મમ્મી બન્યા પછી ફિટ રહેવું હોય તો ત્રણ વીકમાં રૂટીનમાં આવી જજો

13 December, 2022 04:09 PM IST  |  Mumbai | Varsha Chitaliya

માતા બન્યા પછી આલિયા ભટ્ટે એક મહિનામાં જિમમાં જવાનું શરૂ કરી દેતાં તેના ચાહકોને આશ્ચર્ય થયું છે.

આલિયા ભટ્ટ

માતા બન્યા પછી આલિયા ભટ્ટે એક મહિનામાં જિમમાં જવાનું શરૂ કરી દેતાં તેના ચાહકોને આશ્ચર્ય થયું છે. ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલી મહિલાઓ ડિલિવરી પછી તરત શેપમાં આવવા કમર કસવા લાગે છે જ્યારે આપણે ત્યાં પ્રસૂતિ બાદ માતાને સવા મહિનો આરામ આપવાની પ્રથા છે. આઇડિયલી શું કરવું જોઈએ એ નિષ્ણાત પાસેથી સમજીએ

તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું હોવાથી હવે ટાંકા પાકશે કે ઇન્ફેક્શન થશે જેવી સમસ્યાઓ બહુ નથી થતી એને કારણે હવે ડિલિવરી પછી રિકવરી ઝડપથી 
આવે છે. 

માતા બન્યા પછી સ્ત્રીના શરીરમાં જોવા મળતા ફેરફાર કુદરતી પ્રક્રિયા છે. ડિલિવરી બાદ પહેલાં જેવું ફિગર મેળવવું લગભગ શક્ય નથી હોતું, પરંતુ શરીર સુડોળ રહે એ જરૂરી છે. અગાઉ જુદી-જુદી માન્યતાઓના કારણે ડિલિવરી બાદ કેટલાક મહિનાઓ સુધી માતાને સદંતર આરામ આપવામા આવતાં શરીર ફૂલી જતું હતું. આજની મૉડર્ન મમ્મીઓ આ બાબત ઘણી સભાન છે. હાલમાં જ મમ્મી બનેલી આલિયા ભટ્ટ ડિલિવરીના એક મહિનામાં પોતાના રૂટીનમાં આવી ગઈ છે. યોગ સેશન માટે જિમમાં આવેલી અભિનેત્રીની તસવીર જોઈને યુઝર્સને આશ્ચર્ય થયું હતું તો ઘણા ફૅન્સ આલિયાની ફિટનેસ જોઈને મોટિવેટ થયા હતા. ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલી મહિલાઓ પોસ્ટ પ્રેગ્નન્સી તરત જ શરીરને શેપમાં લાવવા કમર કસવા લાગે છે જ્યારે આપણે ત્યાં આજેય પ્રસૂતિ બાદ માતાને આરામ આપવાની પ્રથા ચાલી આવે છે. આઇડિયલી શું કરવું જોઈએ એ નિષણાત પાસેથી સમજીએ.

