05 October, 2025 02:21 PM IST | Mumbai | Rajani Mehta
દત્તારામ વાડકર
હિલ સ્ટેશન પર વહેલી સવારે આંખ ઊઘડી જાય અને ધુમ્મસભર્યા વાતાવરણમાં તમે લટાર મારવા બહાર નીકળો ત્યારે ઝાકળભીના વાતાવરણમાં અનેક ગીતો યાદ આવે. અચાનક એવું બને કે તમારા ગમતા ગીતની પંક્તિઓ સ્મરે જેની યાદ વર્ષો પછી આવી હોય. મારી સાથે એવું ઘણી વાર બન્યું છે. અને આવું થાય એટલે એ ગીતોના રચયિતાની યાદ તાજી થાય. છેલ્લા થોડા વખતથી ચહેરાઓના મધુવનમાં વિસરાયેલા સંગીતકારોના અનેક ચહેરાઓ તરવરે છે. એટલે આજે એવા જ એક ગુણી સંગીતકારને સ્વરાંજલિ આપવી છે.
તમને યાદ છે ‘આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં, કોઈ ઉનસે કહ દે હમેં ભૂલ જાએ’ (મુકેશ) આ ગીત કઈ ફિલ્મનું છે? મોટા ભાગના સંગીતપ્રેમીઓ જાણતા હશે કે આ ગીત રાજ કપૂર અને માલા સિંહ અભિનીત ફિલ્મ ‘પરવરિશ’નું છે. પણ એના સંગીતકારનું નામ ભાગ્યે જ કોઈને યાદ આવશે. ઓકે. બીજો ક્લુ આપું. ‘ચુન ચુન કરતી આઇ ચિડિયા, દાલ કા દાના લાયી ચિડિયા’ (મોહમ્મદ રફી) આ રમતિયાળ ગીત તમે સાંભળ્યું જ હશે. એના સંગીતકાર કોણ હતા? અફસોસ, ફિલ્મ ‘અબ દિલ્હી દૂર નહીં’ના આ સંગીતકારનું નામ આજે વિસરાઈ ગયું છે. આજે આવાં અનેક મીઠાં મધુરાં ગીતોના સંગીતકાર દત્તારામની વાત કરવી છે.
દત્તારામ વાડકરનો જન્મ ૧૯૨૯માં ગોવા નજીક આવેલા સાવંતવાડીમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમની માતાને સંગીતનો શોખ. તે ભજનમંડળીમાં ગીતો ગાય. તેના કારણે દત્તારામની સંગીતમાં રુચિ વધી. ભણવામાં સામાન્ય હતા. માતાએ જોયું કે દીકરો ભણવામાં નહીં પણ સંગીતમાં વધુ ધ્યાન આપે છે એટલે સંગીતની તાલીમ આપવી જોઈએ. તે પુત્રને સંગીતના એક જાણકાર પાસે લઈ ગયા. તેણે કહ્યું કે આને રીતસરની તાલીમ આપવી હોય તો ગુરુ પાસે શીખવું પડશે. બીજા દિવસે એક ગુરુએ દત્તાની સાથે વાત કરી અને જોયું કે તેને સૂર કરતાં લયમાં વધુ મહારત છે. ગુરુએ દત્તાનો હાથ જોયો અને કહ્યું, ‘અચ્છા હાથ હૈ, સિખ જાએગા.’
ગુરુએ માતા સાથે વાત કરીને કહ્યું કે આને મારે હવાલે કરી દો. માતાએ હા પડી. બીજા દિવસે પૂજાપાઠ કરી દત્તારામે વિધિવત ગુરુના હાથ નીચે તબલાની તાલીમ શરૂ કરી. એ હતા સંગીતકાર દત્તારામના પ્રથમ ગુરુ પંઢરીનાથ નાગેશકર. એ દિવસોમાં શિક્ષા લેવા સાથે ગુરુના ઘરનાં નાનાં-મોટાં કામ પણ કરવા પડતાં.
શરૂઆતમાં દત્તારામને તબલાં વગાડવાનું ફાવતું નહીં પરંતુ ધીમે-ધીમે હાથ બેસતો ગયો અને મજા આવવા લાગી. ધીમી પણ મક્કમ ગતિએ તેમનો અભ્યાસ આગળ વધતો હતો. ત્યાર બાદ તેમણે બીજા ગુરુ પંડિત યશવંત કેરકર પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. એક સમય આવ્યો જ્યારે પંડિતજીને લાગ્યું કે દત્તારામ તૈયાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે તારું ભવિષ્ય મુંબઈમાં છે. એટલે ૧૯૪૫માં દત્તારામ મુંબઈ આવ્યા. પંડિતજીએ મુંબઈમાં સંગીતકાર સજ્જાદ હુસેન પર ચિઠ્ઠી લખીને કામ આપવાની ભલામણ કરી હતી. દત્તારામે તેમની સાથે ત્રણ-ચાર મહિના કામ કર્યું પણ ત્યાર બાદ કામના અભાવે તેઓ બેકાર થઈ ગયા.
