22 December, 2024 05:03 PM IST | Mumbai | Foram Shah
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એસ્ટેટ પ્લાનિંગ સમગ્ર નાણાકીય આયોજન પ્રક્રિયાનું એક અભિન્ન અંગ છે. સંપત્તિનો વારસદાર કહો કે ઉત્તરાધિકારી કહો, એના વિશે સ્પષ્ટતા ન હોય તો નાણાકીય આયોજન અધૂરું કહેવાય. આમ છતાં લોકોના આયોજનમાં આ પાસું મોટા ભાગે ગાયબ જ હોય છે. પોતાને હાલ તો કંઈ જ નહીં થાય એવી લાગણી/માન્યતાને લીધે જ લોકો આયોજન કરતા નથી. પણ જીવનનો કોઈ જ ભરોસો હોતો નથી. આથી એસ્ટેટ પ્લાનિંગ કરવું અતિ આવશ્યક છે.
ઘણા લોકો એવું માને છે કે તેમની પાસે કંઈ રાજાપાટ નથી કે તેમણે એસ્ટેટ પ્લાનિંગ કરવું જોઈએ. દરેક સંસારી વત્તા-ઓછા પ્રમાણમાં એસ્ટેટ-સંપત્તિ ધરાવતો હોય છે. એમાં કાર, મોંઘાં ચિત્રો, પુસ્તકો, બૅન્ક-અકાઉન્ટમાંનાં નાણાં, વિવિધ ઍસેટ્સમાં કરેલાં રોકાણનો સમાવેશ થાય. એસ્ટેટ ગમે તેટલી હોય, એને સાથે લઈને જઈ શકાતું નથી અને એટલે જ એની સોંપણી કોઈને કરીને જવાનું હોય છે.
જેઓ એસ્ટેટ પ્લાનિંગ કરતા નથી તેમની સંપત્તિ ખોટા હાથોમાં ચાલી જવાનું કે વેડફાઈ જવાનું જોખમ હોય છે એટલું જ નહીં, પરિવારજનોમાં ઝઘડા થવાનું પણ જોખમ હોય છે. પોતાના ગયા પછી પોતાની સંપત્તિ કોને મળવી જોઈએ એનું લખાણ તૈયાર કરવું કે લોકોને સૂચના આપીને જવું અગત્યનું કામ છે. સંપત્તિ વારસદારોને અથવા ઇચ્છિત લાભાર્થીઓને સરળતાથી મળી શકે એ માટે સ્પષ્ટ સૂચનાઓ હોવી આવશ્યક છે. વસિયતનામું (વિલ) બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે હવે વાત કરીએઃ
વસિયતનામું લેખિત હોય છે. અમુક સંજોગોમાં એ મૌખિક પણ હોઈ શકે છે.
સાદા કાગળ પર લખેલું વસિયતનામું ચાલે. એનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. જોકે ભારતનાં અમુક રાજ્યોમાં એનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે.
વસિયતનામામાં વ્યક્તિની માલિકીની મિલકતોની યાદી હોવી જોઈએ અને દરેક મિલકત કોને મળવી જોઈએ એ લખેલું હોવું જોઈએ.
વસિયતનામું અમલમાં મૂકવા માટેની જવાબદારી કોને સોંપવામાં આવી છે એની વિગત એમાં લખેલી હોવી જોઈએ.
કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેના ગમા-અણગમાને લીધે વસિયતનામું બનાવવાની પ્રક્રિયા અઘરી બની જાય છે. અહીં વૉટ્સઍપ પર આવેલો એક કિસ્સો જાણવા જેવો છે. એક વડીલને સાંભળવામાં તકલીફ હતી. તેમણે પરિવારજનોને ખબર ન પડે એ રીતે તેમણે એની સારવાર કરાવી લીધી હતી. આમ ઘરના સભ્યોને ખબર નહોતી કે તેમને બરાબર સંભળાવા લાગ્યું છે. આખરે થયું એવું કે એ મુરબ્બીએ ઘરના સભ્યોની વાતો સાંભળીને પોતાનું વસિયતનામું ત્રણ વખત બદલી કાઢ્યું!
અહીં નોંધવું ઘટે કે મરણ કોઈને ગમતું નથી, પરંતુ કોઈ વ્યક્તિ અમરપટો લખાવીને લાવી નથી. આ જ કારણ છે કે સૌએ વસિયતનામું બનાવવું જોઈએ. નાની ઉંમરે બનાવેલું વસિયતનામું પછીથી બદલાવી પણ શકાય છે. આથી કોઈ પણ ઉંમરે એ બનાવવાનું વહેલું કહી શકાય નહીં.