અનામતની આગ સાથે રમવા જેવું નથી બંગલાદેશ પાસેથી શીખવા જેવું છે

28 July, 2024 02:35 PM IST  |  Mumbai | Raj Goswami

બંગલાદેશની ઘટનાઓ પણ ભારત માટે એક બોધપાઠ છે. અહીં પણ રાજકીય પક્ષો અનામતના સંવેદનશીલ મુદ્દાને સળગતો રાખવાનો પ્રયાસ કરે છે. તેમણે અનામતની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અનામત ટાળવી જરૂરી છે

ફાઇલ તસવીર

ભારતના પાડોશી દેશ બંગલાદેશમાં અનામતને લઈને મોટા પાયે થયેલી હિંસાએ ફરી એક વાર સાબિત કર્યું છે કે અનામતનો મુદ્દો સમાજમાં કેટલી હદે ઊથલપાથલ સર્જી શકે છે. અત્યાર સુધી જેમાં ઓછામાં ઓછા ૧૬૩ લોકોના જીવ ગયા છે એવા આ વિદ્યાર્થી આંદોલનથી વડાં પ્રધાન શેખ હસીનાની સરકાર મુશ્કેલીમાં આવી પડી છે.

આ હિંસક આંદોલન કેટલું ગંભીર છે એની સાબિતી એ હકીકત પરથી મળે છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ બયાન જાહેર કરવું પડ્યું છે કે તેમની સરકાર પાડોશી બંગલાદેશમાંથી નાસી આવતા બેસહાય લોકોને મદદ કરશે.

તેમણે કહ્યું છે, ‘મારે બંગલાદેશ ​વિશે વાત ન કરવી જોઈએ, કારણ કે એ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. એના વિશે જે કહેવાનું હશે એ કેન્દ્રનું કામ છે, પણ અસહાય લોકો અમારો દરવાજો ખટખટાવશે તો અમે નિશ્ચિતપણે આશ્રય આપીશું.’

બંગલાદેશે મમતાની આ ​ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે અને ભારત સરકારને એક ચિઠ્ઠી લખી છે.

આ વિવાદના મૂળમાં બંગલાદેશના ૧૯૭૧ના સ્વતંત્રતાસંગ્રામના સેનાનીઓના વંશજો માટે સરકારી નોકરીઓમાં ૩૦ ટકા અનામત છે. ગયા મહિને બંગલાદેશની હાઈ કોર્ટે એક ચુકાદામાં સરકારી નોકરીઓમાં જૂની ક્વોટા-સિસ્ટમ ફરી લાગુ કરી હતી, જેમાં વિવિધ કૅટેગરી માટે ૫૬ ટકા સરકારી નોકરીઓ અનામત કરી હતી. એમાં સ્વતંત્રતાસેનાનીઓના વંશજો માટે ૩૦ ટકા અનામતનો પણ સમાવેશ થઈ જાય છે.

આંદોલનકારીઓની દલીલ છે કે પાંચ દાયકામાં મુક્તિ સંગ્રામના લડવૈયાઓના પરિવારોને અનામતનો ઘણો લાભ મળ્યો છે. આ આરક્ષણ ચાલુ રાખવાનું કોઈ વાજબી કારણ નથી. બીજો એક વર્ગ આ અનામતની તરફેણમાં છે.

આની વિરુદ્ધ સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે રવિવારે હાઈ કોર્ટના નિર્ણયને ઊલટાવી દીધો હતો. બંગલાદેશમાં બગડતી પરિસ્થિતિથી ત્યાં તબીબી અભ્યાસ કરી રહેલા ચાર હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર એમાંથી ૭૭૮ વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવામાં આવ્યા છે.

