midday

આકાશને આંબવાનું સપનું આખરે પૂરું કરશે આ ગુજરાતી ગર્લ

12 March, 2025 02:59 PM IST  |  Mumbai | Ruchita Shah

કૅનેડાની પહેલી મહિલા કમર્શિયલ ઍસ્ટ્રોનૉટ બનેલી શૉના પંડ્યાના પેરન્ટ્સ એક સમયે કાંદિવલીમાં રહેતાં
શૉના પંડ્યા

શૉના પંડ્યા

આવતા વર્ષે અન્ય મહિલા અવકાશયાત્રીઓ સાથે સ્પેસ મિશન પર જઈ રહેલી શૉના પંડ્યાની જર્નીમાં તમને પૅશન દેખાશે, હિંમત દેખાશે અને પારાવાર મહેનત દેખાશે. બે સૂટકેસ સાથે ૧૯૮૦માં મુંબઈથી કૅનેડા શિફ્ટ થવાનું સાહસ ખેડનારા તેના પેરન્ટ્સને શૉના પોતાના સૌથી મોટા પ્રેરણાસ્રોત માને છે

‘મારાં મમ્મીના હાથનાં શાક-રોટલી અને જલેબી મારાં ફેવરિટ છે. સ્પેસ મિશન પર ઍટ લીસ્ટ જલેબી તો લઈ જ જઈશ.’

ગુજરાતી હોવાના નાતે સ્વાદિષ્ટ ભોજનનો ચસકો શૉના પંડ્યાને ગળથૂથીમાં મળ્યો છે. ૧૯૮૪માં કૅનેડામાં જન્મેલી અને કૅનેડામાં જ ઊછરેલી આ ગુજરાતી ગર્લમાં ગુજરાતીપણું અકબંધ રહ્યું છે. એટલે સુધી કે શૉના કૅનેડાના જે વિસ્તારમાં રહેતી ત્યાંના આલ્બર્ટા ગુજરાતી અસોસિએશનની તે મૉડરેટર રહી ચૂકી છે. બાળપણથી જ ઍસ્ટ્રોનૉટ બનવાનું સપનું જોનાર અને એના માટે દિવસ-રાત મહેનત કરનારી આ યુવતીએ આખરે પોતાનું સપનું સાચું કરી દેખાડ્યું અને તાજેતરમાં જ તેને કૅનેડાની ફર્સ્ટ કમર્શિયલ ઍસ્ટ્રોનૉટની પદવી પણ મળી ગઈ. ૨૦૨૬માં તે અન્ય મહિલા ઍસ્ટ્રોનૉટ સાથે સ્પેસ મિશન પર જશે અને સ્પેસ મેડિસિન્સ પર રિસર્ચ કરશે. સંઘર્ષ અને મહેનતની સાથે સંસ્કારોનું પણ જતન કરનારી નિષ્ઠાવાન શૉનાની લાઇફની મજેદાર જર્ની વિશે વાત કરીએ.

પેરન્ટ્સની દેન

૧૯૭૯માં લગ્ન પછી શૉનાનાં મમ્મી ઇન્દિરા સતીશ પંડ્યા મહાલક્ષ્મીથી પોતાના સાસરે કાંદિવલી શિફ્ટ થયાં. એ સમયની વાતો કરતાં તેઓ કહે છે, ‘મારા હસબન્ડ એ સમયે ફિઝિયોથેરપિસ્ટ તરીકે કુવૈતમાં પ્રૅક્ટિસ કરતા અને મુંબઈ-કુવૈત વચ્ચે આવજા કરતા. એ દરમ્યાન ૧૯૮૦માં અમે નિર્ણય લીધો અને અહીંથી કૅનેડા શિફ્ટ થયાં. માત્ર બે સૂટકેસ ભરીને સામાન સાથે કોઈ પણ જાતની ઓળખાણ-પિછાણ વિના ત્યાં ગયાં ત્યારે ખૂબ સંઘર્ષ કર્યો છે. ભાષા ન સમજાય, પોતાનું કહી શકાય એવું કોઈ નહીં, ભયંકર એકલતા અને એની વચ્ચે ત્યાંના માઇનસ ૪૫ ડિગ્રી જેવા તાપમાન વચ્ચે પંદર-સોળ કલાક કામ કરતાં અને બાળકોને મોટાં કર્યાં. અમારો આ સંઘર્ષ શૉના અને મારા દીકરા નીલે જોયો છે. અમે બન્ને બાળકોને બધી જ સ્વતંત્રતા આપીને પોતાના પૅશનને ફૉલો કરવાની બધી જ મોકળાશ આપી હતી. સાથે જ આપણી ભારતીય પરંપરાનો પરિચય પણ કેળવાયેલો રહે એનું ધ્યાન આપ્યું. મને આજેય યાદ છે કે નાનપણમાં બન્ને સંતાનો રવિવારે મંદિરમાં જઈને બે-બે કલાક સુધી પંડિતજી પાસે બેસે અને કથા સાંભળે. સંસ્કૃતના શ્લોક શીખે. લગભગ દરેક ફેસ્ટિવલ સાથે સેલિબ્રેટ કરીએ. જોકે નાનપણથી શૉનાનું ધ્યેય ઍસ્ટ્રોનૉટ બનવાનું હતું અને જ્યારે પહેલી વાર તેને ઝીરો ગ્રેવિટીની ટ્રેઇનિંગમાં ઍસ્ટ્રોનૉટના સૂટમાં જોઈ ત્યારે મારી આંખો ભરાઈ ગઈ હતી. તેણે ખૂબ મહેનત કરી છે.’

