midday

મહાબળેશ્વર પાસેના ભિલાર ગામમાં ભલભલા વાંચતા થઈ જશે - આ છે વિશ્વનું પહેલું પુસ્તકાંચં ગાવ

11 August, 2024 01:30 PM IST  |  Mumbai | Aashutosh Desai

અહીં ૩૦ ઘરોમાં જે-તે વિષયની વિશેષ લાઇબ્રેરી છે. એમાં માત્ર ગામના જ નહીં, ભારતના અને વિદેશના લોકો પણ આવીને પુસ્તકો વાંચી શકે છે.
ભીલાર ગામ

ભીલાર ગામ

ભણતર અને વાંચનને આ ગામના લોકો આગવું મહત્ત્વ આપે છે. તમે વિશ્વનો કોઈ પણ વિષય લઈ આવો, આ ગામમાં એ અંગેનું પુસ્તક તમને મળી જ રહેશે. વિચાર કરો કે એક જ ગામમાં જ્યારે ૩૫ જેટલી અલગ-અલગ લાઇબ્રેરી હોય તો એ ગામ અને ત્યાં રહેતા લોકો પુસ્તકો અને જ્ઞાનની બાબતમાં કેટલા સમૃદ્ધ હશે! એટલું જ નહીં, દરેકેદરેક લાઇબ્રેરીમાં બેસીને તમે કોઈ પણ વિષયનું કોઈ પણ પુસ્તક સવારે દસ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી વાંચી શકો છો. તમે મુંબઈના હો કે સુરતના, અમદાવાદના હો કે પૅરિસ કે અમેરિકાના; ​ભિલારના ગ્રામવાસીઓએ એવી કોઈ બંધી કે વાડા નથી રાખ્યા કે તમે તે ગામના ન હો તો પુસ્તકો નહીં વાંચી શકો.

આટલી ટૂંકી માહિતી વાંચ્યા પછી આગળનું વાંચતી વેળા માત્ર કલ્પના તો કરી જુઓ કે કેવું સુંદર હશે એ ગામ જ્યાં આજે પણ વાંચન અને જ્ઞાનને આટલું મહત્ત્વ અપાય છે. ત્યાં રહેતી દરેક વ્યક્તિની કેટલી દૂરંદેશી હશે કે સાચું ધન એ જ્ઞાનધન છે અને સાચું જ્ઞાન પુસ્તકોમાંથી જ મળે છે આ વાત તેઓ સુપેરે સમજે છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ઘરમાલિક તેના ઘરના બહારના હિસ્સામાં કલર કરાવવા વિચારતો હોય ત્યારે તે વિચારે છે કે કયો રંગ લગાવવાથી એ સારું દેખાશે? કયો રંગ સૌથી વધુ ટકશે? આપણે જ્યારે ​ભિલાર ગામમાં લટાર મારીએ છીએ ત્યારે મોટા ભાગનાં ઘરો પર પુસ્તકો, પુસ્તકો વાંચતાં બાળકો વગેરે ચિત્રો દોરેલાં અને રંગો કરેલાં જોવા મળશે. અર્થાત્, આપણે એમ કહી શકીએ કે ‘હર ઘર કુછ કહતા હૈ!’ એટલું જ શું કામ, દુકાનના શટર પણ પુસ્તકોનાં ચિત્રો દ્વારા જ રંગાયેલાં જોવા મળશે.