બંગલાદેશની ૧૭ કરોડની વસ્તીમાંથી લગભગ ૩.૨ કરોડ યુવાનો બેરોજગાર છે. સ્વતંત્રતાસેનાનીઓના વંશજો માટે ૩૦ ટકા અનામત ઉપરાંત મહિલાઓ અને પછાત જિલ્લાઓના લોકોને ૧૦-૧૦ ટકા, ધાર્મિક લઘુમતીઓને પાંચ ટકા અને દિવ્યાંગોને એક ટકો અનામત આપવામાં આવે છે.

આંદોલનકારીઓ મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામતની વિરુદ્ધ નથી. તેઓ માત્ર સેનાનીઓના વંશજોના ક્વોટાને નાબૂદ કરવા માગે છે અને સરકારી નોકરીઓમાં ગુણવત્તાને આધાર બનાવવાનો આગ્રહ રાખે છે.

બંગલાદેશની ઘટનાઓ પણ ભારત માટે એક બોધપાઠ છે. અહીં પણ રાજકીય પક્ષો અનામતના સંવેદનશીલ મુદ્દાને સળગતો રાખવાનો પ્રયાસ કરે છે. તેમણે અનામતની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અનામત ટાળવી જરૂરી છે.

કાવડયાત્રાના રૂટ પર ભેદભાવ ખતમ

સુપ્રીમ કોર્ટે કાવડયાત્રાના માર્ગ પર દુકાનદારોનાં નામ જાહેરમાં પ્રદર્શિત કરવાના ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વહીવટી તંત્રના વિભાજનકારી આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘ખાવાનું વેચવાવાળા કેવું ખાવાનું વેચી રહ્યા છે એ જણાવવું જરૂરી છે, પણ એના માલિક કે કર્મચારીનું નામ જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય.’

કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ કાવડયાત્રાના માર્ગ પર દુકાનદારોનાં નામ જાહેર કરવાના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો અને એને વિભાજનકારી પગલું ગણાવ્યું હતું. તૃણમૂલ કૉન્ગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા અને અન્યોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

કાવડયાત્રાના રૂટ પર વર્ષોથી મુસ્લિમ દુકાનદારો ખાવાનું વેચતા આવ્યા છે. ભગવાન શિવની ભક્તિમાં નીકળતી પરંપરાગત કાવડયાત્રાનાં આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક પાસાંઓમાં અલગ-અલગ સંપ્રદાયના લોકો ભાગ લેતા આવ્યા છે અને એમાં ક્યારેય કોઈ પ્રકારનો વિવાદ થયો નથી. આ વર્ષે જ રાજ્ય સરકારે અતાર્કિક આદેશ જાહેર કરીને વણજોઈતો વિવાદ ઊભો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જોકે સમયસર એના પર પાણી રેડીને પ્રશંસનીય કામ કર્યું છે.

RSS સાથે BJPના બુચ્ચા

સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ ન લઈ શકે એવા ૫૮ વર્ષ જૂના પ્રતિબંધને કેન્દ્રની BJP સરકારે પાછો ખેંચી લીધો છે. સરકારે ૧૯૬૬, ૧૯૭૦ અને ૧૯૮૦માં તત્કાલીન સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશોમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

એવું લાગે છે કે BJP અને RSS વચ્ચે તાજેતરના સમયમાં તનાવ પેદા થયો હતો અને સરકારનો આ નિર્ણય સમાધાનનો સંકેત છે. વિરોધ પક્ષોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે.

BJP માટે કૂણું વલણ ધરાવતી બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતીએ કહ્યું છે કે ‘કેન્દ્રનો નિર્ણય રાષ્ટ્રીય હિત માટે નથી. સરકારની નીતિઓ અને એના ઘમંડી વલણ વગેરેને લઈને લોકસભાની ચૂંટણી પછી બન્ને વચ્ચે તીવ્ર ઘર્ષણને દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો છે.’

આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કૉન્ગ્રેસના સંસદસભ્ય ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે ‘મને આ RSS-BJPની જુગલબંદી લાગે છે. મોહન ભાગવતે થોડા દિવસ પહેલાં જે ટિપ્પણી કરી હતી એનાથી તેમની નારાજગી દૂર કરવા માટે BJP સરકારે આવો નિર્ણય લીધો છે.’

