11 January, 2025 07:56 AM IST | Mumbai | Deepak Mehta
જેઆરડી તેમની બુગાટી મોટરમાં
આ તો રમત રમાડે રામ.
કોઈનું મીંઢળ કોઈને હાથે,
કોઈનું ભાવિ કોઈની સાથે,
કોઈના રથના કોઈ સારથિ,
કોઈને હાથ લગામ.
આ તો રમત રમાડે રામ.
અવિનાશ વ્યાસના ગીત-સંગીતમાં મહમ્મદ રફીએ ગાયેલું આ ફિલ્મી ગીત એક જમાનામાં આપણે ત્યાં ખાસ્સું પૉપ્યુલર થયેલું. હા જી. મને ખબર છે કે તમને થશે કે તાતા કુટુંબની વાતો કરતાં-કરતાં વળી આ ગીતને રવાડે ક્યાં ચડી ગયા, ભાઈ! તો એનું કારણ એ કે જેહ કહેતાં જેઆરડી તાતાના જીવનમાં બી ખોદાયજીએ કંઈક એવું જ કીધેલું. પિતા રતનજી દાદાભાઈ (RD) તાતા પારસી, માતા ‘સુની’ ફ્રેન્ચ. જેહનો જન્મ ૧૯૦૪ના જુલાઈની ૨૯મી તારીખે, ફ્રાન્સના પારી કહેતાં પૅરિસ શહેરમાં. એ વખતે RD પૅરિસમાં નહીં હુતા. ઘેરે દીકરો જનમીયો છે એવું સમજતાં એવન બોલિયા : ‘આય છોકરો આખ્ખી દુનિયાને જીતી લેશે, મારા બાવા જમશેદજીએ જીતી હતી તે જ રીતે. એ જે બી કામ કરસે એમાં એની જીત થશે, ફત્તેહ મળશે. એટલે એનું નામ પારવાનું છે ‘જેહાંગીર’.
એવું કહેવાતું કે જેહ અંગ્રેજી કરતાં ફ્રેન્ચ વધુ સારી રીતે બોલી શકતા. નાગરિક હુતા તે બી ફ્રાન્સના. ફ્રાન્સ ઉપરાંત લંડન, જપાન અને મુંબઈમાં ભણ્યા. એ વખતે ફ્રાન્સમાં એવો કાયદો આવ્યો કે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વર્ષ તો લશ્કરમાં જોડાઈને કામ કરવું જ પડે. એટલે જેહ પણ જોડાયા. એ કામગીરી તેમને એટલી તો ગમી ગઈ કે બાવાજીને કહે કે બસ, મારે તો ફ્રેન્ચ લશ્કરમાં જ નોકરી કરવી છે. આય સાંભલીને બાવાજી બગડ્યા. કહે કે આવી ઘેલા જેવી વાત સું કરેચ! આપરો પોતીકો ધંધો છે હિન્દુસ્તાનમાં, તેમાં જોરાઈ જા અને લશ્કર-બશ્કરની વાત ભૂલી જા. બેટો કહે, તો મને એન્જિનિયરિંગનું ભણવા કૅમ્બ્રિજ જાવા દો. પણ RD કહે કે બીજી કોઈ વાત નહીં. આપરો પોતાનો મોટ્ટો બિઝનેસ છે હિન્દુસ્તાનમાં, એમાં જોરાઈ જાવ.
પાછળ ઊભેલાં : દાદી, બાળક જેઆરડી, પિતા RD.
આગળ : બહેન સિલ્લા અને મમ્મા સુન્ની તાતા.
એ વખતે તો બાવાજીની આય વાત બિટર લાગી હોસે પોરિયાને. પન પછી ઘન્ની વાર એવને આય માટે બાવા RDનો આભાર માનિયો હૂતો. કેમ વારુ? કારણ તેઓ ફ્રેન્ચ લશ્કરની જે ટુકડીમાં હુતા એ ટુકડીને લડવા માટે મૉરોક્કો મોકલવામાં આવી હુતી. અને ત્યાં લડતાં-લડતાં આખ્ખે આખ્ખી ટુકડી કપાઈ મૂઈ હુતી. જો બાવાજીની વાત નહીં માની હોતે, તો જેહ બી ખોદાયજીને પ્યારા થઈ ગયા હોતે. અને એટલે જ આજે પેલું ગીત યાદ આવી ગયું : ‘આ તો રમત રમાડે રામ!’
