શું તમારું નાનું બાળક તમારી વાત માનતું નથી?

17 December, 2024 04:01 PM IST  |  Mumbai | Jigisha Jain

જ્યારે તમે બાળકને કહો છો કે દોડ નહીં ત્યારે તે દોડે જ છે. જ્યારે તેને કહો છો કે સોફા પર કૂદવું નહીં ત્યારે તે સોફા પર જ કૂદે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

જ્યારે તમે બાળકને કહો છો કે દોડ નહીં ત્યારે તે દોડે જ છે. જ્યારે તેને કહો છો કે સોફા પર કૂદવું નહીં ત્યારે તે સોફા પર જ કૂદે છે. એનો અર્થ એ નથી કે બાળક વાત માનતું નથી, પણ એનો અર્થ એ પણ હોઈ શકે કે બાળકનું મગજ તમે જે નકાર વાક્ય કહ્યું એ સમજી નથી શકતું. નકાર વાક્ય ન સમજી શકવાની તકલીફ લગભગ ચાર વર્ષની ઉંમર સુધી રહે છે. જોકે અમુક વયસ્કોમાં પણ આ તકલીફ જોવા મળે છે

નો, અત્યારે કાર્ટૂન નહીં. આમ કહેવા છતાં શું તમારું નાનું બાળક તરત રિમોટ દબાવીને ટીવી ઑન કરે છે.

 નો, ફ્રાઇસ નથી ખાવાની. એમ કહો એટલે તે સૌથી પહેલાં ફ્રાઇસ પર તૂટી પડે છે.

 નો, અત્યારે પ્લે ટાઇમ નથી. એ વાક્ય પૂરું થતાંની સાથે બહાર રમવા ભાગે છે.

આવું થાય ત્યારે મમ્મીઓ ફરિયાદો કરે છે કે આ બાળક મારું કશું સાંભળતું જ નથી. કેટલીક મમ્મીઓ બાળક પર ગુસ્સે ભરાય. કેટલીક તો તેની સામે બરાડા પાડવા લાગશે કે તને કહ્યું એક વાર, સમજાતું નથી. તેને બરાડા પાડતી જોઈને ક્યારેક એવું બને કે બાળક હેબતાઈ જઈને અટકી જાય કદાચ. એક પેઢી એવું માનતી હતી કે ધિબેડો નહીંને તો બાળકો સાંભળે જ નહીં. એ એવું નહોતા કહેતા કે ના, અત્યારે રમવા જવાનું નથી, એ એક ધોલમાં મારતા અને કહેતા કે ક્યાંય જતો નહીં. અને એ લોકો સાચા છે, એ સમયે બાળકો આ મારની ભાષા સમજતાં પણ હતાં. પરંતુ આ બરાડાઓ અને માર પણ અમુક બાળકો પર કામ કરતા નથી. માતા-પિતા ના પાડે છતાં પણ કરનારા ત્યારે પણ હતા અને આજે પણ છે. પણ આજે સમજીએ કે આવું કેમ થાય છે. ના પાડવા છતાં બાળક કેમ એ વસ્તુ કરે છે.

પ્રોસેસિંગ અઘરું
હાલમાં એક રીલ ખાસ્સી વાઇરલ થઈ છે, જેમાં ટીચર એક હાથમાં કેળું અને એક હાથમાં સફરજન રાખીને બે વર્ષના એક બાળકને પૂછે છે કે આમાંથી કયું ફળ કેળું નથી. તો બાળક તરત જ કેળા પર આંગળી મૂકે છે. બીજા ૩ વર્ષના બાળકને એ પૂછે છે કે આમાંથી કયું ફળ સફરજન નથી. પેલું થોડી ક્ષણો ગૂંચવાય છે અને સફરજન પર જ હાથ મૂકે છે. એવું નહોતું કે આ બાળકો એટલાં બુદ્ધિ વગરનાં હતાં કે કેળા કે સફરજનનો ભેદ પારખી શકે એમ નહોતાં. પરંતુ એ રીલમાં પણ છેલ્લે એવી સમજૂતી આપવામાં આવી છે કે લગભગ ૭ વર્ષ સુધી બાળકોનો માનસિક વિકાસ પ્રોસેસમાં જ હોય છે, પૂરેપૂરો થયો નથી હોતો. લગભગ ૩-૪ વર્ષ સુધીનાં બાળકો નકારાત્મક વાક્યો સમજી નથી શકતાં. નકાર જેમાં નો, નૉટ, નહીં જેવા શબ્દો છે તેઓ આ શબ્દોને સમજતાં નથી એટલે આ બાળકોએ ઓળખ હોવા છતાં સફરજન અને કેળામાં ભૂલ કરી. બાળકને પૂછો કે કેળું ક્યાં છે? તો તે બતાવશે. શું છે જે કેળું નથી એવું કૉમ્પ્લેક્સ વાક્ય તેમનું મગજ પ્રોસેસ જ નથી કરી શકતું.