આજીવિકા માટે તેઓ ગોદીમાં મજૂર તરીકે કામ કરતા. તેમને કુસ્તીનો શોખ હતો. ગામમાં હતા ત્યારે અખાડામાં જતા પણ મુંબઈમાં એ શક્ય નહોતું એટલે નિયમિત કસરત કરવા એક વ્યાયામશાળામાં જાય. ત્યાંનો માલિક સંગીતપ્રેમી હતો એટલે બન્નેની દોસ્તી થઈ ગઈ. માલિક તેની ઑફિસમાં હાર્મોનિયમ અને તબલાં રાખતો. દત્તારામ ત્યાં નિયમિત જતા. આમ તબલાંની પ્રૅક્ટિસ થયા કરે.
એ જ કસરતશાળામાં એક યુવાન આવે. તેની સાથે સાધારણ વાતચીત થાય. એક દિવસ તે પરસેવે રેબઝેબ આવ્યો ત્યારે તેના શરીરે માટી લાગેલી હતી. એ જોઈ દત્તારામે કહ્યું, ‘વ્યાયામ કરતાં પહેલાં નાહી લે, અહીં બાથરૂમની સગવડ છે.’ યુવાન નાહીધોઈ બહાર નીકળ્યો પછી દત્તારામ બાથરૂમમાં ગયા. નહાતા હતા ત્યાં તેમણે તબલાંનો અવાજ સાંભળ્યો. કોઈ સરસ રીતે તાલબદ્ધ ગઝલના ઠેકા વગાડતું હતું. આ સાંભળી જલદી-જલદી બાથરૂમમાંથી દત્તારામ બહાર નીકળ્યા. જોયું તો પેલો યુવાન કુશળ તબલચીની જેમ તબલાં વગાડતો હતો. એ સાંભળી દત્તારામ બોલ્યા, ‘ક્યા બાત હૈ, બહોત અચ્છા. મઝા આ ગયા.’ આ સાંભળી પેલો યુવાન બોલ્યો, ‘આ રીતે તો કોઈ મ્યુઝિશ્યન જ દાદ આપે. તું પણ સંગીત શીખે છે?’ દત્તારામ કહે, ‘હા, થોડાંઘણાં તબલાં વગાડી જાણું છું.’ યુવાન કહે, ‘અચ્છા? થોડું વગાડ તો મજા આવે.’ અને દત્તારામે તાનપલટા બોલતાં-બોલતાં વગાડવાનું શરૂ કર્યું. આ સાંભળી પેલો યુવાન ભેટી પડતા બોલ્યો, ‘અતિ સુંદર, અતિ સુંદર. અચ્છા બજાતે હો. તુમ્હારા હાથ તો એકદમ તૈયાર હૈ.’
બન્નેને એકમેકનો ઊંડો પરિચય થયો. એ યુવાન હતો શંકર (જયકિશન) રઘુવંશી જે પૃથ્વી થિયેટર્સમાં સંગીત ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. તેણે દત્તારામની ઓળખાણ પૃથ્વીરાજ કપૂર સાથે કરાવી અને આમ દત્તારામને નોકરી મળી. એ દિવસોને યાદ કરતાં દત્તારામ કહે છે, ‘ત્યાં મારી ઓળખાણ રાજ કપૂર, જયકિશન, રાજા નવાથે સાથે થઈ. અમે કૅન્ટીનમાં બેસીને ગપ્પાં મારતા. દિવસ દરમ્યાન રિહર્સલ કરતા. થિયેટરમાં નાટકનો શો સાંજનો હોય. એ દરમ્યાન ૧૫ મિનિટનો ઇન્ટરવલ હોય. ઇન્ટરવલમાં સ્ટેજ પર બેસી રામલાલ શરણાઈ વગાડે. રામ ગાંગુલી સિતાર વગાડે અને હું તબલાં પર સંગત કરું. આ પહેલાં શંકરજી તબલાં વગાડતા પણ તેમણે મને મોકો આપ્યો. આવું બેત્રણ વર્ષ ચાલ્યું. હું ખુશ હતો કે મને ગમતું કામ મળ્યું.
