14 October, 2022 02:52 PM IST | Mumbai | Dr. Gyanvatsal Swami
પ્રતીકાત્મક તસવીર
મહાન રશિયન ફિલોસૉફર ગુર્જીફને એક યુવાને આવીને કહ્યું, ‘મહાત્મા, હું ખૂબ કમનસીબ છું. મને રૂપાળી પત્ની ન મળી. મારાં માબાપ ગરીબ છે.’ ગુર્જીફ કહે, ‘કોઈ વાત નસીબવાળી કે કમનસીબવાળી કહેવી નહીં. બધી જ બાબતમાં ઈશ્વરે આપેલી સ્થિતિને સ્વીકારીને મોજ માણવી.’ આટલું કહી ગુર્જીફે એ યુવાનને સત્યકથા સંભળાવીઃ એક ડાહ્યો વૃદ્ધ ખેડૂત હતો. તે ગામડામાં રહેતો હતો. તેનો ઘોડો નાસી ગયો. ગામલોકોએ તેની આગળ ખરખરો કર્યો કે તમે કમનસીબ છો. તો તે કહેઃ ‘ઈશ્વરેચ્છા બળવાન છે. ઘોડો નાસી ગયો એ કમનસીબી નથી.’
થોડા દિવસમાં તે નાસેલો ઘોડો જંગલમાંથી પાછો આવ્યો ને સાથે જંગલના ૨૦ જંગલી ઘોડાને પણ તે ખેડૂતના તબેલામાં લેતો આવ્યો. ત્યારે પાડોશીએ કહ્યું, ‘તમે બહુ ભાગ્યશાળી છો.’ તે ખેડૂત કહે, ‘નસીબ કે કમનસીબમાં હું માનતો નથી.’ બીજે દિવસે ખેડૂતનો જુવાન પુત્ર જંગલી ઘોડા પરથી પડ્યો અને એક પગે કાયમ માટે લંગડો થઈ ગયો. એક મિત્રે ખરખરો કર્યોઃ ‘તમે ભારે દુર્ભાગી છો.’
ખેડૂત કહે, ‘નસીબ ને કમનસીબ બંને સરખાં છે.’ થોડા સમય પછી દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું. યુદ્ધ માટે રાજાએ ગામના તમામ યુવાનોની ફરજિયાત ભરતી કરાવી. એ તમામ યુવાનો યુદ્ધમાં મરાઈ ગયા. ખેડૂતનો એકનો એક જુવાન પુત્ર લંગડો હતો, એટલે તેની ભરતી યુદ્ધ માટે ન થઈ અને તે એક જ જીવ્યો.
વધતાઓછા અંશે આવું ઘણું આપણા જીવનમાં બનતું જ હોય છે. આખરે, એનું જ તો નામ છે – જીવન. સુખ અને દુઃખ આપણા જીવનની બે બાજુઓ છે, એ સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ સનાતન સત્યના સ્વીકાર બાદ એ પ્રશ્ન થવો જોઈએ કે આપણે પણ પેલા વૃદ્ધની જેમ ગમે તે પરિસ્થિતમાં કઈ રીતે સુખી રહી શકીએ? એનો જવાબ છે કે આપણો અભિગમ બદલીએ તો. દરેક પરિસ્થિતિમાં એ પરિસ્થિતિ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, જેને લીધે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તે વ્યક્તિ પ્રત્યે અને ઉપરના પ્રસંગમાં જોયું એમ ભગવાન પ્રત્યે આપણો કેવો અભિગમ છે, આપણું કેવું વલણ છે, એ જ આપણને સુખી કે દુઃખી બનાવે છે.
એક ચિંતકે સુંદર વાત કરી છે કે You can’t stop the waves, but you can learn to surf. આપણે મોજાંઓ જેવી આપત્તિઓને રોકી શકવાના નથી, પણ એના પર તરતાં શીખી જઈએ, તો એ આપત્તિઓ પણ ઉત્સવ બની જાય. વનવાસ પૂર્વે અયોધ્યાનો ત્યાગ કરતી વખતે રામ કૈકયીને પગે લાગવા ગયા ત્યારે કહ્યું કે માતા, તમે મને વનમાં જવાની આજ્ઞા કરીને મને કેવળ મારા શરીરના રક્ષણની જવાબદારી સોંપી ને ભરતને આખા રાજ્યના રક્ષણની જવાબદારી સોંપી. એમાં પણ આપનો મારા પ્રત્યે પક્ષપાત જ હું જોઉં છું. અને વનવાસ બાદ પુનઃ અયોધ્યા આવી રામ સૌપ્રથમ કૈકેયીને પગે લાગવા ગયા અને કહ્યું કે માતા, આપે આ વનવાસ આપ્યો એ મારા પર બહુ મોટી કૃપા કરી, કારણ કે તેથી મને પિતાનો પ્રેમ, ભરતનો મહિમા, હનુમાનનું પરાક્રમ, સુગ્રીવની મિત્રતા, લક્ષ્મણની ભક્તિ, સીતાનું સત, મારી ભુજાઓનું બળ અને શત્રુઓની શત્રુતા જાણવા મળ્યાં. આમ, આપત્તિને પણ ઉત્સવ બનાવી જાણે તે રામ. ચાલો, આપણે પણ ભગવાન શ્રીરામના જીવનમાંથી આ કળા શીખીએ.
લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય feedback@mid-day.com પર