અનેક લાઇબ્રેરી, અનેક વિષયો

આપણે આપણી આસપાસ એવી અનેક લાઇબ્રેરી જોઈ હશે જ્યાં અનેક અલગ-અલગ વિષયોનાં પુસ્તકો વાચકમિત્રોને મળી રહે. જોકે આ ગામની વાત કરતી વખતે કોઈ તમને એમ કહે કે અહીં દરેક વિષયની એક અલગ લાઇબ્રેરી છે તો જરાય અચંબિત થવાની જરૂર નથી, કારણ કે તે લોકો સાચું જ કહી રહ્યા છે. ગામમાં પ્રવેશતાંની સાથે જ વિજ્ઞાનની લાઇબ્રેરીથી શરૂ થતી સફર સ્ત્રીવિષયક લાઇબ્રેરી, ધાર્મિક વિષયોની અલગ લાઇબ્રેરી, ઇતિહાસના વિષયની લાઇબ્રેરી, નિસર્ગ-પર્યાવરણની અલાયદી લાઇબ્રેરી, લોકસાહિત્યની અલગ જેવા અનેક વિષયો અને અનેક લાઇબ્રેરીઓ તમને જોવા મળશે. હવે આપણે તો અહીં બેઠાં-બેઠાં માત્ર કલ્પના જ કરવાની રહી કે જો માત્ર એક વિષયને લઈને આખેઆખી એક લાઇબ્રેરી બનાવી હશે તો એમાં એ વિષયનાં પુસ્તકો કેટલાં હશે! એટલું જ નહીં, આ તો માત્ર લાઇબ્રેરીની વાત થઈ. ત્યાં રહેતા લોકોનાં ઘરોમાં જે પુસ્તકો ઉપલબ્ધ હશે એનું શું? સાચું પૂછો તો એની તો ગણતરી જ થઈ શકે એમ નથી, કારણ કે ગ્રામવાસીઓમાં મહત્તમ રહેવાસીઓ એવા છે જેમણે પોતાના ઘરે પોતાની પણ એક અલાયદી લાઇબ્રેરી બનાવી હોય છે. આ ગામમાં તમે ન માત્ર પુસ્તકો વાંચી શકો, તમે ચાહો તો એ પુસ્તકો ખરીદી પણ શકો એવાં અનેક ઉપલબ્ધ સ્થાનો છે.

લટાર મારતાં અચાનક આપણે પહોંચી જઈએ છીએ ​ભિલાર ગામની સ્કૂલ નજીક. નજર જાણે કોઈ અનેરો જ આનંદ અનુભવે એવું દૃશ્ય સર્જાય છે એમ કહીએ તો ખોટું નથી. સ્કૂલની દીવાલો પર પુસ્તકો અને પુસ્તકો વાંચતાં બાળકોનાં અદ્ભુત ચિત્રો બનાવ્યાં હોય તો બીજી કોઈક દીવાલ પર કોઈ એક વિષય કે પુસ્તકને લઈને એની ઘટનાઓ વિશેનાં સુંદર ચિત્રો બનાવ્યાં હોય.

શરૂઆત ક્યાંથી થઈ?

તારીખ હતી ૨૦૧૭ની ચોથી મે. એ સમયે મહારાષ્ટ્રના વિધાનસભ્ય વિનોદ તાવડે, મિનિસ્ટર ઑફ કલ્ચરર અફેર્સ ઍન્ડ મરાઠી લૅન્ગ્વેજ હતા. તો વાત કંઈક એવી છે કે બ્રિટનના વેલ્શ નામના ગામનો ‘હેય ઑન વેય’ બુકસ્ટોર કન્સેપ્ટ વિનોદ તાવડેને ખૂબ ગમ્યો હતો. તેમણે વિચાર્યું કે આવું જ કોઈક મૉડલ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ શરૂ કરવામાં આવે તો? આપણને થશે કે આ ‘હેય ઑન વેય’ એટલે વળી શું? તો બ્રિટનના વેલ્શ નામના નાનકડા એવા એક જ ગામમાં અંદાજે ૨૦ જેટલા અલગ-અલગ બુકસ્ટોર્સ છે. અર્થાત્ સમજી લોને કંઈક એવું કે તમે એ ગામના મુખ્ય રસ્તા પર લટાર મારવા નીકળો તો અંદાજે દર પાંચસો મીટરે તમને એક બુકસ્ટોર જોવા મળે. હવે એ જોઈને સ્વાભાવિક છે કોઈને પણ એમ થાય કે શું ખરેખર અહીં આટલાં બધાં પુસ્તકો વેચાતાં હશે? લોકો વાંચતા હશે? પણ સાચું માનજો કે ખરેખર જ ત્યાંના રહેવાસીઓ તો વાંચે જ છે, સાથે આજુબાજુના વિસ્તારોમાંથી પણ લોકો વેલ્શમાં ખાસ નવાં-નવાં પુસ્તકો ખરીદવા માટે આવે છે. ટૂરિસ્ટ્સ પણ અહીં આવે ત્યારે પોતાને ગમતાં પુસ્તકો ખરીદીને સાથે લઈ જાય છે. એને કારણે આ ગામ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયું.

