17 November, 2024 04:02 PM IST | Mumbai | Jayesh Chitalia
ઈલૉન મસ્ક, અરિજિત સિંહ
ઈલૉન મસ્ક! પરિચય કે ઓળખાણ આપવાની જરૂર છે? ઈલૉન મસ્કને એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછાયો, તમે તમારી જાતને મોટિવેટ કઈ રીતે કરો છો? કઈ રીતે એકાગ્રતા સાથે કામ કરી શકો છો? તમારા સાહસમાં ઝંપલાવવા, એમાં સફળ થવાનો વિશ્વાસ રાખવા કે કોઈ પણ પ્રકારે આગળ વધવા કઈ બાબત તમને મોટિવેટ કરે છે? ઈલૉન મસ્કે સામે પૂછ્યું, હું તમારો સવાલ સમજ્યો નહીં એટલે ઇન્ટરવ્યુઅરે પાછું એ જ પૂછ્યું કે તમારી ભીતર મોટિવેશન કઈ રીતે આવે છે? ફરી ઈલૉન મસ્કે કહ્યું, તમારો પ્રશ્ન હજી મને સમજાયો નહીં. ઇન્ટરવ્યુઅરે પુનઃ એ જ સવાલને વધુ ભારપૂર્વક દોહરાવ્યો, જેનો સાર એ જ હતો કે તમારી અંદર મોટિવેશન ક્યાંથી આવે છે.
મસ્ક જાણે હવે સમજ્યા હોય એમ તેમણે કહ્યું, ‘મારે કોઈ લક્ષ્ય સિદ્ધ કરવું છે, તો બસ, એના પર કામ કરવા લાગું છું, એ માટે મોટિવેશનની જરૂર શા માટે? તમે એક ધ્યેય નક્કી કર્યો તો તમારે એને પ્રાપ્ત કરવા પૂરી લગનથી કર્મ કરવાનું.’
આજના સમયમાં દુનિયાભરમાં ઠેર-ઠેર મોટિવેશનની દુકાનો, બાંકડા, સુપર માર્કેટ વગેરે ખૂલી ગયાં છે અને સતત ચાલતાં રહે છે ત્યારે ઈલૉન મસ્કની આ સહજ કહેવાયેલી વાત વિચારવા જેવી ખરી. અલબત્ત, આ વાતને પણ એક પ્રકારનું મોટિવેશન ન ગણતા, કારણ કે સફળ-સિદ્ધ માણસોના દરેક કથન-કાર્યને મોટા ભાગનો સમાજ મોટિવેશન ગણી લે છે.
આવી જ સરળ છતાં સચોટ વાત વર્તમાન સમયના લોકપ્રિય ગાયક અરિજિત સિંહના એક ઇન્ટરવ્યુમાં સાંભળવા મળી. તેમને પૂછાયું કે તમે તમારા ક્ષેત્રમાં કોને ફૉલો કરો છો? ત્યારે અરિજિતે કહ્યું, હું મને જ ફૉલો કરું છું. માણસે જીવનમાં આગળ વધવાના કે કંઈ પણ કરવાના ખુદના નિયમો બનાવવા જોઈએ. કોઈ એવી રૂલ-બુક જેવું હોતું નથી કે તમે આ કરી શકો છો અને આ નથી કરી શકતા. માણસ ઇચ્છે-ધારે એ કરી શકે. જરૂર મહેનત અને એકાગ્રતાની રહે છે.
અલબત્ત, મોટિવેશનનું કોઈ મૂલ્ય નથી એવું માની લેવું નહીં. દરેક વ્યક્તિની એક પોતાની માનસિકતા અને સંવેદનશીલતા હોય છે, તેની ભીતરથી પણ અવાજ આવતા હોય છે અને ઘણી વાર તેને બહારના અવાજ ભીતર લઈ જાય છે. શું લિવિંગ લેજન્ડ સમાન અમિતાભ બચ્ચનને કામ કરતાં જોઈ આપણામાંના અનેકને મોટિવેશન નથી મળતું? દાખલો સીધો-સરળ છે, એથી વર્ણનની જરૂર નથી. ખેર, આ વિષયમાં વધુ ટિપ્પણી કરવાને બદલે લોકોનાં વિચાર-વિવેક-સમજણ પર એને છોડી દઈએ. બાય ધ વે, અસલી આંતરશક્તિ માણસની ભીતર જ હોય છે જેને એણે પોતે જ ઓળખવાની હોય છે.