01 August, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુદ્દો એ નથી કે શબરીએ રાખેલાં બોર રામે ખાધાં કે નહીં, પણ શબરીએ રામ માટે ચાખીને બોર રાખ્યાં ત્યારે તેને શ્રદ્ધા હતી કે રામ ખાશે. જ્યારે શ્રદ્ધા આટલી બળવત્તર હોય ત્યારે ઈશ્વર બોર ખાય જ. અવસર અને ક્ષણને ઘણી વાર માત્ર શંકાને કારણે, તીવ્ર પૂર્વગ્રહને કારણે માણસ ચૂકી જાય છે. શંકા એ બુદ્ધિશાળી વ્યક્તિનું હથિયાર છે અને તે વ્યક્તિને નવી દિશા દેખાડે છે આવું કહેતા દરેકને કહેવાનું મન થાય કે કુતૂહલ અને શંકા વચ્ચે પાયાનો ભેદ છે. બાળકને તમે જ્યારે આકાશનો ચાંદો હથેળીમાં દર્શાવો છે ત્યારે ત્યાં બાળકનો તમારા પરનો વિશ્વાસ અને નિર્દોષ આનંદનો ઉદેશ મહત્ત્વનો હોય છે. સંશોધનમાં શંકા કરતાં વધુ શક્યતાની તપાસ હોય છે, નવી દિશા તરફના પ્રયાસ હોય છે; પણ વર્તનની ઓછપ અને મનુષ્યની પોતાના પરની અશ્રદ્ધા તેને શંકા તરફ દોરી જાય છે. જગતનો ઇતિહાસ, સાહિત્યની ક્લાસિકલ કૃતિઓમાં શંકાનાં પરિણામોથી સર્જાતા વિનાશને અનેક વાર દર્શાવ્યો છે. શેક્સપિયરના મૅકબેથનો કરુણ અંત આપણે કેવી રીતે ભૂલી શકીએ !
તત્ત્વચિંતનમાં જે શંકા આવે છે એ મનુષ્ય-અસ્તિત્વને સમજવાની દિશામાં એક પહેલ છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સનનો સામાજિક અવસ્થાઓનો સિદ્ધાંત ફ્રૉઇડના ખ્યાલો પર આધારિત છે. પોતાની સલામતી, સત્તા ચાલ્યા જવાનો ડર, પોતાને અપાતું વધુ પડતું મહત્ત્વ, અભિમાન અને પરિણામે અન્યની કાર્યક્ષમતા પર નિયમિત રીતે ઊપજાતી શંકા. સામાન્ય સંબંધોથી લઈને કાર્યસ્થળ પર એકબીજા પ્રત્યેની શંકા મલિન વમળ નિર્માણ કરે છે. કોઈના મનમાં શંકાનું બીજ વાવીને અન્ય સાથેના સંબંધો તોડી નાખતો માણસ એ વેળાએ કેવો પાંગળો બની જતો હશે કે તેને એ પણ યાદ નથી રહેતું કે આ શંકાની લાગણી એકપક્ષી અભાવ અને પોતાની જ મર્યાદાને સૂચવે છે!
જેને પોતાના પર વિશ્વાસ અને શક્તિ પર શ્રદ્ધા છે તે તો બોરને અડધાં ખાઈને રાહ જુએ છે અને રોજેરોજ એમ કરે છે; કારણ તેને પોતાના વિશ્વાસ પર અને પોતાની પસંદગી પર વિશ્વાસ છે.
ઉર્વીશ વસાવડાની કવિતા યાદ કરીએ...
સૂર્યના ઢળવા વિશે શંકા ન કર
દીપ ઝળહળવા વિશે શંકા ન કર
છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિશે શંકા ન કર
પ્રેમનું આસન શ્રદ્ધા છે અને જેનું આસન સતત ડોલાયમાન હોય તેને નથી માણસનો પ્રેમ મળતો કે નથી ઈશ્વરનો સ્પર્શ મળતો. જ્યાં માણસને માણસ પર વિશ્વાસ હોય છે ત્યાં સહજ સત્ય અને અખંડ આનંદ હોય છે. અન્યથા કોલાહલ તો દરેક ખૂણે છે. ક્યાંક તમે એને ઘરમાં વાવવાની ઉતાવળમાં તો નથીને!
- પ્રા. સેજલ શાહ (સેજલ શાહ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપિકા, કવિ, વિવેચક અને ૯૫ વર્ષ જૂના માસિક ‘પ્રબુદ્ધ જીવન’નાં સંપાદક છે.)