અમેરિકાએ આ કારણોસર ‘બૅન બર્થ ટૂરિઝમ ઍક્ટ’ ઘડવાનું વિચાર્યું છે

23 May, 2024 07:06 AM IST  |  Mumbai | Sudhir Shah

કૉન્સ્યુલર ઑફિસરે અશ્વિનકુમાર છગનલાલ મહેતાને પહેલો સવાલ કર્યો, ‘તમે વારંવાર અમેરિકા શા માટે જવા ઇચ્છો છો?’ જવાબમાં તેમણે જણાવ્યું કે ...

તસવીર સૌજન્ય : પિક્સાબે

કૉન્સ્યુલર ઑફિસરે અશ્વિનકુમાર છગનલાલ મહેતાને પહેલો સવાલ કર્યો, ‘તમે વારંવાર અમેરિકા શા માટે જવા ઇચ્છો છો?’ જવાબમાં તેમણે જણાવ્યું કે ‘હું અમેરિકા સાથે બિઝનેસ કરું છું એટલે ત્યાં બિઝનેસમેનોને મળવા ઇચ્છું છું. મારો ભાઈ અમેરિકન સિટિઝન છે અને તે ફૅમિલી સાથે ન્યુ જર્સીમાં રહે છે. અમેરિકામાં મારા બીજા પણ મિત્રો છે એમને  મળવા માગું છું.’

‘તમારા યુએસ સિટિઝન બ્રધરે તમારા માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું છે?’

‘નો, સર, મારે અમેરિકામાં કાયમ નથી રહેવું.’

‘તમારી સાથે તમારો દીકરો પણ આવવાનો છે. તેની પાસે વીઝા છે?’

‘સર, તે અમેરિકન સિટિઝન છે. અમે અમેરિકા ફરવા ગયાં હતાં એ વખતે મારી વાઇફે તેને ત્યાં જન્મ આપ્યો હતો. તમારા કૉન્સ્ટિટ્યુશનમાં જણાવ્યા મુજબ તેને અમેરિકાની સિટિઝનશિપ પ્રાપ્ત થઈ છે.’ 

‘તમે અમેરિકામાં પ્રવેશ્યાં ત્યારે વાઇફની પ્રેગ્નન્સીને કેટલા મહિના હતા?’

‘તે સાતમા મહિનામાં હતી. પંદર દિવસમાં અમે પાછાં આવવાનાં હતાં. તેની તબિયત બગડી એટલે ડૉક્ટરોએ સલાહ આપી કે તેણે ઇન્ડિયા સુધીની લાંબી મુસાફરી કરવી ન જોઈએ. એટલે અમે રહ્યાં અને વાઇફે ત્યાં દીકરાને જન્મ આપ્યો.’

‘વાહ! એટલે તેને અમેરિકન સિટિઝનશિપ મળી ગઈ. ડિલિવરી તમે હૉસ્પિટલમાં કરાવી હતી?’

‘હા, હૉસ્પિટલમાં જ કરાવાયને?’

‘તમે હૉસ્પિટલનું બિલ ભર્યું હતું?’

‘અમને હૉસ્પિટલના કર્મચારીઓએ કહેલું કે તમારે એ બિલ ભરવાની જરૂર નથી.’

‘વાહ! હવે તમે પાછા અમેરિકા જવા ઇચ્છો છો. શું વાઇફ ફરી પ્રેગ્નન્ટ છે?’

અશ્વિનકુમાર ખચકાયા, ‘હા.... ના....’

‘નક્કી કરો કે તમારી વાઇફ પ્રેગ્નન્ટ છે કે નહીં? ઓકે. તમારે જવાબ આપવાની જરૂર નથી. આ લો, ૨૨૧(જી) સંજ્ઞા ધરાવતો કાગળ. અમારી પૅનલના ડૉક્ટર પાસે વાઇફની પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવી લાવો.’

વાઇફને પાંચમો મહિના ચાલતો હતો. એટલે તેમણે કબૂલ્યું, ‘હા, મારી વાઇફ પ્રેગ્નન્ટ છે.’

કૉન્સ્યુલર ઑફિસરે અશ્વિનકુમાર અને તેમની વાઇફની ‘બી-૧/બી-૨’ વીઝાની અરજી છેતરપિંડી અને જૂઠું બોલવાના કારણસર નકારી કાઢી.

એક સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો તે અમેરિકામાં પ્રવેશી ન શકે એવો કોઈ બાધ અમેરિકાના કાયદામાં નથી. અમેરિકામાં જો બાળકને જન્મ આપે તો એ બાળકને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. એ બાળક મોટું થતાં તેનાં મા-બાપને ‘ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી’ હેઠળ આમંત્રી શકે છે. એવું લાગે છે કે અમેરિકાના સત્તાવાળાઓને આ પસંદ નથી એથી તેમણે આ સવલત અટકાવવા ‘બૅન બર્થ ટૂરિઝમ ઍક્ટ’ઘડવાનું વિચાર્યું છે.

columnists united states of america