03 February, 2024 11:16 AM IST | Mumbai | Rajani Mehta
‘આરપાર’ના ગીતના રેકૉર્ડિંગ સમયે ગીતા દત્ત, ગુરુ દત્ત અને ઓ. પી. નૈયર.
‘આરપાર’ની સફળતાનાં અનેક કારણો હતાં, પરંતુ એમાં મહત્ત્વનો ફાળો સંગીતકાર ઓ. પી. નૈયરનો હતો એમાં બેમત નથી. ‘બાબુજી ધીરે ચલના’ અને બીજાં ગીતોની સ્વરરચના બાદ તેમની તકદીરના ઘોડાને પુરપાટ ભાગવા માટેની ભૂમિ તૈયાર થઈ ગઈ હતી. આ ફિલ્મે હિન્દી ફિલ્મ સંગીતનાં સમીકરણો બદલાવી નાખ્યાં હતાં. ‘આરપાર’નાં ગીતોની લોકપ્રિયતા જોઈને એ સમયના દિગ્ગજ સંગીતકારો પણ આભા બની ગયા હતા. ઓ. પી. નૈયર સાચા અર્થમાં એક વાવાઝોડાની જેમ ફિલ્મ સંગીતમાં છવાઈ ગયા હતા.
એનું મુખ્ય કારણ એ હતું કે આર. સી. બોરાલ, પંકજ મલિક અને ન્યુ થિયેટર્સના બીજા સંગીતકારોથી પ્રભાવિત ઓ. પી. નૈયરે પોતાની અસલી શૈલીને બાજુએ રાખીને એક નવી જ શૈલી, જેમાં રિધમને પ્રાધાન્ય હોય એવાં ગીતો બનાવ્યાં.
ઓ. પી. નૈયર સાથે તમે ગુફ્તગૂ કરતા હો ત્યારે કઈ ઘડીએ તેઓ ચોંકાવનારા ખુલાસા કરે એ કહેવાય નહીં. અચાનક સહજ વાતો કરતાં ‘મહેતાસા’બ, આપકો પતા હૈ મૈંને ઐસા કિયા, મૈંને વૈસા કિયા’ કહીને એવો નિખાલસ એકરાર કરે કે નવાઈ લાગે. એ બાબતની આપણને જરાય જાણકારી ન હોય. કદાચ અધકચરી જાણકારી હોય તો પણ એમાં હકીકત કરતાં મનઘડંત વાતો વધુ હોય. એટલે જ જ્યારે સર્જક પાસેથી એ માહિતીનો નિખાલસ એકરાર થાય ત્યારે તેમના પ્રત્યેનું માન વધી જાય. ‘આરપાર’ માટે ઓ. પી. નૈયરે અલગ સ્ટાઇલથી ગીતો બનાવ્યાં એનું સાચું કારણ શું હતું એનું રહસ્ય તેમણે મારી સાથે શૅર કર્યું હતું.
‘કે. એલ. સૈગલ અને પંકજ મલિકનાં ગીતો સાંભળીને હું ગળગળો થઈ જતો. મને દર્દભરી તરજો અત્યંત પ્રિય હતી, કારણ કે એમાં ભરપૂર મેલડી હોય. હું એક સંવેદનશીલ સંગીતકાર છું એટલે મારી તરજોમાં પણ એ દર્દ અભિવ્યક્ત થાય છે અને મને પણ એવી તરજો બાંધવાની મજા આવે છે. ‘આરપાર’ માટે ગુરુ દત્તે મને કહ્યું કે ‘તારી આ સ્ટાઇલ મારે બદલાવવી છે. મારે ઝૂમતું, નાચતું, થનગનતું સંગીત જોઈએ છે.’ તેમણે એ સમયની હૉલીવુડનાં અંગ્રેજી ગીતોની રકૉર્ડ્સ મને આપીને કહ્યું, ‘મારે આ પ્રકારનાં ગીતો જોઈએ છે. મારે એક નવો ઓ. પી. નૈયર જોઈએ છે જે કેવળ મેલડીને નહીં, રિધમને પણ એટલું જ પ્રાધાન્ય આપે.’
ઓ. પી. નૈયર સમક્ષ આ મોટો પડકાર હતો અને સમાધાન પણ. જે સંજોગોમાં આ ફિલ્મ મળી એ તેમની મજબૂરી સાથે જરૂરિયાત પણ હતી. એટલે ‘મરતા ક્યા ન કરતા’ ન્યાયે મને-કમને તેમણે ગુરુ દત્તની વાત માનવી પડી.
