કૉમેડી ન કરતો હોત તો આ કમ્પ્યુટર એન્જિનિયર કરિયાણાની દુકાન ચલાવતો હોત

02 January, 2025 10:41 AM IST  |  Mumbai | Kajal Rampariya

ઉત્તર ગુજરાતના રાધનપુરના રાઘવની મુંબઈમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનવા સુધીની જર્ની રોલરકોસ્ટર રાઇડ જેવી છે

રાધનપુરનો રાઘવ ઠક્કર

મોટા ભાઈએ વાપરેલાં પુસ્તકોમાં જ ભણાઈ જાય એટલે એન્જિનિયરિંગ ભણેલો રાઘવ ઠક્કર ગુજરાતી સ્ટૅન્ડઅપ કૉમેડીની દુનિયામાં ધીમે-ધીમે પોતાની આગવી જગ્યા બનાવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરના રાઘવની મુંબઈમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનવા સુધીની જર્ની રોલરકોસ્ટર રાઇડ જેવી છે

જો તમે ગુજરાતી સ્ટૅન્ડઅપ કૉમેડીના શોખીન હો તો રાઘવ ઠક્કરનું નામ તમારા માટે અજાણ્યું નહીં હોય. ઉત્તર ગુજરાતના રાધનપુર જેવા નાના ગામથી મુંબઈમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનવા સુધીની રાઘવની જર્ની રોલરકોસ્ટર રાઇડ જેવી રહી છે એમ કહેવું ખોટું નથી. ૨૦૧૭થી સ્ટૅન્ડ-અપ કૉમેડી કરતો ૩૦ વર્ષનો રાઘવ કહે છે, ‘અત્યાર સુધી જેટલા પણ ગુજરાતી કૉમેડિયન્સ તમને દેખાય છે એ બધા જ મેટ્રો સિટીથી આવેલા છે. ગુજરાતી કૉમેડીમાં સૌથી મોટી કૉમેડી ફૅક્ટરી છે અને તે બધા જ લોકો વડોદરાના છે. હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી પણ ઘણા કૉમેડિયન્સ આવી રહ્યા છે પણ ઉત્તર ગુજરાતથી હજી સુધી કોઈ આવ્યું નથી. હું મૂળ ઉત્તર ગુજરાતના રાધનપુરનો છું. ત્યાં મેટ્રો સિટી જેવી ફૅસિલિટી નથી. ત્યાંથી મુંબઈ સુધીની સફર મારા માટે ટર્નિંગ પૉઇન્ટ રહી છે.’

રાઘવ તેની મમ્મી નીતાબહેન, ભાભી ચાંદની, ભાઈ મેહુલ, ભત્રીજી કેશવી અને પિતા કીર્તિભાઈ ઠક્કર સાથે.

એન્જિનિયરિંગ કેમ?

રાધનપુરમાં સ્કૂલ, ગાંધીનગરમાં ૧૧મું-૧૨મું અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી ચૂકેલો રાઘવ ભણવામાં હોશિયાર હતો પણ તેની રુચિ કૉમેડીમાં હતી. એન્જિનિયરિંગ કરવા પાછળની સ્ટોરી વિશે ગોરેગામમાં રહેતો રાઘવ કહે છે, ‘અમારા સમયે એન્જિનિયરિંગ કોર્સની બોલબાલા હતી. એમ કહેવાતું કે એન્જિનિયરિંગ કરશે તો લાઇફ સેટ થઈ જશે. મારો મોટો ભાઈ મેહુલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણતો હતો ત્યારે પપ્પાએ કહ્યું કે તું પણ કરી લે તો એક જ ચોપડામાં બન્ને ભાઈઓ ભણી લેશો. ગુજરાતી પપ્પાઓને ફાઇનૅન્સની બહુ ચિંતા હોય. તેઓ એમ જ વિચારે કે ઓછા ખર્ચે સારું પરિણામ કેમ મેળવી શકાય. પપ્પાએ કહ્યું જો ભાઈની ચોપડીઓ પડી છે, કાં તો ભણ કાં તો દુકાનનો ગલ્લો સંભાળ. પપ્પાએ ઑપ્શન જ એવા આપ્યા કે મારી પાસે એન્જિનિયરિંગ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. મારો ભાઈ મેહુલ તો એ જ ફીલ્ડમાં ટકી રહ્યો, પણ હું ટકી શકું એમ નહોતું. પપ્પાના કહેવા પર કોર્સ તો પૂરો કર્યો. એ પછી પુણેમાં તાતા ટેક્નૉલૉજી કંપનીમાં જૉબ પણ કરી, પણ જૉબમાં મજા નહોતી. મને ક્રીએટિવ ફીલ્ડમાં જવાની ભૂખ હતી. મારી જૉબમાં ટ્રાન્સફર થાણેમાં થઈ અને અહીંથી શરૂ થઈ મારી મુંબઈની જર્ની. મારે કરીઅર સ્વિચ કરવી હતી તેથી ક્રીએટિવ ફીલ્ડમાં એન્ટર થવા માટે મેં મુંબઈની ઝેવિયર્સ કૉલેજથી જર્નલિઝમમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું, કારણ કે મને કરન્ટ અફેર્સમાં રસ હતો. હજી પણ છે, પણ જર્નલિઝમ મારી કરીઅરનો ૧૮૦ ડિગ્રી ચેન્જ હતો. પણ વાત બની એટલે મેં ઍડ્વર્ટાઇઝિંગ ફીલ્ડમાં ઝંપલાવ્યું અને મને ૨૦૧૯માં રેડિયો સિટીમાં જૉબ મળી.’

