મન સે રાવણ જો નિકાલે, રામ ઉસકે મન મેં હૈં

24 October, 2023 02:30 PM IST  |  Mumbai | Sarita Joshi

કેવો સરસ દિવસ અને કેવી સરસ વાત. શું કામ આજના આ સપરમા દિવસે આપણે પણ આ વાતને ફૉલો કરી મનમાં રહેલા રાવણને કાયમ માટે બાળી, રામના પથ પર ચાલીએ

પ્રતીકાત્મક તસવીર

કોઈ સરસ તહેવાર આવે ત્યારે મને થાય કે હું એના વિશે લખું, એ તહેવારની મારી યાદો તમારી સાથે શૅર કરું અને તમને મારા મનની વાત કહું, પણ દર વખતે એવું બને કે મારી કૉલમના દિવસની આગળ કે પાછળ એ તહેવાર આવતો હોય, પણ આ વખતે, આ વખતે મા નવદુર્ગાએ મારું ધ્યાન રાખ્યું અને મારા ફાળે વિજયાદશમી જેવો સરસ તહેવાર આપ્યો.

વિજયાદશમી. રાવણના ધ્વંશને યાદ કરતો અને દાનવીય અવગુણોના નાશનો દિવસ, પણ મને દર વખતે એક વિચાર આવે કે જો રાવણ મરી જ ગયો હોય તો પછી આપણે દર વર્ષે તેને બાળવાનું કામ શું કામ કરીએ છીએ? મા દુર્ગાએ મહિષાસુર માર્યો, બકાસુર અને કાક્ષાધન જેવા મહાપાપી રાક્ષસોનો નાશ કર્યો. એ દિવસ આજે પણ આપણે ઊજવીએ છીએ, પણ ઊજવવામાં આવતા એ દિવસને યાદ કરીને આપણે ફરીથી આપણી જાતે મહિષાસુર બનાવતા નથી, નથી આપણે બકાસુર બનાવતા. તો પછી રાવણ શું કામ? અને એ પણ દર વર્ષે?

કારણ કે રાવણ આજે પણ આપણી અંદર ક્યાંક ને ક્યાંક જીવે છે. જીવે છે અને આજે પણ તે પોતાનો પોત પ્રકાશે છે. આ જ તો કારણ છે કે રાવણનો નાશ એક વાર નહીં, વારંવાર અને નિયમિત રીતે કરવો પડે છે. દર વર્ષે રાવણદહનનું કામ તો અને ત્યારે જ અટકશે જ્યારે આપણે રાવણને મનમાંથી કાઢીશું, એ અવગુણો આપણામાંથી કાઢીશું જે માણસને રાવણ સમાન બનાવે છે.

મન સે રાવણ જો નિકાલે,

રામ ઉસકે મન મેં હૈં...

આ લાઇન મને બહુ ગમે છે. લખવા બેઠી ત્યારે મને આ ગીત કઈ ફિલ્મનું છે એ યાદ નહોતું, પણ લખતાં-લખતાં યાદ આવી ગયું, ‘સ્વદેશ’ ફિલ્મનું આ ગીત છે. જાવેદ અખ્તરે ગીત લખ્યું છે. ગામમાં ભવાઈ છે અને એ ભવાઈ સમયે આ ગીત આવે છે. ફિલ્મ વિશે કે ગીતની બીજી લાઇનો વિશે મારે કશું નથી કહેવું, અત્યારે તો આપણે વાત કરવી છે માત્ર આ એક જ લાઇનની, ‘મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈં...

તમને થાક નથી લાગતો, દર વખતે આ રાવણદહન કરવાની પ્રક્રિયાથી?

ધર્મની વિરુદ્ધ કશું નથી કહી રહી એટલે ખેર નથી જો કોઈએ આ વાતને ખોટી રીતે લીધી છે. મારી વાત છે મનમાંથી રાવણને કાઢવાની. મનમાં ઘર કરીને બેસી રહેલા રાવણને કાયમ માટે તિલાંજલિ આપવાનું કામ આપણે શું કામ નથી કરી શકતા? દર વર્ષે સરસ-સરસ મેસેજ મોકલીએ અને એમાં કહીએ કે રાવણનાં દસ માથાં  ક્યાંક ને ક્યાંક એના અવગુણ દર્શાવે છે. મારો પ્રશ્ન એ છે કે શું એ અવગુણો આપણામાં નથી? શું આપણે એ અવગુણોથી પર નથી? આ જ પ્રશ્નને હું જુદી દિશામાં લઈ જઈને પૂછું. શું આપણે એ અવગુણો છોડી ન શકીએ, એ અવગુણો છોડી આપણે રામને સમર્પિત ન થઈ શકીએ? શું એ અવગુણોને તરછોડવા અઘરા છે? શું એ અવગુણો વિના રહેવું કઠિન છે? રામ તો કહે છે કે સદગુણો સાથે જીવનારાને કોઈ તકલીફ નથી તો પછી આપણે શું કામ રામની આંગળી ઝાલી રામે ચીંધ્યા માર્ગે નથી ચાલતા. શું કામ આપણે દર વર્ષે રાવણ બાળવાની, રાવણનો નાશ કરવાની પ્રક્રિયા કર્યા કરીએ છીએ, શું કામ?