મમ્મી ઇન્દિરા અને પપ્પા  સતીશ પંડ્યા સાથે શૉના.

વિચાર કેવી રીતે આવ્યો?

શૉના પંડ્યાની ઍસ્ટ્રોનૉટ બનવાની જર્ની પણ ઇન્ટરેસ્ટિંગ રહી છે. પોતાના બાળપણના સપનાની વાત કરતાં તે કહે છે, ‘બહુ જ નાની હતી ત્યારે ન્યુઝમાં કૅનેડાની પહેલી મહિલા અવકાશયાત્રી ડૉ. રૉબર્ટા બોન્ડર વિશે વાંચ્યું અને ટીવીમાં તેમના વિશે જોયું ત્યારથી જ મગજમાં સેટ હતું કે હું પણ આ જ કરીશ. સ્પેસમાં રહેવાનું, સ્પેસમાં કામ કરવાનું એ બધું જ મારા માટે ફૅસિનેટિંગ હતું. મેં તેમની લાઇફ સ્ટડી કરી અને નક્કી કર્યું કે તેમણે જે કર્યું છે એ જ બધું હું ભણીશ.’

મહેનત, મહેનત અને મહેનત

નાનપણથી જ કૅમ્પિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ઘણીબધી લાઇફ સ્કિલ શીખી ચૂકેલી શૉનાએ ખુલ્લા આકાશ નીચે સૂતાં-સૂતાં તારાઓ જોયા છે અને ત્યારે જ એ તારાને સ્પર્શ કરવાનું નક્કી કરી લીધેલું. તે કહે છે, ‘મારું એ સપનું હવે પૂરું થવાની દિશામાં છે એને હું ખુશીમાં વર્ણવી શકું એમ નથી પરંતુ એના માટે ખૂબ મહેનત કરી છે. પોસ્ટ-ગ્રૅજ્યુએશનના અભ્યાસ માટે મેં મારા રોલમૉડલના રસ્તે ચાલીને જ ન્યુરોસાયન્સ પસંદ કર્યું ત્યારે પણ મારા માઇન્ડમાં એ ક્લિયર હતું કે મારું ધ્યેય તો સ્પેસ જ છે. એ સમયે મેં ઇન્ટરનૅશનલ સ્પેસ યુનિવર્સિટીમાં માસ્ટર્સ માટે અપ્લાય કર્યું અને ત્યારે જ મેડિકલ સ્કૂલમાં પણ અપ્લાય કર્યું અને લકીલી બન્ને જગ્યાએ મારી ઍપ્લિકેશન સ્વીકારાઈ ગઈ. નસીબ સારાં કે મારી મેડિકલ કૉલેજે ન્યુરોસાયન્સમાં માસ્ટર્સ માટે મારા ઍડ્મિશનને એક વર્ષ માટે પોસ્ટપોન કર્યું અને હું ફ્રાન્સ ગઈ. યુરોપિયન સ્પેસ એજન્સીના યુરોપિયન ઍસ્ટ્રોનૉટ સેન્ટરમાં ક્રૂ મેડિકલ સપોર્ટ ઑફિસમાં ઇન્ટર્નશિપ કરી અને ત્યાં જ મને સ્પેસ મેડિસિનનું નવું ફીલ્ડ મળ્યું. સ્પેસમાં જનારા ઍસ્ટ્રોનૉટની લાઇફ માટે જરૂરી એવી સ્પેસ મેડિસિનની નવી દુનિયા જ મને ઇન્ટરનૅશનન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍસ્ટ્રોનૉટિકલ સાયન્સ (IIAS)  તરફ દોરી ગઈ.’

