31 March, 2024 02:46 PM IST | Mumbai | Samir & Arsh Tanna
મણિયારો રાસ
આપણે વાત કરતા હતા ભૂચર મોરીની યાદમાં તૈયાર થયેલા તલવાર રાસની. આ તલવાર રાસની સૌથી મોટી જો કોઈ ખાસિયત હોય તો એ કે માત્ર લાઇવ મ્યુઝિક પર એ રમવામાં આવે છે. લાઇવ મ્યુઝિક માટે ઢોલ, હાર્મોનિયમ, તબલાં, ઝાંઝ અને અલગ-અલગ જાતની વાંસળીઓનો ઉપયોગ થાય છે. તલવાર રાસ માટે હંમેશાં પુરુષ ગાયકનો જ અવાજ હોય છે તો સમૂહ ગીતના ગાનમાં રાસ રમનારા ખેલૈયાઓ પોતે અને તેમની સાથે સંગીતકારો જોડાય છે. આપણે અગાઉ જે કણબી રાસની વાત કરી એ રાસની કોરિયોગ્રાફીમાં સ્ટેપ્સ ખેતી સાથે જોડાયેલાં હોય છે પણ એ રાસના લિરિક્સ બાળકૃષ્ણ સાથે જોડાયેલા હોય છે, જ્યારે તલવાર રાસમાં યુદ્ધભૂમિ સાથે જોડાયેલી હલચલને સ્ટેપ્સ તરીકે જોડવામાં આવી છે અને આ રાસમાં પણ સિંગર પુરુષો જ હોય છે; પણ હા, આ રાસના લિરિક્સમાં મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે એ ભારતના વીર પુરુષોના જીવન સાથે જોડાયેલી વાતો હોય છે. કહે છે કે આપણે ત્યાં બહુ પૉપ્યુલર થયેલું શિવાજીનું હાલરડું છે એ અગાઉ તલવાર રાસની થીમ સાથે જ તૈયાર થયું હતું, પણ હાલરડું હોવાને કારણે સમય જતાં એનું સંગીત બદલાયું અને પછી એ ગીતના રાગમાં પણ ચેન્જ થયો.
તલવાર રાસનાં કૉસ્ચ્યુમ્સની વાત કરીએ તો ભરતકામ કરેલાં કેડિયાં, ચોયણી, કમર પર રંગબેરંગી ભાત અને માથા પર કાળી પાઘડી પહેરે છે. આ જે કાળી પાઘડી છે એ યૌદ્ધાઓની માનસિકતા દર્શાવે છે કે અમે કફન માથે પહેરીને રણમેદાનમાં આવ્યા છીએ, કાં જીત લઈને જઈશું અને કાં જીવ મૂકીને જઈશું. તલવાર રાસની એક બીજી ખાસિયત કહીએ. આ રાસ દરમ્યાન ખેલૈયાઓનો ચહેરો કાળા કપડાથી અડધો ઢંકાયેલો રહે છે તો આ જ તલવાર રાસની બીજી પણ એક ખાસિયત પણ જાણવા જેવી છે.
એક સમયે તલવાર રાસ મૂછ હોય એવા જ ખેલૈયાઓને રમવાની પરમિશન હતી એટલે સમય જતાં એનો પણ તોડ કાઢવામાં આવ્યો અને તલવાર રાસમાં કૃત્રિમ મૂછોનો ઉપયોગ કરવાનું શરૂ થયું. આજે પણ જામનગર જિલ્લામાં જ્યારે તલવાર રાસ રમવામાં આવે છે ત્યાર છોકરીઓને પણ મૂછ આપવામાં આવે છે અને એ મૂછ સાથે જ તેઓ તલવાર રાસ રમે છે. તલવાર રાસમાં જે એનર્જીની જરૂર પડે છે એટલી જ એનર્જીની જરૂર સૌરાષ્ટ્રના મેર સમાજ દ્વારા તૈયાર થયેલા મણિયારો રાસમાં પડે છે.
આ જે મણિયારો રાસ છે એને શૌર્ય રાસ તરીકે ઓળખવામાં આવે છે તો બ્રિટનમાં આ રાસને ક્ષત્રિય માર્શલ ડાન્સ તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે બ્રિટનમાં મોટી સંખ્યામાં મેર સ્થાયી થયા છે, જેને લીધે આ મણિયારો રાસ ત્યાં પણ પૉપ્યુલર છે. આ મણિયારો રાસ માત્ર પુરુષો દ્વારા જ રમવામાં આવે છે અને હજી સુધી એ નિયમ અકબંધ રાખવામાં આવ્યો છે. ઘરમેળે પણ છોકરીઓ મણિયારો રાસ કરવાનું ટાળે એવું મેર સમાજ કહેતો હોય છે. આ જે મણિયારો રાસ છે એ પોરબંદરના ઘેડ અને બરડા વિસ્તારમાં તૈયાર થયો હોવાનું ઇતિહાસકાર કહે છે.
યુદ્ધ દરમ્યાન મળેલા વિજયની ઉજવણીમાંથી મણિયારો રાસનું સર્જન થયું, પણ આઝાદી પછી તો યુદ્ધની વાત રહી નહીં એટલે ધીમે-ધીમે આ મણિયારો રાસ નવરાત્રિ અને હોળી જેવા તહેવારો દરમ્યાન થવા માંડ્યો. મણિયારો રાસનાં કૉસ્ચ્યુમ્સમાં સફેદ કેડિયું, ચોયણી હોય છે તો માથે જે પાઘ હોય છે એ પણ સફેદ અને કમરે લાલ બેલ હોય છે. આ જે કૉસ્ચ્યુમ્સ છે એનો પણ સંદેશ છે. કૉસ્ચ્યુમ્સ કહે છે કે કાં તો અમે અમારા રાજ્યને શાંતિ આપીશું અને કાં તો શાંતિ માટે અમે જાન ન્યોછાવર કરીશું. આ જે ઝનૂન છે એ જ ઝનૂન તમને મણિયારો રાસમાં જોવા મળે. ખેલૈયાઓ જમીનથી ઑલમોસ્ટ ત્રણ-ત્રણ ફુટ હવામાં છલાંગ લગાવતા હોય અને તેઓ જ્યારે જમીન પર પાછા આવે ત્યારે જે અવાજ સર્જાય એ કાન ફાડી નાખે એવો હોય. હવામાં ઊછળતા અને હવામાં જ રાસના આગળનાં સ્ટેપ્સ કરતા જતા આ ખેલૈયાઓને જોઈને અમે પણ આફરીન પોકારી ગયા હતા.
ગુજરાતનું બૅકડ્રૉપ ધરાવતી ફિલ્મોમાં મણિયારો રાસ વપરાયો હોવાનું અમને યાદ છે, પણ એમ છતાં કહેવું રહ્યું કે મણિયારો રાસને જોઈએ એટલું મહત્ત્વ હજી સુધી આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નથી મળ્યું. હા, આ મણિયારો રાસ દેશવિદેશમાં બહુ પૉપ્યુલર થયો છે તો ભારત સરકારના કાર્યક્રમો દરમ્યાન જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે એમાં પણ અનેક વખત આ મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યો છે. કોવિડ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ગુજરાત આવ્યા એ સમયે તેમના સ્વાગત-કાર્યક્રમમાં આ મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને ટ્રમ્પે મણિયારો રાસના ખેલૈયાઓને જઈને ચેક કર્યા હતા કે તેમણે શરીર પર કેબલ બાંધ્યા છે કે પછી તેઓ જાતે જ હવામાં છલાંગ લે છે.