવા ઇન્સિસ્ટ કરતાં આશ્રય કોચવાયો હતો: ‘આ સમયે મારે આયેશા સાથે લાંબી વાતો થતી હોય. તે મારા કૉલની રાહ જ જોતી હશે... પણ બૉસ કહો કે બૉસની વાઇફને ના પણ કેટલી વાર કહેવી!’ 
કંપનીની મુંબઈ ઑફિસના સર્વેસર્વા ગણાતા પ્રેસિડન્ટને પ્રાઇવસી મળી રહે એ માટે કૅબિનમાં હોટેલના સ્વીટની જેમ એક કોચ ધરાવતો રિલૅક્સ-રૂમ પણ હતો. નિહારિકા લંચ માટે આશ્રયને આગ્રહ કરી અંદર દોરી ગઈ. જોકે ટિફિન કે પ્લેટ ન દેખાતાં આશ્રયે કહ્યું પણ ખરું : ‘આપણે લંચ માટે આવ્યાં, પણ ભોજન જ મિસિંગ છે!’ 
‘કોણે કહ્યું!’ નિહારિકા સાવ તેની લગોલગ આવી ગઈ : મારું ભોજન તો આ રહ્યું!’ કહી ઘોની જેમ વળગી આશ્રયના હોઠો પર હોઠ મૂકી તે બેફામ બનતી ગઈ. તેનો હાથ આશ્રયની કમર તરફ સરક્યો કે...
‘સટાક...’ જોરથી તેને અળગી કરી આશ્રયે પાધરકો તમાચો ઠોક્યો : ‘બિહેવ યૉર સેલ્ફ!’ 
નિહારિકાએ આનુંય માઠું ન લગાડ્યું, 
‘મને તારાથી અળગી ન કર! હું તને ન્યાલ કરી દઈશ.’
‘હોંશમાં આવો મૅડમ, તમે પરિણીત છો.’
‘પરિણીત!’ નિહારિકાથી ગંદી ગાળ બોલાઈ ગઈ, ‘છક્કાથીય ગયેલા વિશાલમાં લેવાનું શું છે! જો, જો તો ખરો, મારી પાસે શું નથી જે તારી આયેશા પાસે છે?’ 
કહેતી નિહારિકાએ પોતાનું ટૉપ ચીરતાં તેના હાંફતાં ઉરજો ઉઘાડાં થયાં. 
આશ્રયે નજર ફેરવી લીધી : ‘શરમ!’ કહી કૅબિનની બહાર નીકળી ગયો, નિહારિકા ધબ્બ દઈને બેસી પડી. 
ધીરે-ધીરે દિમાગમાં પ્રત્યાઘાત ઊભરાવા લાગ્યો : ‘હાઉ ડેર હી! તેણે મને બેશરમ કહી, મારાં અંગ જોઈને પણ પીઠ ફેરવી ગયો... મારા જોબનનું આવું અપમાન!’ 
અતૃપ્ત રહેલી ઝંખનામાં હવે વેરનો તણખો ભળ્યો : ‘નો, મિસ્ટર આશ્રય શાહ, યુ હેવ ટુ પે ફૉર ધિસ!’ 
lll
‘ભાઈ, આ તરફ જો, સિંહના મોંમાંથી જવાનું છે!’
રિક્ષામાંથી ઊતરી ઉમંગભેર ચીસ નાખતી આઠેક વરસની બાળકી તેનાથી બેએક વરસ નાના ભાઈનો હાથ પકડીને સંન્યાસ આશ્રમના પ્રવેશદ્વાર તરફ દોરે છે... રિક્ષાવાળાને પૈસા ચૂકવતી વિધવા મા સાદ નાખે છે : લાડો, તારા ભાઈને સંભાળજે!’
‘એ હા મા!’ કહેતી છોકરીએ ગડથોલિયું ખાતા ભાઈને કેડમાં તેડી લીધો: : ભઈલુની ચિંતા તું ન કર, હું છુને!’
અને અમરનાથની પાંપણ વરસી પડી. નજર આગળ ઊપસેલું ભુતકાળનું દૃશ્ય એમાં તણાતું ગયું.
‘મહારાજ!’ 
કોઈના સાદે અમરનાથે સ્વસ્થતા કેળવી. સાધુએ પૂર્વાશ્રમથી અલિપ્ત રહેવાનું હોય એ સૂત્ર સાંભરી અહીં આવ્યો છું, પછી મનને શીદ વિચલિત થવા દેવું! 
‘મહારાજ, આરતીની સામગ્રી જોઈ લોને...’ 
