ત્રિવેદી પરિવારની પાંચ પેઢીઓને સત્યના આગ્રહનો ગુણ મળ્યો છે

26 August, 2020 07:00 PM IST  |  Mumbai | Bhakti Desai

ત્રિવેદી પરિવારની પાંચ પેઢીઓને સત્યના આગ્રહનો ગુણ મળ્યો છે

ત્રિવેદી પરિવાર

મુલુંડમાં રહેનાર ૭૨ વર્ષનાં ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવનાર ઇન્દુમતી ત્રિવેદીના પરિવારમાં તેમના પતિ શશીકાંત, પુત્ર આશિષ, પુત્રવધૂ ચેતના, પૌત્રી ક્રિશિતા, વેદાંશી, પૌત્ર જીતાર્થ, નાના પુત્ર જિજ્ઞેશ, વહુ ખ્યાતિ અને પૌત્ર મિત્ર આમ દસ જણ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમની દીકરી દીપ્તિ જાની અને જમાઈ મુકેશનો પરિવાર કૅનેડામાં છે. તેમને હરિ અને આર્યાન આમ બે બાળકો છે.
‘જીવનમાં કરોડોનું નુકસાન થાય તો પણ ભોગવી લેવું, પણ અસત્યનો સહારો તો ન જ લેવો’ આવા દૃઢ વિશ્વાસ પર જિંદગી જીવનાર ઇન્દુમતીબહેનનું બાળપણ જૂનાગઢમાં વીત્યું અને લગ્ન થયા પછી તેઓ મુંબઈ આવ્યાં હતાં. ખૂબ ઓછી છોકરીઓ એટલી ભાગ્યશાળી હોય છે કે જેમનાં માતા-પિતા અને સાસુ-સસરાની વિચારધારા એકસરખી જ હોય છે. ઇન્દુમતીબહેન આમાંથી જ એક રહ્યાં છે. તેઓ આ વાતને લઈને કહે છે, ‘મારાં સાસુ-સસરા જ નહીં, પણ મારાં દાદીજી સાસુ પણ સત્ય બોલવાનાં જ આગ્રહી હતાં. જ્યારે હું પરણીને આવી ત્યારે તેઓ હયાત હતાં અને મને કહ્યું હતું કે કોઈ પણ ભૂલ થાય એ સ્વીકારવામાં મનમાં ક્ષોભ ન રાખતાં, પણ એક વાત છે કે એને ઢાંકવા ખોટું નહીં બોલતાં. આમ મારી નજર સમક્ષ આ પરંપરા અમારા પરિવારમાં પાંચ પેઢીથી ચાલી રહી છે. વારસો, સંસ્કૃતિ અને પરંપરામાં મિલકત અને રીતિ-રિવાજોને વધુ મહત્ત્વ હોય છે, પણ મારે હિસાબે બાળકોને પરિવાર તરફથી મળેલા સંસ્કાર જ તેમની વિચારધારાનું અને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે છે તો આવા ગુણોની ગણતરી વારસાગત દેણમાં કરવી વધુ જરૂરી છે.’
પોતાના જન્મથી લઈને બાળપણ સુધીની યાદોને વાગોળતાં ઇન્દુમતીબહેન કહે છે, ‘મારા બાપુજી ગાંધીજીની વિચારધારાને ખૂબ માનતા અને તેમણે ગાંધીજીના સત્યાગ્રહના સમયે છ મહિના મીઠું પણ નહોતું ખાધું. મારાં મમ્મી શાળામાં જઈ ભણ્યાં નહોતાં, પણ જ્ઞાની હતાં. અમે પાંચ ભાઈ અને ત્રણ બહેનો, પણ દરેકમાં ઉત્તમ વિચારોનું સિંચન તેમણે કર્યું હતું. સામાજિક, આર્થિક, સાહિત્ય આ વિષયોને તેઓ સંસ્કારમાં આવરી લેતાં અને આજે મને એમ થાય છે કે ભણતર અને ડિગ્રી વગર પણ જ્ઞાન તો મળી શકે છે અને એ વધુ જીવનોપયોગી હોય છે. ૧૭મા વર્ષે મારાં લગ્ન થયાં અને હું સાસરે આવી. અહીં અમારું કુટુંબ ખૂબ મોટું અને સાસુ-સસરાનો સ્વભાવ એટલો સારો કે જાણે મને બીજાં માતા-પિતા મળી ગયાં. આ પરિવાર પણ સદભાગ્યે સત્યનો આગ્રહી હતો જ હતો.’
