રામ, તુમ્હારે યુગ કા રાવણ અચ્છા થા; દસ કે દસ ચેહરે, સબ બાહર રખતા થા

17 January, 2024 11:43 AM IST  |  Mumbai | Pravin Solanki

રાવણ મૃત્યુશૈયા પર હતો ત્યારે રામે લક્ષ્મણને ખાસ રાજનીતિના પાઠ શીખવા માટે રાવણ પાસે મોકલ્યો.

ઇલસ્ટ્રેશન

રામમંદિર મહોત્સવની પડઘમ અત્ર તત્ર સર્વત્ર વાગી રહી છે. દેશભરમાં રામનામના જાપ ગુંજી રહ્યા છે. દેશમાં એવો માહોલ છે જાણે ‘રામ સત્ય, જગત મિથ્યા.’ આખા વર્ષ દરમ્યાન રામમહિમા વિશે ખૂબ લખાયું, વંચાયું, ગવાયું, સંભળાયું. જગતમાં ઝેર છે તો અમૃતનું માહાત્મ્ય સમજાયું. અસતને કારણે સતનો મહિમા થયો, દુશ્મનને કારણે દોસ્તીની કિંમત થઈ, એમ રાવણને કારણે રામનો મહિમા થયો એવું કેટલાક માને છે. રામ નગરમાં હતા, જનમાં હતા ત્યાં સુધી ફક્ત રાજકુમાર હતા, વનમાં ગયા પછી મર્યાદાપુરુષોત્તમનું પદ પામ્યા.

રામનાં માતાપિતા વિશે કુળ કે મૂળ વિશે લગભગ બધા જ જાણે છે, પણ રાવણનાં માતાપિતા કુળ કે ભાઈ-બહેન વિશે બહુ ઓછા લોકો જાણે છે - જાણતા હશે. સામાન્ય રીતે લોકો એટલું જ જાણે છે કે કે રાવણ રાક્ષસ હતો, દુષ્ટ પાપી હતો, અધર્મ આચરનારો હતો અને સીતાજીનું હરણ કરી જગતની આંખે ચડ્યો. તેનામાં રહેલી સારી બાજુ તેના અહંકારને કારણે અંધકારમાં દટાઈ ગઈ. આજે આપણે એ બાજુઓને જાણીએ.

રાવણના પિતા એટલે વિશ્રવા. વિશ્રવા બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્યના સંતાન હતા, એટલે રાવણ બ્રહ્માજીનો વંશજ હતો. વિશ્રવાને બે પત્ની હતી, પહેલી પત્ની ભારદ્વાજની પુત્રી દેવાંગના જેનાથી એક પુત્ર થયો એ કુબેર, બીજી પત્ની કૈકસી; જેનાથી ત્રણ પુત્રો રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા અને એક પુત્રી નામે શૂર્પણખા. 

રાવણ ભગવાન શિવનો મહાભક્ત હતો. તેનું એક સપનું હતું કૈલાશ પર્વતને શ્રીલંકામાં ખસેડવાનું. એક વાર તેણે એ પ્રયત્ન પણ કર્યો. કૈલાશને બે હાથે ઊંચકી લીધો. ભગવાને તેની આ નાદાનીથી કોપે ભરાઈને તેનો એક પગ કૈલાશ પર દાબીને મૂકી દીધો. રાવણના હાથનાં આંગળાં દબાઈ ગયાં. અસહ્ય પીડા થવા છતાં રાવણે તાંડવનૃત્ય શરૂ કરી દીધું. તેનું આ ઝનૂન જોઈ શિવ પ્રસન્ન થયા. રાવણને ‘રાવણ’નું નામ આપ્યું. રાવણનો અર્થ ‘જોરદાર રીતે મંત્રોચ્ચાર’ કરવો એવો થાય છે. રાવણે શિવતાંડવ સ્તોત્રની રચના કરીને બીજા કેટલાક ગ્રંથો પણ રચ્યા, જે રાવણસંહિતા તરીકે ઓળખાયા. આમ વીર રાવણ વિદ્વાન રાવણ પણ હતો.

રાવણ રાજકારણમાં પારંગત હતો, પ્રખર મુત્સદ્દી હતો, તો સાથોસાથ તપસ્વી પણ હતો. પ્રાપ્તિ માટે તેણે ઘોર તપસ્યા કરી. બ્રહ્માજીને રીઝવ્યા. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે તેનો જીવ નાભિમાં રહેશે અને એ કારણે જ રામને તેનો વધ કરતાં વાર લાગી હતી. રામ એક પછી એક માથાં કાપતા રહ્યા, પણ રાવણ મરતો નહીં. આખરે વિભીષણે રાવણ ન મરવાનું રહસ્ય ખોલ્યું, અને રામે રાવણની નાભિમાં બાણ મારીને તેનો અંતકાળ આણ્યો.

