07 September, 2024 11:31 AM IST | Mumbai | Jigisha Jain
ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ
વિસર્જન બાદ સમુદ્રમાં કે નદીઓમાં તરતી રહેતી અને અડધી તૂટેલી ગણેશજીની પ્રતિમાઓ જોઈને કોઈ નાસ્તિક વ્યક્તિ પણ દુખી થઈ જાય. એના સૉલ્યુશનરૂપે મુંબઈમાં ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિ બનાવતા અને વેચતા કેટલાક ક્રીએટિવ કુદરતપ્રેમીઓ છે જેમણે ખંતપૂર્વક પર્યાવરણને બચાવવાના સારા હેતુસર ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું હતું અને આજે મુંબઈમાં જ નહીં, દેશ-વિદેશમાં તેમની મૂર્તિઓ જાય છે. મહત્ત્વની વાત એ છે કે અરબસાગરમાં હજારો PoPની મૂર્તિઓની ગેરહાજરીની ક્રેડિટ આ લોકોના લલાટે જાય છે.
ફક્ત મૂર્તિ જ નહીં, રંગો પણ નૅચરલ હોવા જોઈએ : હિના ચોકસી, પવિત્રમ ઑર્ગેનિક્સ
કાંદિવલીમાં રહેતાં હિના ચોકસી આજથી ૧૮ વર્ષ પહેલાં હાઉસવાઇફ હતાં જે પોતાના ઘર માટે ઑર્ગેનિક પ્રોડક્ટ લેવા નીકળ્યાં હતાં અને તેમને ખબર પડી કે ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની મૂર્તિઓ પણ બને છે. એક જાગરૂક નાગરિક તરીકે તેમને લાગ્યું કે તેમણે કંઈ કરવું જોઈએ. એક સમાજસેવી સંસ્થા દ્વારા બનાવેલી આ મૂર્તિઓ તેમણે ખરીદી અને ઘરે રાખી. પોતાની આજુબાજુના જેટલા પણ લોકોને તે જણાવી શકતાં હતાં તેમના દ્વારા તેમણે આ મૂર્તિઓ જ લેવી જોઈએ, પ્રકૃતિ માટે એ જરૂરી છે એવી વાતો વહેતી કરી. એ સમયને યાદ કરતાં હિનાબહેન કહે છે, ‘એ સમયે કોઈ ટાર્ગેટ નહોતો. લાગતું હતું કે પાંચ વ્યક્તિઓના વિચારો પણ આપણે બદલી શકીએ તો એ એટલો બદલાવ પણ મારા માટે મોટો હતો. અને એ જ વર્ષે ૧૧-૧૨ વ્યક્તિઓએ મારી પાસેથી શાડૂ માટીની મૂર્તિ ખરીદી. આ મારા માટે પથદર્શક સાબિત થયું અને મને નવો માર્ગ મળ્યો. આજની તારીખે ૫૦૦-૬૦૦ માટીની મૂર્તિઓ દર વર્ષે મારી પાસેથી લોકો લે છે.’