તો આ ગામ પાસેથી પ્રેરણા લઈને ​ભિલારમાં એક નવી શરૂઆત કરવામાં આવી. શરૂઆત થઈ તો પણ કેવી થઈ? ૨૫ જેટલી લાઇબ્રેરી સાથે ​ભિલાર સુસજ્જ થયું એક નવા જ્ઞાન અને ભણતરના યુગને આવકારવા.  ૨૦૧૭ની સાલ એટલે આજે પૂરાં છ વર્ષ પણ નથી થયાં એમ કહી શકીએને? આટલા સાડાપાંચ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં પણ સક્રિય અને વાંચનપ્રિય ​ભિલારના રહેવાસીઓને કારણે આજે ગામમાં ૩૫ કરતાં વધુ અલગ-અલગ વિષયોની અલાયદી લાઇબ્રેરી તો છે જ, એ સિવાય મહદંશના ગ્રામવાસીઓએ પોતાના ઘરમાં પણ અલગ-અલગ વિષયોની લાઇબ્રેરી બનાવી છે. જાણો છો એમાં વળી એક બીજી યુનિકનેસ શું છે? આ ગ્રામવાસીઓ ત્યાં આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓને ભાવથી આવકારે છે અને પોતાના ઘરની લાઇબ્રેરીનો ઉપયોગ કરવા પણ પ્રેરે છે. અર્થાત્, જે રીતે તમે હૉલિડેઝ પર મહાબળેશ્વર જતા હો એ જ રીતે ​ભિલાર ગામમાં જાઓ, કોઈક રિસૉર્ટ કે હોટેલમાં રહેવું હોય તો રહો, નહીં તો કોઈકના ઘરે પણ મહેમાન તરીકે જઈ શકો અને તેમણે ત્યાંની લાઇબ્રેરી જાણે તમારા માટે જ બનાવવામાં આવી છે એમ જાણીને એનો મનભરીને ઉપયોગ પણ કરી શકો. છેને અનોખી વાત?

આટલું વાંચ્યા પછી જો તમે એવું સમજવાની ભૂલ કરતા હો કે બીજાં શહેરોમાં જોવા મળતી લાઇબ્રેરીઓની જેમ અહીં પણ દરેક લાઇબ્રેરી અલગ-અલગ ઇમારતોમાં અલાયદી હશે તો એમ કહીશું કે તમારી સમજવામાં થોડી ભૂલ થાય છે. અહીં લાઇબ્રેરીઓ તો છે જ, એ સિવાય ગ્રામવાસીઓના ઘરમાં પણ લાઇબ્રેરી છે. અર્થાત્, જેમ આપણા ઘરમાં ડ્રૉઇંગ-રૂમ, બેડરૂમ જેવા હિસ્સાઓ હોય એ જ રીતે અહીં લાઇબ્રેરી દરેકના ઘરનો હિસ્સો છે.

