રોજ સામે કૈંક અણધાર્યા સવાલો આવશે

21 July, 2024 10:45 AM IST  |  Mumbai | Hiten Anandpara

કોઈની પ્રતીક્ષા કરવાનું કામ અઘરું હોય છે, વિશેષ કરીને ત્યારે જ્યારે તેના આવવાની શક્યતા વિશે સંશય હોય

પ્રતીકાત્મક તસવીર

કોઈની પ્રતીક્ષા કરવાનું કામ અઘરું હોય છે, વિશેષ કરીને ત્યારે જ્યારે તેના આવવાની શક્યતા વિશે સંશય હોય. પત્ની પરદેશ ગયેલા પિયુની રાહ જુએ છે, ખેડૂત કાગડોળે વરસાદની રાહ જુએ છે, સ્કૂલનો વિદ્યાર્થી ધોધમાર વરસાદ પડે અને એના માનમાં સ્કૂલમાં રજા પડી જાય એની રાહ જુએ છે. મુંબઈ એવડા મોટા દિલવાળું છે કે દરેક મોસમમાં એકાદ વાર તો વિદ્યાર્થીઓનું માન રાખે જ છે. વરસાદની મોસમ ભીનેવાન છે, પણ જળાશયોમાં ટૂંકી આવક થઈ છે ત્યારે અરુણ દેશાણીનો સંશય ચેતવણીરૂપ લાગે છે...

શું ખબર એ પંથ ક્યારે આવશે

જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે

જળ હશે, પથ્થર હશે, વાદળ હશે

હોવું પણ હોવાનું કેવળ છળ હશે

એક ભયંકર વિચાર આવતાં કાંપી જવાય છે કે આમચી મુંબઈમાં એકાદ વર્ષ વરસાદ ન આવે કે સાવ નપાણિયો આવે તો આપણી શું હાલત થાય? ભવિષ્યમાં તોસ્તાન ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન આગોતરો વિચારવો રહ્યો. બીજાં રાજ્યોમાંથી નદીઓની આયાત થઈ શકે નહીં. વૈશ્વિક તાપમાનને કારણે વિશ્વના ઘણા દેશો મોસમનો માર ઝીલી રહ્યા છે. કૅલિફૉર્નિયામાં વર્ષોથી દુકાળની સમસ્યા છે તો દુબઈ જેવા રણવિસ્તારમાં પૂર આવવાનું શરૂ થઈ ગયું છે. શૌનક જોષી આવી જ વિષમતાની વાત કરે છે જેમાં દાર્શનિકતા સમાયેલી છે...

દરિયાને આપણે તો વહેંચ્યો છે સરખા ભાગે

તમને મળ્યાં છે મોતી ને જળ મને મળ્યું છે

આ પ્રેમનો અનુભવ કામ આવશે જીવનભર

તમને વફા મળી છે ને છળ મને મળ્યું છે

પ્રેમનો અનુભવ કદાચ વ્યવહારવિશ્વમાં ઝાઝો કામ ન આવે, પણ સંવેદનવિશ્વ તો એનાથી જ રળિયાત બને છે. આમ જુઓ તો આ અઢી અક્ષરના શબ્દમાં કેટલું બધું સમાઈ જાય છે. એમાં કોઈ માટેની કૂણી લાગણી હોય, સજીવ શું નિર્જીવ સૃષ્ટિ પ્રત્યે પણ અનુકંપા હોય, સૌનું સારું ઇચ્છતી ભાવના હોય, સ્વજનને તકલીફ ન પડે એટલે પોતે મુસીબત વહન કરવાની સંવેદના હોય. અનેક અવરોધો અને વિષમતાઓ હોવા છતાં વિશ્વ સારપથી જ જીવવા યોગ્ય બને છે. ભરત ભટ્ટ પવન જીવનની શીખ આપે છે...

માર્ગ છે માર્ગમાં મોડ પણ આવશે

બસ કદમને જરા ચાલ પર છોડજો

બંધ કરશો નહીં એકદમ ગીતને

આખરી સમ ઉપર-તાલ પર છોડજો

કેટલીક વાર ગમતી પ્રવૃત્તિ છોડવાની નોબત આવે તો હાથ ઝાટકીને છોડી ન દેવાય. કદાચ એના પર બીજા લોકોનું પણ અવલંબન હોય. સેકન્ડ લાઇન ઊભી કરવાનું મહત્ત્વ માત્ર ઉદ્યોગક્ષેત્રમાં જ નહીં, બધાં ક્ષેત્રોમાં સરખું અંકાવું જોઈએ. કોઈના જવાથી કંઈ અટકતું નથી એ વાસ્તવિકતા છે તો કોઈના જવાથી આખો પ્રોજેક્ટ કે યોજના ધરાશાયી થઈ જાય એના પણ દાખલા છે. વિસ્તારમાં અને સંકેલવામાં બન્નેમાં સમજણ આવશ્યક છે. ભાવિન ગોપાણી એ સમજાવે છે...

ઊછળતું આવશે ખેંચી જશે ભીતર ને ભીતર

તરસતી આંખનું ખાલીપણું મોજું થયું છે

ચલો વચ્ચેનો રસ્તો પણ હવે સંકેલી લઈએ

હતું જે આપણી વચ્ચે હતું ન્હોતું થયું છે

ઘણું હતું નહોતું વિવિધ સ્તરે થઈ રહ્યું છે. લોકસભામાં મોદી સરકારને ધાર્યા મુજબની બેઠકો ન મળી. ફ્રાન્સમાં કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી. અમેરિકાની ચૂંટણી સચરાચરમાં ગાજી રહી છે. ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને કારણે વાતમાં આગાથા ક્રિસ્ટી કે હરકિસન મહેતાની નવલકથા જેવો જબરદસ્ત વળાંક આવ્યો છે. એક તરફ ટ્રમ્પ પર ચાલતા અનેક મુકદ્દમા છે તો બીજી તરફ બાઇડનની વર્તાતી ઉંમર છે. મૂલ્યોનું હનન અને હિતનું ખનન ન થાય એ પ્રત્યેક લોકશાહી માટે જરૂરી છે.

લાસ્ટ લાઇન

આગવો પ્રત્યેક ઉંમરનો નજારો આવશે

દેહમાં થોડો વધારો કે ઘટાડો આવશે

 

સાવ સહેલી ક્યાં સફર ક્યારેય કોઈ હોય છે

જિંદગીમાં માનજો અઘરા વળાંકો આવશે

 

એટલી તૈયાર રાખો જાતને કાયમ તમે

રોજ સામે કૈંક અણધાર્યા સવાલો આવશે

 

કાચની માફક ભલેને સાચવ્યા હો તે છતાં

ક્યાંક અંગત કોક સગપણમાં દરારો આવશે

 

રોકશો પાંપણ તળે પણ અશ્રુ ટોળાં કેટલાં

એક પાછળ એક જોજોને હજારો આવશે

 

અતુલ દવે, વડોદરા

columnists hiten anandpara