21 February, 2023 05:23 PM IST | Mumbai | Sejal Patel
વિટામિન સી સિરમ વાપરો છો? તો આટલું વાંચી લો
સિરમ આજકાલ ટ્રેન્ડમાં છે. ચોક્કસ સ્કિન ન્યુટ્રિઅન્ટ્સથી બનેલાં આ સિરમ ત્વચા માટે ઇન્સ્ટન્ટ અને ડાયરેક્ટ પોષણ પૂરું પાડનારાં માધ્યમ છે. અલબત્ત, આ પોષણ લોહીમાંથી ડાયરેક્ટ મળતું નથી એટલે સિરમને કારણે આવેલી અસર લાંબો સમય ટકે એ જરૂરી નથી. એ જ કારણોસર સિરમનો ઉપયોગ તમારે રેગ્યુલર બેસિસ પર કરવો જરૂરી છે. ઍન્ટિ-એજિંગ માટે મિડલ-એજેડ મહિલાઓમાં સૌથી વધુ વિટામિન સીવાળું સિરમ વપરાતું આવ્યું છે. એ ડલ ત્વચાને થોડીક શાઇન આપવાનું કામ પણ કરે છે. જોકે તમને ખબર છે વિટામિન સીની એક બૉટલ તમે લઈ આવો એ પછી એ કેટલો સમય અસરકારક રહે છે? નવી મુંબઈનાં જાણીતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. તન્વી વૈદ્ય આ બાબતે પ્રકાશ પાડતાં કહે છે કે, ‘વિટામિન સી ખૂબ જ નૉટોરિયસ એલિમેન્ટ છે. ઉડ્ડયનશીલ હોવાને કારણે એમાં ઑક્સિડેશનની પ્રક્રિયા પણ સતત થતી રહે છે, જેને કારણે એની પોટન્સી ઘટવા લાગે છે. એટલે જ તમે બૉટલ ખરીદીને લાવો અને એ પૂરી વપરાય ત્યાં સુધીમાં એમાંનું વિટામિન સી પૂરતું કારગર રહ્યું જ ન હોય એવું બની શકે છે.’
આ પણ વાંચો: ચહેરા પર ચમક અને કુમાશ લાવી દેશે આ આયુર્વેદિક તેલ
આ સિરમની શેલ્ફ-લાઇફ લાંબી રહે એ માટે કેટલીક ક્વિક ટિપ્સ જોઈ લઈએ.
૧. એમાં વિટામિન સીને સ્ટેબલ બનાવવા માટેનાં તત્ત્વો ઉમેરવામાં આવ્યાં હોય એ જરૂરી છે. માત્ર ઍસ્કોર્બિક ઍસિડ હશે તો એનાથી ત્વચાને નુકસાન પણ થઈ શકે છે.
૨. એમાં ફેરુલિક ઍસિડ એક ઘટક તરીકે અચૂક હોય એ એન્શ્યૉર કરવું.
૩. એની બૉટલ ઓપેક પૅકેજિંગ મટીરિયલવાળી હોવી જોઈએ. કાચની ટ્રાન્સપરન્ટ બૉટલ હશે તો એમાંથી પણ પ્રકાશનાં કિરણો સાથેની પ્રક્રિયા થવાની સંભાવનાઓ રહેશે, જે વિટામિન સીની પોટન્સી ઘટાડશે.
૪. મોટા ભાગનાં સિરમ ડ્રૉપર સિસ્ટમ સાથેનાં આવે છે. તમારે ઢાંકણું ખોલીને ડ્રૉપર કાઢવાનું અને એમાંથી સિરમ ચહેરા પર લગાવવાનું હોય છે. આ સિસ્ટમથી વિટામિન સીનું ઑક્સિડેશન થવાની પ્રક્રિયા ગતિમાન થઈ જાય છે. બૉટલનું ઢાંકણું જેટલી વાર તમે ખોલો છો એટલી વાર એની પોટન્સી ઘટે છે. એટલે ઍરલેસ પમ્પ જેવી સિસ્ટમ હોય એ બહેતર છે. એનાથી બહારની ઍર બૉટલમાં અંદર નહીં જાય અને ઑક્સિડેશન ઘટશે.
૫. સૌથી પહેલાં તો તમે વિટામિન સી સિરમની બૉટલ લાવો એટલે પૅચ ટેસ્ટ કરીને એ તમને સદે છે કે નહીં એ ચેક કરી લેવું. જો એ તમારી ત્વચાને માફક આવી જાય તો નિયમિત એનો વપરાશ કરવો. પંદર દિવસે એક વાર આ સિરમ વાપરવાથી એની ત્વચા પર કોઈ ખાસ અસર નહીં થાય.