એક સમયે યોગ કરવાની આળસ આવતી હતી, હવે પોતે જ યોગ-ટ્રેઇનર છે

12 December, 2024 02:30 PM IST  |  Mumbai | Heena Patel

મલાડનાં સાધના દોશીનું આ મજાનું ટ્રાન્સફૉર્મેશન જાણવા જેવું છે એટલું જ નહીં, અનુકરણીય પણ છે

સાધના દોશી અને પરિવાર

સામાન્ય રીતે વ્યક્તિનો સ્વભાવ એવો હોય કે શારીરિક સમસ્યા ન આવે ત્યાં સુધી તેમને સારા સ્વાસ્થ્યની કિંમત ન સમજાય. મલાડમાં રહેતાં પંચાવન વર્ષનાં સાધના દોશી સાથે પણ કંઈક એવું જ થયું. તેમને યુટરસ કઢાવવાની ફરજ પડી એ પછીથી તેમણે સારી હેલ્થ માટે યોગ કરવાનું શરૂ કર્યું. પોતે યોગાભ્યાસમાં પ્રવીણ થયાં એ પછી યોગ-ટ્રેઇનર પણ બની ગયાં. પ્રોફેશનલ ટ્રેઇનર બનવા માટે તેમણે છેક ૫૦ વર્ષની ઉંમરે કોર્સ કરીને સર્ટિફિકેટ મેળવ્યું. સાધનાબહેનનાં લગ્નનાં ૨૧ વર્ષે જ થઈ ગયાં અને એ પછી પરણીને જૉઇન્ટ ફૅમિલીમાં આવતાં તેમનું જીવન ઘરની જવાબદારીમાં જ પસાર થયું. જોકે એક યોગ-ટ્રેઇનર બનીને તેઓ ૫૦ વર્ષ પછી આર્થિક રીતે પગભર બન્યાં છે. તેમની પાસેથી ઘણી ગૃહિણીઓએ પ્રેરણા લેવા જેવી છે. સાધનાબહેનની દાસ્તાન તેમના જ શબ્દોમાં વાંચીએ...

શારીરિક તકલીફો

મને ગર્ભાશયમાં ગાંઠ થઈ ગઈ હતી. દર પંદર ​દિવસે પિરિયડ્સ આવી જતા. એમાં ખૂબ રક્તસ્રાવ થતો. ઉપરથી પેટમાં અસહ્ય દુખાવો પણ થાય. ખૂબ વીકનેસ લાગતી. બે વર્ષ સુધી આ બધી સમસ્યાથી હું પીડાઈ. ઘણી દવાઓ કરી પણ કંઈ અસર ન થઈ. એટલે બે-ત્રણ ડૉક્ટરનો ઓપિનિયન લઈને છેલ્લે મેં ૪૫ વર્ષની ઉંમરે યુટરસ કઢાવવાનો નિર્ણય લીધો. મેં ઑપરેશન કરાવ્યું એ પછી ઘણી મહિલાઓ એમ કહેતી કે હવે શરીરનું વજન વધવાની સમસ્યા થશે, શરીરનો એક ભાગ કાઢી નાખ્યો છે એટલે બીજી શારીરિક તકલીફો પણ થઈ શકે. તેમની વાતો સાંભળીને મગજમાં એક ડર બેસી ગયો. હું ઘણી વાર બહાર ગઈ હોઉં ને કોઈ બહેન મળે તો મને કહે કે ચાલને યોગ-ક્લાસિસમાં અમારી સાથે. એ સમયે મને એમ થતું કે મારે પણ યોગ કરવા જોઈએ, પણ કરતી નહીં. એમ કરતાં-કરતાં છ મહિના નીકળી ગયા. અંતે મેં નિર્ણય લીધો કે યોગ-ક્લાસિસમાં જઈને ફી ભરી આવું છું, ફી ભરી હશે તો હું ત્યાં જવામાં આળસ કરીશ નહીં. એ રીતે પછી મેં દરરોજ યોગમાં જવાનું શરૂ કર્યું. એ પછીથી તો મને જરાય થાક લાગતો નહીં. શરીરમાં ઊર્જા જેવું લાગે.

