જ્યાં-ત્યાં કચરો ફેંકવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર હોય એવું બધાને લાગે છે

01 July, 2024 06:54 AM IST  |  Mumbai | Samir & Arsh Tanna

ડસ્ટબિન હોય છે, પણ આપણને એનો ઉપયોગ કરવામાં ખબર નહીં કેમ તકલીફ પડે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગઈ કાલે અમે આ અમારી સગી આંખે જોયું. પેરન્ટ્સ તેના દસેક વર્ષના બચ્ચા સાથે એક ફાસ્ટ ફૂડ જૉઇન્ટ્સમાંથી બહાર આવ્યા અને ત્યાં ઊભાં-ઊભાં જ તેમનું ફૂડ પૂરું કરીને તેમણે જે રૅપર હતું એ ફુટપાથ પર ફેંકી દીધું. બચ્ચાનું એ વાત પર ધ્યાન નહોતું. તેણે પોતાનો મિલ્કશેક પૂરો કર્યો અને પછી આજુબાજુમાં જોઈને જ્યાં ડસ્ટબિન પડ્યું હતું ત્યાં જઈને એ ખાલી ગ્લાસ અંદર ફેંક્યો. ૧૦ વર્ષના બાળકમાં આજે એ સેન્સ આવી ગઈ છે કે મારે રસ્તા પર કચરો ન ફેંકવો જોઈએ, મારે મારું સિટી ક્લીન રાખવું જોઈએ, પણ તેની સામે જે ચાલીસ અને પચાસ વર્ષ કે પછી એનાથી વધારે ઉંમર ધરાવતા લોકો છે તેમને માટે અફસોસથી કહેવું પડે કે એ લોકોમાં હજી આ સિવિક સેન્સ ડેવલપ નથી થઈ. જો બાળક આવી ભૂલ કરે તો આપણે સમજીએ કે તેણે નાદાનીમાં ભૂલ કરી, પણ પેરન્ટ્સ આ ભૂલ કરે તો એ ખરેખર શરમજનક છે. 

અમારું પર્સનલી માનવું છે કે રસ્તા પર કચરો કરવામાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો આ ફોર્ટી-પ્લસ એજ-ગ્રુપના લોકો જ હશે. આજની નવી જનરેશન આ બાબતમાં અવેર છે તો આજના ટીનેજ પણ સફાઈની બાબતમાં હવે અવેર થઈ ચૂક્યા છે. સિવિક સેન્સ હવે તેમની લાઇફસ્ટાઇલ છે અને એને લીધે જ કહેવાનું મન થાય કે આપણું ફ્યુચર સારું છે, પ્રશ્ન છે એ તો બસ આપણા પ્રેઝન્ટનો જ છે.

મ્યુનિસિપાલિટીએ ડસ્ટબિન મૂક્યું છે. ફાસ્ટ ફૂડ જૉઇન્ટ્સની બહાર પણ હવે ડસ્ટબિન કમ્પલ્સરી હોય છે. તમે ચોપાટી પર જઈને જુઓ, ત્યાં પણ ડસ્ટબિન હોય છે, પણ આપણને એનો ઉપયોગ કરવામાં ખબર નહીં કેમ તકલીફ પડે છે. રસ્તા પર કચરો ફેંકવો, જ્યાંત્યાં બૉટલ ફેંકી દેવી અને એવી આદતોને આપણે આપણો જન્મસિદ્ધ અધિકાર માનતા થઈ ગયા છીએ. છેલ્લા ત્રણેક મહિનામાં અમારે લગભગ દસેક વખત ફૉરેન જવું પડ્યું. અગાઉ પણ અમે જોયું છે, પણ આ વખતની અમારી આ ફૉરેન ટ્રિપમાં અમે એક ઘટના જોઈ, જે આપણા બધાની આંખો ખોલી નાખે એવી છે.

વાત લંડનની છે. અમારી સાથે હતા એ ભાઈએ રસ્તા પર પસાર થતાં સિગારેટનું પાકીટ ખોલ્યું. આ જે પાકીટ હોય એના પર પેલું ટ્રાન્સપરન્ટ જિલેટિન હોય, એ તેણે નીચે ફેંકી દીધું. અડધી મિનિટ થઈ હશે ત્યાં તો સ્થાનિક અંગ્રેજી ઝડપભેર પગલાં ભરતો એ ભાઈની આગળથી પસાર થયો અને તેણે પેલું જિલેટિન પેલા ભાઈના હાથમાં મૂક્યું અને કહ્યું કે તમારી આ વસ્તુ નીચે પડી ગઈ હતી. તેના ચહેરા પર જે પ્રકારનું ઇરિટેશન હતું એ જોઈને તમે સમજી જાઓ કે તેને જરા પણ ગમ્યું નથી કે તમે લંડનમાં કચરો ફેંક્યો. આ જ બ્રિટિશરો આપણે ત્યાં હતા. તેઓ હતા ત્યારે તેમણે આવી જ ચોખ્ખાઈ રાખી હશે અને આપણે એ પાળી હશે, તો બસ, જાતને પૂછો, હવે કેમ આપણે સ્વચ્છતા નથી રાખતા?

columnists gujarati mid-day