મુંબઈમાં આ જગ્યાઓએ જોવા જેવું છે રાવણદહન

12 October, 2024 09:22 AM IST  |  Mumbai | Jigisha Jain

મુંબઈમાં ગિરગામ ચોપાટી, મલાડ-વેસ્ટ કે બોરીવલી-વેસ્ટમાં અલગ-અલગ મંડળો દ્વારા રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ છેલ્લાં કેટલાંય વર્ષોથી થતો આવ્યો છે

ગયા વર્ષે ગિરગામમાં દહન પહેલાં રાવણની પ્રતિમા

મોટેરાઓનો દશેરા ભલે જલેબી-ફાફડા ખાઈને ઊજવાય પરંતુ બાળકોની દશેરાની ઉજવણી રાવણદહન વગર અધૂરી ગણાય. મુંબઈમાં ગિરગામ ચોપાટી, મલાડ-વેસ્ટ કે બોરીવલી-વેસ્ટમાં અલગ-અલગ મંડળો દ્વારા રાવણદહનનો ભવ્ય કાર્યક્રમ છેલ્લાં કેટલાંય વર્ષોથી થતો આવ્યો છે. અસત્ય પર સત્યનો વિજય દર્શાવતો રાવણદહનનો પ્રસંગ મુંબઈગરાઓ કઈ રીતે ઊજવે છે એ આજે જાણીએ વિસ્તારથી...

દશેરાના દિવસે ગુજરાતીઓ માટે ફક્ત જલેબી-ફાફડા જ મહત્ત્વના છે એવું લોકોને લાગે છે. વધુમાં કોઈ નવી ગાડી, નવી ઑફિસ કે નવી વસ્તુની ખરીદારી થાય તો ઉજાણી વધુ સારી બને એવું લાગે; પરંતુ જે ઘરોમાં બાળકો છે એ ઘરોમાં દશેરામાં રાવણદહન પણ એટલું જ મહત્ત્વનું હોય છે કારણ કે નાનકડા દેખાતા રામ તીર ચલાવે અને સામે મહાકાય દેખાતો રાવણ બળવા લાગે, આખેઆખો ખાખ થઈ જાય એ જોવાની બાળકોને ખૂબ મજા પડે છે. દરેક વ્યક્તિ પાસે તેના બાળપણની એક મેમરી હોય છે જેમાં તેણે રાવણદહન ક્યાં જોયું હોય છે એની તેને યાદગીરી રહે છે. એનો સીધો અર્થ એ થયો કે આ ઘટના બાળમાનસ પર અંકિત થાય છે. આમ આ કોઈ સામાન્ય ઘટના નથી. અસત્ય પર સત્યનો વિજય તરીકે ઓળખાતો દશેરા અને એને જનમાનસ પર અંકિત કરનાર રાવણદહનની પ્રથા ભલે આમ ઉત્તર ભારતમાં વધુ પ્રચલિત હોય, પણ મુંબઈમાં એને ખૂબ ધામધૂમ સાથે ઊજવવામાં આવે છે. આજે જાણીએ કે મુંબઈમાં કઈ-કઈ જગ્યાએ રાવણદહન ખૂબ ઉલ્લાસ સાથે કરવામાં આવે છે.

ચોપાટી પર લાખોની ભીડ

રાવણદહન દશેરાના દિવસે કરવામાં આવતી ઉજવણી છે, પરંતુ હકીકતમાં એ રામલીલાનો એક ભાગ છે. પારંપરિક રીતે નવરાત્રિના ૯ દિવસ રામલીલા ભજવાય છે જેમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને નાટ્યાત્મક રૂપ આપીને સ્ટેજ પર ભજવવામાં આવે છે. છેલ્લા દિવસે એટલે કે દશેરાના દિવસે રામ-રાવણનું યુદ્ધ સમાપ્ત થાય છે અને રાવણને બાળવામાં આવે છે. ઘણી જગ્યાએ રામલીલા ન ભજવીને સીધો રાવણદહનનો પ્રસંગ જ ભજવાય છે, પરંતુ મુંબઈમાં અમુક જગ્યાએ રામલીલા ભજવાય છે જેને હજારો લોકો દરરોજ જોવા જાય છે અને દશેરાના દિવસે તો આખું મુંબઈ ત્યાં ઊમટી પડ્યું હોય એમ લાખો લોકો ત્યાં ભેગા થાય છે. લાખો લોકો મુંબઈમાં સમાય કઈ જગ્યાએ? મુંબઈની ચોપાટીએ જ તો! ગિરગામ ચોપાટી પર છેલ્લાં ૬૩ વર્ષથી ઊજવાતી રામલીલા અને રાવણદહન મુંબઈની ઓળખ સમાન છે. દશેરાને દિવસે રાવણદહન જોવા ઊમટી પડતી પબ્લિક એટલીબધી માત્રામાં આવી પડે છે કે પોલીસ ફોર્સ માટે પણ આ ભીડને કન્ટ્રોલ કરવી અતિ મુશ્કેલ છે.

