06 October, 2024 03:37 PM IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતીકાત્મક તસવીર
‘ઇન્ટ્રોવર્ટ છે’, ‘અતડો છે’, ‘કોઈની સાથે મિક્સ નથી થતો’ વગેરે ‘કૉમ્પ્લીમેન્ટ્સ’ હું બાળપણથી મેળવતો આવ્યો છું અને મળતાવડા ન થવા બદલ ભૂતકાળમાં મેં ઘણી વાર મારી જાતને દોષી માની છે. હું ઘણી વાર એ ગિલ્ટ અનુભવતો કે હું લોકો સાથે કેમ સરળતાથી જોડાઈ નથી શકતો? મારા મિત્રો બહુ મર્યાદિત છે, પણ તેમની સાથેની મિત્રતા ગાઢ છે. મિત્રતા અને મિત્રોના અતિરેકથી મને કાયમ ડર લાગ્યો છે, કારણ કે મૂળભૂત રીતે હું એકલવાયો જીવ છું.
ક્યારેય તમને આવું લાગ્યું છે? ‘ઇન્ટ્રોવર્ટ’ કે મિતભાષી હોવા બદલ ક્યારેય તમે જાતને દોષી માની છે? તો આપણા માટે એક સારા સમાચાર છે. જો અન્ય કોઈની હાજરીના અતિરેકથી તમે અન-કમ્ફર્ટેબલ થઈ જતા હો અથવા સામાજિક મેળાવડાથી દૂર ભાગતા હો તો એનો અર્થ એ છે કે તમારી અંદર રહેલો સર્જક તમને બોલાવી રહ્યો છે.
ઍક્ચ્યુઅલી વાત એમ બની કે મહાન કવિ રિલ્કેનું એક અદ્ભુત પુસ્તક હમણાં જ મારા ધ્યાનમાં આવ્યું. એ પુસ્તક છે ‘લેટર્સ ટુ અ યંગ પોએટ’. આ પુસ્તક એ તમામ પત્રોનો સંગ્રહ છે જે તેમણે ૧૯ વર્ષના એક નવોદિત કવિ ફ્રાન્ઝ કાપસને લખેલા. આ પત્રોમાં તેમણે સાહિત્યસર્જન અને જીવન વિશેની ગહન વાતો લખી છે. એકાંતને નવા દૃષ્ટિકોણથી જોવાની રિલ્કેની સમજણ અને સલાહ અત્યારની પેઢી માટે પણ એટલી જ મદદરૂપ છે. તેમણે લખ્યું છે કે ‘એકાંતમાં ચાલ્યા જાઓ અને જાતની અંદર ડૂબકી લગાવો. આ જ એ ઊંડાણ છે જ્યાંથી તમારી ઉન્નતિની શરૂઆત થશે. તમને પજવતા તમામ પ્રશ્નોના જવાબો માત્ર તમારા એકાંતવાસ દરમ્યાન જ મળશે.’
એ વાસ્તવિકતા છે કે જિંદગીની નદી ઓળંગવા માટેના પુલનું બાંધકામ એકલપંડે જ કરવું પડે છે. એ સાથી હોય કે સ્વજન, થોડો સમય કોઈ આપણી સાથે ચાલી શકે, પણ આપણે બદલે નહીં. નવોદિત કવિ અને શિષ્યને લખેલા એક અદ્ભુત પત્રમાં રિલ્કેએ લખ્યું છે કે ‘કોઈ તારી મદદે નહીં આવે. તું જ તારો તારણહાર છે. તું જ તારો શ્રેષ્ઠ કાઉન્સેલર છે. તારી જાતથી વધારે સારું આશ્વાસન બીજું કોઈ તને આપી ન શકે.’
આ પૃથ્વી પરનું સૌથી આરામદાયક સ્થળ આપણું મન છે, જો એની સાથે સુમેળ સાધવામાં આવે તો! મોટા ભાગના લોકો માટે એકાંતવાસ એટલે ભયાનક હોય છે, કારણ કે તેઓ જાતનો સામનો નથી કરી શકતા. એસી ઇલેક્ટ્રિક કરન્ટ અને મૅગ્નેટિક ફીલ્ડના શોધક ટેસ્લાએ કહેલું કે ‘એકલા રહો. નવી શોધ કરી શકવાનું એકમાત્ર રહસ્ય એકાંતવાસ છે. એકાંત જ એવી જગ્યા છે જ્યાંથી નવા વિચારો જન્મ લે છે.’
