30 June, 2024 02:37 PM IST | Mumbai | Raj Goswami
લોકસભાની બહાર બંધારણની પૉકેટ-બુક સાથે વિપક્ષી ગઠબંધનના સંસદસભ્યો.
૧૮મી લોકસભાની અપસેટ સર્જનારી ચૂંટણી પછી એનું પહેલું સત્ર ગયા સોમવારે શરૂ થયું. અપેક્ષા મુજબ વિપક્ષોના ઉત્સાહને કારણે પહેલો જ દિવસ નોંધપાત્ર હતો. ચૂંટણીમાં BJPની બહુમતી પર બ્રેક મારીને જોશમાં આવેલા વિરોધી સંગઠન INDIAએ હાથમાં દેશના બંધારણની લાલ પૉકેટ-બુક સાથે ગૃહમાં પ્રવેશ કર્યો હતો. એ દૃશ્ય મનોહર હતું. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની સભાઓમાં લાલ પૉકેટ-બુક બતાવીને પ્રચાર કર્યો હતો કે તેમની લડાઈ બંધારણ બચાવવાની છે.
સમાજવાદી પાર્ટી સાથે પણ આવું જ ચિત્ર જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટી માટે સોમવારનો દિવસ બંધારણને સમર્પિત હતો. પાર્ટીના તમામ ૩૭ સંસદસભ્યો બંધારણની નકલ લઈને સંસદમાં પહોંચ્યા હતા અને દરેક પ્રસંગે આ નકલ તેમના હાથમાં જોવા મળતી હતી. પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે અમે બંધારણ લઈને ચાલી રહ્યા છીએ જેથી એ સંદેશ આપી શકાય કે બંધારણને નુકસાન ન પહોંચાડી શકાય, જે સત્તાધારી પક્ષ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
નવી લોકસભા મળી ત્યારે વિપક્ષોએ એ જ પ્રતીકનું પ્રદર્શન કર્યું. વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ સંસદની બહાર બંધારણની પૉકેટ-બુક હાથમાં રાખીને કૂચ કરી હતી અને અંદર ગૃહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે સંસદસભ્ય તરીકે શપથ લીધા ત્યારે પણ વિપક્ષોએ તેમને લાલ ચોપડી બતાવી હતી. શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જ્યારે શપથ લીધા ત્યારે તેમને રાષ્ટ્રીય પરીક્ષાનો ફિયાસ્કો યાદ કરાવવા માટે વિપક્ષી સભ્યોએ ‘નીટ... નીટ...’ના નારા લગાવ્યા હતા.
વડા પ્રધાને તેમના સંબોધનમાં વિપક્ષના આ પ્રતીકાત્મક વિરોધના જવાબમાં કૉન્ગ્રેસને એની ૧૯૭૫ની કટોકટી યાદ કરાવી હતી અને કહ્યું હતું કે જે લોકોએ દેશમાં કટોકટી લાદીને લોકતંત્રની હત્યા કરી હતી તેમણે બંધારણ માટે પ્રેમનો દેખાડો કરવાની જરૂર નથી.
મંગળવારે કટોકટીને પચાસમું વર્ષ બેઠું એનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે એ લોકો આજે દેખાડો કરીને બંધારણ માટેની નફરતને છુપાવી રહ્યા છે, પણ દેશે તેમની હરકત જોઈ લીધી છે અને એટલે જ આ વખતે ચૂંટણીમાં તેમને જાકારો આપ્યો છે. કટોકટીને લોકશાહી પર કાળો ડાઘ ગણાવતાં તેમણે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા કહ્યું કે ભારતમાં કોઈ પણ ફરી ક્યારેય આવું પગલું ભરવાની હિંમત ન કરે.
