22 December, 2024 05:58 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અતુલ સુભાષના કમનસીબ આપઘાત અને એ માટે તેણે વર્ણવેલી પીડા પછી આજકાલ સોશ્યલ મીડિયા પર ‘મૅન વર્સસ વુમન’નો માહોલ બન્યો છે. દરેક પુરુષ બિચારો નથી અને દરેક સ્ત્રી ગુનેગાર નથી એ વાસ્તવિકતાને કચડી નાખવામાં આવે એ પહેલાં સમજવું જોઈશે કે અહીં મુદ્દો સ્ત્રી કે પુરુષનો નહીં પણ કાયદાના દુરુપયોગ સાથે થઈ રહેલી કાર્યવાહીનો છે. ખોડ કાનૂનમાં નહીં પણ એનામાં રહેલી મર્યાદાનો પોતાના હિતમાં ઉપયોગ કરતા લોકો અને એમાં તેમને મદદ કરતી વ્યવસ્થાનો છે. આ મુદ્દાને વધુ વેધક રીતે સમજવા માટે કેટલાક કિસ્સાઓ અને આંકડાઓ પર પણ નજર કરીએ
શુક્રવારે દિલ્હીના એક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ આવી. ફરિયાદ એક મહિલાએ બીજી મહિલા વિરુદ્ધ કરી છે, પણ એ પછીયે ફરિયાદને કાનૂનના દાયરામાં કયા સેક્શન હેઠળ લેવી એ વિશે પોલીસ અસમંજસમાં છે. પ્રૉબ્લેમ એ છે કે ફરિયાદ સાસુએ વહુની અગેઇન્સ્ટ કરી છે. આના બદલે રોલ ચેન્જ થયો હોત અને ફરિયાદ સાસુને બદલે વહુએ કરી હોત તો પોલીસ માટે કેસ સાફ હતો. તેમણે સાસુ વિરુદ્ધ 498A (ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૯)નો કેસ દાખલ કરવાનો હોત. જોકે મામલો ઊંધો છે. અહીં વહુ સાસુને સતાવે છે, તેને ખૂબ મારે છે, તેને ઘરમાંથી કાઢી મૂકવા માગે છે તો એને કાયદાની કઈ કલમના બ્રૅકેટમાં મૂકવું એ નક્કી કરવામાં પોલીસ-પ્રશાસન પોતે મૂંઝવણમાં છે.
પુરુષોના હક માટે છેલ્લાં બાર વર્ષથી લડી રહેલી અને સ્ત્રીઓ દ્વારા થયેલા કાયદાના દુરુપયોગથી પ્રતાડિત પુરુષોની મદદ કરી રહેલી દીપિકા ભારદ્વાજ પાસે બે દિવસ પહેલાં જ આવેલો આ કેસ છે. આવા અઢળક કિસ્સા છે જેમાં એકપક્ષી કાયદા કણીની જેમ ખૂંચતા હોય છે. અતુલ સુભાષના આપઘાતે દેશભરમાં એક ચળવળ જગાવી જેણે કાયદાના મિસયુઝ અને પુરુષો પર ખોટા કેસ નાખીને કઈ રીતે હૅરૅસ કરવામાં આવે છે એ તરફ લોકોને વિચારવા પર મજબૂર કર્યા. ગયા રવિવારે અતુલ સુભાષની તમામ વાતોને આપણે વિગતવાર જાણી. એ કેસમાં અપડેટ પણ થયું જેમાં તેની પત્ની, સાસુ અને સાળાને બૅન્ગલોર પોલીસે પકડ્યાં છે. અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાએ પોલીસને આપેલા બયાનમાં કહ્યું છે કે તેનો દીકરો ફરીદાબાદની એક બોર્ડિંગ સ્કૂલમાં ભણી રહ્યો છે અને તેના કાકા સુશીલ સિંઘાનિયા તેની દેખરેખ રાખી રહ્યા છે. અતુલની માતાએ પોતાના પૌત્રની કસ્ટડી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
પુરુષોને તકલીફ ક્યાં પડે છે?
