કોઈ કાયદાથી લગ્નસંબંધમાં બળાત્કાર બંધ થશે ખરા?

23 April, 2023 11:36 AM IST  |  Mumbai | Jigisha Jain

લગ્નમાં જ્યારે એક વ્યક્તિની મરજી વિના, બળજબરીથી, ડરાવી-ધમકાવી કે મારીને સંબંધ બંધાય તો એ ગુનો રેપથી કમ ન ગણાવો જોઈએ એવું નારીવાદી સંગઠનોનું માનવું છે. બળજબરી બહારની વ્યક્તિ કરે કે ખુદનો પતિ, એની સજા સરખી જ હોવી જોઈએ. દેખીતી રીતે ભલે આ સાચું લાગે...

પ્રતિકાત્મક તસવીર


કેસ-૧ : ૨૫ વર્ષની સીમાને તેનો પતિ દરરોજ રાત્રે દારૂ પીને આવીને મારતો અને જબરદસ્તી તેની સાથે સેક્સ કરતો. તે ના પાડે તો બમણો માર પડતો. એક દિવસ તેણે પિરિયડ્સ ચાલુ હોવાને કારણે પોતાનાં બે નાનાં બાળકોની દુહાઈ આપી અને તેના પતિને છોડી દેવા કહ્યું તો રોષે ભરાયેલા પતિએ તેને બાળકોની સામે નગ્ન કરીને તેની સાથે સંભોગ કર્યો. એ દિવસે સીમાનો સબ્ર તૂટ્યો અને તેણે સમાજસેવી સંસ્થાની મદદ લઈને પોતાના પતિ વિરુદ્ધ કેસ કર્યો. 
કેસ-૨ : સબર્બના એક મોંઘા ટાવરના પેન્ટહાઉસની દીવાલોમાં કોમલની ચીસો દબાઈને રહી ગઈ હતી. પોતાના અતિ સક્સેસફુલ બિઝનેસમૅન પતિએ જ્યારે પહેલી વખત ઍનલ સેક્સની ડિમાન્ડ કરી તો તેણે ઘસીને ના તો પાડી દીધી હતી, પરંતુ એ નાનું મહત્ત્વ કશું રહ્યું નહોતું. અસહ્ય પીડામાં ગ્રસ્ત કોમલ કોઈને પોતાની પીડા જણાવી શકે એમ જ નહોતી. પતિને સમજાવવા મથતી, પણ કોઈ ફાયદો નહોતો. ૧૫ વર્ષનું લગ્નજીવન, બાળકોનું ભવિષ્ય અને સમાજના પ્રેશરમાં તે ગૂંગળાવા લાગી અને ભારે ડિપ્રેશનમાં સરી પડી છે. બે વાર આત્મહત્યાની કોશિશ પણ કરી ચૂકી છે અને હાલમાં તેનું કાઉન્સેલિંગ ચાલે છે. કાઉન્સેલર સામે કબૂલી ચૂકેલી કોમલ પોતાના પતિ વિરુદ્ધ કોઈ કેસ ઇચ્છતી નથી. તે બસ મૃત્યુ ઇચ્છે છે.
આ કોઈ OTT પર આવતી ક્રાઇમ ​થ્રિલરની સ્ટોરી નથી. હકીકતમાં બનેલી ઘટનાઓ છે. વળી આ પ્રકારના કેસ એકલ-દોકલ નથી. નૅશનલ હેલ્થ અને ફૅમિલી સર્વે-૫ અનુસાર ૧૮થી ૩૫ વર્ષની વયની ત્રણ સ્ત્રીઓ કે છોકરીઓમાંથી એક પોતાની અંગત વ્યક્તિ કે સાથી દ્વારા હિંસાનો ભોગ બની છે. સેન્ટર ફૉર ઇન્ક્વાયરી ઇન ટુ હેલ્થ ઍન્ડ અલાઇડ થીમ્સ (CEHAT)ની રિસર્ચ ઑફિસર સંજીદા અરોરા કહે છે, ‘મુંબઈમાં ૨૦૦૦ની સાલથી મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ સાથે સંગઠિત થઈને અમે ‘દિલાસા’ નામનું સેન્ટર ચલાવીએ છીએ જે સ્ત્રીઓને તેમની જાતીય સતામણી કે બળાત્કાર જેવી તકલીફોમાં મદદરૂપ થાય છે. છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન બાંદરાની ભાભા હૉસ્પિટલમાં ચાલતા અમારા એક સેન્ટરનો ડેટા હાલમાં પ​બ્લિશ થયો છે જે અનુસાર ૨,૦૦૦થી વધુ સ્ત્રીઓ હિંસાનો ભોગ બની હતી. એમાંથી ૪૮ ટકા સ્ત્રીઓ જાતીય હિંસાનો ભોગ બની છે. આ સ્ત્રીઓમાંથી ૩૮ ટકા સ્ત્રીઓ પર આ અત્યાચાર તેમના પતિ કે પ્રેમી દ્વારા જ થયેલો છે. આમ જાતીય સતામણીમાં વૈવાહિક બળાત્કાર સામાન્ય રીતે જોવા મળે જ છે.’
 