તેડવા આવેલા મંદિરના ચાકરની પાછળ ડગલાં ભરતા અમરનાથ માટે મુંબઈની યાત્રા પડકારરૂપ હતી. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે પોતે આ જ નગરમાં ઊછર્યા છે... ‘મંદિરના મહંતશ્રીએ ચાર દિવસના જાપતપના સત્સંગ માટે નિમંત્રણ મોકલ્યું ત્યારે વરસો પછી વતનમાંથી આવેલો સાદ ટાળી ન શકાયો. મારે મુંબઈ જવું જ જોઈએ એવી અંત:સ્ફુરણા થઈ. અને ગઈ કાલે સાંજે અહીં ઊતર્યા બાદ સ્નેહલતાબહેનને ખબર આપતાં લાગ્યું કે તેઓ ભારે કોઈ મનોમંથનમાં છે.’ 
‘જાપનું તો નિમિત્ત મહારાજ, ખરેખર તો ભક્તની મૂંઝવણ હરવા ભગવાન પધાર્યા!’ કહેતાં તેઓ રડી પડેલાં. 
તરત તો પોતે કહેલું : ‘હું ભગવાન તો નથી બહેન, પણ તમારી ભીડ ભાંગ્યા વિના મુંબઈ નહીં છોહું એનું વચન આપું છું... આમ તો મને મંદિરની ગલીમાં, પૂજારીજીના ઘરે ઉતારો છે, અહીં નિરાંતે વાત કરવી મુશ્કેલ છે. તાકીદનું કામ હોય તો તમારે ત્યાં આવી જાઉં?’
‘ધન્ય, મહારાજ. આટલાં વરસોમાં આપશ્રી મુંબઈ પહેલી વાર પધાર્યા છો, ઘરે પધરામણી કર્યા વિના જવાનું નથી. શક્ય હોય તો જાપતપ પત્યા બાદ બે દિવસ ઘરે ઉતારો રાખો, એમાં આશ્રયને આઘોપાછો કરી હું આપને મારી સમસ્યા ખુલ્લા મને કહી શકીશ.’
‘આનો ઇનકાર કેમ હોય!’ 
‘બાકી હું તો રોજ મંદિર આવી આપના સાન્નિધ્યનો લાભ લેવાની...’ હળવા હૈયે તેઓ બોલી ગયેલાં. 
‘ભક્તોની ભારે ભીડ થશે એમ લાગે છે...’ 
પૂજારીની ઓરડીએ પહોંચેલા અમરનાથે ઝબકીને વિચારબારી બંધ કરી દીધી. ગયા વરસે ગંગાદશેરાના અવસરે હરિદ્વારમાં ભેગા થઈ ગયેલા અહીંના મહંતશ્રી પછી પણ સંપર્કમાં રહ્યા. ‘જાપતપના પ્રોગ્રામ સાથે ઉપદેશના બે શબ્દો ભક્તોના કાને પડે તો લોકોનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે મંદિરમાં દર વરસે આ પ્રકારની ઉજવણી થાય છે, એમાં અતિથિવિશેષ તરીકે મને તેડાવી તેમણે રોજ સાંજે બે કલાકનું પ્રવચન ગોઠવ્યું છે. આંગણામાં મંડપ સજાવાયો છે, બૅનર્સ લાગી ગયાં છે. ભક્તોની અવરજવર દિવસભર રહેવાની, એમાંથી ૧૦ ટકાને પણ ધર્મ-કર્મના સિદ્ધાંત સમજાય તો આ યત્ન લેખે લાગે...’ 
-અને ખરેખર બુધની પહેલી જ સાંજે અમરનાથે પ્રવચનમાં એવો માહોલ સરજ્યો કે બીજા દિવસે બમણી ભીડ હતી.
lll
‘સંન્યાસ આશ્રમ લે લો...’ 
ટૅક્સીવાળાને કહીને સ્નેહલતાબહેન બેઠકને અંઢેલી ગયાં, ‘ગઈ કાલે અમરનાથના પહેલા પ્રવચનમાં બહુ મજા આવી, તેમને મળાયું ખરું, પણ મૂળ વાત ઉખેળવાનો અવકાશ જ નહોતો...’ 
‘મૂળ વાત...’ સ્નેહલતાબહેને હોઠ કરડ્યો, 
 ‘દીકરાના પરિણયનો શુભ અવસર આ કેવી કસોટી તાણી લાવ્યો છે!’ 