પોતાની વાતને આગળ વધારતાં ઓ. પી. નૈયર મને કહે છે, ‘પશ્ચિમના સંગીત માટે મને બહુ આકર્ષણ નહોતું. હું એ સાંભળતો પણ ઓછું. જોકે એનું સંગીત અને ખાસ કરીને રિધમ મને સ્પર્શી ગઈ. બિંગ ક્રોસબીના ‘ઝિંગ ઝિંગ ઝિંગ સૉન્ગ વિથ મી’ પરથી મેં ‘સુન સુન સુન ઝાલિમા’ની ધૂન બનાવી. ક્યુબન ગીતકાર ઓસવાલડોસ ફેરસના ‘ક્વિઝાસ, કવિઝાસ,’ની ધૂન પરથી પ્રેરિત ‘બાબુજી ધીરે ચલના’ની ધૂન બની છે. એ સિવાય બીજાં ગીતોમાં પણ મને એ સમયના સંગીતમાંથી પ્રેરણા મળી છે. અમે સંગીતકારો ક્યાંક ને ક્યાંકથી પ્રેરણા લઈને, પ્રભાવિત થઈને ધૂનો બનાવતા હોઈએ છીએ. બહુ ઓછા લોકો મારી જેમ એની ખુલ્લા દિલે કબૂલાત કરશે.’
ગુરુ દત્તની સંગીતની આગવી સૂઝબૂઝને કારણે ઓ. પી. નૈયરનો કાયાકલ્પ થયો અને એ પછી તેઓ સંગીતની દુનિયામાં છવાઈ ગયા. કેવળ સંગીત જ નહીં, ફિલ્મમેકિંગનાં અનેક પાસાંઓમાં ગુરુ દત્ત પાસે એક આગવી દૃષ્ટિ હતી. ગીતકાર મજરૂહ સુલતાનપુરી એક ઇન્ટરવ્યુમાં એની વાત કરતાં કહે છે, ‘મેં ‘આરપાર’ માટે એક ગીત લખ્યું જેના શબ્દો હતા, ‘સુન સુન સુન સુન ઝાલિમા, પ્યાર મુઝકો તુઝસે હો ગયા...’ ગુરુ દત્ત મને કહે, ‘આમાં થોડો ફેરફાર કરીને ‘પ્યાર હમકો તુમસે હો ગયા’ લખશો તો વધારે સાહજિક લાગશે.’ મેં કહ્યું કે આ વ્યાકરણની દૃષ્ટિએ ખોટું છે. તમે ‘તુમસે’ ત્યારે જ લખી શકો જ્યારે બહુવચન ‘સુનો સુનો’ લખ્યું હોય તો. મને યાદ છે કઈ રીતે તેમણે મને સમજાવ્યો. ‘અરે યાર મજરૂહ, છોડને આ બધી માથાકૂટ. ગીત સાંભળવાની અને જોવાની ચીજ છે. પ્રેક્ષકો થોડા વ્યાકરણની ભાંજગડમાં પડવાના છે? તેમને તો બસ મજા આવવી જોઈએ.’ તેમની વાત સાચી હતી. ભલે એમાં ભૂલ હતી, પરંતુ આ ગીત અત્યંત લોકપ્રિય થયું.’
ગીતોનાં ફિલ્માંકન કરવાની ગુરુ દત્તની સ્ટાઇલમાં એક નવી તાજગી હતી. પછીથી ઘણા સર્જકોએ એનું અનુકરણ કર્યું, પરંતુ શરૂઆત ગુરુ દત્તે કરી એની નોંધ લેવી જોઈએ. તેમની આ કાબેલિયતમાં સાતત્ય હતું. તેમની ફિલ્મોનાં ગીતનો ટેમ્પો ભલે સ્લો હોય કે ફાસ્ટ, એમાં એક એવી ઇમ્પૅક્ટ હતી કે પ્રેક્ષકો પર એની ધારદાર અસર પડતી. એ સમયે ગીતોનું ફિલ્માંકન મોટા ભાગે સ્ટુડિયોમાં સેટ પર કરવામાં આવતું. ગુરુ દત્ત કંઈક નવું કરવા માગતા હતા. દિવસો સુધી ગીતોનાં લોકેશન્સ માટે તેઓ વિચારતા અને ફાઇનલી એવું લોકેશન પસંદ કરતા જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. ‘કભી આર કભી પાર લાગા તીરે નઝર’ એક રોમૅન્ટિક ગીત હતું જે કોઈ બાગબગીચામાં નહીં, પણ એક કન્સ્ટ્રક્શન સાઇટ પાસે શૂટ કરવામાં આવ્યું. એવી જ રીતે ‘સુન સુન સુન સુન ઝાલિમા’ એક ગૅરેજમાં અને ‘એ લો મૈં હારી પિયા’ ટૅક્સીમાં શૂટ કરવામાં આવ્યાં હતાં.
