૯૪ વર્ષની ઉંમરે પણ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ

03 July, 2024 02:01 PM IST  |  Mumbai | Heena Patel

હિન્દી ફિલ્મોનાં ગીત ગાવાનો શોખ ધરાવતાં આ બા પાસેથી જાણીએ જીવનને મોજથી જીવવાનો તેમનો મંત્ર શું છે

માયા ઠક્કર

ઘાટકોપરનાં માયા ઠક્કરની શારીરિક સ્ફૂર્તિ અને ઉત્સાહ યુવાનોને શરમાવે એવાં છે. પાસ્તા-પીત્ઝા કે સૅન્ડવિચ પણ ટેસથી ખાય અને વૉટ્સઍપ અને ફેસબુક પર લોકો સાથે હાય-હેલો કરવામાં પણ પાછાં ન પડે. હિન્દી ફિલ્મોનાં ગીત ગાવાનો શોખ ધરાવતાં આ બા પાસેથી જાણીએ જીવનને મોજથી જીવવાનો તેમનો મંત્ર શું છે

જીવનના અનેક તડકા-છાયા વચ્ચે નવ દાયકા કાઢવા કંઈ નાની વાત નથી. આપણે આટલું લાંબું જીવીશું કે નહીં, ખબર નહીં. કદાચ જીવીએ તો પણ શરીર સાથ આપતું હશે કે નહીં, રામ જાણે. જીવન જીવવાનો રસ રહ્યો હશે કે કંટાળી ગયા હોઈશું, ખબર નહીં. આ બધાથી વિપરીત જીવન જીવી રહ્યાં છે ઘાટકોપરમાં રહેતાં માયા ઠક્કર, જેમની ઉંમર અત્યારે ૯૪ વર્ષ છે. આ ઉંમરે પણ તેમને નખમાં રોગ નથી, કોઈ પણ જાતના સહારા વગર હરીફરી શકે, ઘરનાં નાનાંમોટાં કામ કરી શકે, જે ખાવાનું મન થાય એ જાતે બનાવીને ખાઈ લે, પોતાનાં કપડાં તેમને જાતે જ ધોવા જોઈએ, સાડી પણ સરખી રીતે જ પહેરવા જોઈએ, સ્વચ્છતાનાં ભારે આગ્રહી, મોબાઇલ પણ ચલાવી જાણે, હિન્દી ફિલ્મોનાં ગીતો ગાવાનો શોખ, લગ્નપ્રસંગે હાજરી આપવાની હોય કે ફરવા જવાનું હોય; બધી જ જગ્યાએ મોખરે હોય. તેમનો મેમરી-પાવર ખૂબ સારો, ગણતરીમાં પણ એકદમ પાક્કાં છે. કુલ મળીને આ ઉંમરે પણ માયાબહેન શારીરિક અને માનસિક રીતે એકદમ ફિટ છે અને જીવનને મોજથી જીવી રહ્યાં છે.

ચોખ્ખાઈ અને હિસાબમાં પાકાં

માયાબહેન વિશે વાત કરતાં તેમનાં ૭૨ વર્ષનાં વહુ વસુબહેન કહે છે, ‘મારાં સાસુ એકદમ ઍક્ટિવ છે. તેઓ કોઈ પણ જાતના સપોર્ટ વગર હરીફરી શકે છે. આ ઉંમરે મને પગમાં દુખાવો રહે છે, પણ તેમને એવી કોઈ તકલીફ નથી. દરરોજ સવારે એકલાં મંદિરે જાય. સાંજે પણ એક કલાક માટે બહાર આંટો મારવા જાય. ઘરે યોગ અને કસરત કરે. તેમને ઘરમાં ચોખ્ખાઈ જોઈએ. થોડો પણ કચરો દેખાઈ જાય તો ઝાડુ લઈને સાફ કરવા બેસી જાય. ઘરની કોઈ વસ્તુ આડીઅવળી પડી હોય તો સરખી કરવા લાગી જાય. ચોખ્ખાઈનાં બહુ આગ્રહી છે. બેડશીટમાં થોડી પણ ઘડી વળેલી દેખાય તો સરખી કરવા લાગી જાય. તેમનાં કપડાં પણ તેઓ જાતે ધોવાનું જ પસંદ કરે. બીજાના હાથના ધોયેલાં તેમને ન ફાવે. તેમનાં સુકાયેલાં કપડાં પણ તેઓ જ ઘડી કરે. સાડી પણ પિન લગાવીને જ પહેરવા જોઈએ. તેમને જે ખાવાનું મન થાય એ જાતે બનાવીને ખાઈ લે. આપણે કિચનમાં જવાની ના પાડીએ તો પણ તે જઈને રહે. ઘર માટે લાડવા, મોહનથાળ, અથાણાં બનાવવાનાં હોય ત્યારે પણ માર્ગદર્શન આપતાં જાય ને બનાવવામાં પણ મદદ કરતાં જાય. મારાં સાસુ હિસાબ રાખવામાં પણ ખૂબ પાકાં છે. તેમના પર્સમાં કેટલા રૂપિયા પડ્યા છે એ તેમને ખબર હોય. બહાર જાય ત્યારે પણ ખૂબ કૅરફુલ રહે. કોઈ દિવસ એવું ન બને કે પર્સ ખોવાઈ જાય કે ચાવી ભૂલી જાય. ઘરની બધી બાબતોમાં તેઓ રસ લે. શૉપિંગ માટે ગયાં હોઈએ તો શું ખરીદી કરીને લાવ્યા છીએ એ તેમને જોવા જોઈએ. કોઈ એવી વાત હોય તો તેમને કહેવી પડે. નહીંતર તરત એમ કહે કે મને કોઈ કંઈ કહેતું જ નથી.’