ઇકો-ફ્રેન્ડ્લી એટલે લોકો સમજે છે માટીની મૂર્તિ. PoPમાંથી બનેલી મૂર્તિને જ્યારે આપણે સમુદ્રમાં પધરાવીએ છીએ ત્યારે એ પાણીમાં ઓગળતી નથી અને પાણીને દૂષિત કરે છે જે જળચર સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે, પરંતુ માટીમાંથી બનેલી મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે. બજારમાં ઘણા લોકો છે જે માટીની મૂર્તિઓ બનાવે છે પરંતુ તેઓ ઉપરથી એને આકર્ષક દેખાય એ માટે કેમિકલયુક્ત પેઇન્ટ લગાવે છે. આ ઑઇલ પેઇન્ટ કોઈ પણ રીતે પ્રકૃતિ માટે યોગ્ય ગણાય નહીં એમ સ્પષ્ટ જણાવતાં હિનાબહેન કહે છે, ‘અમે માટીની મૂર્તિ પર હળદર અને ગેરુ રંગ જ લગાવીએ છીએ. એકદમ નૅચરલ રંગો મૂર્તિ પર લગાવવા સહેલા નથી. મહેનત લાગે, પણ કુદરત માટે અમે મહેનત કરવા તૈયાર છીએ. શરૂઆતમાં હું જે સમાજસેવી સંસ્થા પાસેથી મૂર્તિઓ લેતી હતી એ સંસ્થા બંધ થઈ ગઈ. ત્યારે મને થયું જે કામ આપણે શરૂ કર્યું છે એ બંધ કરવું યોગ્ય નથી. એટલે એ સમયે મૅન્યુફૅક્ચરિંગ કઈ રીતે થાય એ પણ શીખ્યું. માટીની મૂર્તિઓ બનાવનારા તો મળી ગયા હતા, પરંતુ કોઈ આ નૅચરલ રંગો કરવા તૈયાર નહોતા. ખાસ તો હળદર જ્યારે માટી પર લગાવીએ તો ૩-૪ વાર એને લગાવીએ ત્યારે એ પીળાશ વ્યવસ્થિત પકડે. કારીગરોએ પહેલાં તો સીધી ના જ પાડી. એ સમયે મેં જાતે મૂર્તિઓને કલર કર્યો હતો. એ સમયે જો નૅચરલ રંગોનો આ દુરાગ્રહ છોડી દીધો હોત તો કૉમ્પ્રોમાઇઝ હોત એ. ખુદ સાથે પણ અને કુદરત સાથે પણ.’
એક સમયે હિનાબહેનના નૅચરલ રંગો જ સારા એની સમજણ એટલી પ્રસરી કે લોકો લોકલ કારીગરો પાસે જઈને નૅચરલ રંગોવાળી મૂર્તિઓ માગવા લાગ્યા. એ વિશે વાત કરતાં હિનાબહેન કહે છે, ‘અમારી પાસે ઘણા કમર્શિયલ રીતે વેચતા કારીગર આવ્યા જેમણે કહ્યું કે અમને પણ આ નૅચરલ રંગ લગાડતાં શીખવો. મને લાગ્યું કે આ જ અમારી સાચી જીત છે. પહેલાં અમે ઘરેથી જ મૂર્તિઓ વેચતાં પણ ધીમે-ધીમે અમે કાંદિવલીમાં મથુરાદાસ રોડ પર અને લિન્ક રોડ પર પવિત્રમ ઑર્ગેનિક્સના નામે દુકાન ખોલી. આ સિવાય જ્યાં ઑર્ગેનિક પ્રોડક્ટ્સ વેચાતી હોય એ દુકાનો પર પણ અમે અમારી મૂર્તિઓનું એક નાનું કાઉન્ટર રાખીએ છીએ.’
ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ કુદરતને નુકસાન ન કરે એટલું જ પૂરતું નથી, કુદરતને લાભ આપે એ પણ જરૂરી : દત્તાત્રેય કોથુર, ટ્રી ગણેશ, વરલી
વિસર્જન પછી બીચની હાલત જોઈને જેમ દરેક સંવેદનશીલ વ્યક્તિ દ્રવી ઊઠે છે એ જ રીતે ૨૦૧૫માં ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં કમર્શિયલ આર્ટિસ્ટ તરીકે કામ કરતા દત્તાત્રેય કોથુરે વિચાર્યું કે આનો શું ઉપાય હોઈ શકે? એ દિવસને યાદ કરતાં દત્તાત્રેય કહે છે, ‘હું વિચારતો હતો કે લાખો લોકો ગણપતિ ઘરમાં સ્થાપિત કરે છે. આ લાખો મૂર્તિઓ જે રીતે કુદરતને દૂષિત કરે છે એનો કોઈ કાયમી ઉપાય વિચારવો જોઈએ. માટીની મૂર્તિનો પણ મને ઉપાય ન ગમ્યો કારણ કે શાડૂ માટીની મૂર્તિ જ્યારે આપણે ઘરે વિસર્જિત કરીએ ત્યારે એ માટી કૂંડામાં ન નખાય. એ ચીકણી માટી હોય છે. એ ઊલટું તમારા ઝાડને નુકસાન કરે. એટલે અમે વિચાર્યું કે શાડૂના બદલે લાલ માટીથી મૂર્તિ બનાવીએ, પણ મૂર્તિ માટે એકદમ લીસી માટી જોઈએ. એટલે અમે સાથે ખાતર અને જુદી માટી પણ આપીએ છીએ. અમારી માટીની મૂર્તિમાં જ તુલસી કે સૂરજમુખી કે ગલગોટાનાં બીજ હોય છે જેની સાથે અમે જે આપીએ એ ખાતર નાખીને કૂંડામાં વિસર્જન કરીએ તો ત્યાં ઝાડ ઊગે છે.’
ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ લેવા માટે કેટલી જાગૃતિ હજી લાવવી પડશે એ વિશે વાત કરતાં દત્તાત્રેય કહે છે, ‘અમે ૨૦૧૫માં કામ શરૂ કર્યું ત્યાર કરતાં અત્યારે જાગૃતિ ઘણી વધી છે. આટલાં વર્ષોમાં ૧૨-૧૩ હજાર મૂર્તિઓ અમે વેચી ચૂક્યા છીએ. જ્યારે પોતાના ભગવાન, જેમને આટલાં લાડથી આપણે ઘરે લાવીએ છીએ તેમની મૂર્તિ એક છોડનું કે ઝાડનું રૂપ લે છે એની સાથે ઘણી સંવેદનાઓ જોડાયેલી રહે છે. આ આઇડિયા લોકોને ગમે છે. ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ કુદરતને નુકસાન ન પહોંચાડે એટલું જ નહીં, કુદરતને લાભ પણ આપે એ ખરા અર્થમાં ઇકો-ફ્રેન્ડ્લી ગણી શકાય.’
પેપરમાંથી બનતા આ ગણેશ વચ્ચેથી પોલા હોવાથી હળવા હોય છે અને એટલે લોકપ્રિય થયા છે : રોહિત વાસતે, પેપર ગણેશ, ગોરેગામ
જેના ઘરમાં ગણપતિની મૂર્તિ વેચવાનું કામ છેલ્લાં ૫૦ વર્ષથી થતું હોય એવી વ્યક્તિ જ્યારે વિચારે કે મારે PoPની નહીં, ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવવી છે અને એ જ આપણે વેચીશું એ ખરો બદલાવ ગણી શકાય. ૨૦૧૫માં કૉસ્ચ્યુમ-ડિઝાઇનર અને પેઇન્ટર તરીકે કાર્યરત રોહિત વાસતેએ પોતે કાશ્મીરમાં એક જગ્યાએ પૅપ્યેમૅશેથી બનેલા ડેકોરેટિવ પીસ જોયા જેમાંથી તેમને લાગ્યું કે મૂર્તિ કેમ ન બનાવી શકાય? આ તો એક વિચાર હતો જેમાંથી એક યોગ્ય પ્રોડક્ટ બનાવવા માટે તેમણે બે વર્ષ કામ કર્યું. ૨૦૧૭માં તેમણે