જેહ હિન્દુસ્તાનમાં ઝાઝું રહેલા નહીં. ફ્રેન્ચ અને અંગ્રેજી સિવાય બીજી કોઈ ભાષા આવડે નહીં. અહીંની રીતરસમ બહુ જાને નહીં. અને બાવા RDએ તેમને જોતરી દીધા તાતા કંપનીમાં. કોઈ મોટે હોદ્દે? ના જી. એક રૂપિયાનો બી પગાર નહીં. હોદ્દો? તો કહે એપ્રેન્ટિસ. જૉન પીટરસનના હાથ નીચે રહીને કામકાજ સીખો. આય પીટરસન હતા એ જમાનાના આઇસીએસ અધિકારી. સરકારી નોકરી પછી તાતા ગ્રુપમાં જોડાયેલા. સરકારમાં મોટ્ટા-મોટ્ટા હોદ્દા પર રહેલા, પણ આય પીટરસન સાહેબની ઑફિસ એકદમ સાદી. એક લાકડાનું ટેબલ અને થોરી લાકડાની ખુરસી. બાજુના ઓરડામાં જેહની ઑફિસ. તે બી એવી જ સાદી. ઑફિસમાં આવતા અને જતા બધ્ધા જ કાગળિયા પહેલાં જેહ જુએ. જે કાગજ લખાય એમાં ભાષા કેવી હોવી જોઈએ અને કેવી નહીં એ વિશે પીટરસન એકદમ ચોક્કસ. આય બધ્ધી બાબતો જેહ ટૂંકા વખતમાં સીખી ગિયા.
પૅરિસમાં લીધેલું પાઇલટ તરીકેનું લાઇસન્સ.
થોરો વખત આય કામ કરિયા પછી જેહની બદલી જમશેદપુર થઈ. એ જમાનાની જીઆઇપી રેલવેની ટ્રેનમાં ૩૨ કલાકની મુસાફરી કરીને જેહ જમશેદપુર પહોંચિયા. બે મહિના કામ કીધું. એ વખતે જેહનાં ભાઈ-બહેન ફ્રાન્સમાં હુતાં. તેમને મળવા ફ્રાન્સ જવું હતું. એ માટે રજા માગી. પણ બાવાજી RDએ રજા મંજૂર કીધી નહીં. બોલિયા કે અહીં હજી ઘન્નું કામ સીખવાનું બાકી છે એટલે તુને હું ફ્રાન્સ જવા રજા આપી સકું એમ નથી છે. પન તારાં ભાઈ-બહેનનું વેકેસન બગારી સકાય નહીં એટલે હું પોત્તે ફ્રાન્સ જઈને પોરિયાઓને વેકેશન માટે લઈ જાવસ.
બાપને બધાં જ છોકરાં વહાલાં, પન દીકરી સિલ્લા પર થોરો વધુ પ્યાર. એક દિવસ સાંજે સિલ્લા ડેન્સ કરતી હુતી. બાવાજી RDને કેહે કે તમે બી મારી સાથે ડેન્સ કરો ની! દીકરીને ના પારતાં જીવ ચાલીઓ નહીં એટલે RD બી તેની સાથે ડેન્સ કરવા લાગિયા. પન થોરી વાર પછી ચક્કર આવિયા, છાતીમાં શૂળ ઉપરીયું. પછી થોરું સારું લાગિયું એટલે બાથરૂમમાં જવા ઊભા થિયા. અને લાગલા જ બેભાન થઈને ભોંય પર પટકાયા. ટાબરતોબ મોટ્ટા ડૉક્ટરને બોલાવિયા. પન ડૉક્ટર આવી પૂગા તે વારે તો RD આય ફાની દુનિયા છોરીને ખોદાયજી પાસે પહોંચી ગિયા હુતા. એક નાટકના ગીતમાં કહ્યું છેને કે : ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે!’ બરાબ્બર એવું જ થિયું. બાવા બેહસ્તનશીન થયાના ખબર જહાંગીરને જમશેદપુરમાં મળિયા. કુટુંબની અને ધંધા-ઉદ્યોગની બધ્ધી જવાબદારી આવી પડી ૨૨ વરસના જેહ પર.
ભારતના રાષ્ટ્રપતિ આર. વેન્કટરમણને હાથે ભારતરત્નનું સર્વોચ્ચ બહુમાન (૧૯૯૨).
ફરી ૩૨ કલાકની ટ્રેનની મુસાફરી કરી JRD મુંબઈ અને ત્યાંથી ફ્રાન્સ ગિયા. પણ તે આગમચ RDને ધણિયાણી સૂનીની બાજુમાં જ દફનાવવામાં આવિયા હુતા. અને એ જ દહારાથી જેહાંગીરમાંથી JRD બનવાની સફર સુરુ થઈ. હવે જેહ બન્યા તાતા કુટુંબના મોભી અને તાતા સન્સના બોર્ડના મેમ્બર. તન વરસ પછી ૧૯૨૯માં જેહ ફ્રાન્સના નાગરિક મટી બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક બન્યા.