બીજી બાજુ સંઘે આ નિર્ણયને આવકાર્યો છે. એના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લાં ૯૯ વર્ષથી રાષ્ટ્રના પુનર્નિર્માણ અને સમાજસેવામાં સતત સંકળાયેલો છે. રાષ્ટ્રીય સુરક્ષા, એકતા અને અખંડિતતા તથા કુદરતી આપત્તિના સમયમાં સમાજને સાથે લઈને ચાલવામાં સંઘના યોગદાનને કારણે દેશનાં વિવિધ નેતૃત્વ દ્વારા સમયાંતરે સંઘની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવે છે.’

આંબેકરે વધુમાં કહ્યું હતું કે ‘તેમનાં રાજકીય હિતોને કારણે તત્કાલીન સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને સંઘ જેવી રચનાત્મક સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બિનજરૂરી રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. સરકારનો વર્તમાન નિર્ણય યોગ્ય છે અને ભારતની લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવશે.’

સંઘમાં એવો સંદેશો ગયો છે કે તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન BJP અને RSS વચ્ચે ઊભી થયેલી કેટલીક મુશ્કેલીઓ દૂર કરવાનો મોદી સરકારનો આ પ્રયાસ છે.

સંઘના એક વરિષ્ઠ પદાધિકારીએ ધ હિન્દુ સમાચારપત્રને જણાવ્યું હતું કે ‘ચૂંટણી દરમ્યાન સંઘ અને BJP વચ્ચે સંવાદ તૂટી ગયો હતો, પરંતુ સંઘની એક વરિષ્ઠ વ્યક્તિની મધ્યસ્થીના પગલે પરિસ્થિતિમાં સુધારો થયો હતો.’

સંઘે મહારાષ્ટ્રમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથને મહાયુતિમાં સામેલ કરવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. એવું કહેવાય છે ચૂંટણીમાં સંઘ BJPને સંગઠનાત્મક ટેકો આપવાથી દૂર રહ્યો હતો.

અગાઉ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે ભૂતકાળમાં BJPને RSSની જરૂર હતી કારણ કે એની પાસે સંગઠનાત્મક માળખું નહોતું, પરંતુ હવે એ ચૂંટણીઓ જાતે જ સંભાળવા સક્ષમ છે. આનાથી પણ સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. પરિણામો પછી મણિપુરમાં ચાલુ હિંસા પર અને નેતૃત્વના અહંકાર પર સંઘના વડા મોહન ભાગવતની ​ટિપ્પણી પણ બગડેલા સંબંધોની નિશાની હતી.

અમેરિકામાં ‘ખેલ’ થઈ ગયો : ટ્રમ્પ સામે હવે કમલા હૅરિસ?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દિલચસ્પ બની રહી છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાના સમાચાર સુકાય એ પહેલાં તેમના ડેમોક્રૅટિક પ્રતિસ્પર્ધી અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન ઉંમરને કારણે તેમના ખરાબ પ્રદર્શનના પગલે રેસમાંથી અચાનક ખસી ગયા છે.

ટ્રમ્પ સાથેની પરંપરાગત ટીવી-ડિબેટ દરમ્યાન બાઇડન ન તો સરખી રીતે ઊભા રહી શકતા હતા કે સરખું બોલી પણ શકતા નહોતા. પરિણામે વાઘ જેવા ટ્રમ્પ સામે તેમની ચૂંટણી જીતવાની ક્ષમતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા.

ચૂંટણીને લઈને ડેમોક્રૅટિક પાર્ટીની અંદર તનાવ વધ્યો હતો અને તેમનું સ્થાન કોણ લેશે એ અંગે ચર્ચા શરૂ થઈ હતી. એ પછી બાઇડનનાં ડેપ્યુટી રાષ્ટ્રપતિ કમલા હૅરિસનું નામ આ ચર્ચામાં ટોચ પર આવ્યું. બાઇડને રેસમાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કર્યા પછી કમલા હૅરિસ ઉમેદવારની રેસમાં જોડાયાં હતાં. બાઇડને પણ કમલા હૅરિસને પોતાનું સમર્થન આપવાનું વચન આપ્યું છે.