૫૦-૬૦ ફીટની લંબાઈ

ગોરેગામમાં આદર્શ રામલીલા સમિતિ દ્વારા દર વર્ષે રામલીલાનું આયોજન થાય છે. ત્યાંની વિશેષતા વિશે વાત કરતાં સમિતિના માનદ મંત્રી અને ટ્રસ્ટી કાનબિહારી અગ્રવાલ કહે છે, ‘૧૯૬૧થી અમે અહીં રામલીલા શરૂ કરી છે. ગિરગામ ચોપાટી પર જ સ્ટેજ બાંધીને આખો સેટ-અપ અમે ઊભો કર્યો છે. મુંબઈના હવામાનને ધ્યાનમાં રાખીને પંડાલ વૉટરપ્રૂફ બનાવ્યો છે. અમારી રામલીલાની ખાસિયત એ છે કે અમારે ત્યાં સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવે છે. રામલીલા જ્યારે શરૂ થઈ ત્યારે આ પ્રથા હતી, જે આજે પણ અમે નિભાવી રહ્યા છીએ. જે મંડળ રામલીલા ભજવે છે એ મથુરાથી આવે છે. જો રાવણદહનની વાત કરીએ તો દશેરાના દિવસે સાંજે ૫ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય છે. લગભગ ૭ વાગ્યા આસપાસ રાવણદહન શરૂ થાય છે. એ પછી રામનું રાજતિલક પણ થાય છે. અમારે ત્યાં રાવણનું પૂતળું ૫૦-૬૦ ફીટ જેટલી લંબાઈનું બને છે. રામલીલામાં સૌથી વધુ ભીડ છેલ્લા દિવસે જ હોય છે જ્યારે રાવણનું દહન કરવામાં આવે છે.’

આટલાં વર્ષોથી રામલીલા કરવાનો આનંદ વ્યક્ત કરતાં કાનબિહારી અગ્રવાલ કહે છે, ‘રામાયણ વિશે કોને નથી ખબર? એ આપણી ધરોહર છે. વ્યક્તિએ પરિવારમાં કઈ રીતે રહેવું, એક આદર્શ સમાજની સ્થાપના કઈ રીતે થાય એ રામાયણ શીખવે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે રામલીલા જોવા માટે ઘણા મુસ્લિમ પરિવારો પણ આવે છે. તેઓ કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે અમારાં બાળકો આદર્શ જીવન જીવતાં શીખે. આનાથી વધુ સાર્થકતા શું હોઈ શકે?’

