ચાલું હું એ દિશામાં, મારો મુકામ આવે

29 September, 2024 02:55 PM IST  |  Mumbai | Hiten Anandpara

કથા માળા કે જિંદગીની છે સરખી, કે એમાં મેર પછીયે મણકો આવે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રત્યેક જણ એમ વિચારે છે કે જીવનમાં એક એવો મુકામ આવે જે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થાય. એમાં પ્રાપ્તિ પણ હોય અને તૃપ્તિ પણ હોય. એવી ઉપલબ્ધિ હોય જેને મન વર્ષોથી ઝંખતું હોય. એવી સંતુષ્ટિ હોય કે આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ આવે. આ માર્ગ ધીરજનો છે. બીજ વાવે એના બીજે દિવસે ફળ નથી ઊગી જતું. વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ આ ધીરજ બંધાવે છે...

આજ નહીં તો કાલ થવાનું

વહેલું મોડું ભાન થવાનું

અડચણ તો થોડી આવે પણ

થાય શરૂ જો કામ, થવાનું

જે કામ કરે તેની ભૂલ થાય. હાથ જોડીને બેસી રહીએ અને અન્યોનું વિવેચન કરતા રહીએ એનાથી કોઈ ફાયદો નથી. હા, કામ જ વિવેચનનું હોય તો એમાં પણ પૂર્વગ્રહ વગરની નિષ્ઠા જોઈએ. કોઈ આપણી ભૂલ બતાવે તો આપણને ન ગમે. ગમે નહીં તો પણ એ નિર્દેશ સમજવા પ્રયાસ કરવો જોઈએ. શક્ય છે કે કોઈ નવી વાત શીખવા મળે. સ્નેહી પરમાર શીખવે છે એ અર્થ ગહન છે...

એનાથી મોટો શો વૈભવ

તડકો સીધો ઘરમાં આવે

સાર બધા ગ્રંથોનો એક

પાથરીએ તે પગમાં આવે

ધર્મગ્રંથોને આપણે માથે મૂકીએ છીએ, પગે લાગીએ છીએ; પણ સાર ગ્રહણ કરતા નથી. આદર્શનો પથ સહેલો નથી હોતો. એમાં કાંટાઓ આવવાના. અનેક પ્રલોભનો ચલિત કરવા આવે ત્યારે જાતને સંભાળવી અઘરી હોય છે. આમ જુઓ તો બધાના જીવનમાં સર્વસામાન્ય ઘટનાઓ આકાર લે છે. પાત્રનાં નામ બદલાય, પરિસ્થિતિ એ જ હોય. ભગવતીકુમાર શર્મા આ સામાન્યતાનો સહર્ષ સ્વીકાર કરે છે...

બહુ છાનેમાને આવે છે

મોત નાજુક બહાને આવે છે

ક્યાં મને એકલાને આવે છે?

સુખ અને દુઃખ બધાને આવે છે

બધાના જીવનમાં કોઈ ને કોઈ દુઃખ હોવાનું. ન હોય તો આપણે જાતે ઊભું કરવા સક્ષમ છીએ. આપણને ગ્લાસ અડધો ભરેલો હોવાનો આનંદ નથી હોતો, અડધો ખાલી હોવાનું દુઃખ હોય છે. આપણને એ ખ્યાલ નથી આવતો કે કેટલાય કમનસીબ લોકો એવા છે જેમના જીવનમાં પાણીયે નથી હોતું ને ગ્લાસ પણ નથી હોતો. બધું માગી-ભીખીને ચલાવવું પડે. આવતી કાલે રોટલો મળશે કે નહીં એની બાંયધરી ન હોય એવા માણસના ચહેરા પર નિરાંત જોઈએ ત્યારે આપણી શ્રદ્ધાની કસોટી થાય. હર્ષદ ત્રિવેદી દાર્શનિક વાત કરે છે...

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે

બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે

કથા માળા કે જિંદગીની છે સરખી

કે એમાં મેર પછીયે મણકો આવે છે

વિશ્વભરમાં સુવિધાઓ આધુનિક થઈ રહી છે તો સાથે સણકાઓ પણ આધુનિક થઈ રહ્યા છે. લડાકુઓ સાથે લેબૅનનના નાગરિકો પણ ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે છેડાયેલા યુદ્ધનો ભોગ બની રહ્યા છે. હમાસ સામે છેડાયેલો સંઘર્ષ હિઝબુલ્લાના નામે પુનરોક્તિ પામી રહ્યો છે. પ્રત્યેક દેશને પોતાની સુરક્ષાનો હક છે એ ન્યાયે ઊખડી જવાની નોબત આવે એ પહેલાં દુશ્મનને ઉખાડી નાખવાની પદ્ધતિ ઇઝરાયલે અપનાવી છે. આંધણમાં આંધી ઉમેરાઈ ગઈ છે. બાબુલાલ ચાવડા આવા વસમા વખતની વાત કરે છે...

દિવસો જ્યારે વસમા આવે

હસવા જઈએ, ડૂસકાં આવે

સુખ આવે તો એકલદોકલ

દુઃખનાં ધાડેધાડાં આવે

જીવનમાં અનેક દિવસો આપણી કસોટી કરવા આવતા હોય છે. એમની સામે ઝીંક ન ઝીલીએ તો તૂટી જઈએ. કેટલોક સમય પસાર થઈ જવા દેવો પડે. આવી પરિસ્થિતિ માટે કોણ કારણભૂત છે એની તપાસ થાય ત્યારે પહેલું નામ ઓળખીતાઓનું જ આવે એ ચિંતાજનક છે. શૈલેશ ગઢવી તપાસમાંથી તારણ તરફ લઈ જાય છે...

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે

પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો

ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે

લાસ્ટ લાઇન

મારાં બધાં કાર્યો લોકોને કામ આવે

એવું કરું કશું કે, મારામાં રામ આવે

            દર્શન કરું હું જ્યારે, મનમાં જડું મૂરત

            આંખો મીંચું ને મનમાં, ચારેય ધામ આવે

રખડી લીધું ઘણુંયે ખોટી દિશામાં જઈને

ચાલું હું દિશામાં મારો મુકામ આવે

            દોડું સમયની સાથે, વહેતું રહે જીવન

            માગું હવે તો એવું, વચ્ચે વિરામ આવે

વર્ષો થયાં, સૂનાં છે મંદિર ને હૈયે સૌનાં

હરખો હવે બધાયે, નિજ ધામે રામ આવે

            મતલબ તો છે ખુદાથી, પડતો ના ફેર એથી

            છે કોણ સહાયક, છો રામ-શ્યામ આવે

- રશ્મિ જાગીરદાર

સંયુક્ત ગઝલસંગ્રહ : આંગણું ગઝલનું

columnists gujarati mid-day