પ્રમુખસ્વામી નગર – એક કેસ સ્ટડી

17 February, 2023 05:06 PM IST  |  Mumbai | Dr. Gyanvatsal Swami

માત્ર ૬ મહિનામાં આવું નગર કેવી રીતે તૈયાર થયું અને એનું એક મહિના સુધી આટલું અદ્ભુત સંચાલન કેવી રીતે થયું એનો કોયડો ઉકેલવા મોટી-મોટી યુનિવર્સિટીઓ મેદાનમાં ઊતરી છે

પ્રમુખસ્વામી નગર – એક કેસ સ્ટડી

તાજેતરમાં અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે એક મહિના માટે ભવ્ય પ્રમુખસ્વામી નગર રચાયું હતું. આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર વિશાલ ગુપ્તા આ નગરની ભવ્યતા અને દિવ્યતા વિશે કહે છે, ‘આપ લોગોં ને હમારે સામને કિતના બડા કેસ સ્ટડી બનાકર રખ દિયા હૈ. ૮૦,૦૦૦ લોગોં કો સંગઠિત કર કે કામ કરને મેં અચ્છે અચ્છોં કો પસીના છૂટ જાતા હૈ. ના તો પર્ફોર્મન્સ મૅનેજમેન્ટ હૈ. ના તો કમ્પેન્સેશન. ઇસકા ગૂઢ રહસ્ય હૈ સેવાભાવના. યહ લિમિટલેસનેસ હૈ હ્યુમન સ્પિરિટ કી.’

માત્ર ૬ મહિનામાં આવું નગર કેવી રીતે તૈયાર થયું અને એનું ૧ મહિના સુધી આટલું અદ્ભુત સંચાલન કેવી રીતે થાય છે એ કોયડો ઉકેલવા મોટી-મોટી યુનિવર્સિટીઓ મેદાનમાં ઊતરી છે.
આ નગરને જોતાં મહાનુભાવોથી લઈને જનસામાન્યના મુખેથી પ્રશસ્તિ-સરિતા વહી પડે છે, પરંતુ આ નગરની પાછળ પણ એક નગર છુપાયેલું છે, જે નરી આંખે દેખાતા નગરથી પણ વધુ અહોભાવ ઉપજાવનારું છે. આવો આજે પડદાની પાછળની દુનિયા જોઈએ, જે આપણને પ્રેરણાથી ભરી દેશે.

અહીં સૂર્યોદય સાથે પ્રભાત થતું - સેવા-ભક્તિનું. કોઈ સ્વયંસેવક ભોજનશાળામાં તપેલાં અને તવેથા લઈને ભક્તો-ભાવિકોના ભોજનના પ્રબંધ માટે લાગી જતા, તો કોઈ શિયાળાની કડકડતી ઠંડીમાં તૈયાર થયેલાં ગરમાગરમ ચા-ઉકાળો અને નાસ્તો લઈને સ્વયંસેવકોને પહોંચાડતા. કોઈ દર્શનાર્થીઓના પ્રવાહને યોગ્ય દિશામાં દોરવા આઠ-દસ કલાક સુધી ખડેપગે રહેતા, તો કોઈ ટ્રાફિક કન્ટ્રોલ કરવા નગરથી ૮ કિલોમીટર દૂર આખો દિવસ એકલા ઊભા રહી નિષ્ઠાથી સેવા બજાવતા.

રાતે વળી નગરમાંથી સૌ વિદાય લે પછી જાણે સેવાનો બીજો યજ્ઞ શરૂ થતો. કોઈ સ્વયંસેવકો કડકડતી ઠંડીમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ફૂલ-છોડને પાણી પાવા નીકળતા, તો કોઈ જ્યોતિ-ઉદ્યાનની મરમ્મત માટે. કોઈ હાથમાં ઝાડુ-સાવરણા લઈ નગરના માર્ગોની સાફસફાઈ માટે નીકળતા, તો સલામતી સંભાળતા કોઈ તાપણું કરીને ઠંડા પવન વચ્ચે સેવાની ગરમ હૂંફ માણતા, વહેલી સવાર સુધી!! અહીં કોઈને પરવા નહોતી કે કોણ મારી નોંધ લે છે? મને શું વળતર મળશે? મારી શી કદર થશે?  પ્રત્યેક સેવક બસ નિ:સ્વાર્થ ભાવે ગુરુની પ્રસન્નતા પામવા હોમાઈ ગયો હતો.  

