ગુજરાતી છીએ ત્યારે વીતેલા વર્ષમાં શું કર્યું એનું સરવૈયું તો માંડવું જ રહ્યું

31 December, 2022 01:34 PM IST  |  Mumbai | Manoj Joshi

એક વાત યાદ રાખજો કે સફળતા કરતાં પણ વધારે મહત્ત્વનું જો કંઈ હોય તો એ છે પ્રયાસ. ભૂલતા નહીં, પ્રયાસ નહીં કર્યાનો અફસોસ નાસૂર કરતાં પણ વધારે વિકરાળ હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

૨૦૨૨નો અંતિમ દિવસ, અંતિમ ચોવીસ કલાક.

આમ તો આ વર્ષના અંત સમયે મહામારી ફરી જાગી છે અને એણે હેરાનગતિ ઊભી કરવાનું કામ તો કર્યું જ છે અને એ પછી પણ કહેવાનું મન થાય છે કે ઍટ લીસ્ટ આજના દિવસે, આજના અંતિમ કલાકોમાં તમે તમારા આ ૨૦૨૨ના વર્ષનાં લેખાંજોખાં જોવાનું ચૂકતા નહીં. ગુજરાતી છીએ, વેપાર લોહીમાં છે અને એ વેપારના દૃષ્ટિકોણથી જ વિચારવાનું છે કે આ વર્ષે તમે શું મેળવ્યું, શું પામ્યા અને હતા એના કરતાં કેટલા વધારે સક્ષમ થયા. સક્ષમતા ક્યારેય આર્થિક કે શારીરિક બાબતની જ નથી હોતી, જ્ઞાનની બાબતમાં પણ સક્ષમતા હોય અને માનસિકતાની બાબતમાં પણ સક્ષમતા હોવી જોઈએ. જો તમે સક્ષમતાને પામી શક્યા હો તો તમારું આ વર્ષ, ૨૦૨૨નું વર્ષ ક્યાંક ને ક્યાંક લેખે લાગ્યું છે, પણ ધારો કે તમે એ પણ ન કરી શક્યા હો તો તમારે નક્કી કરવાનું છે કે હવે તમે તમારામાં શું સુધારો કરશો અને એ જરૂરી પણ છે.

જીવવાનું કામ તો કાગડા-બકરા, કૂતરા-બળદ પણ કરે છે. એ પણ દરરોજ સવારે જાગે છે અને એ પણ દરરોજ પોતાનું પેટ ભરીને જીવનનિર્વાહ ચલાવે છે. જો તમે પણ એ જ કૅટેગરી મુજબ આગળ વધી રહ્યા હો તો સબૂર, જાગો હવે. સમય આવી ગયો છે જાગવાનો અને જાગીને જીવનમાં ફેરફાર લાવવાનો. બહુ અગત્યનું છે આ. આખી દુનિયાએ પૅન્ડેમિકનો ભરપૂર સદુપયોગ કર્યો. ખાવાનું બનાવવાનું શીખવાથી માંડીને પોતાના શોખ પૂરા કરવાનું કામ પણ અઢળક લોકોએ કર્યું અને એ જ કારણે હવે જ્યારે દુનિયા ભાગી રહી છે ત્યારે તેમને ભાગવાની બાબતમાં રસ રહ્યો નથી. ૨૦૨૨ની પહેલાં જે પૅન્ડેમિક આપણે જોયું એણે અનેક રીતે, અનેક પ્રકારે ઇરિટેટ કરવાનું કામ કર્યું, પણ સરવાળે આ વર્ષ સુખદાયી રહ્યું અને સુખદાયી રહેલા આ વર્ષનું સુખ અકબંધ રાખવા માટે આપણે આવતા વર્ષે પણ સહજ રીતે, સરળતા સાથે સાવચેત રહેવાનું છે, પણ મહત્ત્વનું એ છે કે આ સમયગાળામાં તમે શું કર્યું એ તમારી જાતને પૂછો એક વાર અને જવાબ મેળવો. જો જવાબ તમને સંતોષ આપવાનું કામ ન કરે તો તમારે સમજવાનું છે કે બહુ ખોટી રીતે આખું વર્ષ પસાર કરી નાખ્યું. ડિટ્ટો એવી જ રીતે, જેવી રીતે કૂતરા-કાગડા જીવી ગયા. ફરક એટલો હતો કે એ વર્ગમાં કોઈને ચાર પગ હતા તો કોઈને પૂંછડી હતી, કોઈને ચાંચ હતી તો કોઈને પાંખ હતી. તમારી પાસે એ કશું નહોતું, પણ તમારી પાસે જે હતું એનો અભાવ એ લોકોમાં હતો.

આળસ. આળસને આધારે જો વધુ એક વર્ષ પૂરું કરી લીધું હોય તો બહેતર છે કે આળસ ખંખેરી નાખો અને ખંખેર્યા પછી આવતી કાલે શરૂ થતા નવા વર્ષમાં નવી ઊર્જા સાથે કામે લાગો. કામે લાગો અને જીવનને વધુ બહેતર બનાવવાની દિશામાં કામ કરો. હું અઢળક એવા લોકોને ઓળખું છું જેણે સાઠ અને સિત્તેર વર્ષની ઉંમરે પણ પોતાના શોખ પૂરો કરવાના હેતુથી, ભાવથી નવું શીખવાનું શરૂ કર્યું હોય. કરો તમે પણ, પણ આમ બેસી રહેવાને બદલે જાતને બહેતર બનાવો. બહુ જરૂરી છે એ. એક વાત યાદ રાખજો કે સફળતા કરતાં પણ વધારે મહત્ત્વનું જો કંઈ હોય તો એ છે પ્રયાસ. ભૂલતા નહીં, પ્રયાસ નહીં કર્યાનો અફસોસ નાસૂર કરતાં પણ વધારે વિકરાળ હોય છે.

columnists manoj joshi