15 April, 2023 03:50 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતિકાત્મક તસવીર
‘કેટલા વાગ્યા?’ બે શબ્દોનો આવો ટૂંકો પ્રશ્ન કેટલીયે વાર તમને કોઈએ પૂછ્યો હશે અથવા આ જ પ્રશ્ન તમે પણ કેટલીયે વાર બીજાને પૂછ્યો હશે. કાંડા ઘડિયાળમાં જોઈને અથવા દીવાલ ઉપર અથવા હવે તો મોબાઇલમાં જોઈને તરત આનો જવાબ અપાઈ જાય છે.
આ નાનકડી ક્રિયાને આપણે સમય કહીએ છીએ. વ્યવહારમાં સમય શબ્દ ઓછો વપરાય છે. આપણે એને ટાઇમ કહીએ છીએ. ‘શું ટાયમ થયો?’
દુનિયાભરની ભાષાઓ પાસે આ સમય શબ્દના પોતપોતાના અર્થો હશે પણ આ અર્થને મોટા ભાગે ઘડિયાળના કાંટા અથવા દીવાલ પર લટકતા તારીખિયાના પાનિયા સાથે સંબંધ રહેતો હોય છે. સમયને કોઈ સંબંધ હોતો નથી. દિવસ કે રાત પણ હોતા નથી. રાત્રે બાર વાગ્યે દિવસ બદલાઈ જાય એ આપણી વ્યવહારિક અનુકૂળતા છે. બાર વાગ્યે A.M.ને P.M. કરી દેવાથી સમયને કોઈ સ્પર્શ થતો નથી. આપણી પ્રાચીન સંસ્કૃત ભાષાએ સમયના આ બધા વેરવિખેર ટુકડાઓને મહાકાળ તરીકે ઓળખાવ્યા છે. સમયને કોઈ નામ ન હોય, કોઈ માપ ન હોય. એ ક્યારે શરૂ થાય છે અને એનો અંત ક્યારે આવે છે એ કોઈ જાણતું નથી. જેને આપણે પરમાત્મા કહીએ છીએ એ પરમાત્મા સુધ્ધાં સમયને જાણતા નથી. પરમાત્મા સામે પણ મહાકાળ આળસ મરડીને બેઠો થાય છે.
રામ! તમારું કામ પૂરું થઈ ગયું છે
રામાયણનું અંતિમ ચરણ, જેને આપણે ઉત્તરકાંડ કહીએ છીએ એ આમ તો ક્ષેપક ગણાય છે અને ઝાઝો વિશ્વાસપાત્ર પણ નથી. એમાં સ્વયં મહાકાળ અયોધ્યાના રાજા રામને અગિયાર હજાર વરસની રાજ્ય સિંહાસનની અવધિ પૂરી થયા પછી કહે છે - ‘રામ, પૃથ્વી પરનું તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે પૃથ્વી છોડીને સ્વધામ પધારો.’
અહીં સૌથી અગત્યની વાત એ છે કે પૃથ્વી પરનું પોતાનું કામ પૂરું થઈ ગયું છે. જન્મ થયો, હવે જે કામ માટે આ પૃથ્વી પર આવ્યા હતા એ ક્ષણ પૂરી થઈ ગઈ છે. એ ક્ષણ પૂરી થાય પછી રામ પણ રામ નથી રહેતા અને કૃષ્ણ પણ કૃષ્ણ નથી રહેતા. આ વાત જરાક સમજીએ.
કૃષ્ણ અને મહાકાળ
એકસો ચાલીસ વર્ષના આયુકાળમાં મહાભારત જેવાં અનેક યુદ્ધોમાંથી
પસાર થવા છતાં જેમના દેહ પર શસ્ત્રનો છરકો સુધ્ધાં થયો નહોતો એવા
શ્રીકૃષ્ણ સ્વયં પુત્રો તથા પૌત્રાદિ પરિવારજનોના હાથે લોહીલુહાણ થયા છે. મદ્ય નિષેધની કૃષ્ણની આજ્ઞાને દ્વારકામાં કોઈ ગાંઠતું નથી અને આ સહુ યદુકુલ સંતાનો કૃષ્ણ પર હુમલો કરે છે. કૃષ્ણ જરાપારધિના તીરથી વીંધાઈ જાય છે. પોતાનો સમય પૂરો થયો છે એ મહાકાળની નિશાની ઓળખાવી એ ભારે અદભુત કામગીરી છે.