પરિભાષા 
આ બાબતને વધુ ઊંડાણથી સમજતાં પહેલાં વૈવાહિક બળાત્કાર કોને કહેવાય એની પરિભાષા સમજવાની કોશિશ કરીએ. બળાત્કાર એટલે સ્ત્રીની મરજી વગર જોર-જુલમથી તેની સાથે સંભોગ કરવો અને આ ક્રિયા જો તેના પતિ દ્વારા થઈ હોય તો એને વૈવાહિક બળાત્કાર કહે છે. લગ્નસંસ્થાનો અર્થ જ એ છે કે પતિ અને પત્ની બંને શારીરિક રીતે જોડાઈ રહ્યાં છે. જોકે એનો અર્થ એ નથી કે પતિની દરેક ડિમાન્ડને તે આધીન થાય. એ વિશે સ્પષ્ટતા કરતાં ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘લગ્ન કર્યાં છે એટલે એવું જરૂરી નથી કે તે બીમાર હોય તો પણ સેક્સ માટે તૈયાર રહે. એનો અર્થ એ નથી કે પૉર્ન વિડિયો જોઈને શીખેલી પતિની વિકૃતિ ભરેલી માગ તે પૂરી કરે. આવાં કે બીજાં કોઈ પણ કારણોસર જો પત્ની રાજી ન હોય તો પણ જબરદસ્તીથી તેની જોડે સંભોગ કરવા પ્રેરાયેલો પતિ તેના પર જે જોર-જુલમ કરે છે એને લગ્નસંસ્થાના નામે વણદેખ્યું તો ન જ કરી શકાયને. લગ્નમાં ભલે સેક્સ જોડાયેલું હોય, છતાં મરજીનું પોતાનું મહત્ત્વ છે. પિતૃસત્તા માનસિકતાને કારણે સ્ત્રીની મરજીનું મહત્ત્વ ભણતર કે લગ્ન જેવી બાબતોમાં પણ પૂછવામાં આવતું નથી ત્યારે સેક્સ જેવી બાબતમાં તેની મરજીનું મહત્ત્વ થાય એ માગણી ભલે ગમે એેટલી વાજબી હોય, પણ સંતોષાતાં વાર લાગશે.’

