રાજકારણથી દૂર રહેવામાં સાર કે એમાં ભાગ લેવામાં?

07 December, 2024 04:55 PM IST  |  Mumbai | Ruchita Shah

છેલ્લા થોડાક અરસામાં મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી ઊથલપાથલે ભલભલાને એમાં રસ લેતા કરી દીધા છે. અઢળક સસ્પેન્સ પછી ફાઇનલી મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાન મળી ગયા ત્યારે આજના બદલાયેલા રાજકારણ માટે કૉમન મૅનનું વલણ કેટલું બદલાયું છે?

નરેન્દ્ર મોદી

છેલ્લા થોડાક અરસામાં મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી ઊથલપાથલે ભલભલાને એમાં રસ લેતા કરી દીધા છે. અઢળક સસ્પેન્સ પછી ફાઇનલી મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાન મળી ગયા ત્યારે આજના બદલાયેલા રાજકારણ માટે કૉમન મૅનનું વલણ કેટલું બદલાયું છે? આજે ઘણા વર્કિંગ પ્રોફેશનલ્સ પણ રાજકીય પાર્ટીઓ સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે એ પાછળનાં કારણો શું? રાજકારણ અને રાજકારણીઓથી અંતર રાખનારા સામાન્યજન જ્યારે પૉલિટિક્સ તરફ વળે ત્યારે તેમના મનમાં શું ભાવ હોય છે એ વિશે અમે પૉલિટિકલ પાર્ટીમાં ઍક્ટિવ કૉમન મુંબઈકરો સાથે કરેલી વાતચીત પ્રસ્તુત છે

‘નાયક’ ફિલ્મ યાદ છે? રાજકારણના ગંદવાડમાં પગ નહીં મૂકવાનું નક્કી કરીને બેઠેલો અનિલ કપૂર એક દિવસ માટે CM બન્યા પછી સમજી જ જાય છે કે કે સિસ્ટમને બદલવી હોય તો સિસ્ટમમાં રહેવું પડે. આપણે ત્યાં પણ સામાન્ય લોકો રાજકારણથી છેટા રહેવામાં જ પોતાનું સદ્ભાગ્ય સમજતા હોય છે. જોકે છેલ્લા કેટલાક અરસામાં પૉલિટિક્સમાં આવેલા તોતિંગ ફેરફારે, બદલાયેલી લીડરશિપ અને પાર્ટીઓની અદલાબદલીએ ભલભલાને રાજકારણમાં રસ લેતા કરી દીધા છે. સાથે જ મહરાષ્ટ્રના રાજકારણમાં થયેલા તોતિંગ ફેરફારો વચ્ચે ફાઇનલી આપણા રાજ્યના નવા CMની શપથવિધિ પણ સસપેન્સફુલ ડ્રામા વચ્ચે પૂરી થઈ ગઈ છે ત્યારે કૉમન મૅન રાજકારણ વિશે શું માને છે? અમે પૂછ્યું કેટલાક એવા લોકોને જેઓ કોઈ પણ જાતના પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ વિના માત્ર પૅશનથી પૉલિટિક્સમાં જોડાયા છે. પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે નહીં પણ રાષ્ટ્રસેવા માટે અને દેશને આગળ વધારવાની ક્ષમતા ધરાવતા પોતાના લીડરને સપોર્ટ દ્વારા આગળ વધારવા માટે. ખરેખર પૉલિટિક્સ પ્રત્યે ઘૃણા શું કામ ન રાખવી અને કઈ રીતે સક્રિયતા સાથે એનો હિસ્સો બનીને દેશની પ્રગતિના પંથે આગળ વધારી શકાય એ વિશે આ ખાસ મુંબઈકરો પાસેથી જાણેલી વિગતો પ્રસ્તુત છે.

બદલાવ લાવવો છેને?