બાકી, પ્રયાગમાં અમરનાથના આશિષ પછી મને ગર્ભ રહ્યો ત્યારે કેવાં ખુશ હતાં હું ને અશ્વિન... અમરનાથ મહારાજના આશ્રમ પહેલી વાર ગયાં ત્યારે સારાનો ભેટો થયેલો. પછી પણ બે એક વાર આશ્રમ જવાનું બન્યું. ત્યારે જોકે તે ત્યાં નહોતી. આશ્રમમાં મનને શાતા સાંપડતી. નક્કી કરી લીધું કે પ્રથમ પ્રસૂતિ મારે સોમનાથદાદાના ધામમાં જ કરાવવી છે. છેલ્લા દિવસોમાં અમે મંદિર નજીકની ધરમશાળામાં રહ્યાં... સવાર-સાંજ સ્વામીજીના આશ્રમે જતાં. આ વખતે ત્યાં સારાને ભાળીને સહેજ ચમકી જવાયું. તે પણ પૂરા મહિનાની ગર્ભવતી હતી! સ્નેહલતાબહેને સાંભર્યું : 
‘તમે પરણી ગયાં! કંકોતરી પણ ન મોકલાવી?’ સ્નેહલતાબહેન તેને સખીભાવે વઢ્યાં પણ ખરાં.
જવાબમાં તે ફિક્કું મલકી, પેટમાં લાત મારતા બચ્ચાને પંપાળી લીધું : ‘આ તો પ્રેમનો પ્રસાદ છે બહેન, બાકી તો મારે ને કંકુને સૌભાગ્યનું છેટું રહી ગયું!’ 
‘ભેદભર્યા તેના આ વાક્યનો શો અર્થ કરવો? તે કુંવારી મા બનવાની છે એવો, કે પછી તે વિધવા થઈ ગઈ છે એવો?’ 
‘પણ ના, કોઈના અંગત ઘાને કુરેદવાનો ન હોય... કપરા સંજોગોમાંય પ્રેમની નિશાનીને જન્મ આપવાની તેની ખુમારીને પોંખવાની હોય!’ 
‘તમારો આ અભિગમ જ તમને અન્યોથી જુદાં પાડે છે સ્નેહલતાબહેન...’ અમરનાથની વાણીમાં બિરદાવણીનો ભાવ હતો. 
પછી તો બન્ને થનારી માતાઓ સાથે રામાયણ-ગીતાનો પાઠ કરતી, બાઇબલ વાંચતી અને આશ્રમનું વાતાવરણ ભક્તિભાવયુક્ત બની જતું. 
કુદરતે જોકે જુદું જ ધાર્યું હતું... સ્નેહલતાબહેને પરાકાષ્ઠા વાગોળી: ‘હૉસ્પિટલમાં પૂરા મહિને મને મૃત દીકરો જન્મ્યો ને ત્યાં આશ્રમમાં સારા દીકરાને જન્મ આપીને મૃત્યુ પામી...’ 
બે દિવસ પછી ભગ્ન હૃદયે આશ્રમ ગઈ, ત્યાં નવજાત શિશુનું રુદન કાને પડ્યું. અમરનાથે નવજાત શિશુનો નાજુક દેહ મારા હાથમાં મૂકતાં કહ્યું હતું : ‘તમે દેવકી ન બની શક્યાં, પણ જશોદા બનવાનું તમારા હાથમાં છે!’ 
- ‘એ જ ઘડીથી હું આશ્રયની માતા બની રહી. આશ્રયના પિતા વિશે મહારાજ જાણતા હોય તો પણ અમને કહ્યું નથી, અમે પૂછ્યું પણ નથી, શી જરૂર?’
આશ્રયની પેદાશનું સત્ય તેનાં લગ્ન સમયે ઉખેળવાની તૈયારી હતી જ, પણ યહૂદી જનેતાનો અંશ ધરાવતા આશ્રયે મુસ્લિમ કન્યાને ચાહતાં મામલો પેચીદો બની ગયો છે... 
‘જોકે મને શ્રદ્ધા છે કે સ્વામીજી આમાંથી જરૂર કોઈ માર્ગ કાઢવાના!’ 
પોતાને આની રાહત હતી, પણ આશ્રય ગઈ કાલે થોડો પરેશાન લાગ્યો... ના, ગઈ સવારે ઑફિસ જવા નીકળ્યો ત્યાં સુધી તો ખુશમિજાજ હતો. મહારાજ મુંબઈ આવ્યાની ખુશી જતાવી, પણ હું પ્રવચનમાંથી પાછી આવી ત્યારે તેનો મૂડ સાવ ઑફ હતો. આયેશા જોડે તો ઝઘડ્યો નથીને! આશ્રયને સવાલ પૂછી તંગ કરવા કરતાં પોતે આયેશાને ફોન જોડ્યો, તેણે કહ્યું, ‘ઑફિસનો વર્કલોડ છે, તમે ચિંતા ન કરો અમ્મી...’ 