આશા 
દુનિયાના ૧૫૦ દેશોમાં પોતાની પત્ની પર બળાત્કાર કરવો એક ક્રિમિનલ ઑફેન્સ એટલે કે ફોજદારી ગુનો છે, પરંતુ હજી સુધી ભારતમાં એવું નથી. એને ફોજદારી ગુનો બનાવવા માટેના પ્રયત્નો જોરશોરથી ચાલી રહ્યા છે અને એટલે જ દેશના દરેક ખૂણે એ ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે કે વૈવાહિક બળાત્કાર માટે આટલા કડક કાયદાઓ બનાવી શકાય ખરા? ભારત જેવા દેશમાં જ્યાં લગ્નવ્યવસ્થા એ સમાજનો પાયો છે ત્યાં આ પ્રકારના કાયદાઓ શું આ વ્યવસ્થાને હાનિ નહીં પહોંચાડે? સુપ્રીમ કોર્ટમાં ૯ મેએ આ બાબતે દલીલોની રજૂઆત થશે એ પહેલાં કોર્ટે સરકારનું સ્ટૅન્ડ શું છે એ જાણવા માગ્યું છે. બળાત્કાર અત્યંત અમાનવીય કૃત્ય છે અને ઘૃણાસ્પદ ગુનો. કોઈ પણ બળાત્કારીને આકરામાં આકરી સજા થવી જ જોઈએ એ માનનારો સમાજ કે દેશ તેની સ્ત્રીઓની ગરિમાને જાળવતો દેખાય છે. એટલે જ નિર્ભયાકાંડ પછી દેશમાં બળાત્કારને લઈને ઘણા કાયદાઓ બદલાયા અને વધુ ને વધુ મજબૂત થયા. એે વિશે વાત કરતાં સિનિયર ઍક્ટિવિસ્ટ ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘નિર્ભયાકાંડ પછી જે કડક નિયમો બન્યા એ કાયદાઓમાંથી બે વ્યક્તિને બાદ કરવામાં આવી હતી. તે છે સ્ત્રીનો પતિ અને આર્મીના જવાનો. કોર્ટે એ સમયે માન્યું હતું કે બળાત્કારની સજામાં વૈવાહિક બળાત્કારને પણ સામેલ કરવામાં આવ્યો તો લગ્નસંસ્થાના પાયા જ હચમચી જશે અને આર્મીને પણ જો આ જ રીતે ટ્રીટ કરવામાં આવી તો દેશના સેનાદળની ગરિમા ઝંખવાશે. આ બંને પરિસ્થિતિઓની બાદબાકી કરીને બળાત્કારને એક ફોજદારી ગુનો ગણવામાં આવ્યો છે. એ ગુનો પુરવાર થાય તો વ્યક્તિને સાત વર્ષ સુધીની સજા કરવામાં આવે છે. હવે આશા જન્મી રહી છે કે વૈવાહિક બળાત્કારને પણ બળાત્કારની કૅટેગરીમાં મૂકવામાં આવશે.’

આભા સિંહ, ઍડ્વોકેટ

લગ્નનો અર્થ જ સહવાસ છે. 
આ પરિસ્થિતિમાં સેક્સ માટેની મરજી કે નહીં મરજીને સાબિત કરવી અઘરી છે. માન્યું કે વૈવાહિક બળાત્કાર એક સત્ય છે, પરંતુ દરેક સત્ય સરળતાથી સાબિત નથી થઈ શકતું એ પણ સમજવું પડે છે.

કાયદાનું પ્રાવધાન
વૈવાહિક બળાત્કાર માટે આજની તારીખે કાયદામાં શું પ્રાવધાન છે? આ પ્રશ્નનો જવાબ આપતાં જાતીય હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓ અને બાળકો માટે લીગલ કાઉન્સેલિંગ પૂરું પાડતી સંસ્થા મજલિસના ડિરેક્ટર ઍડ્વોકેટ એન્ડ્રી ડિમેલો કહે છે, ‘સૌથી પહેલી વાત તો એ કે ભલે વૈવાહિક બળાત્કાર ક્રિમિનલ ઑફેન્સ નથી, પરંતુ એનો અર્થ જરાય નથી કે એ કાયદાકીય છે. કાયદાની દૃષ્ટિએ પણ કોઈ પતિ તેની પત્નીનો બળાત્કાર ન જ કરી શકે. એે માટે આપણી પાસે ૧૯૮૩માં બનેલી ૪૯૮ (A) કલમ છે. આ કાયદો સ્ત્રીને શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય કોઈ પણ પ્રકારની ઘરેલુ હિંસા સામે રક્ષણ આપે છે. જો કોઈ સ્ત્રીને પોતાના પતિ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો આ કાયદા હેઠળ તે પોતાના પતિની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી શકે છે. આ ફરિયાદ થતાંની સાથે જ જરૂરી ઍક્શન લેવાય છે. સ્ત્રીને ફરિયાદ કરી એ જ સમયથી રક્ષણ આપવામાં આવે છે અને રોજિંદું ભથ્થું મળે છે. કેસ સૉલ્વ ન થાય ત્યાં સુધી જરૂરી લાગે તો સ્ત્રીને અલગથી રહેઠાણ મળે છે. નહીંતર એ જ ઘરમાં હોવા છતાં તેનો પતિ તેના ૨૦૦-૫૦૦ મીટરના દાયરામાં ન રહી શકે જેવાં ફરમાનો પણ મળી શકે છે. આમ કાયદો કડક જ છે અને સ્ત્રીને પૂરતું રક્ષણ આપે છે.’ 

