07 September, 2024 11:00 AM IST | Mumbai | Bakulesh Trivedi
મંદિરના ગર્ભગૃહમાં પૂજારી જ પૂજા કરે. બાકી બહારથી જ દર્શન કરવાનાં. અંદર જવું હોય તો સ્વચ્છ બની પીતાંબર પહેરીને જ અંદર જઈ શકાય.
આઝાદીની લડત ચાલુ હતી ત્યારે લોકોને એક મંચ પર ભેગા કરી તેમની સાથે સંવાદ સાધવા અને તેમને એ લડતમાં સામેલ કરવા લોકમાન્ય તિલકે ૧૮૯૩માં પુણેમાં પહેલી વાર સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યું અને તેમના આહ્વાનને પગલે મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલી કેશવજી નાઈક ચાલમાં પણ ૧૮૯૩માં પહેલી વાર સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થયું. એવું નહોતું કે એ પહેલાં ગણેશોત્સવ નહોતો ઊજવાતો, લોકો એ પહેલાં પણ ઘરે ગણેશમૂર્તિઓની પધરામણી કરતા અને પૂજાઅર્ચના, આરતી, ભજનકીર્તન કરતા; પણ એને સાર્વજનિક રૂપ સૌપ્રથમ વાર લોકમાન્ય તિલકે આપ્યું. તેમણે ઘરમાં બિરાજતા બાપ્પાની પધરામણી સાર્વજનિક કરી. જોકે એ પછી અનેક વર્ષોનાં વહાણાં વહી ગયાં. આઝાદી પણ મળી અને જોરદાર પરવિર્તનનો પવન પણ ફૂંકાયો. જોકે એમ છતાં તેમણે જે પહેલા સાર્વજનિક ગણપતિની સ્થાપના કરી હતી એ કેશવજી નાઈક ચાલના રહેવાસીઓ આજે પણ એ જ પરંપરાને અનુસરે છે અને સામાજિક સદ્ભાવ, સહકાર અને સંસ્કારનું સિંચન આવતી પેઢીમાં કરી રહ્યા છે.
તળ મુંબઈના ગિરગામમાં આવેલી ખાડિલકર સ્ટ્રીટ જે લગ્નપત્રિકાનું હબ ગણાય છે એમાં આવેલી કેશવજી નાઈક ચાલ હજી પણ સૈકા પહેલાં જેવી હતી એવી જ છે. એમાં ખાસ કોઈ પરિવર્તન થયું નથી. હજી પણ મધ્યમવર્ગીય મરાઠી પરિવારો ત્યાં હળીમળીને રહે છે અને શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સંસ્થાના નેજા હેઠળ ગણેશોત્સવ ઊજવે છે.
ભક્તો અને મૂર્તિકારની ત્રીજી પેઢી
આટલાં વર્ષો બાદ સંસ્થા હવે કઈ રીતે ગણેશોત્સવ ઊજવે છે એ બાબતની માહિતી આપતાં સંસ્થાના સાગર રાનડે ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારી કેશવજી નાઈક ચાલમાં ૭ ચાલ છે અને ૧૪૦ જેટલી રૂમ છે એનો એક જ ગણેશોત્સવ ઊજવીએ છીએ. એક જ પ્રકારની બે જ ફીટની હાઇટ ધરાવતી મૂર્તિની સ્થાપના કરીએ છીએ. એમાં કોઈ જ પરિવર્તન નથી થયું. સ્વરૂપ પણ સેમ અને હાઇટ પણ સેમ, એમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ઈવન મૂર્તિકાર પણ એક જ છે. અમારી પણ ત્રીજી પેઢી છે અને મૂર્તિકારની પણ ત્રીજી પેઢી છે. થોડે દૂરની ધોબીવાડીમાંથી જ બાપ્પાની મૂર્તિ તૈયાર કરાય છે અને ગણપતિના પહેલા દિવસે જ એ લાવવામાં આવે છે. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે. બાપ્પાની મૂર્તિ પધરાવવા ગર્ભગૃહ જેવું મંદિર જ બનાવવામાં આવે છે. વળી એમાં કોઈ પણ મંદિરની પ્રતિકૃતિ જેવું ક્યારેય નથી હોતું પણ દર વર્ષે મંદિરમાં જ મૂર્તિની સ્થાપના થાય. અનંત ચતુર્દશીના દિવસે રાતે ૮ વાગ્યે પાલખીમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવે. અમે સીસમની પાલખી ખાસ ગણપતિ માટે જ બનાવડાવી છે અને એ પણ ૭૫ વર્ષ જૂની છે.’