રામ હિ તો કરુણા મેં હૈં,

શાંતિ મેં રામ હૈં...

રામ હિ હૈ એકતા મેં,

પ્રગતિ મેં રામ હૈં...

જાણીએ છીએ કે રામ વિના ઉદ્ધાર નથી અને એ પછી પણ રામને બદલે આપણે રાવણને મનમાં વાસ કરાવીને જીવીએ છીએ. એક વાર, માત્ર એક વાર રાવણને મનમાંથી દૂર કરો, રાવણના એ અવગુણોને જીવનમાંથી હાંકી કાઢો જે અગવુણોએ લંકાપતિ એવા રાવણના નાશનું કારણ બન્યા. ખબર છે કે પાપનો કોઈ આરો નથી તો પછી શું કામ ક્રોધ, મોહ, કામ, અહંકાર જેવા પાપને જન્મ આપતા અવગુણો સાથે આગળ વધવું છે? શું કામ વિધ્વંશના રસ્તે ચાલીને જાતને ખુવાર કરવી છે અને શું કામ અન્યાયના માર્ગ પર અડગ ઊભા રહીને પુણ્યનું ભાથું નષ્ટ કરવું છે?

રામ બસ ભક્તો નહીં,

શત્રુ કે ભી ચિંતન મેં હૈં...

દેખ ત્યજ કે પાપ રાવણ,

રામ તેરે મન મેં હૈં...

રામ તેરે મન મેં હૈં,

રામ મેરે મન મેં હૈં...

રામ આપણા સૌમાં છે. બસ જરૂર છે તો મનમાંથી એ અસુરને દૂર કરવાની જે રામને પામવા દેવાના કામમાં અડચણ બનીને ઊભા છે. બસ, જરૂર છે તો એ અવગુણરૂપી દાનવોને દૂર કરવાની જે ક્યાંક ને ક્યાંક આપણે રાક્ષસી માનસિકતા સાથે બાંધી રાખે છે. રામને પામવો હોય તો કોઈ મોટી પ્રક્રિયા નથી કરવાની સાહેબ, બસ મનમાં રહેતા રાવણને હટાવવાની જરૂર છે. મનમાં રહેલા એ અસુરનો નાશ કરવાની જરૂર છે જે રામ સુધી આપણને પહોંચવા નથી દેતો. એક વાર, આ વર્ષે આપણે પ્રયાસ કરીએ કે ૧૦૦ ફુટના રાવણદહનની સાથોસાથ આપણે આપણી જાતમાં રહેલા એ અવગુણોને પણ બાળીએ, જે રામસંગી બનતાં આપણને રોકે છે.

રામ તો ઘર ઘર મેં હૈં,

રામ હર આંગન મેં હૈં...

એ હજાર હાથવાળાને બહાર શોધવાને બદલે એક વાર ભીતરમાં નજર કરો. સનાતનના મર્યાદાપુરુષોત્તમને પામવા માટે ઉપવાસ કરવાને બદલે પેટ ભરીને ખાવાનું રાખશો તો પણ

ચાલશે અને મંદિર જવાનું ચૂકી જાઓ તો પણ અફસોસ નહીં કરો. એ તમારામાં જ છે, આપણી અંદર જ છે અને આપણી સાથે જ છે. માત્ર આપણી જ નહીં, રામ એ સૌની સાથે છે જે મનમાં રહેલા પેલા દસ માથાળા રાવણનો નાશ કરે છે. નાશ કરે છે અને સત્યના માર્ગે ચાલી જે સ્વયંને શોધે છે એ જ રામને પામે છે. મને લાગે છે કે કસ્તુરી હરણ અને માણસમાં કોઈ ફરક નથી. કસ્તુરીને શોધતાં હરણ આખી જિંદગી ભટક્યા કરે છે એવી જ રીતે આપણે પણ રામને શોધવા આખી જિંદગી બહાર ભટક્યા કરીએ છીએ, પણ રે મૂર્ખ માનવ, રાત તારી અંદર જ છે. બસ, એક વાર ફક્ત એક વાર રાવણને અંદરથી બહાર કાઢીને જો...

મન સે રાવણ જો નિકાલે,

રામ ઉસકે મન મેં હૈં...

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi dussehra navratri navratri 2023