03 March, 2023 01:25 PM IST | Mumbai | RJ Dhvanit Thaker
તે સમયની તસવીર
બર્મનદા, નાસિર હુસેન અને આશા ભોસલે સમજી ગયાં કે કિશોરકુમારમાં રહેલી પેલી બાળહઠ જાગી ગઈ છે, હવે તેને મનાવવાનું કામ સહેલું નથી. બર્મનદા રાતે જ કિશોરકુમારના ઘરે ગયા તો કિશોરકુમાર તો ઘરે પૅકિંગ કરતા હતા. પૂછ્યું તો ખબર પડી કે તેઓ તો હવે ચાર દિવસ બંગાળમાં મ્યુઝિકલ નાઇટ્સ માટે કલકત્તા જાય છે.
આપણે વાત કરીએ છીએ બૉલીવુડની પહેલી મસાલા ફિલ્મ ‘યાદોં કી બારાત’ની.
ગયા શુક્રવારે તમને કહ્યું એમ, આ ફિલ્મનું મ્યુઝિક આપવામાં રાહુલ દેવ બર્મન જબરદસ્ત ઉત્સાહમાં હતા, પણ મ્યુઝિકનું કામ કોઈ વિચિત્ર સમયે શરૂ થયું હોય એમ દરેક તબક્કે એમાં કોઈ ને કોઈ તકલીફ આવતી હતી. પહેલી તકલીફ, મજરૂહ સુલતાનપુરીને ફિલ્મનાં ગીતો લખવાનો કોઈ મૂડ નહોતો. તેમની પાસેથી પરાણે કામ લેવું પડ્યું બર્મનદાએ અને એ પછી વારો આવ્યો કિશોરકુમારનો. આ જ ફિલ્મના એક સૉન્ગના રેકૉર્ડિંગ સમયે કિશોરકુમારનું મોઢું ચડી ગયું અને તેમણે ના પાડી દીધી કે હવે પછી હું ગીત નહીં ગાઉં. જે ગીતથી કિશોરદાની કમાન છટકી હતી એ ગીત હતું, ‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ, હમ નહીં કહતે ઝમાના કહતા હૈ...’
સૌથી પહેલાં તો આ સૉન્ગ માટે મજરૂહસાહેબ તૈયાર નહોતા. મ્યુઝિક તમે સાંભળશો તો તમને પણ સમજાશે કે એની રિધમ પણ સહેલી નથી. મજરૂહસાહેબ પાસેથી પરાણે કામ લેવામાં આવ્યું એટલે મજરૂહસાહેબે પણ બર્મનદાને પરેશાન કરી મૂક્યા અને આખું સૉન્ગ વાતચીતના ટોનમાં લખ્યું. બે લાઇનનું મુખડું અને એ પછી આખા ગીતમાં કોઈ અંતરો જ નહીં, આખેઆખું સળંગ ગીત! તમે આ સૉન્ગના લિરિક્સ જોઈ લેશો તો તમને પણ સમજાશે કે એમાં ક્યાંય મુખડાનો ઉપયોગ ફરીથી નથી થયો.
લિરિસિસ્ટથી લઈને મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર્સે અવ્વલ દરજ્જાનું કામ કર્યું અને આ જ સૉન્ગ વખતે કિશોરકુમારને બવાલ થઈ ગઈ. બન્યું શું એ સાંભળશો તો તમને પણ નવાઈ લાગશે.