ફિઝિયોથેરપી લેવી

ગર્ભાવસ્થા અને સુવાવડ દરમ્યાન જે શારીરિક પરિવર્તન જોવા મળે છે એમાં હૉર્મોનની મુખ્ય ભૂમિકા છે. હૉર્મોન ઇમ્બૅલૅન્સ વધી ગયેલા વજનને ઉતારવામાં રુકાવટ પેદા કરે છે તેથી શરૂઆતથી હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝને ફોકસમાં રાખવાં જોઈએ એવું મૉડર્ન સાયન્સ કહે છે. આ સંદર્ભે જાણકારી આપતાં ખારઘરની મધરહૂડ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરભિ સિદ્ધાર્થ કહે છે, ‘કમ્પ્લીટ બેડ રેસ્ટની જરૂર હોતી નથી. હૉસ્પિટલમાં ફિઝિયોથેરપિસ્ટના માર્ગદર્શનમાં બીજા દિવસથી જ પગ અને ખભાની મૂવમેન્ટ માટે એકદમ હળવી કસરત કરાવવામાં આવે છે, જેથી દુખાવો ઓછો થાય. પેશન્ટને ફિઝિયોથેરપી લેવાની ખાસ ભલામણ કરીએ છીએ. થેરપી લેવાથી ભવિષ્યમાં બૅકપેઇન થવાની શક્યતા ઘટી જાય છે. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ઘરમાં ધીમે-ધીમે પાંચથી દસ મિનિટ ચાલવું જોઈએ. ત્રણ અઠવાડિયાં બાદ ઘરની બહાર જઈને વૉક કરી શકે છે. એક મહિના બાદ ફિટનેસ એક્સપર્ટ અથવા ડૉક્ટરની સલાહથી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી શકાય. એક્સરસાઇઝ કરવાથી શરીરમાં રિલૅક્સિન નામનું હૉર્મોન રિલીઝ થાય જે પોસ્ટ પ્રેગ્નન્સી ફાસ્ટ રિકવરીમાં હેલ્પ કરે છે. પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ પણ મહત્ત્વની છે. યાદ રાખો, મસલ્સ ટૉનિંગ માટે તેમ જ રૂટીન લાઇફમાં આવવા માતાએ માત્ર હળવી કરસત કરવાની છે, ડાયટિંગ નહીં. ધાવતું બાળક હોય ત્યારે માતાને વધુ માત્રામાં કૅલરીની જરૂર પડે છે તેથી પર્યાપ્ત આહાર લેવો. અન્યથા મિલ્ક પ્રોડક્શન ઘટી જશે. એક્સરસાઇઝ રિકવરી માટે કરવાની છે, ફિગર મેઇન્ટેઇન કરવાનો કે વજન ઘટાડવાનો હેતુ ન હોવો જોઈએ.’ 

ટેક્નિકલી રક્તસ્રાવ બંધ થયા પછી માતાએ વર્કઆઉટ સ્ટાર્ટ કરવું જોઈએ એવી વાત કરતાં ફિટનેસ એક્સપર્ટ ઍન્ડ ડાયટિશ્યન વર્તિકા મહેતા કહે છે, ‘માતા અને બાળકની સુખાકારી માટે પૂરતો આરામ જરૂરી છે. આયુર્વેદ મુજબ, ગર્ભાવસ્થા પછી અપાનવાયુ ટોચ પર હોય છે. ગૅસ થવાની શક્યતા વધુ રહે છે તેથી પેટને મલમલના કપડા અથવા કૉટનની સાડીથી બાંધવું જોઈએ. વાત ઓછો થતાં સ્નાયુઓ સારી રીતે કામ કરે છે. જો માતાને તબિયત ઠીક લાગે તો અઠવાડિયા બાદ ચાલવાનું શરૂ કરી શકે છે. પ્રસૂતા માટે યોગ શ્રેષ્ઠ વ્યાયામ છે. અનુલોમ વિલોમ, શીતકારી, ભ્રામરી જેવા પ્રાણાયામથી ફાયદો થાય છે. માતાની આગળની જર્નીને સરળ બનાવવા, સકારાત્મક વિચારો અને મેલાટોનિનનું ઉત્પાદન વધારવામાં મેડિટેશન મદદ કરે છે. મેડિટેશનથી ઊંઘ સારી આવતાં ઝડપથી રિકવરી થાય છે. સી સેક્શનમાં નિષ્ણાતના માર્ગદર્શન વગર એક્સરસાઇઝ ન કરવી.’

માન્યતાઓનાં કારણો

પ્રસૂતિ બાદ ૪૫ દિવસ સુધી માતાએ ઘરની બહાર ન નીકળવું જોઈએ એવી માન્યતા પાછળ કારણો હતાં. અગાઉ ડિલિવરી બાદ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘણી વધારે રહેતી તેથી માતા અને બાળકની કાળજી માટે તેમને સંપૂર્ણ આરામ આપવામાં આવતો હતો. ટાંકા તૂટી જવાના ભયથી ઘણી મહિલાઓ છ મહિના આરામ કરે છે. તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી જતાં હવે એવી જરૂર નથી રહી, પરંતુ આજે પણ નેવું ટકા મહિલાઓ જૂની માન્યતાઓને વળગી રહે છે એવી વાત કરતાં ડૉ. સુરભિ કહે છે, ‘પશ્ચિમના દેશોની મહિલાઓ હંમેશાંથી જાગૃત રહી છે. આપણા દેશમાં આજથી થોડાં વર્ષો પહેલાં સોમાંથી એક મહિલા આલિયાની જેમ વહેલી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતી હતી. હવે દસ મહિલાઓ સભાન થઈ છે. તબીબો જાગૃતિ લાવવાના પ્રયાસો કરી જ રહ્યા છે. સેલિબ્રિટીઝથી ઇન્સ્પાયર્ડ થઈને આ રે​શિયો વધે તો સારી વાત છે.’