ત્રિવેદી સભ્યોની ત્રણ પેઢીના સત્યના પ્રયોગો
જીવનમાં સત્યને લઈને અનેક પ્રસંગો છે, જેમાંથી એક કિસ્સા વિશે બીજી પેઢીના જિજ્ઞેશભાઈ કહે છે, ‘હું સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાત છે. મારા ઇતિહાસના શિક્ષકે મને પકડ્યો અને કહ્યું કે હું બાજુવાળા સાથે વાત કરતો હતો. વાત સાવ ખોટી હતી. મારા ઘરના સત્યના આગ્રહના સંસ્કારે મને દલીલ કરવા મજબૂર કર્યો અને મેં મારું સત્ય તેમની સામે મૂક્યું. તેમણે મને ધમકી આપી કે તેઓ મને આવનારી છ માસિક પરીક્ષામાં ઇતિહાસમાં નાપાસ કરશે. મેં કહ્યું વાંધો નહીં, પણ હું ખોટો આક્ષેપ તો નહીં જ સ્વીકારું. મેં મારાં મમ્મીને ઘરે જઈને કહ્યું કે ઇતિહાસમાં હું આ વખતે નાપાસ થઈશ. મમ્મી નવાઈ પામી ગઈ કે પરીક્ષા પહેલાં એક બાળક આવું કેમ કહે? મમ્મીને હકીકત કહી તો તેમણે શાબાશી આપી અને કહ્યું તું સાચું બોલે છેને તો કોઈ વાંધો નહીં. વધુમાં વધુ એક વર્ષ બગડશે. પેપરના ઓપન હાઉસમાં મેં જોયું કે મેં લખેલા સાચા જવાબના માર્ક્સ ટીચરે ન આપતાં મને નાપાસ કર્યો, મારા જીવનમાં પહેલી વાર હું ફેલ થયો. હું તેમને પૂછવા ગયો કે તેમણે મને માર્ક્સ કેમ નથી આપ્યા તો તેમણે મને કહ્યું કે માર્ક્સ ચૂપ રહેવાથી મળે, ફક્ત સાચો જવાબ લખવાથી નહીં. મેં કહ્યું, વાંધો નહીં, સમાજશાસ્ત્ર એટલે ભૂગોળ પણ એમાં જ ગણાતું, જેમાં મને સારા માર્ક્સ આવ્યા તેથી મારું વર્ષ પણ ન બગડ્યું.’
મોટા પુત્ર આશિષભાઈ પ્રોફેશનલ એથિક્સને લઈને કહે છે, ‘હું સેલ્સમાં છું અને એક કૉમર્સ ગ્રૅજ્યુએટ છું. એક મલ્ટિનૅશનલ કંપનીમાં માત્ર એન્જિનિયરિંગ ગ્રૅજ્યુએટ્સ માટે વૅકૅન્સી હતી છે. જોકે ઇન્ડસ્ટ્રી અને પ્રોડક્ટ મારા કામને લગતા હતા તેથી હું ઇન્ટરવ્યુ માટે ગયો. ત્રણેય ઇન્ટરવ્યુયરે હું જે કંપનીમાં કામ કરી રહ્યો હતો એ કંપનીની ટેક્નિકલ વિગતો આડીઅવળી રીતે પૂછવાની કોશિશ કરી ત્યારે મેં કહી દ્દીધું કે મારી હાલની કંપનીના કસ્ટમર કે ટેક્નિકલ વિગતો વિશે હું આપને જવાબ નહીં આપું. એ મારા પ્રોફેશનલ એથિક્સનું ઉલ્લંઘન છે. તેમણે સવાલ બદલ્યા અને કોઈને જ મારો આખાબોલો સ્વભાવ ન ગમ્યો એવું મને લાગ્યું. કંપનીની સિલેક્શન પ્રોસેસ ખૂબ અઘરી હતી અને હું ક્વૉલિફિકેશનના માપદંડમાં બેસતો નહોતો તેથી આશા બહુ મોટી નહોતી. એક દિવસ અચાનક તેમણે મને ફોન કરીને કહ્યું મારો ઑફર લેટર તૈયાર છે. હું એ કંપનીમાં આઠ વર્ષ રહ્યો અને તેમણે ઇન્ટરવ્યુમાં મેં કહેલી વાતોની પ્રશંસા કરી.’