‘હું શંકરજીને મારા ગુરુ માનું છું. ‘બરસાત’થી તેમની સાથે જોડાયેલો છું. હું તેમના દરેક ગીતના રિહર્સલમાં વગાડતો પણ રેકૉર્ડિંગમાં મોકો ન મળતો. હું નિરાશ થઈ જાઉં કે મને ક્યારે મોકો મળશે? નસીબજોગે એ મોકો ‘આવારા’માં મળ્યો. એક ગીતનું રેકૉર્ડિંગ હતું. સૌ આવી ગયા હતા પણ ઢોલક વગાડનાર મ્યુઝિશ્યન નહોતો આવ્યો. શંકરજીએ જયકિશનને કહ્યું, ‘દત્તુને કહો, આજે ઢોલક વગાડશે.’ પહેલા જ ટેકમાં ગીત ઓકે થયું. શંકરજી ભાગતા આવ્યા. કહે, ‘દત્તુ, બહોત અચ્છા બજાયા.’ જયકિશનજી અને લતાજી સહિત દરેકે મારાં વખાણ કર્યાં. એ ગીત હતું ‘એક બેવફા સે પ્યાર કિયા, ઉસે નઝર કો ચાર કિયા’, એ દિવસથી હું શંકર-જયકિશનનો પર્મનન્ટ મ્યુઝિશ્યન બની ગયો.’
આમ દત્તારામની મ્યુઝિશ્યન તરીકેની કામગીરી શરૂ થઈ. તબલાં, ઢોલક, ડફ અને બીજાં વાદ્યો પર તેમની હથોટી હતી. સમય જતાં તેઓ શંકર-જયકિશનના રિધમ સેક્શનના અસિસ્ટન્ટ બન્યા (સૅબેસ્ટિયન મેલડી સેક્શનના અસિસ્ટન્ટ હતા). રાજ કપૂર ઉપરાંત ઇન્ડસ્ટ્રીના બીજા સંગીતકારો સાથે પણ દત્તારામે મ્યુઝિશ્યન તરીકે કામ કર્યું છે. ‘રાજા કી આએગી બારાત’ (આહ), ‘જહાં મેં જાતી હૂં વહીં ચલે આતે હો.’ (ચોરીચોરી), ‘સારી સારી રાત તેરી યાદ સતાએ’ (અજી બસ શુક્રિયા), ‘ઘડી ઘડી મેરા દિલ ધડકે’ (મધુમતી) અને બીજાં અનેક ગીતોમાં દત્તારામના હાથની કમાલ આપણે માણી છે.
સંગીતકાર દત્તારામને મ્યુઝિશ્યન તરીકે એક અનેરી સિદ્ધિ મળી. જેમ રિધમમાં તીન તાલ, જપ તાલ, દાદરા એમ અલગ નામ હોય એમ ઢોલકની એક રિધમને ‘દત્તુ ઠેકા’નું નામ મળ્યું છે. થોડાં ગીતો યાદ કરીએ તો આ વાત સ્પષ્ટ થશે. ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘પ્યાર હુઆ એકરાર હુઆ હૈ’, ‘મસ્તીભરા હૈ સમા’, ‘ચુન ચુન કરતી આઇ ચિડિયા’, ‘મેરે દિલ મેં હૈ એક બાત, કહ દો કે ભલા કયા હૈ’, ‘મીઠી મીઠી બાતોં સે બચના ઝરા’ આવાં અનેક ગીતોમાં દત્તારામના ઢોલકની જે પૅટર્ન છે એ એકસરખી છે. તમે આ ગીત ગણગણશો તો ખ્યાલ આવશે કે કોઈ પણ બ્રેક વિના તમે આ ગીત ગાઈ શકશો. આ રિધમનો ઠેકો દત્તારામે એટલો પ્રચલિત કર્યો કે મ્યુઝિશ્યન્સની બિરાદરીએ એને ‘દત્તુ ઠેકા’ નામ આપ્યું. અજાણ્યા મ્યુઝિશ્યન્સને પણ આ ઠેકો કહો એટલે ખબર પડી જાય કે કયો રિધમ વગાડવાનો છે. ફિલ્મ સંગીતના રિધમનો ઇતિહાસ લખશે ત્યારે દત્તારામનું નામ સૌથી આગળ હશે.
આવા દમદાર રિધમ પ્લેયર સંગીતકાર કેવી રીતે બન્યા એ વાત આવતા રવિવારે.