આ સૉન્ગના રેકૉર્ડિંગ સમયે સવારે ૧૧ વાગ્યે કિશોરકુમાર પહોંચી ગયા સ્ટુડિયો. આશા ભોસલે સૉન્ગમાં તેમની સાથે હતાં. રેકૉર્ડિંગ શરૂ થયું અને શરૂઆત કિશોરકુમારે પોતાની સ્ટાઇલથી કરી! ગીતમાં જે આલાપ લેવાની કોઈ વાત નહોતી થઈ એ જ આલાપ સાથે આ ગીતની કિશોરકુમારે શરૂઆત કરી અને જ્યાંથી આશા ભોસલે સૉન્ગમાં દાખલ થવાનાં હતાં ત્યાં પણ તેમણે એ જ આલાપ લીધો. આશાતાઈ મૂંઝાયાં. અલબત્ત, તેમણે એ પકડાવા દીધું નહીં અને જ્યાંથી તેમની એન્ટ્રી થઈ ત્યાંથી તેમણે પણ એવી જ સહજ રીતે આલાપ લીધો, જેવી રીતે કિશોરદા કરતા હતા. સૉન્ગમાં એવી કોઈ વાત હતી જ નહીં, જે આજે સ્ક્રીન પર દેખાય છે. સિંગર બનતા તારિકને ચાલુ સૉન્ગે ઝિન્નત અમાન પૂછે પણ છે કે હું બરાબર ગાઉં છુંને? એ જે અવાજ છે એ અવાજ પણ ઝિન્નત અમાનનો નથી, આશા ભોસલેનો જ છે અને એવું કશું રેકૉર્ડિંગમાં હતું જ નહીં!
આશાતાઈએ પણ કિશોરકુમારને સાથ આપ્યો અને આખું સૉન્ગ પૂરું કર્યું.
રેકૉર્ડિંગ પૂરું થયું એટલે કિશોરકુમારે સ્ટુડિયોમાંથી જ બીજા રેકૉર્ડિંગ માટે ફોન કર્યો અને જવાની તૈયારી કરી. જેવા તેઓ સ્ટુડિયોની બહાર નીકળ્યા કે તરત જ પાછળ આર. ડી. બર્મનના અસિસ્ટન્ટ દોડતા આવ્યા.
‘કિશોરદા, બર્મનદા બુલા રહે હૈં...’
બન્યું એમાં એવું કે કિશોરકુમાર ગયા કે તરત જ આશાતાઈએ બર્મનદાને કહ્યું કે કદાચ મેં બરાબર નથી ગાયું તો આપણે એક વાર ફરીથી રેકૉર્ડિંગ કરીએ?
આર.ડી.એ હા પાડી અને તરત જ કિશોરકુમારને બોલાવ્યા. કિશોરદા આવ્યા એટલે તેમને પણ આર.ડી.એ એ જ કહ્યું જે આશા ભોસલેએ કહ્યું હતું. કિશોરદાએ તરત જ પૂછ્યું, તને શું લાગે છે, બીજી વાર કરવું છે રેકૉર્ડિંગ?
‘હા, કર લેતે હૈં, અગર આશા કો લગ રહા હૈ...’
કશું જ બોલ્યા વિના કિશોરદા રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં દાખલ થઈ ગયા અને તેમણે ફરીથી સૉન્ગ ગાયું. નવેસરથી આખું સૉન્ગ રેકૉર્ડ થયું. અહીં એક નાનકડી વાતની સ્પષ્ટતા કરવાની કે આ વખતે કિશોરકુમારે પેલી એક પણ મસ્તી રાખી નહીં જે તેમણે અગાઉની ગાયકીમાં લીધી હતી. આર. ડી. બર્મનને એ વર્ઝનમાં જરા પણ મજા ન આવી અને તેમણે નાસિર હુસેનને પણ એ જ વર્ઝન ફિલ્મમાં રાખવાનું કહ્યું જે તેણે પહેલાં રેકૉર્ડ કર્યું હતું.
રેકૉર્ડિંગ પૂરું થતાં કિશોરકુમાર બહાર નીકળી ગયા અને બહાર જઈને તેણે પેલા જ અસિસ્ટન્ટને બોલાવ્યો જેણે તેમને પાછા બોલાવ્યા હતા.
‘બતા દેના રાહુલ કો, આજ કે બાદ મૈં આશા કે સાથ ગાના નહીં ગાઉંગા...’
અસિસ્ટન્ટ શૉક થઈ ગયો અને શૉક થયેલા માણસના મોઢામાંથી જેવો ઉદ્ગાર નીકળે એવો જ ઉદ્ગાર તેનાથી ત્યારે નીકળી ગયો.
‘મતલબ...’
‘મતલબ...’ કિશોરકુમારે ઉપરની દંતપંક્તિ પાસે પોતાના અંગૂઠાનો નખ રાખ્યો અને કહ્યું, ‘આશા કી કટ્ટી, આજ સે... હંમેશ કે લિયે...’