દસ વર્ષનો પૌત્ર મિત્ર, જેનું હુલામણું નામ માધવ છે, તે પોતાના પપ્પા સાથેનો પ્રસંગ વર્ણવતા કહે છે, ‘મારા પપ્પા અને હું એક વાર મોડી રાત્રે જઈ રહ્યા હતા. પપ્પા પાસે રિટર્ન ટિકિટ હતી પણ મારી ટિકિટ કઢાવવાનું પપ્પા ભૂલી ગયા. ટ્રેનમાં ચડીને અમે પાછા તરત જ ઊતર્યા અને ટિકિટબારીએ આવ્યા. મેં પપ્પાને કહ્યું કે આટલા મોડા ટિકિટચેકર પણ નહીં હોય તો મારી ટિકિટ ન લઈએ તો ચાલે. ત્યારે મારા પપ્પાએ કહ્યું કે હું એક વાર તારા દાદા સાથે ગયો હતો અને બસમાં ખૂબ ગિરદી હતી. પપ્પા બસ-સ્ટૉપ આવ્યું એટલે મને લઈને પાછળના દરવાજાથી ઊતરી ગયા અને બસ ઊભી રાખી. તેમણે આગળના દરવાજાથી કન્ડકટરને બૂમ મારીને બન્નેની ટિકિટ લીધી ત્યારે મેં પપ્પાને તારા જેવો જ પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં તેમણે કહ્યું કે આપણે ટિકિટ મુસાફરી કરી છે એના ભાડાપેટે લેવાની છે, ટિકિટચેકર માટે નહીં.’
આમ માધવને પોતાનો જવાબ
મળી ગયો.
પરિવારમાં છૂટ આપવાથી પ્રેમ વધે છે
વડીલો જ્યારે સત્યના આગ્રહી હોય ત્યારે પોતાનાં બાળકો ભૂલ કબૂલ કરે એવો માહોલ તેમણે બનાવવો પડે છે. ઇન્દુમતીબહેન કહે છે, ‘મારા પતિને રવિવારે ફરવા જવું બહુ ગમે, પણ પરિવાર મોટો એથી મને અમારી જુવાનીમાં સંકોચ થતો. મારાં સાસુ મને ફરવા મોકલતાં અને અમે બન્ને સમયની રસોઈ રવિવારે સવારે જ કરી લેતાં. ફરીને આવ્યા પછી મારે કોઈ જ કામ ન કરવું પડતું.’
મોટાં પુત્રવધૂ ચેતના કહે છે, ‘મારા પિયરમાં ઘણાં બંધનો હતાં અને માતા-પિતા કડક સ્વભાવનાં હતાં તેથી સાસરામાં આવ્યા પછી મને એવું લાગ્યું કે સંયુક્ત પરિવાર છે તો સાડી પહેરવી પડશે, પણ મમ્મી-પપ્પા (સાસુ-સસરા) આગળ પડતા વિચારોનાં છે. મમ્મી પહેલેથી જ માને છે કે વહુ નવી આવે ત્યારે તેને કોઈ વાત ન ફાવે તો સાસરાવાળાએ સમજવાનું અને તેને કોઈ કમી ન જણાય એ જોવાનું.’
બીજાં વહુ ખ્યાતિ કહે છે, ‘અમારું આખું કુટુંબ આશરે સિત્તેર વર્ષથી બે કિલોમીટરના અંતર પર રહે છે. બધામાં જ ખૂબ સંપ છે. અમે બે મહિને એક વાર આખા કુટુંબની છ વહુઓ હોટેલમાં જઈએ અને વાતચીત કરીએ. અમારાં મમ્મી (સાસુ) અમને એટલાં લાડ અને પ્રેમથી રાખે છે કે સિરિયલમાં દેખાડે તેમ અમારે તેમની ગૉસિપ કરવાનો પ્રશ્ન જ ન આવે. અમારે ત્યાં અમે સાસુઓ માટે પણ બહાર જવાનો એક દિવસ રાખ્યો છે. દિવાળીમાં અલગ-અલગ નાટક, ડાન્સ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરીએ.’