યોગ-ટ્રેઇનર બન્યાં

હું યોગ-ક્લાસિસમાં તો જઈ જ રહી હતી એટલે મને એનું સારુંએવું જ્ઞાન હતું. કોરોના આવ્યો એ સમયે સવારે હસબન્ડ કે બાળકોનાં ટિફિન બનાવવાની ચિંતા નહોતી. સવારે ફ્રી ટાઇમ હોય તો હું એમાં ઘરના સભ્યોને યોગ શીખવાડતી. એ સમયે તેમણે મને કહ્યું કે તને આટલા સરસ યોગ આવડે છે તો તું શા માટે બીજાને શીખવાડતી નથી? મારી દીકરીએ કહ્યું કે મારા અમુક ફ્રેન્ડ્સ છે, તેમને યોગ શીખવામાં રસ છે તો તું તેમને શીખવાડ. એટલે મેં તેમને ઑનલાઇન ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી. શરૂઆતમાં મને એટલો કૉન્ફિડન્સ નહોતો, પણ જેમ શીખવાડતી ગઈ તેમ મારામાં આત્મવિશ્વાસ વધતો ગયો. હું યોગ શીખવાડું છું એ બધાને ખબર પડવા લાગી એટલે મેં પછી ઘરે યોગના ક્લાસ લેવાનું શરૂ કર્યું. એક દિવસ મારા ઘરે એક બહેન આવતાં હતાં તેમણે પૂછ્યું કે તમે અમારા બિલ્ડિંગમાં યોગ શીખવાડવા માટે આવશો? તો મેં તેમને કહેલું કે જો દસ જણ હોય તો આવું. એ રીતે પછી કોઈ ગ્રુપને યોગ કરવાની ઇચ્છા હોય તો તેમના બિલ્ડિંગમાં જઈને જિમ-રૂમમાં, ટેરેસ પર ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું. એ સમયે મારી પાસે કોઈ સર્ટિફિકેટ નહોતું. એ પછી મારા પરિવારે કહ્યું કે યોગનો એક કોર્સ કરી લે તો તું પ્રોફેશનલ યોગ-ટ્રેઇનર બની જઈશ. એટલે મેં બાબા રામદેવનો યોગનો બે મહિનાનો ઑનલાઇન કોર્સ કર્યો. દરરોજ સવારે સાડાપાંચથી સાડાસાત એ ક્લાસ અટેન્ડ કરવાના હોય. હસબન્ડને જૉબ પર જવાનું હોય તો તેમનું ટિફિન બનાવવાનું, ઘરનાં બીજાં કામ હોય, ઉપરથી મારા યોગ શીખવાડવાના ક્લાસ પણ ચાલુ હતા. આ બધી વસ્તુઓ મૅનેજ કરવાની સાથે યોગનો કોર્સ કમ્પ્લીટ કરવાનું મારા માટે ડિફિકલ્ટ હતું, પણ તેમ છતાં મેં કોર્સ પૂરો કરીને ૫૦ વર્ષની ઉંમરે સર્ટિફિકેટ મેળવ્યું. એમ કરતાં-કરતાં મારી પાસે યોગ શીખવા આવનારની સંખ્યા પણ વધતી ગઈ.

એકદમ ઓછી ફી

આજે યોગ-ક્લાસિસમાં મહિને ૧૫૦૦-૨૦૦૦ રૂપિયાની ફી લેવામાં આવે છે. હું ફક્ત ૩૦૦ રૂપિયા ફી ચાર્જ કરું છું. ઘણા લોકો એવા છે જેમને યોગ કરવામાં રસ છે, પણ મહિને આટલીબધી ફી ચૂકવી શકે એવી સ્થિતિમાં હોતા નથી એટલે મેં ૩૦૦ રૂપિયા જ ફી રાખી છે. હું એક કલાક ક્લાસ લઉં અને એમાં યોગ સાથે પ્રાણાયામ પર પણ વિશેષ ભાર મૂકું છું. મારી પાસે યોગ શીખવા આવનાર બધા પચાસ વર્ષથી મોટી ઉંમરના જ છે. આજકાલ ઘરમાં કોઈ બીમાર હોય તો બે-ચાર દિવસ સેવા કરવી ગમે, પછી વધારે સમય સુધી સેવા કરવી પડે તો બોજ લાગવા માંડે. એટલે મારું માનવું છે કે ચાલીસની ઉંમર વટાવ્યા પછી દરેક વ્યક્તિએ એક કલાક જેટલો સમય તો પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે આપવો જ જોઈએ. પહેલું સુખ તે જાતે નર્યા. તમારી પાસે ગમેએટલો પૈસો હશે પણ સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય કે તમારે જીવન જીવવા માટે બીજા પર નિર્ભર રહેવું પડતું હોય તો તમે જીવન ન માણી શકો.