કાયદાનો દુરુપયોગ થાય છે અને દુરુપયોગ હવે પકડાઈ પણ રહ્યો છે એની આંકડા દ્વારા આપણને જાણ થઈ રહી છે, પરંતુ સ્ત્રીઓના હક માટે અને પુરુષોના હક માટે લડતી સંસ્થાઓ માત્ર એકપક્ષીય વાતોને જ પ્રમોટ કરે એ કેટલું વાજબી છે? મુદ્દો સ્ત્રી-પુરુષનો નહીં પણ હસબન્ડ-વાઇફમાંથી કોણ ખોટું છે એનો હોવો જોઈએ. આ વાતને ખરેખર તેઓ ચકાસે છે ખરા? આ સંદર્ભે મેન્સ ઍક્ટિવિસ્ટ અને એકમ ન્યાય ફાઉન્ડેશનનાં દીપિકા ભારદ્વાજ કહે છે, ‘અમે જેન્ડરની વિરુદ્ધ નથી, પણ જે પ્રકારના કાયદા બન્યા છે એ જ જો જેન્ડરસેન્ટ્રિક હોય તો એમાં શું કરી શકાય? એવું નથી કે બ્લાઇન્ડ્લી દરેક ડિવૉર્સ કેસમાં પુરુષને સપોર્ટ કરવા અમે મંડી પડીએ છીએ. અમે પણ અમારા સ્તર પર રિસર્ચ કરીએ અને પછી જ્યારે બધા જ પુરાવા અને ઇન્ટરનલ તપાસમાં લાગે કે જે વ્યક્તિ મદદની ગુહાર લઈને અમારી પાસે આવી છે તે સાચી છે એ પછી જ એમાં ઇન્વૉલ્વ થાઉં છું. મોટા ભાગે પુરુષ પૂરેપૂરો કંટાળે અને તેને ક્યાંય દિશા ન દેખાય એ પછી જ તે અમારા જેવા હેલ્પ-ગ્રુપ તરફ નજર દોડાવતો હોય છે. અફકોર્સ, જેમને પણ કાઉન્સેલિંગની જરૂર હોય, જેમને લીગલી તેમની પાસે કયા-કયા રસ્તાઓ છે એ જાણવું હોય એ બધાને અમે મદદ કરીએ છીએ. બાકી ખોટા કેસની વાત કરીએ તો માત્ર દહેજ જ નહીં, રેપના ખોટા ચાર્જ લગાડનારા લોકોનો ડેટા કાઢો તો ખબર પડે. તમે કોઈના પર બળાત્કારનો ખોટો આરોપ મૂકો એ એક પુરુષ માટે સામાજિક દૃષ્ટિએ કેટલી હીન બાબત છે. કોર્ટની ટ્રાયલમાં પુરુષ નિર્દોષ પુરવાર થતો હોય ત્યારે થશે, પણ સામાજિક ઢાંચામાં તમે તેને ગુનેગાર બનાવી દીધો અને એ કલંક તેના માટે જીવનભર માટે લાગી ગયું. બે-ચાર વર્ષ કોર્ટમાં કેસ લડ્યા પછી ધારો કે પુરાવાના અભાવે તે નિર્દોષ સાબિત થયો તો પણ બળાત્કારનો કેસ ખોટો હતો એ વાતથી પહેલાં તેની સાથે થયેલી માનહાનિ થોડી બદલાવાની છે. દહેજ, મૉલેસ્ટેશન અને રેપના કાનૂનનો અત્યારે ચિક્કાર દુરુપયોગ થઈ રહ્યો છે જે અતિશય ગંભીર અને વ્યક્તિની પ્રતિષ્ઠાને તહસનહસ કરી નાખનારો છે. કમસે કમ હવે એનો આડેધડ દુરુપયોગ ન થાય એ માટેની જોગવાઈ ન્યાયવ્યવસ્થા અને પ્રશાસને ઉપાડવી જોઈએ.’