અહીં ઉલ્લેખનીય છે કે હવે તો આ ઇન્સ્ટિટ્યૂટમાં જુદા-જુદા રોલ પર રિસર્ચર શૉના ખૂબ જ આગળ પડતો રોલ અદા કરી રહી છે અને મેડિકલ લીડ તરીકે અવકાશમાં જનારા અવકાશયાત્રીઓની હેલ્થ પર વૉચ રાખવાનું અને તેમને કન્લ્ટેશન આપવાનું કામ તે બખૂબી નિભાવી રહી છે. શૉના કહે છે, ‘લાઇફમાં અઢળક પડકારો આવ્યા છે અને સામાન્ય રીતે પડકારો સમય સાથે બદલાતા રહેતા હોય છે. બસ, એક જ બાબત છે જેના આધારે તમે ટકી રહો છો અને એ છે મહેનત, મહેનત અને માત્ર મહેનત. નાનપણમાં સપનું જોયું ત્યારે અહીં સુધી કેવી રીતે પહોંચીશ એ જ પડકાર હતો. હવે અહીં આવ્યા પછી સ્પેસશિપમાં બેસીને સ્પેસમાં જવાનું છે એ વાત પડકાર છે. જોકે અંતિમ રિઝલ્ટને બદલે જ્યારે તમે તમારા જીવનના નેક્સ્ટ સ્ટેપ પર ફોકસ કરો છો ત્યારે સંજોગો સામે લડવાની તમારી ક્ષમતા બેવડાઈ જાય છે. ન્યુરોસાયન્સ કરતી હતી એમાંથી સ્પેસ મેડિસિન લાઇફમાં આવ્યું અને સરસ રીતે હું મારી મૂળ મંઝિલ તરફ આગળ વધી રહી છું કારણ કે જીવનના દરેક ટાસ્કમાં પૂરેપૂરો જીવ રેડીને કામ કરું છું.’

ફેવરિટ છે ગુજરાતી ભોજન

નાનપણથી જ મમ્મીના હાથનાં શાક-રોટલી ખાઈને મોટી થયેલી શૉના જ્યારે ફ્રાન્સ ભણવા ગઈ ત્યારે સૌથી વધુ એ જ બાબત મિસ કરી હતી. શૉના કહે છે, ‘મારું કલ્ચર મારા દિલની નજીક છે. દાંડિયા, દિવાળી, મમ્મીના હાથનાં કોઈ પણ શાક અને રોટલી, જલેબી વગેરે બધું જ મારા માટે ખાસ છે. મેં મમ્મીની કૉપી કરવાની અને તેના જેવાં રોટલી-શાક બનાવવાની કોશિશ કરી પણ કમનસીબે એ મિશનમાં હું મમ્મીને ટક્કર નથી આપી શકી.’

જીવનનું લક્ષ્ય

મારી પાસે પાંચ ધ્યેયો છે જે મને દરરોજ સવારે જાગીને એનર્જી સાથે કામ કરવા માટે મોટિવેટ કરે છે એમ જણાવીને શૉના કહે છે, ‘મારે સ્પેસમાં જવાનું છે. સ્પેસ મેડિસિન પર એવું અને એટલું કામ કરવું છે કે આવનારી પેઢીના અનેક અવકાશયાત્રીઓને એનો લાભ મળે. સ્પેસ મેડિસિનમાંથી એવું ઘણું નવું શીખી છું જે અત્યારના લોકોની હેલ્થ કન્ડિશનને ટૅકલ કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે તો એ દિશામાં પણ કામ કરવું છે.’  

અચીવમેન્ટ અનલિમિટેડ
કૅનેડાની પહેલી મહિલા કમર્શિયલ ઍસ્ટ્રોનૉટ બનેલી  શૉના પંડ્યા ઇમર્જન્સી અને ઍરોમેડિકલ ટ્રાન્સપોર્ટ ફિઝિશ્યનની ડિગ્રી ધરાવે છે. સાથે તે ઍક્વાનૉટ, સ્કાયડાઇવર, પાઇલટ ઇન ટ્રેઇનિંગ, ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍસ્ટ્રોનૉટિકલ સાયન્સના સ્પેસ મેડિસિન ગ્રુપની ડિરેક્ટર, ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍસ્ટ્રોનૉટિકલ સાયન્સ ફ્લાઇટ ઑપોર્ચ્યુનિટીઝ પ્રોગ્રામની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્પેસ રિસર્ચ મેડિસિન એડવલાઇફમાં ચીફ ઑફ સ્પેસ મેડિસિન પણ છે. સ્પેસને લગતા વિષયો પર તેનાં રિસર્ચ પેપર પણ પબ્લિશ થઈ ચૂક્યાં છે. શૉનાની રોલમૉડલ કૅનેડિયન ઍસ્ટ્રોનૉટ ડૉ. રૉબર્ટા બોન્ડરની સાથે ઑન્ટેરિયો સાયન્સ સેન્ટરમાં તેના કામને ડિસ્પ્લેમાં મુકાયું છે. ૨૦૨૨માં ડૉ. શૉના પંડ્યાનું નામ એક્સપ્લોરર્સ ક્લબના ‘૫૦ એક્સપ્લોરર્સ ચેન્જિંગ ધ વર્લ્ડ’માં રાખવામાં આવ્યું હતું. ૨૦૨૪માં તેને મેડિસિન અને હેલ્થ કૅટેગરીમાં વિમેન્સ સ્પેસ અવૉર્ડ્સ દ્વારા સન્માનિત આવી હતી. આ સિવાય પણ ઢગલાબંધ અચીવમેન્ટ્સ આ યંગ લેડીના નામે બોલાય છે. 

gujarati community news gujaratis of mumbai canada nasa international space station mumbai columnists kandivli gujarati mid-day ruchita shah