માતાજીના ગરબામાં ગ્રેસ બહુ મહત્ત્વનો છે

12 May, 2024 01:25 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

એક વાત યાદ રાખવી કે ગરબા હંમેશાં માતાજીના જ હોય, જ્યારે રાસનું સર્જન કૃષ્ણ-ગોપીઓની રાસલીલામાંથી થયું છે

ગરબા

મધર્સ ડેના દિવસે આપણે વાત કરવી છે ગરબાની. કારણ કે ગરબા માતાજીની આરાધનાનું પ્રતીક છે, જ્યારે કૃષ્ણ અને ગોપીઓની જે રાસલીલા થતી એમાંથી રાસનું સર્જન થયું છે. ગરબા માતાજીનાં તમામ રૂપ દર્શાવે છે, પણ બહુ ઓછા ગરબા એવા છે જેમાં માતાજીનું આક્રમક કે રૌદ્ર રૂપ દર્શાવવામાં આવતું હોય. એવું રૂપ જે ગરબામાં આવતું હોય એ ગરબામાં ખેલૈયાના ચહેરા પર આક્રમકતા આવે કે રૌદ્ર રૂપ આવે એ સમજી શકાય, પણ બીજા જે ગરબા છે એ ગરબાઓમાં ગ્રેસ દેખાવો જોઈએ. ગ્રેસ ન દેખાય તો એ ગરબાને માતાજીનો ગરબો કહેવો અઘરો લાગે. જેમાં માતાજીનું સૌમ્ય રૂપ દર્શાવવામાં નથી આવ્યું એ ગરબામાં પણ ગ્રેસ તો અકબંધ જ હોવો જોઈએ એવું પણ અમે કહીશું.

અગાઉ એક વખત વાત કરી હતી કે આજકાલ ગરબામાં છોકરીઓ પણ છોકરાઓ જેવાં સ્ટેપ્સ કરતી થઈ ગઈ છે. એ સમયે પણ અમારું કહેવું એ જ હતું કે જે સૌમ્ય ભાવ માતાજીમાં છે એ જ સૌમ્ય ભાવ છોકરીઓએ દર્શાવવાનો હોય. છોકરો સૌમ્યતા સાથે વર્તે તો તમારી આંખોને એ જોવાનું ગમે? ન જ ગમે, તો એ જ વાત અહીં પણ લાગુ પડે કે છોકરીઓ છોકરાઓની જેમ કૂદકા મારતી હોય કે ગુલાંટ સાથેનાં સ્ટેપ્સ કરતી હોય, હવામાં છલાંગ મારતી હોય તો એ તેને શોભે નહીં. કારણ કે રમાતા ગરબામાં છોકરાઓ અને છોકરીઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. છોકરાઓ આક્રમકતાનું પ્રતીક બનીને રહે, એમાં જોમ અને જુસ્સો હોવો જોઈએ; જ્યારે છોકરીઓએ નજાકત અને લજ્જા સાથે પોતાનો ગ્રેસ જાળવીને ગરબા દરમ્યાન સાથ આપવાનો હોય.

ગરબામાં હવે આપણે ત્યાં છોકરા-છોકરીઓ હોય છે, પણ પહેલાં એવું નહોતું. પહેલાં માત્ર રાસમાં જ છોકરા-છોકરીઓ સાથે રમતાં અને માતાજીની આરાધના એવા ગરબાઓ છોકરીઓ જ લેતી, પણ પછી ધીમે-ધીમે ચેન્જ આવ્યો અને ગરબા પણ બધાં કરવા માંડ્યાં. અમે કહીશું કે આજે પણ તમે અંતરિયાળ ગામડાંઓમાં જોવા જાઓ તો તમને ત્યાં હજીયે ગરબા રમતી છોકરીઓ જ જોવા મળે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક એવાં ગામ છે જેમાં તો રીતસરની પ્રથા છે કે ગરબા છોકરીઓ સિવાય કોઈ રમે જ નહીં. કેટલીક જગ્યાએ તો અમે એવું પણ સાંભળ્યું છે કે જો છોકરાઓ ગરબા લે તો માતાજી નારાજ થાય. અમે એવું નથી માનતાં. માતાજીની આરાધના થતી હોય એમાં માતાજી ક્યારેય કોઈથી નારાજ ન થાય. હા, જો ધાર્મિક પ્રવૃત્તિ સાથે એ આરાધના કરવામાં આવતી હોય તો એના નીતિ-નિયમો પાળવા જોઈએ, પણ ધારો કે પ્રેમભાવથી જ આરાધના કરવામાં આવતી હોય તો એવા કોઈ નિયમો ન હોય. અલબત્ત, એ પણ એટલું જ સાચું છે કે તમે જ્યારે માતાજીનું સ્થાપન કરીને ગરબા કરો છો ત્યારે તમારે કેટલીક વાતોને સહજ રીતે સ્વીકારવી જોઈએ. જેમ કે ગરબા કરતી વખતે પગમાં ચંપલ ન પહેરો કે પછી તમારા કૉસ્ચ્યુમ અયોગ્ય ન હોય, પણ કહ્યું એમ, સ્થાપના કરીને જો ગરબા રમવામાં આવતા હોય તો.

એક સમયે જ્યારે અમે ગરબા ક્લાસિસ ચલાવતાં હતાં ત્યારે અમારે ત્યાં નિયમ હતો કે ચંપલ કે શૂઝ પહેરીને કોઈએ ગરબા રમવા નહીં. આજે પણ ધાર્મિક ગરબાની કોરિયોગ્રાફી અમારે કરવાની આવે તો અમે એ જ નિયમનું પાલન કરીએ. ઉઘાડા પગે ગરબા રમવાની મજા પણ જુદી જ છે. જમીનને પગ અડે અને બીજી જ સેકન્ડે તમારો પગ જમીનથી ફરી હવામાં આવે. ઘણા તો એવું પણ કહે છે જાણે ઍક્યુપ્રેશર મળતું હોય એવું લાગે પણ એવું લાગવા પાછળનું કારણ શ્રદ્ધા હોઈ શકે.

માતાજીની આરાધના સાથે થતા ગરબાઓમાં કચ્છના અમુક વિસ્તારોમાં તો નિયમ હોવાનું સાંભળ્યું છે કે ત્યાં ૧૩ વર્ષ સુધીની છોકરી જ માતાજીના ગરબા રમી શકે છે, એ પછી તેણે કરવા હોય તો એ રાસ કરી શકે પણ ગરબા નહીં. તમને જાણીને નવાઈ લાગશે પણ ઉત્તર પ્રદેશનાં અમુક ઇન્ટર્નલ ગામડાંઓમાં પણ આ જ પ્રકારનો નિયમ છે એવું સાંભળ્યું છે. ત્યાં આમ તો ગરબા રમવામાં આવતા નથી, પણ નવરાત્રિના દિવસોમાં ગરબા રમવામાં આવે છે અને એ ગરબામાં ૧૩ વર્ષથી નાની ઉંમરની છોકરીઓ જ ગરબામાં ભાગ લઈ શકે છે.

columnists gujarati mid-day Garba