જેઆરડીને મોટર ડ્રાઇવિંગનો ખાસ્સો શોખ. રજાને દહારે મુંબઈના રસ્તા ખાલી હોય ત્યારે દોસ્તારો સાથે રસ્તા પર કાર રેસ કરે. એવી એક રેસમાં ઍક્સિડન્ટ થિયો અને એક ગાડી પેડર રોડ પરના એક લાઇટના થાંભલા સાથે ભટકાઈ અને આય ઍક્સિડન્ટમાં જેહના દોસ્ત રુસા મહેતા ગુજરી ગિયા. એક રાહદારીની ખોટી જુબાની પરથી પોલીસે જેહની ધરપકર કરી. તાજ મહાલ હોટેલની પાછળ એક નામીચા વકીલ જેક વિકાજી રહે. એવનને જેહે પોતાના વકીલ તરીકે રોકિયા. કેસની ચર્ચા કરવા અવારનવાર વિકાજીને ઘરે જાય. વિકાજીની મજબૂત દલીલોને કારણે જેહ કેસ જીતી ગયા. અને સાથોસાથ જીતી ગયા વિકાજીના ઘેરે રહેતી થેલ્માનું દિલ. અને બન્ને કબીલાએ ‘હા’ ભણતાં જેહ અને થેલ્મા ૧૯૩૦ના ડિસેમ્બરની ૨૩મી તારીખે અદરાઈ ગિયાં.
૧૯૩૮માં જેહ બન્યા તાતા ગ્રુપના બોર્ડના ચૅરમૅન. અને પૂરાં પચાસ વરસ વેર એમને એ જવાબદારી નિભાવીને તાતા ગ્રુપને અનેક નવી દિશાઓ બતાવી. પન સૌથી પહેલું કામ એવને કિયું કીધું હોસે? હાથ નીચેના બધ્ધા અધિકારીઓને સાફ-સાફ સુણાવી દીધું : ‘આપરા હાથમાંથી કામ જાય, નફો જાય, તો ભલે જાય, કોઈ બી મિનિસ્ટર કે ઑફિસરને એક પૈની બી લાંચ આપવાની નહીં.’ બીજું : ‘આપરા કોઈ બી માલની ગમે તેટલી ડિમાન્ડ હોય, કોઈ બી ચીજ બ્લૅક માર્કેટમાં નહીં વેચવાની એટલે નહીં જ વેચવાની. અને છત્તાં એવન ચૅરમૅન બનિયા તે વારે તાતા ગ્રુપની મૂડી ૧૦૦ મિલ્યન અમેરિકન ડૉલર જેટલી હુતી, તે તેઓ ગુજરિયા તે વારે પાંચ બિલ્યન અમેરિકન ડૉલર જેટલી થઈ ગઈ હુતી.
પોતે મોભી હુતા તે વારે એવને તાતા ગ્રુપની ૧૪ નવી કંપની સુરુ કીધી. પન એવનની નજર ફક્ત વેપાર ધંધા પર જ હુતી નહીં. લોકોના પૈસા લોકોને માટે વાપરવા તરફ બી હુતી. સર દોરાબજી તાતા ટ્રસ્ટના એવન પૂરાં પચાસ વરસ ટ્રસ્ટી હુતા. આય ટ્રસ્ટના પૈસાથી એવને લોકોને વાસ્તે કેટલીક સંસ્થા સુરુ કીધી : તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (૧૯૩૬), તાતા મેમોરિયલ સેન્ટર ફૉર કૅન્સર રિસર્ચ ઍન્ડ ટ્રીટમેન્ટ (૧૯૪૧), ધ તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (૧૯૪૫), અને નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ (૧૯૬૯). તો ધંધાના વિકાસ માટે બી એવને નવી-નવી દિશાઓ ઉઘાડી. ૧૯૪૫માં તાતા મોટર્સ, ૧૯૪૮માં ઍર ઇન્ડિયા ઇન્ટરનૅશનલ, ૧૯૬૮માં તાતા કન્સલ્ટન્સી સર્વિસ (તે વારનું નામ હુતું તાતા કમ્પ્યુટર સેન્ટર) અને ૧૯૮૭માં ટાઇટન ઇન્ડસ્ટ્રીઝની શુરુઆત કીધી.
એવનને દેસ અને પરદેસનાં ઘન્નાં માન-અકરામ બી મળીયાં હુતાં. ઇન્ડિયન ઍરફોર્સે એવનને ૧૯૭૪માં ઓનરરી ઍર વાઇસ માર્શલ બનાવિયા. ૧૯૯૨માં ભારત સરકારે સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી એવનને સોભિતા કીધા.
જેઆરડીની અને એવને સુરુ કીધેલી કેટલીક સંસ્થાઓની વાત હવે પછી. તાં સુધી પેલું ગીત ગણગણીએ: આ તો રમત રમાડે રામ.