કૉમેડી સાથેનું કનેક્શન

કૉમેડી માટે રાઘવની પ્રેરણા તેના પપ્પા અને નાનાજી રહ્યા છે ત્યારે તેમની સાથે સંકળાયેલા કિસ્સાઓ અને કૉમેડી સાથેના કનેક્શન વિશે વાત કરતાં રાઘવ કહે છે, ‘મારા નાના મિમિક્રી માસ્ટર હતા તો તેમને જોઈને હું પણ સ્કૂલમાં રાજકુમાર અને નાના પાટેકરની મિમિક્રી કરતો હતો. મારા પપ્પાએ પણ કૉમેડિયન તરીકે મને ઘડવામાં બહુ મદદ કરી છે. તેમની કરિયાણાની દુકાન હતી તો તેઓ પણ ગ્રાહક સાથે રમૂજી અંદાજમાં વાત કરે. એ બધું હું ઑબ્ઝર્વ કરતો કારણ કે નાનો હતો તો પપ્પા સાથે હું પણ ગલ્લે બેસતો હતો. તેઓ એકસાથે ગ્રાહકોની ભીડને જે રીતે હૅન્ડલ કરે, તેમની સાથેના હાસ્યાસ્પદ સંવાદો હું એન્જૉય કરતો હતો. અમે દર વર્ષે વીરપુર જાઈએ. એક વખત સાંઈરામ દવેની ‘પ્રેમ એટલે વહેમ’ કૅસેટ લાવ્યા હતા. મને તો એટલી ગમી કે મેં બધી જ સિરીઝ સાંભળી નાખી. એ વખતે હું બહુ નાનો હતો. આ સાથે મારા પર ગુજરાતી ફિલ્મોનો પ્રભાવ રહ્યો છે. હું નરેશ કનોડિયા અને રમેશ મહેતાને જોતો આવ્યો છું. હવે તો તે હયાત નથી પણ કૉમેડિયન તરીકે મારા ઘડતરમાં તેમનો ફાળો રહ્યો છે. થોડા સમય પહેલાં હું એ જ વિચારતો હતો કે કૉમેડી કરવાનો વિચાર આવ્યો કઈ રીતે? ત્યારે મને રિયલાઇઝ થયું કે સાંઈરામ દવે અને ધીરુભાઈ સરવૈયાને સાંભળ્યા, નાનાજી અને પપ્પા પાસેથી પ્રેરણા લીધી અને મારા આર્ટ પ્રત્યેના પ્રેમે કૉમેડીમાં રસ વધાર્યો.’