સપ્ટેમ્બરમાં ડેમોક્રૅટિક પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન મળશે અને એમાં રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારની વરણી થશે. બધું જો સમુંસૂતરું પાર પડે તો સંભવત: કમલા હૅરિસ ટ્રમ્પ સામે બાથ ​ભિડાવશે. કમલા હૅરિસ પ્રથમ મહિલા તેમ જ પ્રથમ અશ્વેત અને એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે જે બીજા કાર્યકાળ માટે પક્ષનું નૉમિનેશન મેળવવા માટે પ્રયાસરત છે.

ટ્રમ્પ સામે હૅરિસનો જંગ દિલચસ્પ રહેશે. ટ્રમ્પ તેમની સ્ત્રીવિરોધી માનસિકતા માટે કુખ્યાત છે અને હૅરિસમાં એ તાકાત છે કે તે સ્ત્રીમતદારોને તેમની તરફ આકર્ષિત કરી શકે. હૅરિસે એ તેવર બતાવવાનું શરૂ પણ કરી દીધું છે.

સોમવારે ડેમોક્રૅટિક પાર્ટીના પ્રચાર મુખ્ય મથક ખાતે સેંકડો કાર્યકરો અને વર્ચ્યુઅલ હાજરી આપનારા ઘણાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘મેં તમામ પ્રકારના અપરાધીઓનો સામનો કર્યો છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનારા શિકારીઓ, ગ્રાહકોને લૂંટતા પીંઢારાઓ, નીતિ-નિયમો તોડનારા ધોખેબાજ સૌને જોયા છે. મને ડોનલ્ડ ટ્રમ્પની રગ-રગ ખબર છે.’

ટ્રમ્પે રવિવારે દાવો કર્યો હતો કે જો કમલા હૅરિસ પાંચમી નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રૅટિક ઉમેદવાર બનશે તો તેઓ તેમને સરળતાથી હરાવી દેશે, પરંતુ એમાં કોઈ શંકા નથી કે કમલા હૅરિસના આગમનથી રેસ બદલાઈ ગઈ છે. ડેમોક્રૅટિક પ્રમુખ જો બાઇડન સામે ટ્રમ્પનો ઘોડો આગળ દોડી રહ્યો હતો, પણ તેમના ખસી જવાથી અને હૅરિસના આગમનથી દૃશ્ય બદલાઈ ગયું છે.

રાજકીય વ્યૂહરચનાકારોએ જણાવ્યું હતું કે ડેમોક્રૅટિક ઉમેદવાર તરીકે હૅરિસ કદાચ અણધારી રીતે સ્પર્ધા ઊલટાવી દેશે. ૫૯ વર્ષની એક મહિલા, જે અશ્વેત અને એશિયન-અમેરિકન છે, ૭૮ વર્ષના ટ્રમ્પ સામે અલગ જ રીતે ચૂંટણી લડશે. હૅરિસ વર્તમાન જ્વલંત મુદ્દાઓ અને સાંસ્કૃતિક વિભાજન પર ધ્યાન કેન્દ્રિત કરશે. યુનાઇટેડ સ્ટેટ્સના ૨૪૮ વર્ષના ઇતિહાસમાં ક્યારેય મહિલા પ્રમુખ તરીકે ચૂંટાઈ નથી એટલે એ પણ જોવાનું છે કે અમેરિકનો એક મહિલાને પસંદ કરશે?

લાસ્ટ લાઇન

સૌથી શ્રેષ્ઠ સરકાર એ છે જે સૌથી ઓછું શાસન કરે. - હેન્રી ડેવિડ થોરો

columnists raj goswami bangladesh india