05 October, 2025 02:33 PM IST | Mumbai | Jayesh Chitalia
તસવીર: મિડ-ડે
ગાંધીજીનો જન્મદિવસ બીજી ઑક્ટોબરે રાબેતા મુજબ ઊજવાયો. લેખો લખાયા, સભાઓ યોજાઈ, સત્ય અને અહિંસા વિશે બાપુના સિદ્ધાંતોની ચર્ચા થઈ, અંજલિ અપાઈ. આ દિવસે આ વખતે દશેરા આવી જતાં લોકોની એક રજા આમ જ ગઈ એવી પણ ચર્ચા થઈ. તમને થશે કે આ બધું પતી ગયું છતાં અમે કેમ અત્યારે અહીં બાપુના જન્મદિવસની વાત કરીએ છીએ? બાય ધ વે, આપણે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોના કરન્ટ સ્ટેટસ વિશે વાત કરીએ.
સમજાય નહીં એવા વેગથી બદલાતા જતા સમયમાં બાપુની સામે ચોક્કસ વર્ગમાં, ખાસ કરીને યુવા વર્ગમાં વિવિધ સવાલો, સંદેહ અને નકારાત્મકતા ફેલાતાં ગયાં છે. અણસમજ, અધૂરી સમજ કે ગેરસમજ જે પણ ગણીએ, બાપુ માટેના ભાવ બદલાઈ રહ્યા હોવાની હકીકત સ્વીકારીએ કે ન સ્વીકારીએ એ હકીકત છે.
હવે કહેવાય છે કે સત્ય અને અસત્યની લડાઈ પણ બદલાઈ રહી છે. અનેક લોકો અસત્યને જ સત્ય માનીને એ કથિત સત્યના વિજયનો ઉત્સવ મનાવવા લાગ્યા છે. લોકો પોતાને માફક આવે કે બંધબેસતું થાય એ સત્યને પહેરીને નીકળી પડે છે. જૂઠની તપાસ કરવાનું માણસોએ લગભગ બંધ કરી દીધું છે. માણસોને પોતાને માફક આવતું હોય તો તેમને એ બધાં જૂઠ પણ ચાલી જાય છે. મારું શું અને મારે શુંમાં અટવાયા છે માણસો ત્યારે જૂઠને જલસા છે.
માણસો હવે પોતે જે સાંભળે છે, વાંચે છે, માને છે એને જ સત્ય ગણી લે છે એટલે અસત્યને બારેમાસ મજા છે. એ તો સત્યનો પહેરવેશ પહેરીને ફર્યા કરે છે. લોકોને ફુરસદ ક્યાં છે કે એની ખરી ઓળખ મેળવે? જેને બહુબધા માને છે એ અને જે બહુ પ્રચાર પામી શકે છે એ સત્ય બની જાય છે. અસત્ય ટોળામાં રહ્યા કરીને સત્ય લાગવા માંડે છે અને સત્ય એકલું-અટૂલું ચૂપચાપ પસાર થયા કરે છે. એના તરફ કોઈનું ધ્યાન જતું નથી, ધ્યાન જાય તોય કોઈ બોલતું નથી.
સત્ય જેવી જ કથા અહિંસાની છે. અહિંસા પણ હવે કોના ગળે ઊતરે છે? સ્વીકાર્ય બને છે? કારણ કે સમાજ સતત હિંસા જુએ છે, કરે છે, ભોગવે છે. ચારેકોર હિંસા જ વધુ છે. બાળકોથી માંડીને વૃદ્ધો ટીવી, સોશ્યલ મીડિયા, સિનેમાઘરો અને સમાજમાં વારંવાર હિંસાના જ કિસ્સા અને કથા જોયા કરે છે. યુવા વર્ગને સૌથી વધુ રસ હિંસામાં છે. તેમના માટે હિંસા એ હીરોગીરી છે જે હવે જેન-ઝીના નામે પણ ફેલાઈ રહી છે.
હજી કેટલી બીજી ઑક્ટોબર-ગાંધી જયંતી ઊજવાશે? આ સવાલ માત્ર બાપુ સંબંધી નથી, સવાલ સત્ય અને અહિંસાનો પણ છે. કરુણતા એ છે કે સત્ય વિના લોકોને ચલાવી લેવું છે અને હિંસા વિના ચાલતું નથી. સમાજ અને દેશ સામે આ બહુ ગંભીર પડકાર છે.