પથ્થરોને પણ ઘસાવાનું થયું છે

22 December, 2024 05:07 PM IST  |  Mumbai | Hiten Anandpara

મહેશ દાવડકરની આ પંક્તિઓ સાથે મહેફિલનો આગાઝ તો થઈ ગયો પણ વિચાર બાકી છે. પંજાબ-હરિયાણામાં ખેડૂતોનું આંદોલન વકરી રહ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આંસુઓને રોકવામાં લોહીનું પાણી થયું
ને ડૂમો પિગાળવામાં લોહીનું પાણી થયું

આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહીં
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું

મહેશ દાવડકરની આ પંક્તિઓ સાથે મહેફિલનો આગાઝ તો થઈ ગયો પણ વિચાર બાકી છે. પંજાબ-હરિયાણામાં ખેડૂતોનું આંદોલન વકરી રહ્યું છે. ૨૦૨૧નું રિપીટ ટેલિકાસ્ટ હોય એવું લાગે. કોનો હાથો છે અને કોનાં હથિયાર છે એ તપાસનો વિષય છે. દરેકને આંદોલન કરવાનો હક છે, પણ એ શાંતિપ્રિય હોવું જોઈએ. મેલી મુરાદ સાથેની ચળવળ રાષ્ટ્રહાનિ કરે છે. મુકુલ ચોકસીની પંક્તિઓમાં વ્યંગ વર્તાશે...

લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા
અમે પ્રહસન શરૂ કરવા ગયા ને શાંત થઈ ચાલ્યા

થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા

રાજ્યસભામાં ડૉ. આંબેડકર અને સાવરકરના નામે મોટી ચર્ચાઓ થઈ. ઘણી વાર થાય કે કોઈ વ્યક્તિના પ્રદાનનું વારંવાર મૂલ્યાંકન કરવાની જરૂર કેમ પડે છે. નિર્ણય લેવાનો સમય વિવાદોમાં વેડફાઈ જાય ને ચર્ચાનું રૂપાંતર ચૂંથણામાં થઈ જાય. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવનારાઓ સામે ફોજદારી કેસ કેમ ન થઈ શકે એ વિચારવાનો વિષય છે. ૧૦૦ રૂપિયાની ચોરી કરી હોય તેને અહીં જેલ થાય છે, પણ દેશને કરોડો રૂપિયાનું નુકસાન કરનાર નેતાને માનનીય કહીને લટૂડાંપટૂડાં કરવામાં આવે છે. આહમદ મકરાણી લખે છે... 

ફ્રિજમાં વાસી ક્ષણોની ભીડ છે
કોઈ તાજું નીર લાવો વાવનું

આ કિનારે મસ્ત મોજાં ગાય છે
હે સમંદર, શું થયું એ નાવનું?

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે મોદી સરકારે યુવાનોને રાજકારણમાં જોડાવાનું આહવાન કર્યું. ૨૦૦૦ યુવાનોને દિલ્હી આમંત્રિત કરવામાં આવ્યા. આ વિચારને સંસ્થાકીય રૂપ આપીને વધારે નક્કર બનાવવામાં આવે તો ભવિષ્યમાં ગુણવત્તાસભર નેતૃત્વમાં વધારો થાય. વર્તમાન રાજકારણમાં પ્રતિભા કરતાં પહોંચનું મહત્ત્વ વધારે છે. પ્રતિષ્ઠા પ્રતિભાની થવી જોઈએ, એને બદલે પહોંચેલાઓની થાય છે. લોકસભામાં, રાજ્યસભામાં અને વિધાનસભાઓમાં બિરાજતા નેતાઓ સામેના કોર્ટકેસ જોઈએ તો અમૃત ઘાયલની આ પંક્તિઓનું દર્દ સમજાશે... 

દુ:ખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી
છતાં કે’વું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી

પરિવર્તન થયું છે મૂલ્યમાં એવું કે બસ તૌબા
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી

પરિવર્તન આવશ્યક છે. જેની પાસે હુન્નર છે તેના માટે તક આવશ્યક છે. સાવ સામાન્ય માણસનું નાનુંએવું સૂચન પણ નાગરિકોની સુખાકારીમાં મોટો ભાગ ભજવી શકે. વિવિધ પ્રકારનાં પોર્ટલને કારણે હવે નાગરિકો સરકારી કાર્યવાહીમાં પોતાનાં સૂચનો આપી શકે એ સારું છે. પહેલાં તો સચિવાલયના ધક્કા ખાઈ-ખાઈને ચંપલ ઘસાઈ જતાં હતાં. હવે એક ટ્વીટ પણ અસરકારક નીવડી શકે છે. જવાહર બક્ષી નિરાશામાંથી પણ આશાનું કિરણ શોધી કાઢે છે...

વૃક્ષ સૂકું પડ્યું આંખ ભીની તો થઈ
આંગણાને વિકલ્પોની લ્હાણી તો થઈ

એક રસ્તો થયો બંધ તો શું થયું
કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ

મુંબઈમાં આજકાલ ગલીએ-ગલીએ ખાડા ખોદાયા છે. ક્યાંક કૉન્ક્રીટીકરણનું કામ ચાલે છે તો ક્યાંક ફુટપાથો નીચે દબાયેલા પાઇપો અને વાયરોને સંકલિત કરીને એનું યોગ્ય નિયોજન કરવાનું કામ ચાલે છે. આના કારણે આપણને નિયત સ્થાને મોડું થાય તો હાયવોય કરી મૂકીએ છીએ. ભવિષ્યની સગવડ માટે વર્તમાનમાં અગવડ વેઠવી તો પડે. એ આપણે મેટ્રો ટ્રેન યંત્રણા સાકાર થતાં જોઈ લીધું છે. આવાં તો અનેક કામો  દાયકાઓથી લટકેલાં પડ્યાં છે જેમને પૂરાં કરવાં રહ્યાં. ગુલામ અબ્બાસ ‘નાશાદ’ એનાં કારણો તપાસે છે...

એકધારું તાકતાં થાકી નજર
આભને જોયા કર્યું કારણ વગર

માર્ગમાં અટવાઈ જાવાનું થયું
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર

લાસ્ટ લાઇન

જ્યાં ગયા ત્યાં ફસાવાનું થયું છે

સાપના દરમાં છુપાવાનું થયું છે

ચારે બાજુ છે ફક્ત વેરાન ધરતી

સાવ ખુલ્લામાં ફસાવાનું થયું છે

જોઈને રેતી વિચાર્યું છે કદી તેં?

પથ્થરોને પણ ઘસાવાનું થયું છે

બહુ તરસ લાગી અને પાણી છે ઓછું

સાથી છે એનેય પાવાનું થયું છે

એમ હોનારત અચાનક થઈ કે મારે

જાતને કેવળ બચાવાનું થયું છે

સાચવી લેજે તું તારા ચાંદલાને

કે તિલક મારું ભૂંસાવાનું થયું છે

કોણ એવું યાદ આવી જાય છે કે-

કોઈ પહેલાંનું ભુલાવાનું થયું છે?

- ભરત વિંઝુડા  (ગઝલસંગ્રહ : તમારા માટે)

political news haryana punjab Lok Sabha Rajya Sabha babasaheb ambedkar assembly elections columnists gujarati mid-day hiten anandpara mumbai