રામલીલાની મજા સાથે રાવણદહન

આજથી ૮ વર્ષ પહેલાં એક મીડિયા સર્વેમાં ભારતભરમાં બેસ્ટ રામલીલા ક્યાં ભજવાય છે એની કૉન્ટેસ્ટ થઈ હતી જેમાં પહેલો નંબર જમ્મુ, બીજો નંબર દિલ્હી અને ત્રીજો નંબર મુંબઈના મલાડ-વેસ્ટનો આવેલો. મલાડ-વેસ્ટમાં નટરાજ માર્કેટથી આગળ આવેલા શિવાજી ચોકમાં છેલ્લાં ૪૩ વર્ષથી શ્રી રામલીલા પ્રચાર સમિતિ, મલાડ દ્વારા રામલીલા ભજવાય છે જ્યાં દરરોજ ત્રણ-ચાર હજાર લોકો રામલીલા જોવા આવે છે અને છેલ્લા દિવસે મલાડનો રોડ ચક્કા-જામ થઈ જાય એટલા લોકો રાવણદહન જોવા ભેગા થઈ જાય છે. લગભગ આઠથી દસ હજાર પબ્લિક હોય છે. દરરોજ સાંજે ૮ વાગ્યાથી લઈને બે કલાક રામલીલા ભજવાય છે. અહીં રાવણનું પૂતળું ૩૦ ફીટ મોટું બનાવવામાં આવે છે. પોતાની રામલીલાની વિશેષતા વર્ણવતાં એના કાર્યાધ્યક્ષ અશોક ગોયલ કહે છે, ‘અમારી રામલીલા જોવા લોકો એકઠા તો થાય જ છે પણ અમે ઘણા સમયથી યુટ્યુબ પર લાઇવ રામલીલા બતાવીએ છીએ. એ પણ ખાસ્સી લોકપ્રિય થાય છે. રામલીલાના કલાકારો મુરાદાબાદ, દિલ્હીના હોય છે જે દર વર્ષે ત્યાંથી આવે છે. પહેલાં અમે રાવણદહન સાથે આતશબાજી કરતા, પરંતુ આતશબાજી પર પ્રતિબંધ લાગ્યો એ પછીથી અમે પાયરો વાપરીએ છીએ. પાયરો એટલે કે ઇલેક્ટ્રિક આતશબાજી જે દેખાવમાં ખૂબ સુંદર લાગે છે, પરંતુ એનાથી કોઈ દાઝતું નથી. એ રાવણના હાથ પર લગાડો તો ઊડતો રાવણ લાગે, ચહેરા પર લગાડો તો હસતો રાવણ લાગે. આમ લોકોને, ખાસ તો બાળકોને એ જોવામાં ખૂબ મજા પડે છે.’

બાળકોની મજાનું ધ્યાન

બોરીવલીમાં કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબ સામેના સત્તા ક્રીડા મેદાનમાં ૨૦૦૬થી દર વર્ષે રાવણદહન થાય છે. યુવક મંડળ, પોઇસર જિમખાના અને જનમિત્ર ફાઉન્ડેશન મળીને આ જગ્યાએ રાવણદહનનો કાર્યક્રમ કરે છે. આ વર્ષની ખાસિયત જણાવતાં યુવક મંડળના અધ્યક્ષ ગણેશ બારે કહે છે, ‘રાવણદહન બાળકો માટે સૌથી આકર્ષક હોય છે એટલે તેમના માટે અમે અહીં ફન ઍન્ડ ફેર ગોઠવ્યો છે. જુદી-જુદી રાઇડ્સ હશે, એ સાથે અમુક સ્ટૉલ્સ હશે, નાસ્તાની પણ વ્યવસ્થા અમે કરી છે. પાણીપૂરી, સેવપૂરી, ભેળપૂરી, પૉપકૉર્ન, કૅન્ડીની મજા બધા માણી શકશે. આ બધી જ વ્યવસ્થા ફ્રીમાં રાખવામાં આવી છે. એનો કોઈ શુલ્ક લેવામાં નહીં આવે. ૪ એકરની વિશાળ જગ્યા છે આ મેદાનમાં. ૪૦ ફીટનો રાવણ બળીને નીચે પડે ત્યારે કોઈ વ્યક્તિ દાઝવાની શક્યતા જ નથી. બધાની પૂરી સેફટીનું ધ્યાન રાખવામાં આવશે. દર વર્ષે લગભગ ૩-૪ હાજર લોકો અહીં આવે છે. આ રીતે દશેરા ઊજવવાનો વિચાર બોરીવલીના પૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીને આવેલો. તેમની પ્રેરણાથી જ આ કામ થઈ રહ્યું છે.’

બોરીવલીના આ કાર્યક્રમનું મહત્ત્વ સમજાવતાં ગણેશ બારે કહે છે, ‘રાવણદહન કાયક્રમ અમે ધાર્મિક દૃષ્ટિથી નહીં, સામાજિક હિત માટે કરીએ છીએ. અસત્ય પર સત્યની જીતનો સંદેશ જન-જન સુધી પહોંચે એ જરૂરી છે. રાવણ બળે છે એની સાથે મનમાં એક વિશ્વાસ દૃઢ થાય છે કે કોઈ પણ સંજોગોમાં અસત્ય ગમેતેટલું શક્તિશાળી હોય તો પણ અંતે સત્યની જીત થાય છે. આપણો દેશ, જે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યો છે ત્યારે એ લડાઈને પુખ્ત કરવા આ વિશ્વાસ રોપવો અનિવાર્ય છે. એટલે રાવણદહનના આ કાર્યક્રમમાં કલાકારો આવીને પ્રેરણાગીતો ગાશે. સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે.’