આજની યુવા કમિટી અને ખૂબ જ સાદગીથી ગણેશોત્સવના પ્રારંભ વખતે થયેલું ભૂમિપૂજન
પહેલા વર્ષની જ પરંપરા સંસ્થાના અધ્યક્ષ મંગેશ પોકળે
‘મિડ-ડે’ને કહે છે, ‘મુખ્ય વાત એ કે અમે ગણેશોત્સવમાં હજી પણ પરંપરાને વળગી રહ્યા છીએ. ચાલીના જ છોકરાઓ, યુવાનો મોટાઓના માર્ગદર્શન હેઠળ આખો ગણેશોત્સવ ઊજવે છે. મંદિર ઊભું કરવું, મંડપ ઊભો કરવો, સ્ટેજ બાંધવું, લાઇટિંગ કરવું એ બધું જ ચાલીના છોકરાઓ જ કરે છે. મજાની વાત એ છે કે તેઓ એમાં જાતે ઇન્વૉલ્વ થાય છે. કોઈ કામચોરી નહીં કે કામ થતું હોય તો મોં છુપાવીને બહાર સરકી જાય એવું નહીં, ઊલટું સામેથી આવીને છોકરાઓ-યુવાનો પૂછે મારે શું કરવાનું છે. વળી એક-એક પૈસાનો હિસાબ પણ આપે. ખરું કહીએ તો ચાલસંસ્કૃતિ અહીં હજી ધબકે છે. સારી ભાવના સાથે એકબીજાને સહકાર પણ આપે છે અને આમ આ સંસ્કાર વર્ષોથી બાળકોમાં સીંચવામાં આવ્યા છે જે-તે પેઢી-દર-પેઢી સચવાતા આવ્યા છે. વળી એ બધા ભણતા હોય, અમુક નોકરી પણ કરતા હોય તો એ લોકો એ બધું સંભાળી રાતના સમયે કામ કરવા ટાઇમ ફાળવે, જ્યારે કેટલાક આઠ દિવસ રજા પણ લઈ લે છે. અમારે ત્યાં અનેક પ્રોગ્રામ થાય છે પણ એ બધા જ પ્રોગ્રામ ચાલીના રહેવાસીઓ જ બનાવે. સ્પર્ધા, કીર્તન અને સાંસ્કૃતિક પ્રોગામ થાય એમાં ચાલીનાં જ બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝન એમ બધાં ભાગ લેતાં હોય છે. દોઢ વર્ષના બાળકથી લઈને ૮૫ વર્ષનાં માજી પણ હોંશભેર ભાગ લેતાં હોય છે. કોઈ પણ પ્રોફેશનલને લઈને અહીં પ્રોગ્રામ નથી થતા.’
ગણેશોત્સવની ઉજવણીમાં એક દિવસ મહિલાઓનો હોય છે. એ દિવસે મહિલાઓ જ આરતી કરે અને તેમના પ્રોગ્રામ પણ એ જ અરેન્જ કરે અને મૅનેજ કરે. એક દિવસ યુવાનોનો હોય છે. બીજું, એક દિવસ સવારના છ વાગ્યાથી બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધી અખંડ જાપ હોય છે, જેમાં અલગ-અલગ ટીમ તેમના સમયે (સામાન્યપણે એક–એક કલાક) આવીને ગણપતિનો અખંડ જાપ કરે છે. એક દિવસ સહસ્રાવર્તનનો હોય છે, જેમાં એક હજાર ગણપતિના અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે છે. નાના-મોટા બધા જ એ પાઠ કરે. સ્પર્ધાઓ પણ પરંપરાગત પણ જેમાં વિવિધ ગુણ ખીલે. રંગોળી, વ્યાયામ, વક્તૃત્વ, વેશભૂષા અને સાથે જ મટકીફોડ અને સંગીત-ખુરશી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ બાળકોના ડાન્સ કે નાટક હોય, પણ એની કોરિયોગ્રાફી કે નાટક બેસાડવાનું કામ પણ સ્થાનિક ચાલીના કલાકારો જ કરતા હોય. ચાલીનાં જ બાળકો અને મોટાઓ એમાં ભાગ લેતાં હોય એમ અનેરા ઉત્સાહપૂર્વક આખી ઉજવણી થતી હોય છે. આગમન અને વિસર્જન બન્ને વખતે ચાલીના જ લોકોના ઢોલ-તાશા હોય અને લેજીમના તાલે બધા શિસ્તબદ્ધ રીતે સામેલ થતા હોય છે. મહિલાઓ પણ એમાં હોંશભેર ભાગ લેતી હોય છે. એવું છે કે બહારના અનેક ગણેશોત્સવ સામે અહીંનો ગણેશોત્સવ પરંપરાગત અને સહેજ સાદો લાગે, પણ એમાં ભાગ લેતા રહેવાસીઓ તેમના ઇન્વૉલ્વમેન્ટને કારણે એને દિલથી માણે છે.
દર વર્ષે અહીં ગણેશોત્સવ દરમ્યાન પેઇન્ટિંગ વર્કશૉપ અને ગણેશ નૃત્યનાટિકા જેવા બાળકોના કાર્યક્રમો થાય છે
કોઈ રાજકીય બૅનર નહીં
જે ઉદ્દેશ સાથે લોકમાન્ય તિલકે આ ગણેશોત્સવ ચાલુ કર્યો હતો એમાં આઝાદીની લડાઈને બાદ કરતાં બીજાં બધાં જ પાસાંઓને હજી પણ જાળવી રખાયાં છે. કમર્શિયલાઇઝેશન અહીં જરાય ઘૂસ્યું નથી. હા, છેલ્લાં થોડાંક વર્ષોથી અહીં ઍડ્વર્ટાઇઝમેન્ટનાં બૅનર્સ લાગે છે પણ એમાંય શાનાં બૅનર્સ લાગશે એની પણ સ્પષ્ટ પૉલિસી છે. કોઈ પણ રાજકીય પાર્ટીનાં બૅનર, બિલ્ડર, ગુટકા કે અન્ય વિવાદિત એવી કોઈ પણ વસ્તુનાં બૅનર અહીં લગાડવામાં આવતાં નથી.
આજે ચોમેર ઢિન્ચાક મ્યુઝિક અને તામઝામ વચ્ચે ગણેશોત્સવની શરૂઆતની ખરી મકસદને વિસારે પાડી દેવામાં આવી છે ત્યારે લગભગ ૧૩૨ વર્ષ જૂની આ નાનકડી પણ ઐતિહાસિક ચાલના પરંપરાગત ગણેશોત્સવની મુલાકાત એક વાર લેવા જેવી ખરી.