બંધારણની પૉકેટ-બુકનું પ્રદર્શન જો એક મનોહર દૃશ્ય હતું તો બીજું મનોહર દૃશ્ય ગૃહની અંદરની બેઠક-વ્યવસ્થા હતી. પહેલા દિવસે INDIAના સંસદસભ્યો જે રીતે બેઠા હતા એની એક તસવીર ચર્ચામાં રહી હતી. વિપક્ષના સભ્યો ગૃહમાં બેઠા ત્યારે તેમની સૌથી પહેલી હરોળમાં સફેદ ટી-શર્ટમાં રાહુલ ગાંધી સમાજવાદી લાલ ટોપીવાળા અખિલેશ યાદવ સાથે બેઠા હતા. INDIAની એકતાનું એ પ્રમાણ હતું.
બાકી હોય એમ અખિલેશે તેમની બાજુમાં અયોધ્યા વિધાનસભાની બેઠક જેના અંતર્ગત આવે છે એ ફૈઝાબાદના સંસદસભ્ય અવધેશ પ્રસાદને બેસાડ્યા હતા. અખિલેશ જ્યારે વિધાનસભાના સભ્ય હતા ત્યારે પણ અવધેશ પ્રસાદને તેમની બાજુમાં બેસાડતા હતા, પરંતુ લોકસભામાં વિપક્ષી પાટલીઓ પર સૌથી પહેલી હરોળમાં તેમને બાજુમાં બેસાડવાનું એક અલગ જ મહત્ત્વ હતું.
રાહુલ ગાંધી વિપક્ષી નેતા
એક બીજી નોંધપાત્ર ઘટના લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની વરણી હતી. મંગળવારે કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને INDIAના નેતાઓની બેઠક બાદ પાર્ટીએ આ જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીએ આ બાબતે પ્રો-ટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખ્યો હતો.
રાહુલ તેમની ૨૦ વર્ષની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત બંધારણીય પદ સંભાળશે. તેઓ આ પદ પર બિરાજમાન થનારા ગાંધી પરિવારના ત્રીજા સભ્ય હશે. તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ ૧૯૮૯-’૯૦ સુધી અને માતા સોનિયા ગાંધીએ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી આ પદ સંભાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલને આખરી લોકસભામાંથી સુરતની કોર્ટમાં માનહાનિના એક કેસના ચુકાદા બાદ સભ્યપદેથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. હવે તેમણે બમણા જોરથી વાપસી કરી છે.
લોકસભામાં વિપક્ષના નેતાનું પદ ૧૦ વર્ષથી ખાલી હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં કોઈ પણ વિપક્ષી દળ પાસે જરૂરી ઓછામાં ઓછા ૧૦ ટકા સભ્યો નહોતા. વિપક્ષના નેતાપદ માટે દાવો કરવા માટે કોઈ પણ પક્ષે કુલ ૫૪૩માંથી ૫૫ સભ્યોનો આંકડો પાર કરવો પડે છે. ૨૦૨૪ની ચૂંટણીમાં કૉન્ગ્રેસ ૯૯ બેઠકો સાથે સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની ગઈ છે એટલે વિપક્ષી નેતાપદ પર એનો અધિકાર બન્યો છે.
વિપક્ષના નેતા તરીકે રાહુલને ઘણી સત્તાઓ મળશે. તેઓ ચૂંટણીપંચના મુખ્ય કમિશનર અને અન્ય બે સભ્યોની પસંદગી કરતી પૅનલમાં વડા પ્રધાનની સાથે બેસશે. તેઓ લોકપાલ, ED-CBIના ડિરેક્ટર, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનર અને નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના વડાની પસંદગી સમિતિના સભ્ય પણ રહેશે. વડા પ્રધાન આ સમિતિઓના અધ્યક્ષ છે. વડા પ્રધાન મોદીએ આ પદો પર નિમણૂકો વિશેના નિર્ણયો માટે રાહુલ ગાંધીની સંમતિ લેવી પડશે.