 મારાં લગ્ન ૨૧ વર્ષની ઉંમરે થઈ ગયાં હતાં. અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હતાં. ઉપરથી હું ઘરની સૌથી મોટી વહુ એટલે જવાબદારી પણ વધારે હોય. ધીરે-ધીમે બધાનાં સંતાનો મોટાં થતાં ઘર નાનું પડવા લાગ્યું એટલે અમે બધાં અલગ થઈ ગયાં. મારે બે દીકરીઓ અર્ચના અને રોશની છે, જે બન્ને હવે મોટી થઈ ગઈ છે. અર્ચના પરણીને તેના સાસરે સુખી છે. આજે હું જે પણ કામ કરું છું એ કરવા માટે હંમેશાં મને મારા પતિ અને દીકરીઓએ પ્રોત્સાહન આપ્યું છે. મારા દિયર ભાવેશ દોશી રાજકારણમાં સક્રિય છે એટલે કાઠિયાવાડ જૈન મંડળનો કોઈ કાર્યક્રમ હોય અને એમાં વ્યવસ્થા કરવાની હોય તો એમાં તેમનો મને ખૂબ સપોર્ટ રહે છે.

મહિલામંડળનાં સંચાલક
યોગ-ધર્મની સાથે સાધનાબહેન તેમના જેવી બીજી ગૃહિણીઓ માટે છેલ્લાં દસ વર્ષથી કાઠિયાવાડ જૈન મંડળ પણ ચલાવે છે જેની સાથે ૨૦૦ મહિલાઓ જોડાયેલી છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આ મંડળના માધ્યમથી અમે ગૃ​હિણીઓના મનોરંજન માટે વિવિધ પ્રોગ્રામ્સ જેમ કે ટૅલન્ટ શો, પિકનિક વગેરેનું આયોજન કરીએ. એ સિવાય સમાજની જે મહિલા ઘરેથી નાનો-મોટો બિઝનેસ કરતી હોય તો તેને પ્રમોટ કરવા માટે એક્ઝિબિશન રાખીએ. તેમના માટે ફ્રી હેલ્થ કૅમ્પનું આયોજન કરીએ જેમાં તેમનું બૉડી ચેકઅપ કરવામાં આવે.’

શીખે અને શીખવાડે ધર્મ
સાધનાબહેન યોગ શીખવાડવાની સાથે નિઃશુલ્ક જૈન ધર્મનું જ્ઞાન આપીને સ્ટુડન્ટ્સને પરીક્ષા માટે તૈયાર કરવાનું કામ પણ કરે છે. એ વિશે ​વાત કરતાં સાધનાબહેન કહે છે, ‘જૈન ધર્મનું ઊંડું જ્ઞાન અને સમજ મેળવવા માટે એકથી પચીસ શ્રેણી સુધીનો અભ્યાસ હોય. દરેક શ્રેણીની પરીક્ષાઓ પણ હોય. તો જે આની તૈયારી કરી રહ્યું હોય તેમને નિઃશુલ્ક ભણાવવાનું અને માર્ગદર્શન આપવાનું કામ કરું છું. દરરોજ બપોરે ત્રણથી ચાર અને રાત્રે નવથી દસ વચ્ચે ક્લાસ લઉં છું. હું પોતે પણ સોળમી શ્રેણીની પરીક્ષા આપું છું.’

 

columnists health tips yoga gujarati community news malad Education