સ્નેહલતાબહેન મલક્યાં : ‘અમ્મીને હવે કોઈ ચિંતા નથી. અમરનાથમહારાજ બધું ઠીક કરી દેવાના!’
lll
‘આ તમારો ભાવ છે સ્નેહલતાબહેન...’ અમરનાથે હાથ જોડ્યા. 
પ્રવચન સાંભળી ભીડ ઓસરી હતી. વ્યાસપીઠ પર બિરાજેલા અમરનાથને મળવા આવેલાં સ્નેહલતાબહેનથી બોલાઈ ગયું : ‘આશ્રયની સગાઈ નક્કી કર્યાનું તો મેં આપને કાલે કહ્યું... પણ એ યહૂદી માનો દીકરો મુસ્લિમને કઈ રીતે પરણશે એ હાથી જેવી મૂંઝવણ આપ આવ્યા બાદ કીડી જેવીય નથી લાગતી મહારાજ, એ શ્રદ્ધાભાવ આપની સાધનાનું જ પરિણામ છે.’ 
બોલતાં સ્નેહલતાબહેન સાવધ થયાં, ‘મહારાજને મળવા આવતી સ્ત્રી ચમકી હોય એમ કેમ લાગ્યું! જાહેર જગ્યાએ મારે આવું ન બોલવાનું હોય.’ 
એટલે મુખ મલકાવી વાત બદલી : ‘શનિવારે આશ્રયને રજા હોય છે એટલે આપના પ્રવચન પછીની સંધ્યાઆરતી મેં લખાવી છે. મારી વહુ ને તેનાં પિયરિયાં પણ આપનાં દર્શને આવશે. 
દરમ્યાન પેલી સ્ત્રી અમરનાથને પાયલાગણ કરીને નીકળી ગઈ. તેના રોમેરોમમાં જૅકપૉટ લાગ્યાની ઉત્તેજના સળવળતી હતી. 
તે નિહારિકા હતી. 
‘ગઈ કાલના બનાવ પછી આશ્રય આજે ઑફિસ આવ્યો નહોતો. ના, પુરાવા વિના આશ્રય વિશાલને ફરિયાદ કરવાની મૂર્ખાઈ ન કરે. હા, નોકરી છોડી દે તો ભલે છોડતો. એ પહેલાં તેના ધુત્કારનો બદલો વસૂલવાનો આ કેવો યોગ ઘડાઈ ગયો!’ 
પિયરમાં કોઈ હતું નહીં, પોતે મહિને એકાદ વાર અંધેરીનો પોતાનો બંધ ફ્લૅટ જોવા આંટોફેરો કરી લેતી. ત્યાંથી પાડોશનો મહિલાવર્ગ સંન્યાસ આશ્રમ દોરી લાવ્યો, બાકી પોતે કંઈ એવી ભક્તાણી નથી! 
ત્યાં આગલી હરોળમાં બેઠેલાં સન્નારીને જોઈને થયું કે આમને ક્યાંક જોયાં છે! પછી સ્ટ્રાઇક થઈ : ‘આશ્રયના વૉટ્સઍપ સ્ટેટસ પર! પોતે તેને ફૉલો કરતી, એટલે તો આયેશાને પણ ‘જોયેલી’ અને આ તો આશ્રયનાં માતુશ્રી! એ બાઈ મહારાજ સાથે શાની કાનાફૂસી કરવા ગઈ? આશ્રયે તેને મારા વિશે કહ્યું હોય ને તે મહારાજ પાસે મારા પર જંતરમંતર તો નહીં કરવાનું કહેતી હોયને!’ 
જિજ્ઞાસાવશ પોતે આંખ-કાન રાખ્યાં તો કેવો ભેદ કાને પડ્યો! 
‘તને ખબર નથી આશ્રય, મને તારા વિરદ્ધ કેવું હથિયાર મળ્યું છે! તેં કરેલા મારા અપમાનનું તો કોઈ સાક્ષી નથી, પણ તારો ભવાડો તો હું જાહેરમાં કરવાની! અહીં જ, આ શમિયાણામાં.’ 
શનિવારની સંધ્યાઆરતીમાં કોઈએ નહીં ધાર્યું હોય એવું થવાનું! 

વધુ આવતી કાલે

Sameet Purvesh Shroff columnists gujarati mid-day