સજા અને ઍક્શનમાં ફેર 
તો પછી એને ક્રિમિનલ ઑફેન્સ બનાવવાની જીદ કેમ થઈ રહી છે? એનો જવાબ આપતાં ઍડ્વોકેટ એન્ડ્રી ડિમેલો કહે છે, ‘ઘરેલુ હિંસામાં જો પતિનો દોષ પુરવાર થાય તો તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા થાય છે, જ્યારે બળાત્કારના કાયદા ૩૭૬ અનુસાર દોષીને ઓછામાં ઓછી સાત વર્ષની સજા થાય છે. સજામાં જે ફરક છે એ સ્પષ્ટ છે.’ 
એની વાસ્તવિકતા વિશે વાત કરતાં પુરુષવાદી સંગઠન વાસ્તવ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને ‘સેવ ઇન્ડિયા ફૅમિલી’ નામના અમ્બ્રેલા સંગઠનના મુંબઈ યુનિટના પ્રમુખ અમિત દેશપાંડે કહે છે, ‘બળાત્કારના કેસમાં જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ પર આરોપ લગાવે છે ત્યારે પોલીસ એ આરોપ વિશેની તપાસ પછી કરે છે, તે વ્યક્તિની સીધી અરેસ્ટ કરે છે અને વ્યક્તિ સીધી જેલમાં જાય છે. પછી તપાસ થાય, તે દોષી નીકળે અને ન પણ નીકળે; પણ એ પહેલાં તે જેલની હવા ખાઈ ચૂકી હોય છે. જ્યારે ઘરેલુ હિંસાનો કાયદો ૪૯૮ (A)માં તાત્કાલિક અરેસ્ટ થતી નથી. તપાસ થાય છે અને પછી જરૂર લાગે, આરોપ પુખ્તા થાય તો અરેસ્ટ થાય છે. જો વૈવાહિક બળાત્કારને બીજા બળાત્કારની કૅટેગરીમાં મૂકવામાં આવશે તો પત્ની જ્યારે પતિની ફરિયાદ કરશે એ જ ક્ષણે પતિની પોલીસ અરેસ્ટ કરી શકે છે, કારણ કે આ પ્રકારે તો પોલીસને એનો પૂરો અધિકાર છે.’

નિર્દોષને દંડ મળશે એનું શું?


તો અધધધ કેસથી ઊભરાતી કોર્ટ શું સૂચવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં અમિત દેશપાંડે કહે છે, ‘હકીકત એ છે કે આજકાલ જેઓ ખરેખર પીડિત છે તેઓ કાયદાની મદદ લેતા નથી. ઊલટું લોકો કોઈને ફસાવવા માટે કે પૈસા પડાવવા માટે આ કાયદાઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેમ કે સ્ત્રીઓના રક્ષણ માટે જે કાયદાઓ છે એ નૉન-બેલેબલ ઑફેન્સ છે એટલે કે એના જામીન કોર્ટમાં જઈને જ થઈ શકે. વળી એ નૉન-કમ્પાઉન્ડેબલ ઑફેન્સ પણ છે. એટલે કે ફરિયાદીએ એક વખત ફરિયાદ કરી એના બે દિવસ પછી તેને થાય કે તે ફરિયાદ પાછી ખેંચી લે તો એ નથી થઈ શકતું. તે પોતે એ ફરિયાદ પાછી નથી લઈ શકતી. કેસ બંધ કરવા માટે તેણે હાઈ કોર્ટની પરવાનગી લેવી પડે છે. આવી પરિસ્થિતિમાં પુરુષ ખાસ્સો ટૉર્ચર થઈ ચૂક્યો હોય છે. એ પછી આવે છે આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ. આજની તારીખે કેસ કરવાનું મુખ્ય કારણ આ સેટલમેન્ટ હોય છે. એના દ્વારા પૈસા પડાવી લેવાની અપેક્ષાએ જ આ પ્રકારના કેસ વધી રહ્યા છે. આમાં ઘણા નિર્દોષ પુરુષો ફસાઈ રહ્યા છે.’ 
આ બાબતે એક મહત્ત્વની વાત કરતા અમિત દેશપાંડે કહે છે, ‘જો આ કાયદો આવ્યો તો લગ્નસંસ્થામાં ભંગાણ પડશે એ જુદું, પણ આ પ્રકારનો દુરુપયોગ વધશે. હકીકતે કાયદામાં એક બાબત અતિ મહત્ત્વની છે. જો ૧૦૦ ગુનેગાર છૂટી જાય તો માફ, પરંતુ એક નિર્દોષને જો સજા થઈ તો એનાથી ભૂંડું કશું નથી. કાયદો બનાવતી વખતે એનું ધ્યાન રાખવું જરૂરી છે કે પીડિતને ન્યાય તો મળે જ, પરંતુ નિર્દોષ કોઈ રીતે હેરાન ન થાય.’

