ગેટવે ઑફ ઇન્ડિયા : જે દરવાજેથી અંગ્રેજો આવ્યા એ જ દરવાજેથી ગયા

30 November, 2024 01:19 PM IST  |  Mumbai | Deepak Mehta

બ્રિટનના પાંચમા કિંગ જ્યૉર્જ અને ક્વીન મૅરી ૧૯૧૧માં ડિસેમ્બરની બીજી તારીખે ભારત આવી રહ્યાં હતાં એના માનમાં આ ભવ્ય દરવાજો બનાવવાનો હતો, પણ તેઓ આવ્યાં ત્યારે પૂંઠાનો ગેટવે ઊભો કરીને આવકાર આપવામાં આવેલો

ગેટવે ઑફ ઇન્ડિયા

તારીખ: ગુરુવાર, ચોથી ડિસેમ્બર, ૧૯૨૪ 

આજે આખું મુંબઈ શહેર અરબી સમુદ્રની જેમ હિલ્લોળે ચડ્યું છે. વહેલી સવારથી શહેરમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. હિન્દુસ્તાનના વાઇસરૉય માર્ક્વેસ ઑફ રીડિંગની પધરામણી મુંબઈમાં થઈ ચૂકી છે. સાંજે જે ભવ્ય સમારંભ થવાનો છે એની તૈયારી પર ગવર્નર લેસ્લી વિલ્સન જાતે નજર રાખી રહ્યા છે કારણ કે આજનો સમારંભ માત્ર બૉમ્બે પ્રેસિડન્સી માટે જ નહીં, આખા હિન્દુસ્તાન માટે અનોખો છે. લાલ જાજમો પથરાઈ ગઈ છે. એના પર સોફા-ખુરસી ગોઠવાઈ ગયાં છે. સેંકડો પોલીસ તહેનાતમાં ખડા છે. લશ્કરનું બૅન્ડ કેટલાય દિવસોથી પ્રૅક્ટિસ કરતું હતું. આજે એ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. લોકોનાં ટોળેટોળાં રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યાં છે. અને એ બધાં એક જ દિશામાં જઈ રહ્યાં છે. પણ કેમ? કારણ કે આજે અહીં એક ભવ્ય ઇમારતનું ઉદ્ઘાટન થવાનું છે, વાઇસરૉય સાહેબને હાથે. પણ એ ઇમારત વિશે વાત કરતાં પહેલાં આપણે કાળની કેડીએ ભૂતકાળની સફર કરવી પડશે.   

લોકોનાં ટોળાં જે દિશામાં જઈ રહ્યાં હતાં એ દિશા તે કઈ? પાલવા બંદર, એટલે કે અપોલો બંદર. આજે હવે આ નામ ભુલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. જ્યાં આવાં વહાણો નાંગરતાં એ પાલવા બંદર. પણ અંગ્રેજોને આ ‘પાલ’ કે ‘પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં એટલે તેમણે એનું નામ કરી નાખ્યું અપોલો બંદર. એટલે કે હકીકતમાં અપોલો બંદરને ગ્રીકોરોમન દેવ અપોલો સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી.

ગેટવે ઑફ ઇન્ડિયાના સ્થપતિ જ્યૉર્જ વિટેટ.

જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે એના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલી ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કથીડ્રલ તરફ લઈ જાય એ ચર્ચગેટ અને અપોલો બંદર તરફ લઈ જાય એ અપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને અપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. પાલવા બંદરનું એક ત્રીજું નામ પણ છે, પણ એ ક્યારેય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર.

અપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહીં, દુનિયામાં જાણીતી છે પણ એ બન્ને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહીં તો અઢારમી સદી કરતાં જૂનું છે જ. આ બે ઇમારતમાંની પહેલી તાજ મહલ પૅલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. એનું ઉદ્ઘાટન ૧૯૦૩માં ડિસેમ્બરની ૧૬ તારીખે થયું હતું. ૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે ગાંધીજી અને કસ્તુરબા દક્ષિણ આફ્રિકાથી પાછાં આવ્યાં ત્યારે આ અપોલો બંદર પર જ સ્ટીમ લૉન્ચમાંથી ઊતર્યાં હતાં. ત્યારે તાજ મહલ હોટેલની ઇમારત ઊભી હતી, પણ બીજી ઇમારતનું અસ્તિત્વ જ નહોતું. આ બીજી ઇમારત એ ગેટવે ઑફ ઇન્ડિયા.

પૂંઠાના ગેટવે આગળ રાજા-રાણીનું સન્માન. 

હા જી. આ તાજ મહલ હોટેલ ગેટવે ઑફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧મા પાંચમા કિંગ જ્યૉર્જ અને ક્વીન મૅરી દિલ્હી દરબાર જવા માટે હિન્દુસ્તાન આવવાનાં હતાં અને દરિયાઈ માર્ગે આવીને મુંબઈના અપોલો બંદરે ઊતરવાનાં હતાં. તેમના માનમાં અને તેમની યાદગીરીમાં અપોલો બંદર પર એક ભવ્ય દરવાજો બાંધવાનું સરકારે નક્કી કર્યું પણ પથ્થર અને કૉન્ક્રીટનો દરવાજો કાંઈ રાતોરાત બંધાય? છતાં મુંબઈના ગવર્નર લૉર્ડ સિડનહૅમને હાથે ભૂમિપૂજન તો કરાવવામાં આવ્યું. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે રાજા-રાણી અપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઑફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. અને એની આગળ એક સ્ટેજ બાંધીને શાહી દંપતીનું સ્વાગત કરવામાં આવેલું.