પ્રસૂતિ બાદ સંકોચાઇ ગયેલા ગર્ભાશયને એના સ્થાને આવતાં ૩૦થી ૪૫ દિવસનો સમય લાગતો હોવાથી આટલો સમય માતાને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે એમ જણાવતાં વર્તિકા કહે છે, ‘પ્રસૂતિ બાદ થાકેલા શરીરને આરામ મળે તેમ જ માતા અને બાળક વચ્ચે બૉન્ડિંગ વધે એ માટે પૂરતો સમય આપવો જોઈએ. સ્તનપાન માટે ઍડજેસ્ટ થવામાં પણ માતાને વાર લાગે છે તેથી શરીર પાસેથી વધુ કામ ન લેવું. સ્ટ્રેસ એ ઇમ્યુનોસપ્રેસન્ટ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. ગર્ભાવસ્થા પછી માતાએ ઘણી બધી શારીરિક અને માનસિક ગોઠવણો કરવાની હોય છે. સ્ત્રીના જીવનમાં અને શરીરમાં ફેરફારોની સાથે વધારાની જવાબદારી ઉપાડવાની હોય એનો સ્ટ્રેસ માનસિક રીતે અપસેટ સર્જે છે. માતા બન્યા બાદ સ્ત્રીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે તેથી મારા મતે દરેક માતાએ પોતાના શરીર અને મનના સંકેતોને સમજીને નિર્ણય લેવો જોઈએ.’

ડિલિવરીના બીજા દિવસથી જ પગ અને ખભાની મૂવમેન્ટ માટે હળવી કસરત કરાવવામાં આવે છે, જેથી દુખાવો ઓછો થાય. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ઘરમાં ધીમે-ધીમે પાંચથી દસ મિનિટ ચાલવું જોઈએ. ત્રણ અઠવાડિયાં બાદ ઘરની બહાર જઈને વૉક કરી શકે છે. : ડૉ. સુરભિ સિદ્ધાર્થ

હેલ્ધી ડાયટ

પ્રસૂતિ બાદ સામાન્ય આહારની સાથે વિશેષમાં શું લેવું જોઈએ એની જાણકારી આપતાં વર્તિકા મહેતા કહે છે, ‘પ્રસૂતિ પછીના ત્રણેક દિવસ માતાની ભૂખના આધારે ઘી, અજમો, મેથી અને ગોળ સાથેનો પ્રવાહી ખોરાક લેવો જોઈએ. ચોખાની કાંજી અને ઘઉંના લોટની રાબ લઈ શકાય. ઘન પદાર્થોનું સેવન સંપૂર્ણપણે માતાની પસંદગી અને નક્કર ખોરાક ખાવાની ઇચ્છા પર આધારિત છે, પરંતુ સ્તનપાન માટે પ્રવાહી મહત્ત્વપૂર્ણ કહેવાય. પ્રથમ ૧૫ દિવસ માટે ઘઉંનો લોટ, ઘી, ગોળ, નારિયેળ અને ગુંદર સાથે સૂંઠનો આહારમાં સમાવેશ કરવો. અજમાનું પાણી પીવું, જેથી ગૅસની સમસ્યામાં રાહત થાય. ત્રણ અઠવાડિયાં રાત્રે સૂતાં પહેલાં પીપરીમૂળ સાથે દૂધ પીવું. પીપરીમૂળનું સેવન કર્યા બાદ ઓઢીને સૂવું, જેથી પરસેવા વાટે ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય. પ્રસૂતિ બાદ કબજિયાત, એનીમિયા, નબળાઈ, થાક વગેરે સામાન્ય સમસ્યાઓમાં આહારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. લીલાં પાંદડાંવાળાં શાકભાજી, દાળ અથવા કઠોળ, સૂપ, રોટલી, ભાત અથવા ખીચડી અને છાશ સાથે સંતુલિત અને પચવામાં હળવો આહાર લેવો જોઈએ.’

columnists health tips alia bhatt Varsha Chitaliya