પુરુષ ગુનેગાર છે કે નહીં એની તપાસ તમે કરી કે નહીં એવો પ્રશ્ન પુછાય છે, પણ કોઈ મહિલા સંગઠન દ્વારા મહિલા સાચી છે કે તેણે ખોટો કેસ નાખ્યો છે એવી તપાસ ક્યારેય નથી થતી એનો અફસોસ વ્યક્ત કરતાં પુરુષોના હક માટે લડતી મુંબઈબેઝ્ડ સંસ્થા વાસ્તવ ફાઉન્ડેશનના અમિત દેશપાંડે કહે છે, ‘પુરુષ અને મહિલા માટે સદીઓથી જે દૃષ્ટિકોણ બંધાયો છે એ દૃષ્ટિકોણનો અમે વિરોધ કરીએ છીએ. અમે પણ જાતિનો વિરોધ નથી કરતા, પણ જાતિઆધારિત કાયદાના દુરુપયોગ પર બ્રેક લગાવવાની માગણી કરી રહ્યા છીએ. માતાને સંતાનની કસ્ટડી અપાય અને પિતા પોતાના સંતાનને જોવા માટે પણ તરસે અને કાયદો અને વ્યવસ્થા એમાં કોઈ નક્કર પગલાં ન લઈ શકે એ વિરોધાભાસનો અમે વિરોધ કરીએ છીએ. અમે કાયદો અને વ્યવસ્થા દ્વારા અમારું શોષણ થાય એનો વિરોધ કરીએ છીએ. નિર્દોષ હોવા છતાં સતત થતા અમારા માનવઅધિકારના હનનનો અમે વિરોધ કરીએ છીએ. અત્યારે એક વ્યક્તિએ સુસાઇડ કર્યું અને તેના ઓપન ડેથ ડેક્લેરેશનના ખુલાસાને કારણે આટલો ઊહાપોહ મચ્યો છે; પરંતુ અમારી પાસે આવા અઢળક કેસ આવે છે જેમાં પુરુષ ઇમોશનલી તૂટી ગયો હોય, જેને આપઘાત એક જ રસ્તો દેખાતો હોય અને અમારા થકી તેને ઇમોશનલ સપોર્ટ મળે અને તેનામાં નવી હિંમત જાગે. સુસાઇડ નથી કર્યું, પણ કરી શકે એવા પુરુષોનું લિસ્ટ બનાવીએ તો આપણું મગજ કામ નહીં કરે. વ્યક્તિને સુસાઇડ તરફ દોરી જતી કાયદો અને વ્યવસ્થા પાછળ રહેલી જડતાનો અને એ જડતાનો પોતાના હિતમાં ઉપયોગ કરનારા લોકોનો અમે વિરોધ કરીએ છીએ. અત્યારની સિસ્ટમમાં બહુ જ ક્લૅરિટી સાથે કહું તો એક જ વાત છે કે કોર્ટમાં ઍલિમની અને મેઇન્ટેનન્સની લાલચમાં ખેંચાઈ રહેલા છૂટાછેડાના કેસમાં એક જ બાબત બનતી હોય છે કે જ્યાં સુધી પુરુષ તન-મન-ધનથી હારી અને થાકી ન જાય ત્યાં સુધી તેને પ્રતાડિત કરો અને છેલ્લે કંટાળીને તે તમારી મોંમાગી રકમ આપે એટલે તેને છુટકારો આપો. જે પુરુષો આમાં કાચા પડે તેઓ ડિપ્રેશનમાં જાય અથવા અતુલ સુભાષ જેવું અંતિમ પગલું લે. આ વાસ્તવિકતાને તમે જેન્ડર-બાયસ સાથે સરખાવીને એની તીવ્રતાને ઘટાડી ન શકો.’
ચોંકાવનારા આંકડા
નૅશનલ ક્રાઇમ બ્યુરો રેકૉર્ડ્સના આંકડા મુજબ ૨૦૨૧માં કુલ ૧,૬૪,૦૩૩ લોકોએ આપઘાત કર્યો હતો. એમાંથી ૮૧,૦૬૩ પરિણીત પુરુષો હતા અને ૨૮,૦૬૮ પરિણીત મહિલાઓ હતી. ૨૦૨૨માં લગભગ એક લાખ સિત્તેર હજાર પુરુષોએ આપઘાત કર્યો હતો, જેમાંથી એક લાખ બાવીસ હજાર પુરુષો હતા. દરરોજ લગભગ ૩૩૬ પુરુષો આપઘાત કરે છે. એ રીતે જોઈએ તો દર સાડાચાર મિનિટે એક પુરુષ આત્મહત્યા કરે છે. લગભગ ૩૩ ટકા પુરુષો પારિવારિક સમસ્યાઓને કારણે આપઘાત કરતા હોવાનું પણ આ આંકડામાં પ્રસ્તુત છે. જોકે બીજી તરફ ઘરેલુ હિંસા અને દહેજને કારણે મહિલાઓની હત્યાના આંકડા પણ જાણવા જોઈએ. જેમ કે ૨૦૧૭થી લઈને ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૫,૪૯૩ મહિલાઓનું મૃત્યુ દહેજને કારણે થયું હતું, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેસ હતા. લગભગ દરરોજની છ મહિલાઓનાં મોતનું કારણ દહેજ હતું. ૨૦૧૪માં જે આંકડો સાડાઆઠ હજારનો હતો એની સામે ૨૦૨૨માં સાડાછ હજાર પર પહોંચ્યો છે. સાદી ભાષામાં કહીએ તો દહેજને કારણે મહિલાઓની હત્યા અથવા આત્મહત્યાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે પણ સમાપ્ત નથી થયું. એક વર્ષમાં છેલ્લા સર્વે મુજબ પણ જો સાડાછ હજાર મહિલાઓ દહેજપ્રથાને કારણે મોતને ઘાટ ઊતરી હોય તો એ મુદ્દો ગંભીર છે અને એટલે જ દહેજપ્રથાને લઈને કાયદાના દુરુપયોગના નામે સેક્શન 498Aનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે એ અયોગ્ય છે; કાયદો મહત્ત્વનો છે, જરૂરી જ છે.