પહેલાં શું સંભળાય?
આ વાતને સમર્થન આપતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ડૉ. મીનલ મખીજા કહે છે, ‘આપણે જ્યારે બાળકને કહીએ છીએ કે ના, દોડ નહીં. ત્યારે બાળકને ‘ના’ની સમજ નથી પડતી. ‘દોડ’ શબ્દ તેને ખબર છે એટલે તે દોડવા લાગે છે. હકાર અને નકારનો કન્સેપ્ટ બાળક ધીમે-ધીમે શીખે છે. પહેલી વાત તો એ કે ભાષા જ્ઞાન હજી શરૂ જ થયું છે. જુદા-જુદા અઢળક શબ્દો એ સાંભળે છે અને એને એની મેમરીમાં સ્ટોર કરે છે. આ શબ્દો પાકા ત્યારે થાય જ્યારે તમે એને ઇન્દ્રિયો સાથે જોડો. તમે જ્યારે તેને ઝાડ બતાવો છો અને પછી કહો છો કે આ ઝાડ છે. તો ઝાડ શબ્દ સાથે તેની વિઝ્યુઅલ મેમરી જોડાઈ ગઈ. એવો જ શબ્દ છે દોડ. તેણે આ શબ્દને પોતાની પાંચેય ઇન્દ્રિય સાથે અનુભવેલો છે. પરંતુ ના, નહીં, નૉટ જેવા શબ્દ સાથે કોઈ અનુભવ તેને નથી. એટલે તમે જ્યારે કહો છોએ કે ના, દોડ નહીં. ત્યારે તેણે પહેલાં સાંભળ્યું દોડ. એટલે તે દોડવા લાગ્યું.’

નકાર છે કૉમ્પ્લેક્સ
તો ના તેને કઈ રીતે સમજાય એ વાત સમજાવતાં ડૉ. મીનલ મખીજા કહે છે, ‘ના શબ્દ કે કોઈ પણ નકાર વાક્ય વાતને કૉમ્પ્લેક્સ કરે છે. એટલે જો કોઈ કૉમ્પ્લેક્સ નકાર વાક્ય સામે મુકાય ત્યારે એક વખત મોટા લોકો પણ કન્ફ્યુઝ થઈ જાય છે તો આ તો બિચારાં બાળકો છે. બાળકો કોઈ પણ વાતને અનુભવ સાથે સમજે છે. મમ્મી ના પાડે ત્યારે જે ગુસ્સામાં તેને જુએ છે કે તેના ચહેરાના હાવભાવ જે બદલાય છે એના પરથી તેને સમજણ પડે છે કે આ નથી કરવાનું. મેં બૉલને બરાબર પકડ્યો છે, ઘા નથી કર્યો એટલે મમ્મીએ તાળી પાડી. એનો અર્થ એ થયો કે આવું કરી શકાય. આમ ‘હા’ અને ‘ના’નો કન્સેપ્ટ ધીમે-ધીમે તેમને સમજાતો જાય છે. એટલે જ પહેલાંના સમયમાં માર પડે તો બાળકો એ કામ કરતાં નહીં, કારણ કે એ સમયનાં બાળકો સમજતાં કે માર પડ્યો એટલે આ નથી કરવાનું. આમ ‘ના’ સાથે મારનો અનુભવ જોડાઈ ગયેલો.’

અપેક્ષા કરવી
જે ‘ના’ બાળકને સમજાતી જ નથી એ ‘ના’ શબ્દ દિવસમાં તે કેટલી બધી વાર સાંભળે છે. આમ નહીં કર ને તેમ નહીં કર. આમ નહોતું કરવાનું અને આમ ક્યારેય કરવું નહીં જેવાં વાક્યો જ તે આખો દિવસ સાંભળે છે. એમાંથી કેટલીક ‘ના’ એ સમજી જ નથી શકતું. કેટલીક ના તે સમજે છે એટલે એમ અનુસરે છે, પણ કેટલીક ‘ના’ સમજવા છતાં પણ અનુસરતું નથી. એની પાછળનું કારણ જણાવતાં ડૉ. મીનલ મખીજા કહે છે, ‘બાળક કંઈ પણ કરે છે એનું કારણ ફક્ત પ્લેઝર એટલે કે આનંદ અને તેની જિજ્ઞાસા હોય છે. એટલે જો તે તમારી વાત સાંભળે છે અને એ સમજી પણ જાય એમ છતાં એનાથી કંઈ વિપરીત કરે છે તો એ સમજવું કે કોઈની વાત સાંભળીને જ કામ કરવું એની પણ તેને સમજ હજી પૂરી નથી. બીજું એ કે હા અને ના સાથે લૉજિકલ રીઝનિંગ જોડાયેલું છે. આમ કરાય કારણ કે એની પાછળ આ કારણો છે અને આમ ન કરાય, કારણ કે એની પાછળ આવાં કારણો છે. આવું લૉજિકલ મગજ બનતાં ઘણાં વર્ષો વીતી જાય છે. માટે જો તમારું કહેલું બાળક ૫૦ ટકા પણ માનતું હોય તો ઘણું કહેવાય. એનાથી વધુની અપેક્ષા ન રાખવી.’