બધું જ આવડવું જોઈએ

માયાબહેન મોજીલાં અને મૉડર્ન સ્વભાવનાં છે. કંઈ પણ નવું શીખવાનું હોય તો તેઓ પહેલાં તૈયાર થઈ જાય. સોશ્યલ મીડિયા પણ એમાંથી બાકાત નહીં. તેમનો પૌત્ર સાગર કહે છે, ‘મારાં દાદી પાસે ટચસ્ક્રીન મોબાઇલ છે. ફેસબુક, વૉટ્સઍપ બધું યુઝ કરતાં આવડે. યુટ્યુબ પર પણ વિડિયો જોતાં આવડે. તેમને હિન્દી ફિલ્મોનાં ગીતો ગાવાનો ખૂબ શોખ છે. તેમની સાથે તમે એક કલાક અંતાક્ષરી પણ રમી શકો. ‌તેમનો અવાજ પણ સરસ છે. મારાં દાદીને ખાવાનો પણ અતિશય શોખ છે. તમે તેમને મિષ્ટાન્ન, ફરસાણથી લઈને પાસ્તા, પીત્ઝા, મંચુરિયન જે પણ આપશો એ બધું ટ્રાય કરશે. અમે રેસ્ટોરાંમાં જઈએ ત્યારે પણ અમે જે મગાવીએ એ ખાય, કોઈ દિવસ એમ ન કહે કે મારે આ નથી ખાવું. બહુ નહીં તો ઍટ લીસ્ટ ટેસ્ટ કરવા પૂરતું તો ખાય જ. તેમની આદત છે કે તે કોઈ દિવસ વાસી ખાવાનું ન ખાય. સવારનું બનાવેલું પણ સાંજે ન ખાય. ફ્રેશ જ જોઈએ. મારી પત્નીએ કોઈ નવી ડિશ બનાવી હોય અને તેમને ભાવી હોય તો તરત એની રેસિપી પૂછી લે. હરવાફરવામાં પણ તેઓ પાછળ ન રહે. કચ્છ ગામે જવાનું થાય, ફરવા જવાનું થાય કે પછી કોઈ સંબંધીનાં લગ્નમાં જવાનું થાય; બધી જગ્યાએ અમારી સાથે રેડી થઈને આવે. કોઈ દિવસ એમ ન કહે કે મને કંટાળો આવે છે કે મારે નથી આવવું. તેમની મેમરી પણ બહુ શાર્પ છે. ફૅમિલીમાં કોનો બર્થ-ડે અને ઍનિવર્સરી ક્યારે આવે છે એ તેમને બરાબર યાદ હોય એટલે પાછાં કૉલ કરીને પણ વિશ કરે. તેમને બધા સાથે હળવા-મળવાનું પણ ખૂબ ગમે. અમારા ઘરે કોઈ મહેમાન આવે તો તેઓ રાજી થઈ જાય.’

સુખ-દુઃખથી પર

માયાબહેનનો જન્મ કરાચીમાં થયો હતો. દેશના ભાગલા થયા ત્યારે પછી તેઓ મુંબઈમાં શિફ્ટ થઈ ગયાં હતાં. માયાબહેનને પાંચ દીકરા અને એક દીકરી છે. એમાંથી અત્યારે એક દીકરો અને એક દીકરી હયાત છે. માયાબહેનને એક ભાઈ છે જે તેમનાથી ૨૫ વર્ષ નાના છે. માયાબહેનને ત્રણ સંતાનો થયાં એ પછી તેમના ભાઈનો જન્મ થયો હતો. બા અત્યારે તેમના સૌથી મોટા દીકરા અરુણના પરિવાર સાથે રહે છે. અરુણભાઈનું બે વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું છે. બા તેમનાં વહુ એટલે કે અરુણભાઈનાં પત્ની વસુબહેન, પૌત્ર સાગર, સાગરનાં પત્ની સ્નેહા, તેમનાં બાળકો પ્રેમ અને વિવાન તેમ જ દિવંગત પૌત્ર સચિનનાં પત્ની કાજલ અને તેમના દીકરા શિવમ સાથે રહે છે. બા વિશે જણાવતાં તેમનાં વહુ વસુબહેન કહે છે ‘મારા સાસુએ જીવનમાં સુખ અને દુખ બન્ને જોયાં છે. તેમના સૌથી મોટા દીકરા ૧૬ વર્ષના માંડ થયા હશે ત્યાં તેમના હસબન્ડ ગુજરી ગયા હતા. એ પછીથી તેમણે જાતમહેનત કરીને સંતાનોનો ઉછેર કર્યો છે. અત્યારે તેઓ સુખી છે. ઘણી વાર સંતાનોને યાદ કરીને દુખી થાય. એવું કહેતાં હોય કે મારા દીકરાઓ મને છોડીને જતા રહ્યા. જોકે તેમની સંભાળ રાખવા માટે અમે બધાં છીએ.’

columnists gujarati community news ghatkopar