રાહુલ ગાંધી ભારત સરકારના ખર્ચનું ઑડિટ કરતી પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ પણ રહેશે. તેઓ રાજ્ય સરકારની કામગીરીની પણ સમીક્ષા કરશે. રાહુલ રાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે અન્ય દેશોના રાષ્ટ્રપતિઓ અથવા વડા પ્રધાનોને પણ ભારતમાં આમંત્રિત કરી શકે છે.
રાહુલ INDIAને મજબૂત અને આક્રમક રાખવા માટે તેમના સહયોગી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મહત્ત્વની જવાબદારી આપે એવી શક્યતા છે. વિપક્ષના નેતા બનતાં જ તેમનો અભિગમ બદલાવા લાગ્યો છે. ગૃહમાં તે આત્મવિશ્વાસથી ભરપૂર નજર આવ્યા હતા.
વિપક્ષના નેતાની જાહેરાત થતાં જ રાહુલ ગાંધીનો ચહેરો ખીલી ઊઠ્યો. તેમણે પહેલાં પોતાના હૃદય પર હાથ મૂક્યો અને પછી હાથ જોડીને બધાનો આભાર માન્યો. કૉન્ગ્રેસનાં સૂત્રોનું માનવું છે કે રાહુલ ગાંધી ગૃહમાં વિપક્ષના મજબૂત અવાજ તરીકે ઊભરી આવશે. તેઓ ગૃહમાં સામાન્ય લોકોનો અવાજ મજબૂત રીતે ઉઠાવશે. કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ૧૮મી લોકસભામાં હવે દેશની છેલ્લામાં છેલ્લી વ્યક્તિની આકાંક્ષાઓ સાચી રીતે પ્રતિબિંબિત થશે.
લોકસભાના સ્પીકરની ચૂંટણી
લોકસભામાં આ વખતે કેવા તડાકા-ભડાકા થવાના છે એનો સંકેત સત્રના બીજા જ દિવસે મળી ગયો હતો, જ્યારે INDIAએ ગૃહના ડેપ્યુટી સ્પીકરપદ પર પોતાનો અધિકાર બતાવીને અધ્યક્ષની નિમણૂકમાં સત્તાધારી BJPને સમર્થન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
રાહુલ ગાંધીએ તો એ મુદ્દે વડા પ્રધાનની પણ ટીકા કરી હતી જેમનું અખબારોમાં એક બયાન પ્રગટ થયું હતું કે ચૂંટણી બહુમતી માટે હોય છે, પણ સંસદ સહકાર માટે હોય છે. રાહુલે કહ્યું હતું કે વડા પ્રધાન બોલે છે એવું કરતા નથી.
સત્તાપક્ષના વરિષ્ઠ નેતા અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને વિનંતી કરી હતી કે સ્પીકરપદ માટે તેમના ઉમેદવારને વિપક્ષ સમર્થન આપે. ખડગેજીએ ત્યારે કહ્યું હતું કે અમે સ્પીકરને સમર્થન આપવા તૈયાર છીએ, પરંતુ લોકસભાની પરંપરા એવું કહે છે કે ડેપ્યુટી સ્પીકર વિપક્ષ તરફથી હોવો જોઈએ.
આ મુદ્દે રાજનાથજીએ ખડગેને એવું કહ્યું હતું કે તેઓ તેમને પછીથી વળતો ફોન કરશે. રાહુલે કહ્યું, ‘પછી એ ફોન આવ્યો નથી જેનો અર્થ એ થયો કે BJP ડેપ્યુટી સ્પીકરપદ માટે સહકાર આપવા તૈયાર નથી. આ બતાવે છે કે વડા પ્રધાન બોલે છે કંઈક અને તેમની સરકાર કરે છે કંઈક બીજું.’
આમ સ્પીકરપદ માટે સરકાર અને વિપક્ષ વચ્ચે સહમતી ન થઈ. પરિણામે એના માટે મતદાન કરવું પડ્યું. એના માટે સરકાર તરફથી ઓમ બિરલા અને વિપક્ષ તરફથી ગૃહના સૌથી જૂના સભ્ય કૉન્ગ્રેસના કે. સુરેશ ઉમેદવાર હતા.
