03 October, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માસૂમ બાળકીઓ પર અત્યાચાર કરનારા નરાધમ અક્ષય શિંદેને પોલીસે પોતાના સ્વબચાવમાં ગોળી મારીને તેનું ઢીમ ઢાળી દીધું તો કેટલાક લોકોએ ઊહાપોહ મચાવી દીધો. અરે, એક રાક્ષસને મારી નાખ્યો તો ખોટું શું કર્યું? તેને માર્યો ન હોત તો વર્ષો સુધી તે જેલમાં સરકારના મફતના રોટલા તોડત. આવા નરાધમને વર્ષો સુધી સાચવીને કેસ ચલાવીને માનવકલાકો વેડફવાને બદલે પોલીસે જે કર્યું એ યોગ્ય જ કર્યું.
આરોપીની માતા કહે છે, ‘મારો દીકરો તો ફટાકડાથીયે ડરતો હતો, તે ગોળી શું ચલાવવાનો?’ તે માને કહેવું જોઈએ, ‘બહેન, તેં તારા દીકરાને સારા સંસ્કાર જ ન આપ્યા. સાવ માસૂમ બાળકીઓ પર અત્યાચાર કરનારા દીકરાનો બચાવ કરતાં શરમ આવવી જોઈએ. તારે પોતે જ આવા દીકરાને ગોળીએ દઈ દેવો જોઈએ.’
મારું તો માનવું છે કે એક અક્ષય શિંદે જ શા માટે, આવા દરેક બળાત્કારીનું એન્કાઉન્ટર જ કરવું જોઈએ. આવા રાક્ષસોને શા માટે જીવતા રાખવાના? હું તો કહું છું કે આવા માણસને તો ચોક વચ્ચે ઊભો રાખીને પ્રજાએ જ પથ્થર મારી-મારીને મોતને ઘાટ ઉતારી દેવો જોઈએ. જો દસ-બાર આરોપીઓનાં આ રીતે ઢીમ ઢાળી દઈશું તો ગુનેગાર આવું અધમ કૃત્ય કરતાં ડરશે. આ લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. તેમને તો કડક હાથે દાબી દેવાના હોય.
જો આવા કેસમાં પણ રાજકારણ રમાતું હોય તો એ આપણી કમનસીબી છે. અખાતના દેશોમાં આવા ગુનાઓની સજા બહુ જ આકરી હોય છે, જેને કારણે ત્યાં અપરાધી અપરાધ કરતાં ડરે છે.
રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરેએ એન્કાઉન્ટર કરનારા પોલીસને ઇનામ જાહેર કર્યાં અને ઈજાગ્રસ્ત ઇન્સ્પેક્ટર નીલેશ મોરેને મળવા હૉસ્પિટલ પણ ગયાં. તેમણે કહ્યું, ‘કાયદાનો ડર ઊભો થવો જ જોઈએ, જેથી કોઈ ગુનો કરવાનું વિચારે પણ નહીં. એન્કાઉન્ટર કરવા બદલ પોલીસને અભિનંદન. મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યો છે. જ્યાં સુધી કાયદાનો ડર ઊભો નહીં થાય ત્યાં સુધી બળાત્કાર થતા જ રહેશે. પોલીસે એક નરાધમને ખતમ કર્યો છે એટલે તેમને અભિનંદન આપું છું.’
શર્મિલા ઠાકરેને સલામ.
આજકાલ તો બળાત્કાર બાદ મહિલાની હત્યા કરીને ટુકડા કરવાના કમકમાટીભર્યા બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે આવા અપરાધીઓ સામે કડક હાથે કામ લઈને તે જ્યાં હાથ લાગે ત્યાં જ પતાવી દેવા જોઈએ. આવા નરાધમોને સજા કરવા કોર્ટ, કચેરી, કેસ વગેરેની શા માટે રાહ જોવાની?