સંયુક્ત પરિવારમાં નવું શીખવા મળે છે

વારસામાં જો મિલકત આપવી હોય તો માત્ર એક જ દિવસમાં દસ્તાવેજ બનાવીને આપી શકાય છે, પણ સારા સંસ્કાર અને ગુણોની વિરાસત તો વડીલોના આચરણ દ્વારા બાળકોમાં આપમેળે ઊતરે છે. આ વાત મુલુંડના ૭૨ વર્ષનાં ઇન્દુમતી ત્રિવેદીના પરિવારમાં બખૂબી જોવા મળે છે. જિજ્ઞેશભાઈ કહે છે, ‘અમારે ત્યાં છેલ્લાં સિત્તેર વર્ષથી પણ વધારે સમયથી બધા જ પરિવાર સંયુક્ત છે. અમારા વારસાનો આ પણ એક મોટો ગુણ છે કે અમને એકલા રહેવાનું પસંદ જ નથી. મારો ભાઈ અને હું અંગ્રેજી માધ્યમમાં ભણતા. અમને ગુજરાતી વાંચતાં અને લખતાં ન આવડતું. એક વાર મારા કાકાની આંખનું ઑપરેશન થયું અને અમારે તેમને ગુજરાતી લખાણ વાંચીને સંભળાવવાનો વારો આવ્યો. કાકાએ કહ્યું, જેવું આવડે એવું વાંચ; બાકી હું સમજી લઈશ. આમ અમને બન્નેને ગુજરાતી લખતાં-વાંચતાં કાકાએ શીખવી દીધું.’
માધવ કહે છે, ‘આ લૉકડાઉનમાં દાદાએ મને ચેસમાં ચૅમ્પિયન બનાવી દીધો. મને ક્યારેય ચેસ આવડશે એવું લાગ્યું નહોતું.’
ત્રીજી પેઢીની ક્રિશિતા કહે છે, ‘દાદાએ મને પહેલેથી જ ચેસ શીખવ્યું છે અને હું ચેસની સ્પર્ધામાં પહેલી આવું છું. અમે ઘણુંબધું શીખીએ છીએ તેમની પાસેથી. અમને દાદી દેશી ખાવાનું ખવડાવે અને અમે તેમને પીત્ઝા, પાસ્તા પણ ખવડાવીએ.’
છઠ્ઠા ધોરણમાં ભણતી વેદાંશી કહે છે, ‘અમે બધાં ઘરમાં સાથે હળીમળીને કામ કરતા હોવાથી મને મોબાઇલ પકડીને બેસી રહેવાનું મન ન થાય. સંયુક્ત પરિવારમાં રહેવાથી ફાયદો એ છે કે અમે બહાર પણ ખૂબ સરળતાથી બધાં સાથે ભળી જઈએ છીએ.’

bhakti desai columnists