એ વિજ્ઞાન હોય કે સાહિત્ય, કલાજગત હોય કે અન્ય કોઈ ક્ષેત્ર, સર્જનાત્મકતાનાં મૂળ એકાંતમાં રહેલાં છે. જગતની સર્વશ્રેષ્ઠ કૃતિઓ કે યુક્તિઓ ત્યારે જ જન્મી છે જ્યારે જગતથી સંપૂર્ણ અળગી કરીને સર્જકે જાતને એકાંતના ગાઢ સમુદ્રમાં ડુબાડી દીધી હોય. એ કર્મના રસ્તે હોય કે જ્ઞાનના રસ્તે, યોગની પહેલી શરત જ એકલા રહેવાની છે. પરમાત્મા સાથે કનેક્ટ થવા માટે બીજાં તમામ પરિબળોથી ડિસકનેક્ટ થવું અનિવાર્ય હોય છે.
કન્સીવ કર્યા પછી એક સ્ત્રીને પણ પોતાનું એકાંત ગમવા માંડે છે, કારણ કે પોતાની અંદર ઊછરતા સર્જન સાથે તે વાતો કરી શકે છે. અન્ય કોઈની હાજરી સર્જક અને તેના સર્જન વચ્ચેના ક્વૉલિટી વાર્તાલાપમાં વિક્ષેપ પાડે છે. કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં માતા તરત જ તેના ગર્ભમાં રહેલા બાળક સાથે વાત કરવાનું બંધ કરી દે છે.
દરેક સર્જકની અંદર ઊછરતો ‘ક્રીએટિવ ગર્ભ’ શરમાળ હોય છે. એ ત્યારે જ બહાર આવે છે જ્યારે સર્જક એકાંતવાસમાં હોય. અન્ય કોઈની હાજરીમાં સર્જકનું ‘બ્રેઇન ચાઇલ્ડ’ બહાર આવતાં શરમાય છે અને અભિવ્યક્ત થતાં ડરે છે. એ ત્યારે જ અવતરણ પામે છે જ્યારે જગતનાં તમામ કોલાહલ અને પ્રલોભનોથી દૂર રહીને એકાંતપ્રિય સર્જક તેના આગમનની પ્રતીક્ષા કરતો હોય.
સર્જનશીલ ન હોય એવા લોકો માટે પણ એકાંત જરૂરી છે. ફ્રેન્ચ ફિલોસૉફર અને ગણિતશાસ્ત્રી બ્લેઇઝ પાસ્કલે કહેલું એક ચિરંજીવ અને યાદગાર સત્ય છે કે ‘મનુષ્યજાતિની તમામ તકલીફો એક બંધ ઓરડામાં શાંતિથી એકલા બેસી રહેવાની અસમર્થતાને કારણે છે.’
એકવીસમી સદીમાં આવનારા પ્રશ્નો વિશે અગાઉથી માહિતી હોય એમ રિલ્કે લખે છે કે ‘દરેક માટે એકાંત અસહ્ય અને કપરું હોય છે. માટે જ લોકો એનાથી દૂર ભાગે છે. પરંતુ એ જ સૌથી ફળદ્રુપ જગ્યા છે જ્યાંથી રચનાત્મક કાર્યનાં બીજ ઊગે છે.’ રિલ્કે જેને ‘Fertile solitude’ કહે છે એ એકાંતવાસ ફક્ત આપણી સર્જનાત્મકતા માટે જ નહીં, સ્વમાન અને આત્મવિશ્વાસ માટે પણ બહુ જરૂરી હોય છે.
કલાકો સુધી કોઈને ન મળો. જાત અને એકાંત સાથે એટલા કમ્ફર્ટેબલ થઈ જાઓ જેટલા તમે બાળપણમાં હતા. એ તબક્કે પહોંચ્યા પછી કોઈ તમને દુખી નહીં કરી શકે. આપણે એકલા જન્મીએ
છીએ અને એકલા જ મરીએ છીએ. એ વચ્ચેના સમયગાળામાં પ્રશંસા કે પ્રેમની દરકાર રાખ્યા વગર એકાંત માણતાં શીખી જઈએ તો એ મુક્તિનો સર્વોચ્ચ તબક્કો છે.