સાબિત કઈ રીતે કરશો? 
બળાત્કારના કેસમાં સ્ત્રી જ્યારે કહે છે કે ફલાણી વ્યક્તિએ તેની સાથે આ અત્યાચાર કર્યો છે ત્યારે એને સાબિત કરવા માટે કોઈ ને કોઈ સાબિતી મળી રહેતી હોય છે. કોઈ સાક્ષી કે સ્ત્રીનું ફિઝિકલ એક્ઝામિનેશન, લૉજિકલ દલીલો કે તેની દેખીતી તકલીફો દ્વારા એ સાબિત કરી શકાય છે કે સ્ત્રીનો બળાત્કાર થયો છે. કોણે કર્યો છે એના માટે પણ ખાસ મેડિકલ ટેસ્ટ હોય છે એમ સમજાવતાં બૉમ્બે હાઈ કોર્ટનાં ઍડ્વોકેટ અને ઍક્ટિવિસ્ટ આભા સિંહ કહે છે, ‘બળાત્કાર હજી પણ સાબિત કરી શકાય છે, પરંતુ વૈવાહિક બળાત્કારમાં જ્યાં સુધી હિંસાનો સમાવેશ ન થાય ત્યાં સુધી એને સાબિત કરવો અઘરું છે. પછી તો એક જ વિકલ્પ બચે છે કે જો સ્ત્રી કહે કે તેના પર બળાત્કાર થયો છે તો માની લેવું કે થયો છે. એને સાબિત કરવા માટે ખાસ પુરાવા મળવા અઘરા છે. બેડરૂમની ચાર દીવાલની અંદર થયેલા આ ક્રાઇમને કઈ રીતે સાબિત કરવો એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે પતિને લગ્નવ્યવસ્થા અમુક નિશ્ચિત હક આપે છે. એના કૉન્જુગલ રાઇટ્સ મુજબ જો પત્ની તેનાથી દૂર રહે તો પણ તે ફૅમિલી કોર્ટનો ઑર્ડર લઈને પત્નીને પોતાની સાથે રહેવાની ફરજ પાડી શકે છે. લગ્નનો અર્થ જ સહવાસ છે. આ પરિસ્થિતિમાં સેક્સ માટેની મરજી કે નહીં મરજીને સાબિત કરવી અઘરી છે. માન્યું કે વૈવાહિક બળાત્કાર એક સત્ય છે, પરંતુ દરેક સત્ય સરળતાથી સાબિત નથી થઈ શકતું એ પણ સમજવું પડે છે.’ 
પ્રશ્નો અને તર્ક 
લગ્નમાં થતા બળાત્કાર અને બાકી થતા બળાત્કારમાં સ્ત્રીની પરિસ્થિતિ ઘણી જુદી છે એ સમજાવતાં આભા સિંહ કહે છે, ‘બાકી કેસમાં સ્ત્રી તેના પર થતા બળાત્કારને રોકી નથી શકતી, ભાગી નથી શકતી, પોતાનું રક્ષણ નથી કરી શકતી. ઘરની ચાર દીવાલોમાં અને એ પણ બેડરૂમમાં થતી પરિસ્થિતિઓને તે ચોક્કસ ટાળી શકે છે. જો એક વખત એવો કોઈ બનાવ બની પણ જાય તો ઘર છોડીને જતાં તેને કોણ રોકે છે? રૂમની બહાર નીકળી જવું કે ઘરના 
લોકોની આ બાબતે મદદ લેવી કે પછી પોતાને કોઈ ને કોઈ રીતે બચાવવી સ્ત્રી માટે શક્ય છે. કાયદો પણ તેને ઘણું રક્ષણ આપે છે. એક વકીલ તરીકે હું ચોક્કસ કહીશ કે આ દેશના કાયદાઓ સ્ત્રીને પૂરતું રક્ષણ આપવા સમર્થ છે. સ્ત્રીલક્ષી ઘણા કાયદાઓ છે. વધુ એક કાયદો લાવીને આપણે કૉમ્પ્લિકેશન્સ ઊભાં ન કરવાં જોઈએ. લગ્ન જેવી સુંદર સંસ્થાને આપણે ક્રાઇમના ત્રાજવે લટકાવીને આ પ્રકારે કોર્ટરૂમમાં ઘસડી લાવીએ એ ઠીક નથી. આની સેન્સિટિવિટી સમજો તો જે તમારાં બાળકોનો બાપ છે તેને તમે દુનિયાની સામે રેપિસ્ટ જણાવો એ કેટલે અંશે સ્વીકાર્ય કહી શકાય? જો ખરેખર આવું થયું છે તો એનો ન્યાય ઘરેલુ હિંસાના કાયદામાં તમને મળી જ શકે છે. કાયદો ન્યાય માટે છે, સમાજવ્યવસ્થા સુધારવા માટે છે; નહીં કે એને 
બગાડવા માટે.’