માત્ર બાળકોમાં નહીં
કૉર્પોરેટ ઑફિસમાં આવા પ્રયોગો ઘણી વાર થાય છે કે આંખ બંધ કરો અને એક રંગ વિશે વિચારો જે બ્લુ ન હોવો જોઈએ. આમ જ્યારે કહેવાય છે ત્યારે વાક્ય પૂરું થાય એ પહેલાં જ બધાએ બ્લુ રંગ ઇમૅજિન કરી લીધો હોય છે. આમ જેના વિશે સ્પષ્ટ કહ્યું છે કે ન વિચારો એ જ વિચારો તમને ઘેરે છે એ નકાર આપનું મગજ સરળતાથી પ્રોસેસ કરતું નથી. એ વિશે વાત કરતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘આમ તો આ માનવ બ્રેઇનની લાક્ષણિકતા જ છે. નકાર આપણને પ્રોસેસ કરવામાં વાર લાગે છે. વયસ્કોને આદત પડી ગઈ હોવાને કારણે એટલે દેખીતી રીતે વાંધો આવતો નથી પરંતુ બાળકોમાં એ સ્પષ્ટ દેખાય છે. હકીકતમાં મોટા લોકો પણ જો નકારાત્મક વાક્ય સાંભળે તો કન્ફ્યુઝન થતું હોય છે. એક ઉદાહરણ સમજીએ ઃ ‘આ કામ નથી કરવાનું એવું મેં નથી કહ્યું પરંતુ નથી કરવું કરી-કરીને પછી તમે કરો નહીં તો મને એમાં કંઈ વધુ સમજવું નથી.’ આ એક વાક્ય છે જે કોઈ વ્યક્તિ ફટાફટ તમારી સામે બોલી જાય તો તમે બે ઘડી વિચારવા લાગો છો કે આ શું કહે છે.’

હુકમ નકારમાં ન હોય 
જ્યારે કોઈ પાસે વસ્તુઓ મનાવવી હોય ત્યારે નકારનો પ્રયોગ થતો નથી એમ સમજાવતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘જેમ કે ઑર્ડર કરવાનો હોય એટલે કે હુકમ છોડવાનો હોય જ્યાં સામેવાળા માટે એ ફરજિયાત છે કે તેણે કરવું જ પડશે ત્યારે નકારનો ઉપયોગ થતો નથી. વળી સરળતા ખાતર એક જ શબ્દ વાપરવામાં આવે છે. જેમ કે યુદ્ધ ચાલતું હોય ત્યારે શૂટ, રન, આક્રમણ જેવા એક શબ્દનો પ્રયોગ થાય છે. કોઈ દિવસ કોઈએ એવો કમાન્ડ આપ્યો કે ડોન્ટ શૂટ? એ શક્ય જ નથી. નકારમાં કોઈ દિવસ કમાન્ડ ન આપી શકાય કારણ કે એ પ્રોસેસ ન થાય.’

બાળકને સાંભળતું કરવાનો ઉપાય શું?
નકાર પ્રોસેસ કરતાં વાર લાગે. એને સમજતાં અને એ રીતે જ વર્તતાં પણ વાર લાગે એ તો સમજ્યા પણ આ રસપ્રદ તકલીફનો ઉપાય વધુ રસપ્રદ છે. આ ઉપાય જાણીએ ડૉ. શ્યામ મિથિયા પાસેથી. બાળક સાથે જ નહીં, જીવનમાં કોઈ પણ વ્યક્તિ સાથે કમ્યુનિકેશન સારી રીતે કરવા ઇચ્છતા હો તો હકારમાં જ વાત કરવી. નકારવાળા શબ્દો વધુ વાપરવા નહીં. ખાસ તો એનાથી શરૂઆત કરવી નહીં. 

બાળક નથી સાંભળતું એની ફરિયાદ છોડીને તેની સામે તમે નકારવાળાં વાક્યો બોલવાનું ટાળો. 

જેમ કે તું દોડ નહીં કહેવાને બદલે તમારે કહેવાનું છે, તું ચાલ. તું કૂદકા ન માર એને બદલે કહેવાનું છે, તું શાંતિથી બેસ. આમ સરળ વાક્યો તેને વધુ સમજાશે.

Education columnists Jigisha Jain mumbai gujarati mid-day mental health