કૉમેડી તરફની જર્ની

એન્જિનિયરિંગ છોડી ઍડ્વર્ટાઇઝિંગ ફીલ્ડથી સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનેલો રાઘવ તેની જર્ની વિશે વિસ્તારમાં વાત કરતાં કહે છે ‘મેં સ્ટૅન્ડઅપ કૉમેડીની શરૂઆત હિન્દી ભાષાથી કરી હતી. ત્રણ વર્ષ પહેલાં મેં ગુજરાતીમાં સ્ટૅન્ડઅપ કૉમેડી શરૂ કરી. દરેક શહેરમાં ઓપન માઇક થતા હોય છે એમાં લોકોને સ્ટેજ પર તમારી કન્ટેન્ટને દર્શાવી શકો. એમાં કોઈ પૈસા મળે નહીં એટલે શરૂઆતમાં તો પૈસાની અપેક્ષા રાખ્યા વગર જોક કેવી રીતે લખાય, ડાયલૉગ કેવી રીતે બોલાય એ બધું શીખવાનું અને ડેવલપ કરવાનો મોકો મળે. એમાંથી ક્યાંક શો મળી જાય. મારી જર્ની પણ આવી જ છે. સ્ટૅન્ડઅપ કૉમેડિયન બનવાની જર્નીની સાથે મેં જૉબ પણ ચાલુ રાખી હતી. હું પૅશનને ફૉલો કરવા માટે જૉબ છોડી દો એવી સલાહ આપતો નથી. મેં પણ જૉબ છોડીને પૅશનને ફૉલો કરવા કરતાં જૉબ સાથે પૅશનને ફૉલો કર્યું અને હજી પણ હું સાઇડમાં ઍડ્વર્ટાઇઝિંગના પ્રોજેક્ટ્સ પર કામ કરું જ છું. હવે મારા શો હાઉસફુલ થઈ રહ્યા છે. એક કલાકાર માટે આનાથી મોટી શું વાત હોય.’

કૉમેડી ઇઝ માય ફર્સ્ટ લવ

કૉમેડી પહેલો પ્રેમ હતો, છે અને રહેશે એવું માનનારો રાઘવ કહે છે, ‘કોઈ વ્યક્તિને હસાવવી એ બધા માટે ઈઝી નથી હોતું. આ કળા ગૉડ-ગિફ્ટેડ હોય છે એવું હું માનું છું. બધા જ કૉમેડિયનની પોતાની એક સ્ટાઇલ હોય છે તેમ મેં પણ મારી સ્ટાઇલ ડેવલપ કરી છે. મને ઑડિયન્સ સાથે કનેક્ટ થવું વધુ ગમે છે. હું તેમની સાથે વાત કરતાં-કરતાં મારા જોક્સને કનેક્ટ કરું છું અને આ ચીજ લોકોને વધુ ગમે છે. હું ગ્રેટફુલ છું કે મારા શોમાં મારી કન્ટેન્ટને પસંદ કરનારું ઑડિયન્સ આવે છે. ખાસ કરીને ગુજરાતી પબ્લિકને ગુજરાતી સ્ટૅન્ડઅપ કૉમેડી ગમે છે. મને યાદ છે મેં પહેલી વાર ૨૦૧૭ની ૧૪ ફેબ્રુઆરીએ મેં પહેલી વાર ઓપન માઇકમાં ભાગ લઈને પર્ફોર્મ કર્યું હતું. વૅલેન્ટાઇન્સ ડેથી મારા કૉમેડી સાથેના પ્રેમની શરૂઆત થઈ. મારી કૉમેડી ક્લીન હોય છે. અપશબ્દો પણ મને જરૂર લાગે ત્યાં જ વાપરું છું અને એ મારા જોક્સમાં એક ફ્લેવર ઍડ કરે છે અને આના પ્રયોગથી મારા ઘરવાળાઓને કોઈ જ આપત્તિ નથી. તેઓ મારા કામનો રિસ્પેક્ટ કરે છે અને મારા માટે એ જ સૌથી મહત્ત્વનું છે. તમારા પૅશનને ફૉલો કરો તો તન અને મનથી કરો. એક રાતમાં સ્ટાર કોઈ નથી બનતું, સક્સેસ સુધી પહોંચવા માટે કન્ટિન્યુઅસ મહેનત કરવી પડે અને એમાંય કન્સિસ્ટન્સી હોવી જોઈએ.’

કૉમેડિયન ન હોત તો...

કૉમેડીના પૅશને રાઘવને આ મુકામ સુધી પહોંચાડ્યો છે ત્યારે જો આ પ્રોફેશનમાં ફ્લૉપ થયો હોત તો પ્લાન B પણ તૈયાર હતો. એ વિશે વાત કરતાં રાઘવ કહે છે, ‘જો હું અત્યારે સ્ટૅન્ડઅપ કૉમેડિયન ન હોત તો હું કરિયાણાની દુકાન ચલાવતો હોત. મારી ઇચ્છા હતી કે અમારા ગામમાં સુપરમાર્કેટ હોય. એ ચલાવવાની સાથે ખેતી કરીને જીવનનિર્વાહ કરત, પણ ભૂખ્યો ન રહેત.’

columnists gujarati community news gujaratis of mumbai sabarkantha mumbai news social media