પેપરમાંથી ગણપતિની મૂર્તિ બનાવી. તો શું આ મૂર્તિઓ તેઓ ન્યુઝપેપરમાંથી બનાવે છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં રોહિત કહે છે, ‘ના, ન્યુઝપેપરની જે શાહી છે એ નદી-સમુદ્રના પાણી માટે ઘણી ખરાબ છે. એટલે ન્યુઝપેપરમાંથી નહીં, અમે ઇન્ડસ્ટ્રિયલ પેપરમાંથી બનાવીએ છીએ જેમાં કૅલ્શિયમ કાર્બોનેટ ભેળવીને એ બનાવવામાં આવે છે, જે ઘણું સેફ છે. સૌથી મહત્ત્વનું એ છે કે માટીમાંથી આપણે મોટી સાઇઝના ગણપતિ બનાવીએ તો એ ખૂબ ભારે થઈ જાય છે અને એને હૅન્ડલ કરવાનું ખૂબ અઘરું થઈ પડે છે. પરંતુ પેપરમાંથી અમે જે બનાવીએ છીએ એ ગણપતિ ખાસ્સી મોટી સાઇઝના હોવા છતાં લાઇટવેઇટ બને છે. બે ફીટની મૂર્તિ પણ ૩ કિલોની હોય છે જે નાનાં બાળકો પણ હૅન્ડલ કરી શકે. અત્યાર સુધીમાં અમે ૧૫ હજારથી વધુ મૂર્તિઓ વેચી છે. મહત્ત્વની વાત એ છે કે જ્યારે એનું વિસર્જન કરી દઈએ એ પછી પણ એના કાગળનો રીયુઝ શક્ય છે. મૂર્તિને સ્ટેબલ બનાવવા માટે વપરાતા કાગળ પાણીમાં એકદમ ઓગળતા નથી. વિસર્જિત થયા પછી એ કાગળને બહાર કાઢી, સૂકવી આપણે એને પસ્તીમાં આપી શકાય છે. ત્યાંથી એ રીયુઝ થઈ શકશે.’
મુલુંડનાં આ શિલ્પકારે માટીના ગણપતિ ઘડતાં શીખવીને સેંકડો વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝન્સને હોમમેડ ગણેશની સ્થાપના માટે પ્રેરણા આપી છે
૪૧ વર્ષે જીવનની સેકન્ડ ઇનિંગ્સમાં જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી સ્કલ્પ્ચર આર્ટ શીખવાનું શરૂ કરીને નવી જ કરીઅર પ્રસ્થાપિત કરનારાં મુલુંડનાં અનંતી વાળાએ શિલ્પકળામાં માહેર થયા પછી છેલ્લાં ચાર વર્ષથી ગણેશોત્સવ પહેલાં બાળકોને અને સિનિયર સિટિઝન્સને ફ્રીમાં વિઘ્નહર્તાની મૂર્તિ ઘડતાં શીખવવાની વર્કશૉપ શરૂ કરી છે. સ્કૂલોમાં પહેલાથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે અને મંડળો દ્વારા સિનિયર સિટિઝન્સને તેઓ ક્લેમાંથી મૂર્તિ ઘડતાં શીખવે છે. અનંતીબહેન કહે છે, ‘મોટા ભાગે ગણેશોત્સવ પહેલાં આવી વર્કશૉપ્સ થતી હોય છે. બાળકો કે વડીલોને કંઈક નવું શીખવા મળે એ તો ખરું જ, પણ આવી વર્કશૉપને કારણે અનેક લોકો પોતે જ બનાવેલી મૂર્તિની ઘરમાં સ્થાપના કરવા મોટિવેટ થાય છે. હું જે ક્લેમાંથી મૂર્તિ બનાવતાં શીખવું છું એમાં બાળકોને અને વડીલોને તેમની કલ્પનાને પાંખો મળે એવી રીતે શીખવું છું. ટૂથપિક, ખાલી રીફિલ કે પેન્સિલ અને ફુટપટ્ટી જેવી વણવપરાયેલી પડી રહેલી ચીજોને જ ટૂલ્સ તરીકે વાપરતાં શીખવું છું. શિલ્પકામ માટે મોંઘાં ટૂલ્સની કોઈ જરૂર નથી હોતી. ખાસ કરીને વડીલોને આવી પ્રવૃત્તિ શીખવવામાં આવે ત્યારે તેઓ બહુ ખુશ થાય છે. મારા ઘણા સ્ટુડન્ટ્સે આ વખતે પણ પોતાની જ બનાવેલી મૂર્તિ ઘરે સ્થાપિત કરી છે.’