પેલો બિચારો એવો તો મૂંઝાયો કે હવે કરવું શું?
કિશોરકુમાર મજાક કરે છે કે સાચું બોલે છે? અંદર જઈને આ વાત કહેવાની છે કે પછી ચૂપચાપ પાછા ચાલ્યા જવાનું છે?
એ માણસની મૂંઝવણ પણ વાજબી હતી. કિશોરદાએ જે કર્યું હતું એવું તો નાનાં બાળકો કરે. કટ્ટી અને બટ્ટી આટલી મોટી ઉંમરનો માણસ થોડો કરે?!
કિશોરદા તો રવાના થઈ ગયા અને પેલો અસિસ્ટન્ટ પણ અંદર પાછો ગયો. જેવો તે અંદર ગયો કે તરત બર્મનદાએ પૂછ્યું કે ‘શું કામ હતું કિશોરકુમારને...’ એટલે પેલાએ કહ્યું કે ‘કંઈ નહીં, મજાક કરતા હતા કે હવે આશાજી સાથે કટ્ટી!’
‘બોલે ક્યા વો?!’ બર્મનદા સમજી ગયા હતા, ‘પૂરી બાત બતા...’
‘યહી કિ, અબ વો આશાજી કે સાથ નહીં ગાએંગે... ઉનકે સાથ ઉનકી કટ્ટી...’
બર્મનદા, નાસિર હુસેન અને આશા ભોસલે સમજી ગયાં કે કિશોરકુમારમાં રહેલી પેલી બાળહઠ જાગી ગઈ છે, હવે તેને મનાવવાનું કામ સહેલું નથી. જોકે એવી રીતે વાત પણ કેમ પડતી મૂકી શકાય? બર્મનદા રાતે જ કિશોરકુમારના ઘરે ગયા તો કિશોરકુમાર તો ઘરે પૅકિંગ કરતા હતા. પૂછ્યું તો ખબર પડી કે તેઓ તો હવે ચાર દિવસ બંગાળમાં મ્યુઝિકલ નાઇટ્સ માટે કલકત્તા જાય છે.
‘પર દાદા, વો રેકૉર્ડિંગ...’
‘ઉસમેં આશા હૈના?’ કિશોરકુમારે સહેજ પણ કડવાશ વિના પૂછ્યું અને પછી કહી પણ દીધું, ‘વો બહેતર હો ગઈ હૈ, ઉસે બોલો, મેરી લાયકાત નહીં હૈ ઉસકે સાથ ગાને કી...’
‘અરે, ઐસી બાત નહીં હૈ દાદા...’
‘યે તુમ બોલ રહે હો કિ આશા?’
‘અરે દાદા, હમ દોનોં...’
આર. ડી. બર્મનને ટેન્શન હતું કે કિશોરકુમાર જો જતા રહેશે તો રેકૉર્ડિંગ અટકી જશે અને એવું જ થયું. કિશોરકુમાર બીજા સૉન્ગ્સના રેકૉર્ડિંગ માટે માન્યા નહીં અને તેઓ તો પોતાની ટૂર પર નીકળી ગયા.
બર્મનદાએ નક્કી કર્યું કે હવે હું મોહમ્મદ રફીને બોર્ડ પર લઈ આવીશ. ઑલરેડી રફીસાહેબે ટાઇટલ-સૉન્ગ ગાયું હતું. મજાની વાત એ છે કે બર્મનદાએ કાઢેલો રસ્તો બંધ કરવાનું કામ પ્રોડ્યુસર નાસિર હુસેને કર્યું. નાસિર હુસેને સ્પષ્ટતા સાથે કહી દીધું કે મને કિશોરકુમાર સિવાય બીજું કોઈ સિંગર જોઈતું નથી.
હવે, હવે શું કરવું?
બે સૉન્ગનું રેકૉર્ડિંગ થઈ ગયું હતું એ બેનું રેકૉર્ડિંગ બાકી હતું?
રીતસર નાના બચ્ચાની જેમ વર્તતા કિશોરકુમાર કેવી રીતે માન્યા એની ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું હવે આપણે આવતા શુક્રવારે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)