રાજા-રાણી તો આવીને ગયાં પણ ખરાં. સરકારી તંત્ર શું આજનું કે શું એ વખતનું, ગોકળગાયની જેમ જ ચાલે. એટલે આ ગેટવે ઑફ ઇન્ડિયા બાંધવાની દરખાસ્તને મંજૂરી મળી છેક ૧૯૧૪માં. પણ આ દરવાજો બાંધી શકાય એટલી જમીન તો ત્યાં હતી નહીં એટલે દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું, પણ ૧૯૧૪માં જ પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. તાજ મહલ હોટેલનો સરકારે કબજો લઈ લીધો અને એનો ઉપયોગ લશ્કર માટે કર્યો. આવા સંજોગોમાં જમીન મેળવવાનું કામ છેક ૧૯૧૯માં પૂરું થયું.

ગેટવે ઑફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું પાલવા બંદર.

જનરલ પોસ્ટ ઑફિસનું મકાન, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમનું મકાન અને ગેટવે ઑફ ઇન્ડિયા – આ ત્રણે ઇમારતો બારીક નજરે જોતાં એમાં ક્યાંક ને ક્યાંક થોડું સરખાપણું લાગશે. કારણ? કારણ કે આ ત્રણે ઇમારતોની ડિઝાઇન એક જ સ્થપતિએ બનાવેલી. તેનું નામ જ્યૉર્જ વિટેટ. તેના પ્લાન પ્રમાણે બંધાયેલી ઇમારતોમાં પશ્ચિમની સ્થાપત્યશૈલી સાથે હિન્દુસ્તાની – જેમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને શૈલીનો સમાવેશ થાય છે – એનો સુમેળ જોવા મળે છે. ગેટવે ઑફ ઇન્ડિયાની ઊંચાઈ છે ૮૫ ફીટની અને એનો મુખ્ય ઘુમ્મટ ૫૦ ફીટ પહોળો છે. આખા ગેટનું બાંધકામ પીળા પથ્થર અને સિમેન્ટ-કૉન્ક્રીટ વડે થયું છે. ઘણી મુસ્લિમ ઇમારતોની જેમ અહીં બારીક કોતરણીવાળી જાળીઓનો ઉપયોગ થયો છે. મુખ્ય ઘુમ્મટની ચાર બાજુ ચાર નાના ઘુમ્મટ આવેલા છે.

ગેટવે બંધાતો હતો ત્યારે.

આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો પણ એ બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રાજમાર્ગ બાંધવાની યોજના હતી એ રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું. આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. એની આસપાસના દરિયાકિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રૉમેનાડ બંધાયો એ જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યૉર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું. ભલે રાજમાર્ગ ન બંધાયો, પણ એ પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને એની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬ તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું.

કહે છે ને કે

સમય સમય બલવાન હૈ,

નહીં પુરુષ બલવાન,

કાબે અર્જુન લૂંટિયો,

વહી  ધનુષ વહી બાણ

ગેટવે ઑફ ઇન્ડિયાની બાબતમાં પણ કૈંક આવું જ થયું. જેના સામ્રાજ્યમાં સૂરજ ક્યારેય આથમતો નથી એમ કહેવાતું એ બ્રિટિશ રાજ્યનો સૂરજ બીજા વિશ્વયુદ્ધ પછી આથમવા લાગ્યો. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું. ૧૯૪૮ના ફેબ્રુઆરીની ૨૮ તારીખ. ગેટવે ઑફ ઇન્ડિયા પર લશ્કરના બૅન્ડના સૂરો ફરી એક વાર રેલાયા. પણ બ્રિટિશ લશ્કરના બૅન્ડના નહીં, આઝાદ હિન્દુસ્તાનના લશ્કરના બૅન્ડના સૂરો. એ સૂરો વિદાય આપતા હતા અંગ્રેજ લશ્કરની છેલ્લી ટુકડી સમરસેટ લાઇટ ઇન્ફન્ટ્રીની પહેલી બટૅલ્યનને. આઝાદ ભારતના લશ્કરે વિદાયની ભેટ તરીકે એ ટુકડીને ગેટવે ઑફ ઇન્ડિયાની ચાંદીની બનેલી નાનકડી પ્રતિકૃતિ ભેટ આપી. એ સાંજે પૂંઠાની પ્રતિકૃતિથી શરૂ થયેલી ચાંદીની પ્રતિકૃતિ સુધીની ગેટવે ઑફ ઇન્ડિયાની સફર પૂરી થઈ. અને એ સાથે જ ભારતના આકાશમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો.  

gateway of india taj hotel mumbai columnists deepak mehta