આટલી જાગૃતિ પછી પણ લોકો કુદરતને બચાવવા કરતાં પૈસા બચાવે છે
ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટ આજે પણ મોંઘી જ ગણાય છે. PoPની મૂર્તિઓ ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ કરતાં સસ્તી આવે છે એટલે માર્કેટમાં એ વધુ વેચાય છે. ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ કુદરત માટે સારી છે, પ્રદૂષણ અટકાવે છે એ જાગૃતિ લોકોમાં છે જ; પરંતુ હજી પણ ઇકો-ફ્રેન્ડ્લી ઑપ્શન જોવાને બદલે લોકો PoPની મૂર્તિઓ જ વાપરે છે. એટલું ઓછું હોય એમ ઇકો-ફ્રેન્ડ્લી પ્રોડક્ટની આપસમાં પણ એટલી જ સ્પર્ધા છે. એ વિશે વાત કરતાં રોહિત વાસતે કહે છે, ‘એક માટીની મૂર્તિ કરતાં પેપરની મૂર્તિ ચારગણી કૉસ્ટમાં બનતી હોય છે. છતાં જો મારે એને વેચવી હોય તો હું માટીથી થોડો ભાવ વધારી શકું, ચારગણો ભાવ લઈ ન શકું. આને લીધે પેપર મૂર્તિમાં માર્જિન ખૂબ ઘટી જાય. જો વધુ મૂર્તિઓ ન વેચાય તો અમારે તો કંપની બંધ કરવી પડે એવી હાલત થઈ જાય.’
ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ જે શાડૂ માટીની બને છે એ માટીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે અને એમાંથી જ ફરી મૂર્તિઓ બનાવવામાં આવે તો એ સસ્તી બની શકે એમ વાત કરતાં હિના ચોકસી કહે છે, ‘આ વખતે મેં એવું વિચાર્યું છે કે મારા દરેક ગ્રાહકને હું વિનંતી કરીશ કે વિસર્જન થઈ ગયા પછી તેમની માટી સાચવી રાખે. મારી પાસે એ માટી રાખવાની જગ્યા નથી પરંતુ મેં બાલભારતી સ્કૂલ, કાંદિવલીમાં અરજી કરી હતી કે આ કામ માટે જગ્યા ફાળવે. દરેક ગ્રાહક ત્યાં માટી આપી જાય અને પછી સ્કૂલનાં બાળકોને લગતા કોઈ પ્રોજેક્ટમાં એ માટી કામ લગાડી શકાય અથવા તો ફરીથી એમાંથી જ મૂર્તિ બનાવી શકાય. આમ કોઈ ઉપાય વિચારવા જ પડશે જેને લીધે લોકોને વધુ ભાવ નડે નહીં. બાકી તો વધુ લોકો ખરીદશે તો કૉસ્ટ આપોઆપ ઘટશે. મારી પાસે તો ચાલીના ઘણા લોકો પણ આવે છે જેમનું બજેટ વધુ હોતું નથી. હું તેમને ઓછા ભાવમાં પણ મૂર્તિ આપું છું.’
