25 December, 2024 07:04 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
ફ્રાન્સની સરકારે અમેરિકાને ‘સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી’ ભેટ આપ્યું અને કોલંબસે ખોજેલા એ ઇમિગ્રન્ટ્સના દેશ અમેરિકાએ એ સ્વતંત્રતાની દેવીનું પૂતળું અમેરિકામાં આવેલા વિશ્વના સૌથી મોટા શહેર ન્યુ યૉર્કના બારમાં આવેલા એલિસ આઇલૅન્ડ પર ઊભું કર્યું સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી. એના હાથમાં જે તક્તી છે એના લખાણ દ્વારા જણાવે છે કે ‘હે વિશ્વના થાકેલા, હારેલા, ત્રાસેલા માનવીઓ, તમે અહીં આવો, હું તમને આશરો આપીશ.’ અને ખરેખર અમેરિકા આ વચનને સાચું પુરવાર કરે છે. જે લોકોને તેમના પોતાના દેશમાં તેમના ધાર્મિકપણાને કારણે રાજકીય વિચારોને માટે આર્થિક પરિસ્થિતિને લીધે કે અન્ય કોઈ પણ કારણસર રંજાડવામાં આવે છે તેમને અમેરિકા પોતાને ત્યાં અસાયલમ એટલે કે આશરો આપે છે.
અમેરિકાની પરદેશીઓને આશરો આપવાની જે નીતિ છે એનો વિશ્વના લોકો ગેરલાભ ઉઠાવવા ચાહે છે. તેમના પોતાના દેશમાં તેમની પરિસ્થિતિ સારી હોય છતાં તેઓ અમેરિકામાં કાયમ માટે સ્થળાંતર કરવાની તેમની અદમ્ય ઇચ્છાને કારણે પોતાના દેશને બદનામ કરીને, ‘અમારા દેશમાં અમારા પર અત્યાચાર થાય છે’ એવું જુઠ્ઠું બોલીને અમેરિકામાં અસાયલમ માગે છે.
આ ખોટેખોટી રીતે અસાયલમ માગનારાઓ અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયા છે. જ્યારે કોઈ પરદેશી અમેરિકામાં અસાયલમ માગે છે ત્યારે અમેરિકા એ માગણીમાં કેટલું સત્ય છે એની તપાસ આદરે છે. જો માગણી સાચી હોય તો તેને જરૂરથી આશરો આપે છે. જેઓ ખોટેખોટાં કારણ આપીને અમેરિકામાં પ્રવેશવા ઇચ્છતા હોય છે અથવા ગેરકાયદે રહી પડ્યા હોય એવા લોકોને પણ જ્યારે તેઓ અસાયલમની અરજી કરે છે ત્યારે અમેરિકા તેમની માગણી તપાસે છે અને એ જો ખોટી હોય તો તેમને બહાર મોકલી આપે છે.
થોડા સમયથી ગુજરાતના ઘણા રહેવાસીઓ અમેરિકામાં કાયમ રહેવા માટે અસાયલમની અરજી કરે છે. આ અરજી કેમ કરવી, ક્યારે કરવી, એને માટે શું-શું તૈયારીઓ કરવી, શું-શું દેખાડવું એ બધું શીખવાડતી વર્કશૉપ ચાલે છે. એ લોકો તેમને શીખવવામાં આવ્યું હોય એ મુજબ વર્તીને ભારત દેશ, એના રાજકારણીઓ, એનું પોલીસતંત્ર, ઇમિગ્રેશન ખાતું, CID એ બધાને ખોટેખોટા બદનામ કરીને, વગોવીને અમેરિકામાં અસાયલમ માગે છે. આવા લોકોની અરજી તો નકારાય જ છે, પણ ત્યાર બાદ તેમને અમેરિકામાં ક્યારેય પ્રવેશવા દેવામાં નથી આવતા. અન્ય દેશો પણ તેમને જાકારો આપે છે. આ લોકો ભારતને ખોટેખોટું બદનામ કરે છે.