ગુરુ દત્તની ફિલ્મની એક નોંધપાત્ર ખાસિયત એ હતી કે એમાં કોઈ પણ પાત્ર ગીત ગાઈ શકે. તેમની ફિલ્મોનાં અમુક ગીત એવાં પાત્રો પર ફિલ્માંકન થયાં છે જેમને વાર્તા સાથે કોઈ લેવાદેવા ન હોય. ‘આરપાર’માં ‘કભી આર કભી પાર’ ગીત એક મજૂર બાઈ (કુમકુમ) પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું જે પછીથી પડદા પર દેખાઈ જ નહીં. ‘આરપાર’માં હીરો-હિરોઇન પર નહીં, પરંતુ સાઇડ કૅરૅક્ટર્સ ભજવતા કૉમેડિયન જૉની વૉકર અને નૂર (અભિનેત્રી શકીલાની બહેન, જેનાં લગ્ન પછીથી જૉની વૉકર સાથે થયાં) પર ફિલ્માંકન કરેલું ‘ના ના ના ના તૌબા’ પણ અત્યંત લોકપ્રિય થયું હતું.
ફિલ્મનું ‘બાબુજી ધીરે ચલના’ એક ક્લબ-સૉન્ગ છે. ગીતા દત્તના માદક સ્વરમાં આ ગીત જે રીતે અભિનેત્રી શકીલા પર ફિલ્માંકન થયું છે એ બતાવે છે કે ગુરુ દત્ત પાસે ફિલ્મનાં ‘વિઝ્યુઅલ્સ’ને સમજવાની માસ્ટરી હતી. એ સમયે જે રીતે ક્લબ-સૉન્ગ્સ ચીલાચાલુ રીતે રજૂ કરવામાં આવતાં એનાથી અલગ જ રીતે આ ગીત શૂટ કરવામાં આવ્યું હતું. ગુરુ દત્ત એક ‘હાર્ડ ટાસ્ક માસ્ટર’ હતા. શકીલા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘આ ગીતના શૂટિંગ વખતે એક દૃશ્યમાં મારે જે ‘લુક’ આપવાનો હતો એ માટે ૪૦ રીટેક્સ આપવા પડ્યા હતા. ગુરુ દત્ત એક ‘પર્ફેક્શનિસ્ટ’ હતા. કામની બાબતમાં તેઓ કોઈ પણ જાતનું સમાધાન ન કરે.’
‘આરપાર’ની સફળતાને કારણે ઇન્ડસ્ટ્રીનો ગુરુ દત્ત સામે જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. પ્રોડ્યુસર, ડિરેક્ટર અને અભિનેતા; ત્રણ ક્ષેત્રે એકલા હાથે કામ કરી ગુરુ દત્તે એક વાત પુરવાર કરી કે તેઓ એક હોનહાર કલાકાર છે. જોકે અમુક વાંકદેખા વિવેચકોએ એમ કહ્યું કે ગીતા દત્તના બળવાન ગ્રહોની આ કમાલ છે. પ્રોફેશનલી ગુરુ દત્ત અને ગીતા દત્તની જોડી એક સુપરહિટ જોડી બની ગઈ હતી. ‘આરપાર’ની સફળતાની ખુશી બેવડાઈ ગઈ જ્યારે ૧૯૫૪ની ૯ જુલાઈએ દત્ત પરિવારમાં પુત્રજન્મ થયો. હવે ગીતા દત્ત પુત્ર તરુણની દેખભાળમાં વ્યસ્ત થઈ ગઈ અને ગુરુ દત્ત નવી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા.