રામલલાની મૂર્તિની કોતરણી દરમ્યાન વાછૂટ અને ઓડકારને પણ કુદરતી હાજત માનવામાં આવતાં

27 October, 2024 12:10 PM IST  |  Mumbai | Chandrakant Sompura

મૂર્તિ ઘડવા માટેનાં સાધનો રોજ ગંગાના પાણીથી સાફ થતાં અને ઘડાઈ રહેલી મૂર્તિને પણ રોજ ગંગાજીના પાણીથી સ્નાન કરાવવામાં આવતું

લોકોની નજરમાં મૂર્તિ તૈયાર નહોતી થઈ, પણ અમારા માટે તો એ પથ્થર જ મૂર્તિ હતી. બસ, અમારે એમાંથી ભગવાનને બહાર લાવવાના હતા.

આપણે વાત કરીએ છીએ ભગવાન રામલલાની મૂર્તિનું ઘડતર ચાલતું હતું એ દરમ્યાન કેવી-કેવી વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું એની.

ગયા રવિવારે તમને કહ્યું એમ રામલલાની મૂર્તિનું કામ ચાલતું હતું એ દરમ્યાન એની સામે સતત ઘીનો દીવો પ્રકટાવેલો રાખવામાં આવ્યો હતો તો એ દીવાની સાથે અગરબત્તી પણ સતત પ્રજ્વલિત રાખવામાં આવી હતી. કોઈ પણ સીઝન હોય અને કોઈ પણ કાર્ય ચાલતું હોય, રામલલાની સામે દીવો અને અગરબત્તી સતત ચાલુ રહે. આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવતું કે મૂર્તિકાર શરીરથી સ્વચ્છ હોય. તે કુદરતી હાજતે જાય તો પણ તેણે તરત સ્નાન કરવાનું અને બીજાં વસ્ત્રો પહેરીને જ કામ પર બેસવાનું. કુદરતી હાજતમાં વાછૂટ પણ આવી ગઈ. તમે શ્રદ્ધા જુઓ કે મૂર્તિકારોએ આ વાતનું સતત પાલન કર્યું હતું. મૂર્તિઓ પર કારીગરી કરતા કારીગરો મહિનામાં આવતી બન્ને નોમ (ભગવાન રામનો જન્મ નોમના દિવસે થયો હતો એટલે) અને એકાદશીના દિવસે ઉપવાસ પણ રાખતા અને ઓડકારને પણ વાછૂટનો ભાગ ગણીને એ આવે તો પણ તરત સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેતા.

મૂર્તિનું કામ શરૂ કરતાં પહેલાં મૂર્તિકારો એ પથ્થરને પગે લાગતા અને દિવસ દરમ્યાનનું કામ પૂરું કર્યા પછી પણ એ પથ્થરને પગે લાગીને નીકળતા. મૂર્તિને આકાર આપવા માટે જે સાધનો વપરાતાં એ રોજેરોજ ધોવામાં આવતાં. આ સાધનો ધોવા માટે માત્ર ગંગાજીનું પાણી જ વાપરવામાં આવતું તો સાથોસાથ મૂર્તિનું દૈનિક કાર્ય પૂરું થયા પછી રોજ એને સ્નાન પણ કરાવવામાં આવતું. મૂર્તિના સ્નાન માટે સરયુ નદીનું પાણી વાપરવામાં આવતું હતું.

મૂર્તિની કોતરણી માટે જે સાધનો વાપરવામાં આવતાં એ સાધનોમાં પણ ક્યાંય લોખંડનો ઉપયોગ થયો નથી તો રોજબરોજના કાર્ય પછી કાઢવામાં આવતી સાધનોની ધાર માટે પણ ક્યાંય લોખંડનો ઉપયોગ થયો નથી. હીરાકણીથી જ સાધનોની ધાર કાઢવામાં આવતી. આ બધી બાબતો એવી છે જે સામાન્ય લોકો ક્યારેય જોવાના નથી, પણ શ્રદ્ધાની વાત છે અને વાત શ્રદ્ધાની હોય ત્યારે અમે દૃઢપણે માનીએ છીએ કે બીજા કોઈ જુએ કે નહીં, ઉપરવાળો તો આ જુએ જ છે અને અમારે તો સર્જન પણ ઉપરવાળાના રૂપનું જ કરવાનું હોય તો પછી કેમ બેદરકારી રાખીએ!

રામલલાની મૂર્તિ પર કામ શરૂ કરતાં પહેલાં કારીગરો હાથમાં અત્તર લગાવતા, જેથી ભગવાનને સ્પર્શ દરમ્યાન સતત સુગંધનો અનુભવ થયા કરે. આ જે અત્તર છે એ પણ સર્વોત્તમ ગુણવત્તાનું જ વાપરવામાં આવતું અને એ પણ ખાસ ઑર્ડર આપીને રાજસ્થાનમાં તૈયાર કરાવવામાં આવતું. ભગવાનની મૂર્તિનું દૈનિક કાર્ય પૂરું થાય એટલે એને શયન પણ આપવામાં આવતું, જેના માટે ખાસ સિલ્કનું કાપડ રાખવામાં આવ્યું હતું. રોજ કામ પૂરું થાય એટલે એ કાપડ ભગવાનને સરસ રીતે ઓઢાડી દેવામાં આવતું.

આ જે બધી વાતો કરી છે એ ભગવાન રામલલાની ત્રણેત્રણ મૂર્તિઓ સાથે પાળવામાં આવતી એ તમારી જાણ ખાતર. અગાઉ તમને કહ્યું છે કે રામલલાની બીજી જે બે મૂર્તિઓ છે એ બન્ને મૂર્તિઓ સફેદ મિલ્કી-વાઇટ એટલે કે સહેજ પણ બીજા કલરની ઝાંય ન હોય એવા આરસમાંથી બની છે. એ બન્ને મૂર્તિઓ અત્યારે ટ્રસ્ટ પાસે છે અને યોગ્ય સમયે ટ્રસ્ટ એ મૂર્તિઓ વિશે નિર્ણય લેશે.

columnists ram mandir ayodhya