 ડૉ. વિભૂતિ પટેલ

લગ્નમાં ભલે સેક્સ જોડાયેલું હોય, છતાં વ્યક્તિની મરજીનું પોતાનું મહત્ત્વ છે. પિતૃસત્તાક માનસિકતાને કારણે સ્ત્રીની મરજીનું મહત્ત્વ ભણતર કે લગ્ન જેવી બાબતોમાં પણ પૂછવામાં આવતું નથી ત્યારે સેક્સ જેવી બાબતમાં તેની મરજીના મહત્ત્વની માગણી ભલે ગમે એેટલી વાજબી હોય, પણ સંતોષાતાં વાર લાગશે

ફાયદો થાય ખરો? 
જો વૈવાહિક બળાત્કાર ફોજદારી ગુનો બની જાય તો શું જે સ્ત્રીઓ ખરેખર પીડિત છે તેમને ફાયદો થાય ખરો? આ પ્રશ્નનો જવાબ આપતાં ઍડ્વોકેટ એન્ડ્રી ડિમેલો કહે છે, ‘હજી બે દિવસ પહેલાં જ અમારી પાસે એક પીડિતા આવી હતી. તેને જે ઢોરમાર મારવામાં આવ્યો હતો એ જોઈને કોઈને પણ અરેરાટી થઈ પડે. તેના પતિની ડિમાન્ડ સાંભળીને કોઈ પણ વ્યક્તિને લાગે કે આ પુરુષ કે જાનવર? આટલું થઈ ગયા પછી પણ તે સ્ત્રી અમને કહે છે કે તેના પતિને બોલાવીને અમે સમજાવીએ અને તેનું સમાધાન કરાવી આપીએ, કારણ કે તે તેના પતિને છોડવા નથી માગતી. કેટલી પીડાની વાત છે કે આપણા દેશમાં સ્ત્રીઓને સમાજમાં એકલા રહેવું કે આત્મનિર્ભર બનવું એ ઢોરમાર ખાવા કરતાં પણ અઘરું 
લાગે છે. તે તેના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા નથી માગતી. આવી કેટલીયે સ્ત્રીઓ જોડે અમે કામ કરીએ છીએ અને અમારો અનુભવ કહે છે કે ભારતમાં સ્ત્રીઓ પોતાના 
પતિ વિરુદ્ધ લીગલ ફરિયાદ કરે એ કોઈ સહજ ઘટના નથી. હવે વિચારો કે ઘરેલુ હિંસા માટે પણ જો તે ફરિયાદ કરવા તૈયાર ન હોય તો વૈવાહિક બળાત્કાર માટે તો શું તે પોતાનો અવાજ ઉપાડે? આમ કાયદો બની પણ જાય તો પણ જે ખરેખર પીડિત છે એને ફાયદો થવાનો નથી, કારણ કે મોટા ભાગની સ્ત્રીઓ પોતાના અન્યાય સામે લડવા માટે હજી તૈયાર નથી.’ 
એ વાતને સમર્થન આપતાં સંજીદા અરોરા કહે છે, ‘અમે જે સ્ત્રીઓ સાથે કામ કરીએ છીએ તેઓ પોતાની શારીરિક હિંસા કે આર્થિક તકલીફો વિશે વાત કરતી હોય છે, પરંતુ જો તેમને જાતીય સતામણી વિશે પૂછીએ તો આ બાબતે વાત કરતાં ખચકાટ અનુભવે છે. કાઉન્સેલિંગમાં જ્યારે અમે 
ખૂબ પૂછીએ ત્યારે ખબર પડે છે કે તેમની સાથે શું-શું થઈ રહ્યું છે. જ્યારે અમે કહીએ કે તમે એને રોકવાનો પ્રયત્ન કેમ ન કર્યો? ત્યારે તેઓ કહે છે કે 
પતિનો આ બાબતે પૂરો હક છે એટલે અમને ગમે કે ન ગમે અમે તેને રોકી ન શકીએ. તમે વિચારો કે આ 
પરિસ્થિતિમાં કાનૂન આવી પણ જશે તો કઈ રીતે એનો ઉપયોગ થશે એ ન કહી શકાય.’ 