બાપ્પા જાતે ઘરે આવશે : હોમ ડિલિવરીના ચક્કરમાં મૂર્તિ લેવા જવાનો રિવાજ થઈ રહ્યો છે વિલુપ્ત
જે લોકો ઘરે ગણપતિ રાખે છે એ માટે ગણપતિની મૂર્તિ લેવા જવાનો પણ એક રિવાજ હોય છે. જ્યારે મૂર્તિ લેવા જાય ત્યારે એની પાસે દીવો-અગરબત્તી કરી, ત્યાં એને ફૂલ ચડાવી, મૂર્તિને ઘરે વાજતે-ગાજતે લઈ આવવાની હોય છે. આ સમયે મૂર્તિનું મોઢું ઢાંકેલું રાખવામાં આવે છે અને સ્થાપન કરીએ એ સમયે એ કપડાને હટાવીને મુખદર્શન થતું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ઑનલાઇન ડિલિવરીની બોલબોલા એટલી વધી ગઈ છે કે મૂર્તિ લેવા જવાનો રિવાજ ઓગળતો જાય છે. કહેવાય નહીં, આવતાં દસ વર્ષમાં આ પરંપરા જ જતી રહે અને આવો કોઈ રિવાજ હતો એવી વાતો થવા લાગે.
ખાસ કરીને ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિનું માર્કેટિંગ જ ઑનલાઇન કરવામાં આવે છે. મોટા ભાગના લોકો એને વેબસાઇટ દ્વારા જ વેચે છે. દરેક પોર્ટલ પર ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ મળતી થઈ ગઈ છે. એ વિશે વાત કરતાં દત્તાત્રેય કોથુર કહે છે, ‘ઇકો-ફ્રેન્ડ્લી કન્સેપ્ટ જેમને સમજાવવાની કોશિશ થઈ એ છે ભણેલી-ગણેલી વ્યક્તિઓ, જે મોટા ભાગે ઇન્ટરનેટ વાપરતી જ હોય છે. ગામના લોકો તો પહેલેથી જ માટીના ગણપતિ વાપરતા હતા. જેમને જાગરૂક કરવાના છે એ શહેરના લોકો છે. જે જગ્યાએ માર્કેટિંગ થઈ રહ્યું છે, જે માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવાઈ રહી છે એ માધ્યમો વાપરનારા લોકો કોવિડ પછી ખાસ હોમ ડિલિવરીમાં માને છે. મોટા ભાગની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ વેબસાઇટ પરથી જ જતી હોય છે. એટલે લેવા જવાની વાત એમાં આવતી નથી.’
એક સમયે ગામમાં એક જગ્યાએ લાઇનથી મૂર્તિ બનાવનારાઓ રહેતા. લોકો તેમની પાસેથી ખરીદતા. હવે આખું માર્કેટ ગ્લોબલ બની ગયું છે. એ વિશે વાત કરતાં રોહિત વાસતે કહે છે, ‘અમારા પેપર ગણેશ દિલ્હી, બૅન્ગલોર, લખનઉની સાથે-સાથે આઉટ ઑફ ઇન્ડિયા પણ જાય છે. એક બૉક્સમાં મૂર્તિ ઘરે આવી શકે એ કલ્પના પણ શક્ય નહોતી એ આજે હકીકતમાં શક્ય બન્યું છે ત્યારે હોમ ડિલિવરી એક જરૂરી ઑપ્શન છે. અમેરિકામાં બેઠાં-બેઠાં લોકો મૂર્તિ ઘરે બોલાવી શકે છે.’
એવું નથી કે લોકોને સોશ્યલ મીડિયા કે વેબસાઇટની આદત પડી છે એટલે જ તેમને હોમ ડિલિવરી જોઈતી હોય છે એમ સ્પષ્ટ કરતાં હિનાબહેન કહે છે, ‘એક સમય હતો જ્યારે બાળકો તેમનાં માતા-પિતા સાથે મૂર્તિ લેવા અમારે ત્યાં આવતાં. એવા ઘણા ગ્રાહકો છે જેમનાં બાળકો પરદેશ સ્થાયી થઈ ગયાં છે. મા-બાપ ઉંમરને કારણે મૂર્તિ ઊંચકતાં ડરે છે એટલે કહે છે કે હોમ ડિલિવરી કરાવી આપો.’