અલબત્ત, એના દુરુપયોગને લઈને ગંભીરતા કેળવાવી જોઈએ. હવે એ દિશામાં પણ થોડાક આંકડાઓ પર નજર ફેરવી લો. ૨૦૨૦માં ઇન્ડિયન પીનલ કોડના સેક્શન 498A અંતર્ગત કુલ ૧,૧૧,૫૪૯ કેસ નોંધવામાં આવ્યા હતા. એમાંથી ૫૫૨૦ કેસ ફેક એટલે કે ખોટા પુરવાર થયા હતા. ૧૬,૧૫૧ કેસ પોલીસ દ્વારા જ ખોટા પુરાવા, ખોટો કાયદો, સિવિલ ડિસ્પ્યુટ, પુરાવાનો અભાવ જેવાં જુદાં-જુદાં કારણોના આધારે બંધ કરી દેવામાં આવ્યા હતા. ગુનેગાર તરીકે સજા આપવામાં આવી હોય એવા ઇન્ડિયન પીનલ કોડના તમામ કાયદામાં સેક્શન 498A સૌથી છેલ્લે આવે છે. કાયદાના દુરુપયોગ થકી પતિ અને તેના પરિવારને હેરાન કરવાના વધી રહેલા બનાવોના આધારે જ સુપ્રીમ કોર્ટે પોલીસને આપેલી ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહ્યું છે કે વિશ્વસનીય પુરાવાના આધારે જ અરેસ્ટ કરવી, અરેસ્ટ શું કામ જરૂરી હતી એનું જસ્ટિફિકેશન હોવું જોઈએ અને આ કલમને કારણે મળતો પાવર સંપૂર્ણ ન્યાયિક રીતે વપરાવો જોઈએ.
મહિલા થઈને પુરુષોના હકમાં લડું છું એટલે...
દીપિકા ભારદ્વાજ પોતે મહિલા થઈને પુરુષોના હક માટે લડી રહી છે એ માટે તેણે ઘણા લોકોની ટીકા પણ ભોગવી છે. તે કહે છે, ‘મેં મારા ઘરમાં જ મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરીને કઈ રીતે પુરુષોને પજવી શકે છે એના લાઇવ દાખલા જોયા છે. પોતાના પર વીત્યા પછી બીજા કિસ્સાઓ સ્ટડી કર્યા ત્યારે સમજાયું કે આ ગંભીર સમસ્યા છે અને કાયદાની આડમાં હેરાન થતા પુરુષોને સપોર્ટ મળે એ જરૂરી છે. હું જ્યારે ખોટા કેસ કરતી મહિલાઓ ઉઘાડી પાડતી કે તેમના દોષી હોવાના વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકતી ત્યારે મારે પર્સનલી ભરપૂર ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. ઘણાં મહિલા સંગઠનોએ મારા માટે ‘શરમ આવવી જોઈએ તને કે મહિલા થઈને પુરુષ માટે લડે છે, આ તો રેપિસ્ટને છોકરી પ્રોવાઇડ કરે છે ને આ તો દલાલ છે’ જેવી હીન ભાષા વાપરી છે. જોકે હું આવાં વાક્યોથી ડગી નથી, કારણ કે હું જે કરું છું એ સાચું છે. કદાચ એટલે જ મને મારા પેરન્ટ્સ અને મારાં ભાઈ-ભાભી પૂરો સપોર્ટ કરે છે. એથીયે વધુ આ પુરુષો અને તેમના પરિવારના થૅન્ક યુના અને દુઆ આપવાના મને જે મેસેજ મળે છે એની કોઈ તુલના નથી. ઘણા ત્રાહિત પરિવારોને ખોટા કોર્ટકેસમાંથી બહાર આવવામાં મારા થકી મદદ મળી છે અને તેમના અંતરના આશીર્વાદ મળ્યા છે. મારા માટે આ પર્પઝ ઑફ લાઇફ છે. અત્યારે હું માત્ર પુરુષોના હક માટે લડું છું એવું કહેવાને બદલે ખોટી રીતે પજવવામાં આવેલા પુરુષોના સપોર્ટમાં લડું છું એવું કહેવું વધુ યોગ્ય ગણાશે.’