દુરુપયોગ 
આપણે ત્યાં કાયદાઓ બને છે પીડિત લોકોને ન્યાય અપાવવા, પરંતુ એનો ઉપોયગ ઓછો અને દુરુપયોગ વધુ થાય છે. એ વિશે આંકડાકીય માહિતી આપતાં અમિત દેશપાંડે કહે છે, ‘નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના ૨૦૨૧ના આંકડા તપાસીએ તો પતિ કે તેના ઘરના લોકો દ્વારા આચરવામાં આવતી હિંસા માટે જે પણ કેસ ફાઇલ થયા હતા એમાંથી ફક્ત ને ફક્ત ૧૭.૨ ટકા કેસ પુરવાર થઈ શક્યા અને અપરાધીને સજા થઈ. બાકીના ૮૩ ટકા કેસ એક્વેન્ટન્સમાં ગયા એટલે કે કાં તો એ જુઠ્ઠા કેસ હતા, આરોપીનો દોષ પુરવાર ન થઈ શક્યો એટલે તે છૂટી ગયો અથવા આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ થઈ ગયું. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં કાયદાઓ તો છે પીડિત સ્ત્રીને ન્યાય અપાવવા માટે, પરંતુ સ્ત્રીઓ એનો દુરુપયોગ કરતી થઈ ગઈ છે.’
બધા ઉકેલ કોર્ટ પાસે ન મગાય

સંજિદા અરોરા અને  ઍન્ડ્રી ડિમેલો

સમાજના દરેક પ્રશ્નનો ઉપાય કોર્ટ પાસે માગવો જોઈએ નહીં એમ સમજાવતાં આભા સિંહ કહે છે, ‘સમાજમાં સ્ત્રીને રક્ષણ આપવા કાયદો હોય એ બરાબર, પણ સ્ત્રીને માન તો સમાજે જ આપવું પડશે. તેની ઇચ્છા અને અનિચ્છાની પરવા સમાજે કરવી પડશે. સમાજ કરતાં પણ પહેલાં સ્ત્રીએ ખુદ કરવી પડશે. પછી સમાજ પર અપેક્ષા મૂકી શકાય. દીકરાઓનો યોગ્ય ઉછેર દરેક માએ કરવો પડશે, કારણ કે જ્યારે તે મોટો થઈને પુરુષ બનશે ત્યારે લગ્નજીવન હોય કે સામાજિક જીવન; પણ સ્ત્રીની ઇચ્છાની, તેની પરવાનગીની કદર તેને રહે. આ સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ છે, જેના ઉપાયરૂપે કોર્ટરૂમમાં દોડતા જવું યોગ્ય નથી. સ્ત્રીને પુરુષ વિરુદ્ધ અને પુરુષને સ્ત્રી વિરુદ્ધ ઊભા કરતા રહીશું તો આ પ્રશ્નો આમ જ ચાલતા જશે, ઉપાયો આમ જ હાથથી સરતા જશે. ન્યાય સામાજિક ઉત્થાનનું મૂળ છે, પણ એ ન્યાય કોર્ટરૂમ પૂરતો સીમિત ન હોઈ શકે. એ ઘણો વ્યાપક છે. એેના માટે સમગ્ર સમાજે પ્રયત્ન કરવો પડશે, જેના થકી વૈવાહિક બળાત્કાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય.’

columnists supreme court Jigisha Jain sunday mid-day