ફેસ સીરમ શું છે જાણો છો?

13 September, 2022 02:05 PM IST  |  Mumbai | Aparna Shirish

સોશ્યલ મીડિયા અને જાહેરાતોમાં જોઈને જાતજાતનાં ફેસ સીરમ વાપરવાનું વિચારતા હો તો એ પહેલાં જાણી લો એના ફાયદા-ગેરફાયદા

ફેસ સીરમ શું છે જાણો છો?

આજકાલ દરેક સ્કિન કૅર પ્રોડક્ટ બનાવતી કંપનીએ સીરમની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. ડ્રૉપરવાળી કૅપની ફૅન્સી નાનકડી કાચની બૉટલમાં મળતાં આ સીરમ દેખાવમાં જ એટલાં ઍટ્રૅક્ટિવ હોય છે કે સ્કિન કૅર ઍડિક્ટ્સથી રહી જ ન શકાય. પણ શું એ ખરેખર કામનાં છે? 

શું છે સીરમ? | સીરમ ત્વચાની જુદી-જુદી જરૂરિયાત માટે વિટામિન્સ, કોલાજન વગેરે મેડિકેટેડ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવવામાં આવેલું એક ટાઇપનું લિક્વિડ મૉઇશ્ચરાઇઝર છે જેમાં ત્વચાને જરૂરી એવાં વિટામિન સી, કોલાજન, હાયોલ્યુરૉનિક ઍસિડ, નિઆસિનામાઇડ, વિટામિન ઈ જેવાં તત્ત્વોને લિક્વિડ બેઝ સાથે મિક્સ કરી સીરમનું રૂપ આપવામાં આવે છે. એ લિક્વિડ અને ડાયલ્યુટેડ રૂપે હોવાને કારણે ત્વચામાં ઝડપથી ઍબ્સૉર્બ થાય છે અને સારી રીતે કામ કરે છે. આ વિશે ડૉ. મેઘના મૌર કહે છે, ‘સીરમ્સ ત્વચા માટે પોષક આહાર છે. જોકે એ આહારની જરૂર તમારી સ્કિનને છે કે નહીં એ જાણવું જરૂરી છે.’

ઘણા લોકોને મૉઇશ્ચરાઇઝર સૂટ નથી થતાં. ત્વચા વધુ તૈલી લાગે છે અને એ કારણે તેઓ મૉઇશ્ચરાઇઝર લગાવવાનું ટાળે છે. અહીં સીરમ વાપરી શકાય, કારણ કે એ ત્વચામાં ઝડપથી અંદર ઊતરી જાય છે અને ત્વચા ચીકણી નથી લાગતી. 

કેમ છે સીરમની જરૂર? | સીરમ ત્વચા માટે કઈ રીતે કામ કરે છે એ વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મહિમા જૈન કહે છે, ‘સીરમમાં ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ હોય છે એટલે એ સ્કિનની અંદર ઊતરી ઝડપથી અસર કરે છે. જુદાં-જુદાં સીરમ સ્કિનની જુદી-જુદી તકલીફો માટે ડિઝાઇન કરાયેલાં હોય છે. કેટલાંક સીરમ સ્કિનને પ્રોટેક્ટ કરે છે તો કેટલાંક રિપેર અને રિજુવિનેટ. તમારી સ્કિનની જરૂરિયાત પ્રમાણે ત્વચા વિશેષજ્ઞ તમને એ વાપરવાની સલાહ આપી શકે. અહીં એક જ સીરમ બધાને ચાલે એ ફૉર્મ્યુલા નથી.’

સીરમની સાઇડ ઇફેક્ટ્સ | સીરમ જો સ્કિનને સૂટ થશે તો એ સ્કિનને ખૂબ જ ગ્લોઇંગ અને સારી બનાવશે પણ જો માફક નહીં આવે તો એ ત્વચાની તકલીફોમાં વધારો કરી શકે છે. આ વિશે ડૉ. મહિમા કહે છે, ‘આજે માર્કેટમાં મોટા ભાગે વિટામિન-સી સીરમ વેચાય છે પણ એ સીરમ એસ્કૉર્બિક ઍસિડમાંથી બનાવવામાં આવે છે જે ત્વચાને વધુ ડ્રાય પણ બનાવી શકે છે. એ જ રીતે કેટલાંક સીરમ એક્સફોલિએટર તરીકે કામ કરે છે જે રોજ લગાવવાં હિતાવહ નથી, એનાથી ખીલ થઈ શકે છે. સીરમમાં પણ ડે અને નાઇટ એમ બે પ્રકાર છે. એટલે એનું સિલેક્શન જાહેરાતમાં જોઈને ન કરી શકાય. સીરમ ફાયદો કરે છે એમ નુકસાન પણ કરી શકે છે એટલે ત્વચા વિશેષજ્ઞની સલાહ વિના એ ન જ વાપરવું.’

કઈ રીતે લગાવવું? | સીરમ કઈ રીતે લગાવવું એ વિશે ડૉ. મેઘના કહે છે, ‘ડર્મેટોલૉજિસ્ટ પાસેથી ત્વચાની જરૂરિયાતને સમજો. રેપ્યુટેડ બ્રૅન્ડનું જ સીરમ વાપરો અને ચહેરા પર લગાવતા પહેલાં એને હાથ પર નાનકડા ભાગમાં લગાવી પૅચ ટેસ્ટ કરવી. જો સૂટ થાય તો જ ચહેરા પર લગાવવું. એ સિવાય સીરમ ચહેરો ધોયા બાદ એને કોરો કરી એના પર લગાવવું. સીરમ ત્વચામાં ઊતરી જાય એટલે એના પર મૉઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવી લેવું. સીરમને લેયર કરવું જરૂરી છે.’ 

columnists