અમે જાતિનો વિરોધ નથી કરતા, પણ જાતિઆધારિત કાયદાના દુરુપયોગ પર બ્રેક લગાવવાની માગણી કરી રહ્યા છીએ. માતાને સંતાનની કસ્ટડી અપાય અને પિતા પોતાના સંતાનને જોવા માટે પણ તરસે અને કાયદો અને વ્યવસ્થા એમાં કોઈ નક્કર પગલાં ન લઈ શકે એ વિરોધાભાસનો અમે વિરોધ કરીએ છીએ. - અમિત દેશપાંડે, ચળવળકાર
1,22,000
લગભગ આટલા પુરુષોએ ૨૦૨૨માં આપઘાત કર્યો. દરરોજ લગભગ ૩૩૬ પુરુષો આપઘાત કરે છે. દર સાડાચાર મિનિટે એક પુરુષ આત્મહત્યા કરે છે. લગભગ ૩૩ ટકા પુરુષો પારિવારિક સમસ્યાઓને કારણે આપઘાત કરતા હોવાનું પણ આ આંકડામાં પ્રસ્તુત છે.
30
નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેના પાંચમા રાઉન્ડમાં ૧૮થી ૪૯ વર્ષની ઉંમરની આટલા ટકા પરિણીત મહિલાઓએ ડોમેસ્ટિક અને સેક્સ્યુઅલ વાયલન્સની કબૂલાત કરી હતી, પરંતુ માત્ર ૧,૪૦,૦૦૦ મહિલાઓએ જ ફરિયાદ નોંધાવી હતી જે દર્શાવે છે કે ખૂબ ઓછી મહિલાઓ આ પ્રકારની ફરિયાદ માટે બહાર આવતી હોય છે.
કાયદાનો દુરુપયોગ કેમ અટકશે?
કાયદો બધા માટે સરખો છે અને હવે સુપ્રીમ કોર્ટના જજ પણ કાયદાના દુરુપયોગને અટકાવવાની અપીલ કરી ચૂક્યા છે ત્યારે આ સંદર્ભે સોશ્યલ ઍક્ટિવિસ્ટ અને સિનિયર ઍડ્વોકેટ આભા સિંહ કહે છે, ‘દરેક કેસ મેરિટના આધારે નક્કી કરવામાં આવે. તમે જ્યાં સુધી ગુનેગાર સાબિત નથી થતા ત્યાં સુધી કોઈ પણ વસ્તુ માટે જજમેન્ટ આપવું અઘરું છે. આપણે અતુલ સુભાષના જ કેસની વાત કરીએ તો ઘણા મુદ્દા બહાર આવે છે. જેમ કે મેઇન્ટેનન્સ આપતો હોવા છતાં તેને પોતાના દીકરાને કેમ મળવા ન દેવામાં આવ્યો? તેણે ૪૦ વાર કોર્ટની તારીખ માટે શું કામ બૅન્ગલોરની બહાર જવું પડે? કયા આધારે જૌનપુરમાં તેનો કેસ રજિસ્ટર થયો? અતુલની વાતોમાં ઘણા એવા મુદ્દા છે જે સામા પક્ષની નીયતમાં ખોટ હોઈ શકે એની ચાડી ખાય છે. આની પૂરતી તપાસ જરૂરી છે, કારણ કે કાયદાનો દુરુપયોગ એમાં સ્પષ્ટપણે ઝળકે છે. કાયદો જરૂરી છે. ધારો કે તમે ડાઉરીના કાયદાની વાત કરો તો એ જરૂરી છે અને એના હોવાથી પૉઝિટિવ પરિણામ પણ મળ્યું છે, પરંતુ ખોટા કેસ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે. અત્યારે પણ દહેજનો કેસ ખોટો છે એવું સાબિત થાય તો ત્રણ વર્ષની સજા છે; પરંતુ એનું અનુસરણ નથી થઈ રહ્યું, કારણ કે આવા કેસમાં મોટા ભાગે પુરુષ આ ચક્કરમાંથી બહાર નીકળવાની ફિરાકમાં હોય