જોકે બહુમતીના જોરે ઓમ બિરલા સ્પીકરપદે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ એ સાથે દેશમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તૂટી હતી. હકીકતમાં પ્રથમ લોકસભાના સત્રને બાદ કરતાં નીચલા ગૃહના સ્પીકરની અત્યાર સુધી સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે. જોકે આ વખતે બન્ને પક્ષોના ઉમેદવારોનાં નામાંકન સાથે આ પદ માટે સર્વસંમતિથી ચૂંટણીની પરંપરા જે છેલ્લાં ૧૬ લોકસભાથી ચાલી રહી હતી એ તૂટી ગઈ.
પ્રથમ લોકસભાના સ્પીકરની ચૂંટણી ૧૫ મે, ૧૯૫૨ના રોજ થઈ હતી. આ ચૂંટણીમાં જી. વી. માવળંકર સત્તાધારી પક્ષના ઉમેદવાર હતા. તેમને શંકર શાંતારામ મોરે સામે ઉતારવામાં આવ્યા હતા. માવળંકરની તરફેણમાં ૩૯૪ અને વિરુદ્ધમાં પંચાવન મત પડ્યા હતા. સ્વતંત્રતા પછી માવળંકર લોકસભાના પ્રથમ સ્પીકર હતા.
લોકસભા આક્રમક રહેવાની છે
સ્પીકરની ચૂંટણી એક સંકેત છે કે લોકસભામાં વિપક્ષ કેટલી હદ સુધી આક્રમક રહેશે. વિપક્ષે એની શક્તિ અને નિર્ધારનું પ્રદર્શન કરવા માટે જ સ્પીકરની ચૂંટણી કરવાની ફરજ પાડી હતી. એ નોંધવું જરૂરી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ, જે પરંપરાગત રીતે વિપક્ષના સંસદસભ્યને આપવામાં આવતું હતું, એ છેલ્લી લોકસભામાં ખાલી હતું. એ પહેલાં સોળમી લોકસભામાં BJPએ એના સહયોગી AIADMKના એમ. થમ્બીદુરાઈને આ પદ આપ્યું હતું. એવું લાગે છે કે આ વખતે એ સરકારના સહયોગી TDP અથવા JD-Uના ફાળે જશે.
કૉન્ગ્રેસ ઉપરાંત SP, TMC અને DMK જેવા INDIAના ભાગીદારોએ પણ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. એકંદરે છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓ કરતાં આ વખતે વિપક્ષની સંખ્યા અને એકતા વધુ મજબૂત જોવા મળી રહી છે. એની અસર લોકસભાની કાર્યવાહીમાં જોવા મળશે.
આ સત્રમાં કેટલાક વિશેષ મુદ્દાઓ છે જે પક્ષ-વિપક્ષને પ્રભાવિત કરશે. જેમ કે પ્રથમ છે બંધારણનું સન્માન, બીજો છે નીટનો ફિયાસ્કો, ત્રીજો છે સામાન્ય માણસનાં દુઃખ-દર્દ, ચોથો છે ભ્રષ્ટાચાર અને પાંચમો છે કટોકટી. સંસદનું સત્ર આ મુદ્દાઓથી ભરેલું રહેશે.
એક વિડિયો-સંદેશમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને વચન આપ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે પરીક્ષાનો મુદ્દો ઉઠાવશે અને સરકાર પાસેથી જવાબ માગશે. બધાં રાજ્યોના વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ મુલતવી રાખવા અને રદ કરવા સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. ડાર્ક વેબ પર પેપર લીક થવાના સમાચારથી વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી ગયો છે. વિપક્ષ પાસે સરકારને ઘેરવાનો મજબૂત મોકો છે.