૭૧ વર્ષના પ્રોફેસર ધીરેન્દ્ર મહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. તેમણે પોતાનું આખું જીવન બે જ કાર્યમાં વિતાવ્યું છે, એક તો વિદ્યાર્થીઓને ભણાવવામાં અને બીજું લોકોની સેવામાં. વિવિધ કૉલેજમાં પ્રોફેસર તરીકે સક્રિય હતા ત્યારે કૉલેજમાં યોજાતા કાર્યક્રમમાં અતિથિ વિશેષને આમંત્રિત કરવાની જવાબદારી તેમના માથે હતી. પ્રો. મહેતા તરીકે જાણીતા ધીરેન્દ્રભાઈ કહે છે, ‘દાલમિયા કૉલેજમાં એક પ્રોગ્રામ હતો જેમાં અતિથિ વિશેષ તરીકે સેવાદળ નામની પાર્ટીના પ્રમુખ બાબુભાઈ ભવાનજી આવ્યા હતા. તેમની જોડે પરિચય થયો એ દરમ્યાન તેમણે વિદ્યાર્થીઓ કરીઅર ગાઇડન્સ આપવા માટે મને બોલાવ્યો. એ દિવસ અને આજનો દિવસ. સમાજ માટે કંઈક કરી છૂટવા માટે રાજકારણના માધ્યમે મને મળેલો આ રસ્તો મેં આજ દિવસ સુધી છોડ્યો નથી. પહેલાં કૉન્ગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હતો પણ પછી BJPના પણ કોઈ કાર્યક્રમ હોય તો મને જવા માટે છૂટ હતી. હું વિદ્યાર્થીઓનું કામ કરતો એટલે મને કોઈ રોકટોક નહીં. જોકે ગોપાલ શેટ્ટી ઇલેક્શનમાં ઍક્ટિવ થયા. અમે એક જ વિસ્તારમાં રહીએ અને વર્ષોનો પરિચય હતો એટલે તેમણે મને તેમની સાથે જોડાઈ જવાનું કહ્યું. એ પછી તેમની સાથે કામ કરું છું.’

પાર્ટી દ્વારા યોજાતા દરેક પ્રોગ્રામમાં પ્રો. મહેતાની જવાબદારી સાથેની હાજરી હોય. બાળકો માટે કરીઅર કાઉન્સેલિંગ હોય કે નશામુક્તિના કાર્યક્રમ હોય કે પછી અન્ય કોઈ પણ જવાબદારી તેમને સોંપાય; તેઓ એ પાર પાડવા માટે તત્પર હોય. ધીરેન્દ્રભાઈ કહે છે, ‘મારે ક્યારેય ઇલેક્શન લડવું નહોતું. ઘણી વાર સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓમાં મને પદ સોંપાયાં તો એમાંય મારી મકસદ તો કામ કરવાની જ હતી. જેમ કે મુંબઈ યુનિવર્સિટીમાં સેનેટર તરીકે મારી પાંચ વર્ષ માટે નિમણૂક થઈ તો ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો મારો અનુભવ કામ લાગ્યો અને કરોડોનો હિસાબ મળતો નહોતો એ કેસ સૉલ્વ કર્યો. ટેલિફોન એક્સચેન્જની ઍડ્વાઇઝરી કમિટીમાં મારી કેન્દ્ર સરકારે નિમણૂક કરી તો એમાં પણ કામ પર જાઉં છું. પોલીસ-કમિશનર સાથે સાઇબર ક્રાઇમ અને ડ્રગ રીહૅબિલિટેશનમાં અવેરનેસ કૅમ્પેનમાં લોકો સાથે મીટિંગ કરાવડાવું છું. જ્યારે તમે આ કાર્યમાં જોડાઓ, નિષ્ઠાવાન થઈને કામ કરો તો પછી તમારે પાછળ વળીને જોવું જ નથી પડતું. રાજકારણમાં પણ છેલ્લે તો માણસો જ છે. સારા લોકોનો સપોર્ટ મળે તો વધુ સારું કામ થઈ શકે. બદલાવ તો જ આવે જો સારા લોકોનો ઝુકાવ રાજકારણ તરફ વધશે. આજે હજારો વિદ્યાર્થીઓ મારા હાથ નીચે ભણીને ગયા છે. સમાજમાં મારી એક છબિ છે. જ્યારે હું કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ નેતાનું પ્રતિનિધિત્વ કરીને લોકોને સંબોધતો હોઉં ત્યારે હું જેને પીઠબળ આપું છું એ વ્યક્તિ સાચી છે કે નહીં એ મહત્ત્વનું છે. રાજકીય પક્ષમાં સક્રિય હોવાથી લોકોના ઘણાબધા પ્રૉબ્લેમ સૉલ્વ કરવામાં હું નિમિત્ત બની શક્યો. જો તમારે મહેનત સાથે કામ કરવું હોય તો રાજકારણ તમને ઉત્તમ રીતે મદદ કરે છે.’

બિમલ ભૂતા

સેવાનો શ્રેષ્ઠ માર્ગ છે
ઑસ્ટ્રેલિયામાં બિઝનેસ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી બિમલ ભુતા ત્રણ વર્ષ કૅનેડામાં રહ્યા. ત્યાં પોતાનો બિઝનેસ કર્યો પણ મન નહોતું માનતું અને પોતાના દેશના લોકો માટે કંઈક કરવાની ઝંખના હતી એમાંથી જ તેમણે નિર્ણય લીધો અને કાયમ માટે ભારત આવી ગયા. હવે તેમની કંપની તેમણે હાયર કરેલા લોકો સંભાળે છે અને પોતે ચોવીસ કલાક, ૩૬૫ દિવસ પાર્ટી અને જનતાના કામમાં વ્યસ્ત હોય છે. બિમલભાઈ કહે છે, ‘૨૦૧૪ની વાત છે. કૅનેડામાં કામ સારું જ ચાલી રહ્યું હતું પણ મનમાં દેશ માટે કંઈક કરવાની ઝંખના હતી. મોદીજીને લીડર તરીકે જોઈને દેશમાં હવે કંઈક સારા બદલાવ સંભવ છે એવું દેખાયું એટલે ઇન્ડિયા શિફ્ટ થવાનો નિર્ણય લીધો. ઘર તો અહીં હતું જ. અહીં આવ્યા પછી મારી વિચારધારા સાથે મૅચ થતી પાર્ટી હતી એટલે BJP જૉઇન કર્યું. યુવામોરચા સંગઠનના ટ્રેઝરર તરીકે શરૂ કર્યું. અત્યારે ભારતીય જનતા પાર્ટીની મુંબઈ શાખાનો સેક્રેટરી છું. ઈશ્વરની કૃપાથી આર્થિક રીતે પહેલેથી જ સંપન્ન હતો એટલે કમાવા માટે પૉલિટિક્સમાં આવ્યો નહોતો. મારે સેવા કરવી હતી અને એ કરવાની અઢળક તકો મને મળી છે. છેલ્લે એક વર્ષમાં ૨૮ પ્રોગ્રામ કર્યા છે. મારા પરિવારમાં કોઈ પૉલિટિક્સમાં નહોતું અને છતાં મારા કામકાજ અને નિષ્ઠાના આધારે મને પાર્ટીમાં આગળ વધવાની તક મળી છે. પરિવારવાદ અહીં નથી, પણ કામ કરો અને આગળ વધોનો જ ફન્ડા ચાલે છે. હું એનું ક્લાસિક ઉદાહરણ છું. હું દરેકને કહીશ કે રાજકારણ હવે બદલાઈ રહ્યું છે. રાજકારણીઓ હવે લોકોની વાત સાંભળીને તેમની સમસ્યાઓ દૂર કરવામાં માને છે. તેઓ એ હકીકત સમજી ચૂક્યા છે કે ભવિષ્યમાં આ જ લોકો મને વોટ આપશે. હવે રાજકારણનો હિસ્સો બનીને સમાજ માટે તમે ઘણું કરી શકો છો.’

ધર્મેશ કડકિયા

તમારા ઇરાદા કેવા છે?
ચોવીસ વર્ષથી ઍડ્વોકેટ તરીકે પ્રૅક્ટિસ કરતા ૫૪ વર્ષના ધર્મેશ સુુર્યાબેન બાબુુલાલ કડકિયાનો મોદીજી આવ્યા પછી પૉલિટિક્સમાં રસ પણ વધ્યો અને સક્રિયતા પણ. મુંબઈની ઘણી અગ્રણી કંપનીઓના લિગલ ઍડ્વાઇઝર તરીકે કામ કરતા ધર્મેશભાઈ પૉલિટિક્સમાં કઈ રીતે ઍક્ટિવ થયા એની વાત કરતાં કહે છે, ‘સરકાર પાસે પાવર હોય છે કોઈ પણ બદલાવને ઝડપી કરવાનો. મોદીજી આવ્યા પછી એ પાવર દેખાવાનું શરૂ થયું. એ પહેલાં સુધી લાગતું હતું કે ભારત પણ સેક્યુલર દેશ છે તો હિન્દુઓએ ક્યાં જવાનું? હિન્દુઓનું તો આખી દુનિયામાં કોઈ સ્થાન જ નથી. પણ નવી લીડરશિપમાં સેફ્ટીનો અનુભવ થયો. બટેંગે તો કટેંગેવાળો ફન્ડા ૨૦૧૪માં જ મને સમજાઈ ગયો હતો. એટલે નક્કી કર્યું કે જે આપણી સુરક્ષાનું ધ્યાન રાખે છે તેને આપણો પૂરો સપોર્ટ આપવો અને એ રીતે હું ઑફિશ્યલી BJPમાં જોડાયો. પદ મારે નથી જોઈતું. હું ગ્રાઉન્ડ કાર્યકર્તા તરીકે પાર્ટીને જરૂર પડે ત્યારે પહોંચી જાઉં છું. બીજું, પર્સનલી પણ હું પબ્લિકને ફ્રી લીગલ ઍડ્વાઇઝ આપું છું. એમાં ક્યારેક કોઈક નાના માણસનું કામ અટકી પડ્યું હોય ત્યારે નેતાઓને ફોન કરીને એ કામ પાર પણ પડાવી દઉં છું. પૉલિટિક્સમાં તમે કયા ઇરાદે જાઓ છો એ મહત્ત્વનું છે. પૉલિટિક્સ તેમના માટે ખરાબ છે જેમની પોતાની દાનત ખરાબ છે. બાકી તો અહીં રહીને પણ સારું કામ થાય જ છે.’

જિતેન વી. દનાણી

દૂર રહેવાથી મળશે શું?
મુલુંડમાં રહેતા જિતેન દનાણી આઠેક વર્ષ પહેલાં BJP સાથે જોડાયા ત્યારે તેમને કલ્પના નહોતી કે કઈ રીતે તેઓ ઍક્ટિવ રોલ અદા કરશે અને તેમના કંઈ પણ કરવાથી શું ફરક પડશે. જોકે ત્રણેક વર્ષ પહેલાં ખૂબ જ નિષ્ઠાવાન કાર્યકર તરીકે કામ શરૂ કર્યું અને હવે જે લેવલનો આત્મસંતોષ તેઓ અનુભવી રહ્યા છે એનો કોઈ હિસાબ નથી. જિતેનભાઈ કહે છે, ‘પૉલિટિક્સમાંથી પણ ઘણું શીખવા જેવું છે. દિગ્ગજ નેતાઓ પાસે અનુભવનો એવો ખજાનો હોય છે જેને તમે કોઈ યુનિવર્સિટીમાં ક્યારેય શીખી ન શકો. હું પણ એવો જ હતો કે આ નેતાઓના ચક્કરમાં પડાય નહીં અને પૉલિટિક્સથી તો દૂર જ રહેવાય. જોકે એક સેવાકીય પ્રસંગમાં મુલુંડના દિગ્ગજ નેતા નરેશ ચંદારાણા સાથે પરિચય થયો અને તેમણે રાજકારણમાં સંભવિત લોકસેવાની જે દુનિયા મારી સામે ખોલી એ દંગ કરનારી હતી. સારું કામ કરનારા પૉલિટિક્સમાં આવે એ જરૂરી છે એ પણ તેમના થકી જ સમજ્યો. એ પછી તો સારા નેતાને જિતાડવાની દિશામાં દિલોજાનથી લાગી જતો. કામ સાથે આના માટે સમય કાઢવો અઘરો પડે પણ થોડુંક સૅક્રિફાઇસ તો કરવું જ પડેને. હું અમારા વિસ્તારના વિધાનસભ્ય મિહિર કોટેચા સાથે કચ્છ સુધ્ધાં રૅલી માટે જઈ આવ્યો છું. સારા લીડરને ઓળખીને તેમને સપોર્ટ આપવો એ આપણી જવાબદારી પણ છે જે દૂર રહીને સંભવ જ નથી. રાજકારણ અને સમાજકારણ એ એક ગાડીનાં બે પૈડાં છે. બન્ને સાથે-સાથે ચાલે છે. બન્ને એકબીજાના પૂરક છે. તમે એનાથી મોં ન ફેરવી શકો.’

 રાજકીય પક્ષમાં સક્રિય હોવાથી લોકોના ઘણાબધા પ્રૉબ્લેમ સૉલ્વ કરવામાં હું નિમિત્ત બની શક્યો. જો તમારે મહેનત સાથે કામ કરવું હોય તો રાજકારણ તમને ઉત્તમ રીતે મદદ કરે છે. સારા લોકોનો સપોર્ટ મળે તો વધુ સારું કામ થઈ શકે. બદલાવ તો જ આવે જો સારા લોકોનો ઝુકાવ રાજકારણ તરફ વધશે.   - ધીરેન્દ્ર મહેતા 

maharashtra news maharashtra political news bharatiya janata party congress mumbai news mumbai news columnists ruchita shah mulund gujaratis of mumbai