સમયની વાત કરીએ એટલે આપણને તરત જ કાબે અર્જુન લૂંટિયો એ હી ધનુષ એ હી બાણ યાદ આવે. મહાભારતના મહાયુદ્ધનો વિજેતા અર્જુન દ્વારકાની સ્ત્રીઓનું રક્ષણ કરી શક્યો નહોતો, કારણ કે અર્જુનનું જીવનકર્મ સમાપ્ત થઈ ગયું હતું. અર્જુન આ વાત જાણતો નહોતો પણ હસ્તિનાપુરમાં યુધિષ્ઠિર આ વાત સમજી ગયા હતા અને એટલે જ તેમણે સ્વર્ગારોહણનો સ્વૈચ્છિક માર્ગ સ્વીકાર્યો હતો.
સમય અને સાપેક્ષવાદ
સાપેક્ષવાદ આઇન્સ્ટાઇને આપણને આપેલો એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સહુને સરળતાથી સમજાય એવો નથી. એને સમય સાથે પણ સંબંધ છે. કોઈએ આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ વિશે કશોક પ્રશ્ન પૂછ્યો. આઇન્સ્ટાઇને હસતાં-હસતાં હળવાશથી જવાબ વાળ્યો છે - ‘જુઓ, કોઈક મનગમતા પાત્ર સાથે, મનગમતા વિષય પર વાતચીત કરતાં એક સરસ રેસ્ટોરન્ટના એક ખૂણામાં તમે એક કલાક સુધી બેઠા હો પણ આ એક કલાક તમને દસ મિનિટ જેવો લાગે પણ આ જ રેસ્ટોરન્ટના આ જ ખૂણામાં કોઈક કર્કશ અને અણગમતા પાત્ર સાથે અણગમતા વિષય ઉપર દસ મિનિટ પણ વાત કરવી પડે તો આ દસ મિનિટ પણ એક કલાક જેવી લાગે છે.’
સમયનો આ સાપેક્ષવાદ છે.
ગઈ કાલ અને આજ
રશિયન સાહિત્યકાર કાઉન્ટ લિયો ટોલ્સટોયને કોઈએ આવતી કાલ વિશે એક પ્રશ્ન કર્યો હતો. ટોલ્સટોયે એનો ઉત્તર વાળતાં કહ્યું હતું, ‘આવતી કાલ મને ગમે છે પણ મારે એવી આવતી કાલ જોઈએ છીએ જેમાં ગઈ કાલ ભેળસેળ થતી ન હોય.’ આપણે સહુ જાણીએ છીએ કે આવતી કાલ સમયનો ભવિષ્યખંડ છે અને ભવિષ્ય ક્યારેય ભૂતકાળ વિનાનું હોતું નથી.
સમય - આવે છે, જાય છે
રેલવે માર્ગે પ્રવાસ કરતી વખતે આપણે સહજ ભાવે એવું કહેતા હોઈએ છીએ કે ફલાણું સ્ટેશન આવ્યું અને ઢીંકણું સ્ટેશન ગયું. વાસ્તવમાં કોઈ સ્ટેશન આવતું નથી અને કોઈ સ્ટેશન જતું પણ નથી. બધાં સ્ટેશનો ત્યાંનાં ત્યાં જ હોય છે, માત્ર આપણે જ ત્યાં જતા હોઈએ છીએ. સમયનું પણ આવું જ છે. સમય આવતો નથી કે જતો પણ નથી, માત્ર આપણે જ એની પાસે આવ-જા કરીએ છીએ. અને આ આવ-જાની કોઈક પળ આપણને બળવાન લાગે છે તો કોઈક પળ આપણને નબળી લાગે છે.