યુનિકનેસના યુનિક કન્સેપ્ટ

યાદ છેને આપણા વડીલો કાયમ કહેતા કે વાંચશો તો મગજ ખીલશે, બુદ્ધિ તેજ થશે. એનો તાદૃશ નમૂનો આ ગામના વિચારો અને પ્લાનિંગમાં જોવા મળી રહ્યો છે એવું કહીએ તો ખોટું નથી. જાણો છો કે તેઓ હવે શું નવો કન્સેપ્ટ લાવવા વિચારી રહ્યા છે? એ તો આપણે બધા જાણીએ છીએ કે સ્ટ્રૉબેરીની સીઝનમાં આપણે મહાબળેશ્વર જઈએ તો અનેક ફાર્મ્સમાં તે લોકો આપણને સ્ટ્રૉબેરીઝ જાતે તોડવા દેતા હોય છે અને ત્યાં ફાર્મમાં ઊભા-ઊભા તમારે જેટલી ખાવી હોય એટલી ખાવા પણ દેતા હોય છે. ​ભિલાર ગ્રામવાસીઓ આમ એક સાવ નવી બાબત લાવી રહ્યા છે. હવે નજીકના ભવિષ્યમાં તમે ​ભિલાર જશો તો જાણવા મળશે કે જો તમે પુસ્તક ખરીદ્યું છે તો સ્ટ્રૉબેરીના ફાર્મમાં તમે જાતે સ્ટ્રૉબેરી તોડી પણ શકો અને સાવ મફત ખાઈ પણ શકો. અર્થાત્ એક ગમતીલી વસ્તુ ખાવા માટે એક ગમતીલી લાલચ પણ મૂકી દીધી!

અચ્છા, હવે દરેક ઘરમાં જ્યારે અલગ-અલગ વિષયોને લઈને આટલી બધી લાઇબ્રેરી બની હોય ત્યારે નવા માણસોને ખબર કઈ રીતે પડે કે કયા વિષયની લાઇબ્રેરી ક્યાં છે અર્થાત્ કોના ઘરે છે? છગનભાઈ, કવિતાઓ વાંચવા માટે મગનભાઈના ઘરે બનેલી લાઇબ્રેરીમાં પહોંચી ગયા અને ત્યાં ગયા ત્યારે ખબર પડી કે મગનભાઈના ઘરે તો ઇતિહાસના વિષયની લાઇબ્રેરી છે, કવિતાઓની નથી; કવિતાની લાઇબ્રેરી તો મુકેશભાઈના ઘરે છે. હવે જો આવું થાય તો મગનભાઈ તો બિચારા રખડી-રખડીને કંટાળી જાયને? જોકે એવું નથી થતું. અરે, એવું ન થાય એ માટે ગ્રામવાસીઓએ બે વ્યવસ્થા કરી છે. ખબર છે કઈ રીતે? પહેલી વ્યવસ્થા ​ભિલાર ગામમાં અને દરેકના ઘરમાં પણ તમને કયા વિષયની લાઇબ્રેરી કોના ઘરે અથવા ક્યાં બનાવવામાં આવી છે એની યાદી મળી જશે અને બીજી વ્યવસ્થા, દરેક ગ્રામવાસીએ પ્રવાસીઓ માટે પોતાના ઘરની બહારની દીવાલો પર ચિત્રો દોરી રાખ્યાં છે અથવા મોટા અક્ષરોએ લખાવી રાખ્યું છે કે
અહીં કયા વિષયની લાઇબ્રેરી છે. આ વિચારો અને વ્યવસ્થા સુધ્ધાં એકદમ યુનિક નથી બોલો?

આજે વિશ્વ જ્યારે ટેક્નૉલૉજી અને સોશ્યલ મીડિયાના રંગમાં રંગાઈ ચૂક્યું છે ત્યારે લાંબું-લાંબું વાંચવું હવે મોટા ભાગના લોકોને ગમતું નથી. સાચું કહો તો જાણે હવે કોઈનામાં એટલી ધીરજ નથી. જોકે વાંચન એક એવી આદત છે જે ભીતરની નજરો ખોલે છે. અર્થાત‍્, માનવી ભીતરથી સમૃદ્ધ બને છે અને આ ધનાઢ્યતા વિશ્વની કોઈ મિલકત, કોઈ સ્થળ કે કોઈ સુખ આપી શકતી નથી. હવે ક્યારેક પંચગની કે મહાબળેશ્વર જાઓ તો કમસે કમ એક દિવસ ​ભિલાર ગામ જરૂર જવું જોઈએ અને ધારો કે તમે સ્પેશ્યલ ​ભિલાર જવાનો જ કે ત્યાં રોકાવાનો જ પ્રોગ્રામ બનાવ્યો તો-તો ભયો-ભયો.

columnists mahabaleshwar panchgani gujarati mid-day