વધુ આશ્ચર્ય તો એ છે કે બધા પોતાનો હોદ્દો કે મોભો ભૂલી સેવાનો આનંદ લૂંટતા હતા. આ સ્વયંસેવકોમાં નગરની સાફસૂફી કરનાર એન્જિનિયરો પણ હતા, તો હેરકટિંગની સેવામાં જોડાયેલા સ્વયંસેવક બૅન્ક-મૅનેજર પણ હતા. હરિભક્તોનાં બૂટ-ચંપલની મરમ્મત કરતા કોઈ સરકારી કૉલેજમાં પ્રોફેસર હતા. અહીં ન્યુરોસર્જન કચરાપેટી ખાલી કરતા, તો કોઈ બિઝનેસમૅન ટ્રૅક્ટર પણ હાંકતા. કેટલાય સ્વયંસેવકોએ પોતાની નોકરી જતી કરીને, તો કેટલાકે પોતાના વિદેશગમનને ઠેલીને પણ આ સેવાને અગ્રીમતા આપી હતી.

સેવાનો આ જુવાળ પ્રગટ્યો શી રીતે? બુદ્ધિશાળી માણસ એટલી તો ત્રિરાશિ લગાડી શકે કે જેની જન્મશતાબ્દી ઊજવવા ૮૦,૦૦૦ સ્વયંસેવકો પોતાના વ્યવસાય કે ઘરબારની પરવા ત્યજીને આ હાડમારીભરી સેવામાં હોમાયા, એ પ્રમુખસ્વામી મહારાજે તેમને માટે કેટલું કર્યું હશે?‍! તેમના સેવા-સમર્પણની વિરાટતા આગળ આ ૬૦૦ એકરનું નગર પણ વામણું લાગે. તેઓએ પોતાના જીવનની પ્રત્યેક પળ બીજાને સુખી કરવા માટે વાપરી હતી. ૧૭,૦૦૦થી વધુ ગામડાંઓમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાથી લોકોને સંસ્કાર્યા. ૨,૫૦,૦૦૦ લાખથી વધુ ઘરોમાં વિચરણ કરી, આદિવાસીના કૂબાથી લઈ અમેરિકાનાં મહાલયો સુધી સદાચારનાં અજવાળાં પાથર્યાં. ૪૦ લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કરી લાખો પરિવારોને બરબાદીની આગમાંથી ઉગાર્યા. સાડાસાત લાખથી વધુ પત્રોના પ્રત્યુત્તર આપીને લાખોનાં ભાંગી પડેલાં હૃદયોને બેઠાં કર્યાં. અથાગ પરિશ્રમ વેઠીને તેમણે કરેલાં ૧૨૦૦થી વધુ મંદિરો યુગો સુધી વિશ્વને સેવા-સમર્પણ અને ભક્તિની પ્રેરણાથી ભર્યું-ભર્યું રાખશે. આમ, સેવાની એક મહામશાલમાંથી આજે સમર્પણની લાખો જ્યોત પ્રગટી, જેથી આ પ્રમુખસ્વામી નગર ઝળહળી ઊઠ્યું.

આજે આ સૌ સ્વયંસેવકોને પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થાય છે મહંતસ્વામી મહારાજમાં. એથી તેમનો પડ્યો બોલ ઝીલી લઈને સૌએ ગુરુની આ શતાબ્દીમાં સઘળું 
સમર્પિત કર્યું. આવા મહાપુરુષોના જીવનમાંથી આપણને સતપ્રેરણા મળતી રહે એ આ લેખમાળાનો હેતુ હતો. આજે આ મહાપુરુષને શત શત નમન કરીને આ લેખમાળાને પૂર્ણ કરતાં આનંદ થાય છે.

લેખક બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત અને મૉટિવેશનલ સ્પીકર છે. તેમનો સંપર્ક કરી શકાય 
feedback@mid-day.com પર

columnists