રાવણ મૃત્યુશૈયા પર હતો ત્યારે રામે લક્ષ્મણને ખાસ રાજનીતિના પાઠ શીખવા માટે રાવણ પાસે મોકલ્યો. અંતકાળ સુધી તેણે પોતાનું અભિમાન છોડ્યું નહોતું. માથા પાસે બેઠેલા લક્ષ્મણને બેઠેલો જોઈ રાવણ બોલ્યો, ‘જ્ઞાન મેળવવું હોય તો શિષ્યએ ગુરુના પગ પાસે બેસવું જોઈએ, માથા પાસે નહીં, એટલા વિવેકની આશા તો હું મારા શિષ્ય પાસે રાખું જ.’
એ પછી તેણે લક્ષ્મણને ઘણીબધી શિખામણો આપી, એમાં એક ખાસ એ હતી કે આપણા જીવનનું કોઈ ખાસ રહસ્ય આપણા દિલમાં ધરબી રાખવું જોઈએ, કોઈ પણ અંગત વ્યક્તિ પછી ભલે ગમે એટલી તે આત્મીય હોય તેને ન કહેવી જોઈએ. 

રાવણમાં એક સદ્ગુણ તેનો પરિવારપ્રેમ પણ હતો. પરિવારનું રક્ષણ કરવાની જવાબદારી પ્રત્યે તે બિલકુલ સભાન હતો. પોતાની સગી બહેન શૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે તેનું પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દીધું હતું એ જગજાહેર છે.

રાવણના માનવતાવાદી કર્તવ્યપારાયણનો એક બીજો પ્રસંગ પણ અપૂર્વ છે. યુદ્ધ માટે વાનરસેના લઈને રામેશ્વરમ પહોંચીને સેતુબંધ માટે યજ્ઞ કરાવવાની ઇચ્છા રામે વ્યક્ત કરી. કોઈ શિવભક્ત બ્રાહ્મણ પંડિતની જરૂર પડી, જે વિધિસર યજ્ઞ કરાવી શકે. સલાહ આપી કે આવો પંડિત આજુબાજુ રાવણ સિવાય કોઈ મળવો મુશ્કેલ છે. આવો યજ્ઞ રાવણ કરાવવા તૈયાર થાય ખરો? રામને રાવણ પર કોણ જાણે કેમ પણ અખૂટ વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે તે જરૂર યજ્ઞ કરાવશે. રામે જાંબુવંતને લંકા રવાના કર્યા. રાવણે જાંબુવંતનું ભાવભર્યું સ્વાગત કર્યું અને આગમનનું કારણ પૂછ્યું. માંડીને બધી વાત કરી અને પછી આશાભરી નજરે રાવણની સામે જોયું. રાવણે પ્રસન્નતાપૂર્વક કહ્યું, ‘પ્રભુ શ્રીરામની એ મહાનતા છે કે મને આ કાર્ય માટે યોગ્ય ગણ્યો. હું જરૂર પધારીશ. સર્વ સાધનસામગ્રી સહિત પધારીશ, તમે તૈયારી શરૂ કરો, હું સમયસર પહોંચી જઈશ.’ 

રાવણ પુષ્પક વિમાનમાં સીતાજીને સાથે લઈ ગયો હતો. યજ્ઞવિધિમાં પતિ-પત્નીએ સાથે બેસવું જરૂરી છે એ રાવણ જાણતો હતો, તેના મનમાં લેશમાત્ર શંકા નહોતી કે વાનરસેના સીતાજીને પાછી નહીં આવવા દે તો? રાવણે વિધિપૂર્વક યજ્ઞ પૂરો કર્યો, એટલું જ નહીં, રામને વિજયના આશીર્વાદ પણ આપ્યા. આવો હતો મહાન રાવણ. લોકોએ તેને પૂછ્યું કે તમે શત્રુને વિજયના આશીર્વાદ કેમ આપ્યા, તો રાવણે ગર્વથી કહ્યું, ‘મહાપંડિત રાવણે આશીર્વાદ આપ્યા છે, લંકાપતિ રાવણે નહીં.’ વધુ આવતા સપ્તાહે.

columnists social media ram mandir