છે. તેનામાં સામો વળતો કેસ કરવાની ધીરજ કે ઇચ્છા નથી હોતી. આ અટકવું જોઈએ. આપણે ત્યાં ચીફ જસ્ટિસ કહી ચૂક્યા છે કે કોઈ પણ કાયદો ટૂલ ફૉર લીગલ ટેરરિઝમ ન બનવો જોઈએ. એક કેસ કહું તમને. હમણાં જ હાઈ કોર્ટમાં ડિવૉર્સનો એક કેસ આવ્યો. એમાં મહિલાએ પોતાનાં પતિ અને સાસુ-સસરા સિવાય લગ્ન કરીને બીજે રહેતી ચાર નણંદ અને નણદોઈ પર પણ ડોમેસ્ટિક વાયલન્સ અને ડાઉરીના કેસ ઠોકી દીધા હતા. કોર્ટે અહીં આ કેસ ખોટા છે એ સ્વીકાર્યું અને કાર્યવાહી પણ કરી. બીજી વાત, અતુલ સુભાષે જજની વિરુદ્ધ જે વાતો કરી છે એના માટે પણ તપાસ થવી જોઈએ. ડેથ-ડેક્લેરેશનને આપણી ન્યાયિક વ્યવસ્થામાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એ શબ્દોને ઇગ્નૉર ન કરી શકાય. જો જજ કરપ્શન કરતા હતા અને પાંચ લાખ રૂપિયા તેની પાસે માગવામાં આવ્યા એવું કોઈ વ્યક્તિ આપઘાત કરતાં પહેલાં કહે છે તો એની તપાસ બને જ છે. અલાહાબાદ હાઈ કોર્ટે જૌનપુરનાં પ્રિન્સિપલ જજ માટે નિષ્પક્ષ તપાસ કરીને ઍક્શન લેવી જોઈએ અને પબ્લિકલી એને મૂકવી જોઈએ. આજે લોકોનો ન્યાયતંત્ર પરથી ભરોસો ઊઠી જાય એવા સંજોગો છે. ભ્રષ્ટાચારને આપણે પોષતા નથી એ વાત આ પ્રકારની ઍક્શનથી સાબિત થશે. આપણે ત્યાં પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ છે અને ન્યાયતંત્ર પણ એમાંથી બાકાત નથી.
1,40,019
આટલા કેસ ૨૦૨૨માં સેક્શન 498A અંતર્ગત નોંધવામાં આવ્યા હતા. એમાંથી માત્ર ૭૦૭૬ (પાંચ ટકા) કેસ જ ખોટા પુરવાર થયા હતા. પ્લસ ૨૦૨૨માં લગભગ ૩૨ ટકા મહિલાઓએ તેઓ પોતાના પાર્ટનર તરફથી ઇમોશનલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ હિંસાનો ભોગ બની રહી હોવાનું નોંધાવ્યું હતું.
6450
લગભગ આટલી મહિલાઓનાં ૨૦૨૨માં મૃત્યુનું કારણ દહેજ હતું. આ જ વર્ષમાં ડાઉરી પ્રોહિબિશન ઍક્ટ ૧૯૬૧ અંતર્ગત કુલ ૧૩,૪૭૯ કેસ રજિસ્ટર્ડ થયા હતા. પ્લસ, આ જ વર્ષમાં ફરિયાદ હોવા છતાં અપૂરતા પુરાવાના અભાવે દહેજને કારણે થયેલાં મૃત્યુના ૩૫૯ કેસ ક્લોઝ કરવામાં આવ્યા હતા.
મોટા ભાગે પુરુષ પૂરેપૂરો કંટાળે અને તેને ક્યાંય દિશા ન દેખાય એ પછી જ તે અમારા જેવા હેલ્પ-ગ્રુપ તરફ નજર દોડાવતો હોય છે. અફકોર્સ, જેમને લીગલી તેમની પાસે કયા-કયા રસ્તાઓ છે એ જાણવું હોય એ બધાને અમે મદદ કરીએ છીએ. - દીપિકા ભારદ્વાજ, પુરુષોના હક માટે લડતી ચળવળકાર