આ મુસ્લિમ પરિવાર વર્ષોથી બનાવે છે રાવણનું પૂતળું

ગિરગામ ચોપાટી પર રાવણદહન માટે ગાઝિયાબાદના દાદરી પાસેથી ખાસ રાવણ બનાવવા માટે દશેરાના ૧૫ દિવસ પહેલાં આ ખાનપરિવારના લોકો મુંબઈ આવે છે. એ વિશે વાત કરતાં હફીસુદ્દીન ખાન કહે છે, ‘મારા દાદા-પરદાદા પણ આ જ કામ કરતા. મારાં બાળકો પણ આ કામ જાણે છે. મારો દીકરો સહજાદ નગર નિગમમાં સુપરવાઇઝર છે પણ રાવણ બનાવવા માટે તેણે નોકરીમાંથી રજા લીધી અને તે મારી સાથે અહીં કામ કરી રહ્યો છે. આ કામ અમે પરંપરા નિભાવવા માટે કરીએ છીએ એટલું જ નહીં, આ કામે અમારી દરેક પેઢીને રોજીરોટી આપી છે એટલે આ કામની ઇજ્જત ઘણી વધુ છે અમારી નજરમાં. પરિવારમાં કમાઈ અત્યારે ઘણી જુદી-જુદી રીતે થઈ રહી છે એનો અર્થ એ નથી કે આ કામ અમે મૂકી દઈએ.’

રાવણ બનાવનારા આ મુસ્લિમ ભાઈ રાવણ વિશે બધું જ જાણે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘વિશ્વકર્માનો દીકરો રાવણ મહાજ્ઞાની હતો, પરંતુ તેને તેનાં કર્મોની સજા મળી છે. લંકા તો તેને દાનમાં મળી હતી. તે હતો તો ઉત્તર પ્રદેશનો. મારા ગામથી ૨૦ કિલોમીટર દૂર બિસરખ જલાલપુર નામની જગ્યા છે ત્યાં એ જન્મેલો. આજે પણ એ ગામમાં રાવણદહન થતું નથી.’

એવું કેમ? ત્યાં કેમ રાવણને બાળે નહીં? આ પ્રશ્નનો સમજદારીભર્યો જવાબ આપતાં હફીસુદ્દીન કહે છે, ‘કોઈ વ્યક્તિ કેટલીય ખરાબ હોય, પણ પોતાના ગામની વ્યક્તિને કોઈ બાળે ખરું? પણ સારી વાત એ છે કે ત્યાંથી અમને કોઈ ના નથી પાડતું કે રોકતું નથી. ત્યાં બધાને ખબર છે કે અમે આ કામ કરીએ છોએ. ઊલટું અમે અમરા કામ માટે વખણાઈએ છીએ.’

રાવણના પૂતળાને વાંસ, લાકડાં અને કાગળથી બનાવવામાં આવે છે. એક સમયે એમાં ફટાકડા ઉમેરીને આખું પૂતળું તૈયાર કરવામાં આવતું, પરંતુ સ્વેચ્છાએ જ તેમણે ફટાકડાવાળાં પૂતળાં બનાવવાનું બંધ કર્યું છે. બીજા ધર્મના તહેવાર માટે એક મહત્ત્વનું કામ પાર પાડતા હફીસુદ્દીન કહે છે, ‘મારા માટે બધા ધર્મ સમાન છે. હું કોઈ ધર્મની આલોચના નથી કરતો. જો આપણે કોઈની એક બુરાઈ કરીએ તો આપણી ત્રણગણી થાય, કારણ કે એક આંગળી આપણે ચીંધીએ તો બીજી ત્રણ તો આપણા તરફ જ હોયને! જે લોકો ધર્મોની લડાઈ લડે છે એવા ગણ્યાગાંઠ્યા લોકો છે. ખરા અર્થમાં ધાર્મિક એકતા આ દેશનો પાયો છે, કારણ કે હજારો વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ બન્ને આ ધરતી પર પ્રેમથી સાથે રહે છે અને સદા આમ જ રહેશે.’

dussehra navratri Garba festivals culture news gujaratis of mumbai mumbai columnists Jigisha Jain