વિજયાદશમી: અશુભ અને અસતના વિજયનો ઉલ્લાસ હોય, ઉન્માદ નહીં

11 October, 2024 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજયાદશમી આપણે છીએ એના કરતાં બહેતર મનુષ્યજીવન જીવવાનો સંદેશ આપે છે. રાવણની વિદ્વત્તા કે સામર્થ્ય તેની લંપટતા સામે વામણાં બની જાય છે તો દુર્યોધનની સત્તાલાલસા અને અણહક્કનું હડપ કરી જવાની મનોવૃત્તિ તેના પરાક્રમશૌર્યને નિર્માલ્ય કરી મૂકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રચલિત કથા પ્રમાણે ભગવાન રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો, એનું પ્રતીકાત્મક અર્થઘટન કરીએ તો દુરિતો, વિકૃતિઓ, અધર્મ પ્રેરિત અત્યાચારો અને આતંકો, ઘમંડ પ્રેરિત બેફામ સત્તાલોલુપતા અને આપખુદ મનોવલણનો ધ્વંસ કરીને સુરાજ્ય (રામરાજ્ય)ની સ્થાપનાનો પુરુષાર્થ કરવાનો સંદેશ આપતું દિવ્યપર્વ એટલે વિજયાદશમી. નવરાત્રિ દરમ્યાન નવદુર્ગાનું અનુષ્ઠાન, અનશન, જપ-તપ, હોમ-હવન કરીને ચંડ-મુંડ મહિષાસુરમર્દિની જગદંબા સમગ્ર સમાજને સુર​ક્ષિત રાખે તથા રિદ્ધિ-સિદ્ધિ સમેત સામાજિક સુખાકારી જળવાય એવી અભિલાષા આપણે વ્યક્ત કરીએ છીએ. નવરાત્રિ દરમ્યાન નવોલ્લાસથી ધબકતા ખેલૈયાઓના રાસ-ગરબાનો થનગનાટ અનુભવાય છે. માઈભક્તોને આસ્થાનું અજવાળું અને ભક્તિરસનું પીયૂષપાન પ્રાપ્ત કરવાનો અવસર સાંપડે છે. વિજયાદશમીએ દાનવતા પર માનવતાનો, અનાચાર પર સદાચારનો વિજયોત્સવ મનાવતો સમાજ એક સ્વર્ણિમ સંદેશ પ્રાપ્ત કરે છે.

એક રામલલા અયોધ્યાના મંદિરમાં બિરાજે છે તો બીજા આતમરામ ઘટઘટમાં બિરાજે છે. એક જગદંબાની જ્યોત ચાંપાનેર, પાવાગઢ અને શક્તિપીઠોમાં ઉજાસનો ઉત્સવ ઊજવે છે તો એ જ માતાજીનું અજવાળું આપણી ભીતર શ્રદ્ધા, બુદ્ધિ, શક્તિ, વિદ્યા, કાન્તિ, ક્ષમા, શાંતિ, દયારૂપે મૂર્તિમંત થાય છે. માનવસમાજની વિચિત્ર વાસ્તવિકતા એ છે કે મંદિરો-દેવાલયોમાં બિરાજતી મૂર્તિને કે ગર્ભદીપને સર્વસ્વ માનીને તેના પૂજન-અર્ચન-સ્તવનને કર્તવ્ય માની લે છે, પણ ભીતરમાં ઝળહળતી અખંડ આતમજ્યોતિને જ્વલંત રાખવાનો પુરુષાર્થ માંડી વાળે છે. સરેરાશ માણસ તહેવારનું હાર્દ વીસરીને દેવી-દેવતાની માટીના ઘડામાં કે પથ્થરની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને બાહ્યાચારોમાં રાચતો થઈ જાય છે.

વિજયાદશમી આપણે છીએ એના કરતાં બહેતર મનુષ્યજીવન જીવવાનો સંદેશ આપે છે. રાવણની વિદ્વત્તા કે સામર્થ્ય તેની લંપટતા સામે વામણાં બની જાય છે તો દુર્યોધનની સત્તાલાલસા અને અણહક્કનું હડપ કરી જવાની મનોવૃત્તિ તેના પરાક્રમશૌર્યને નિર્માલ્ય કરી મૂકે છે. મહર્ષિ વ્યાસે તેના મોઢામાં અદ્ભુત વાક્ય મૂક્યું છે : 

જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ:। 
જાનામિ અધર્મમ્ ન ચ મે નિવૃત્તિઃ।।

આપણે પણ ધર્મ કે કર્તવ્ય જાણીએ છીએ, પણ એ પ્રમાણે આચરણ કરતા નથી, અધર્મની આપણને ખબર છે, પણ તેના વગર જીવવાનું સાહસ કરતા નથી. માનવ-સ્વભાવની આ દ્વિધા અને દુવિધાને વિજયાદશમીનું પાવન પર્વ દૂર કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ અને માણસાઈની મશાલને જ્વલંત રાખવાનો પુરુષાર્થ કરવાનો શિવ-સંકલ્પ કરીએ.

dussehra festivals navratri ayodhya culture news columnists hinduism religious places