સ્ત્રીની સફળતાથી ઈનસિક્યૉર છે પુરુષ?

24 April, 2023 03:16 PM IST  |  Mumbai | Jigisha Jain

પણ શું મૉડર્ન પુરુષ આ બદલાવ સાથે હાર્મની સાધી શક્યો છે કે તેને પોતાની સત્તા અને એકહથ્થુ શાસન હાથમાંથી સરકતાં દેખાઈ રહ્યાં હોવાને કારણે તે અસુરક્ષિત થઈ રહ્યો છે એ આજે અલગ-અલગ સમાજવિદો પાસેથી સમજવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

‘અમને તો ઘરરખ્ખુ વહુ જ જોઈએ’ની ડિમાન્ડ હવે ‘અમને તો કમાઉ વહુ જ જોઈએ’માં પરિણમી ગઈ છે, જે સમાજ તરીકે એક મોટો બદલાવ છે. પણ શું મૉડર્ન પુરુષ આ બદલાવ સાથે હાર્મની સાધી શક્યો છે કે તેને પોતાની સત્તા અને એકહથ્થુ શાસન હાથમાંથી સરકતાં દેખાઈ રહ્યાં હોવાને કારણે તે અસુરક્ષિત થઈ રહ્યો છે એ આજે અલગ-અલગ સમાજવિદો પાસેથી સમજવાની કોશિશ કરીએ

હાલમાં ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસે પોતાના એક મીડિયા ઇન્ટરવ્યુમાં પુરુષોના સ્વભાવ વિશે સ્ફોટક નિવેદન કરતાં કહ્યું હતું કે ‘વર્ષો સુધી પુરુષોએ ‘સોલ બ્રેડ વિનર’ એટલે કે ઘરમાં એકલી કમાનારી વ્યક્તિ તરીકેનું ખાસ્સું ગુમાન અને સ્વતંત્રતા ભોગવ્યાં છે. એ કામ જ્યારે સ્ત્રીઓ કરવા લાગે કે પછી આજે જ્યારે પુરુષ ઘરે બેઠો હોય અને સ્ત્રી કમાતી હોય અથવા તો સ્ત્રી તેના કરતાં વધુ સફળ હોય ત્યારે તે તેમની સીમારેખામાં ઘૂસવા જેવું થઈ જાય છે. હકીકતે એક સમાજ તરીકે આપણે એવા પુરુષોનો ઉછેર કરવાનો છે જેઓ સ્ત્રીઓની સફળતાને લઈને બિલકુલ ઇનસિક્યૉર એટલે કે અસુરક્ષિત નથી હોતા. મારા જીવનમાં અમુક માની ન શકાય એવા સારા પુરુષો છે જે મારી સફળતાથી બિલકુલ અસુરક્ષિતતા અનુભવતા નથી. પરંતુ મારા જીવનમાં એવા પણ પુરુષો છે જે મારી સફળતાને લઈને અસુરક્ષિત છે.’ 

એક સમય હતો જ્યારે સ્ત્રીઓ ઘરે રહીને ઘરનાં કામ કરતી અને બાળકોનો ઉછેર કરતી, જ્યારે પુરુષો ઘરમાં કમાઈને લાવતા. નહીં-નહીં તો છેલ્લાં ૫૦ વર્ષથી દેશમાં ધીમે-ધીમે આ વ્યવસ્થામાં બદલાવ શરૂ થયો છે. સ્ત્રીઓ ભણતી થઈ અને ધીમે-ધીમે તેમણે પણ કમાવાનું શરૂ કર્યું. આજે મુંબઈ જેવા શહેરમાં તો ઘણી સ્ત્રીઓ કામકાજી છે અને કમાય છે. ‘અમને તો ઘરરખ્ખુ જ વહુ જોઈએ’ની ડિમાન્ડ હવે ‘અમને તો કમાઉ વહુ જ જોઈએ’માં પરિણમી ગઈ છે. બદલાવ એ સંસારનો નિયમ ભલે રહ્યો, પરંતુ બદલાવ એક અતિ જટિલ પ્રક્રિયા છે, જેને લીધે સમાજની અંદર પણ જે બદલાવ આવી રહ્યા છે એની પોતાની જટિલતાઓ છે. એક તરફ લાગે કે વર્ષોથી પિતૃસત્તામાં રહેનારો પુરુષ સ્ત્રીઓની સફળતાથી અસુરક્ષા જેવી ભાવના અનુભવે એ પણ સહજ છે તો બીજી તરફ લાગે કે મૉડર્ન પુરુષ અસુરક્ષિત ન હોઈ શકે. આજે સમજીએ પુરુષના મનની આ જટિલતાને. 

સમાજ વ્યવસ્થા 

પુરુષને ઇનસિક્યૉર થવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એ વિશે વાત કરતાં જાણીતા સમાજવિદ ડૉ. ગૌરાંગ જાની કહે છે, ‘સમાજ ઘણાબધા કન્ડિશનિંગ સાથે જીવતો હોય છે. આપણે ત્યાં પૈસા કમાઈને લાવે એ વ્યક્તિ ઊંચી જ રહી છે અને સત્તા હંમેશાં તેના જ હાથમાં હોય. ઘરના નાનાથી માંડીને મોટા નિર્ણયો એ જ કરતી હોય. બધાએ તેમની ઇચ્છા પ્રમાણે જ વર્તવાનું હોય. જૂના સમયમાં સ્ત્રી કમાતી નહોતી એટલે પુરુષો પાસે સત્તા હતી. આજની તારીખે સ્ત્રી કમાય છે એટલે એ સત્તા વહેંચાવાની શક્યતા ઊભી થઈ છે. પ્રભુત્વ પુરુષની જરૂરિયાત છે, જે જરૂરિયાતને વર્ષોથી સીંચવામાં આવી છે. પિકનિક જવાનું છે અને એના પૈસા પપ્પા આપશે એટલે એની પરમિશન પણ પપ્પા પાસેથી જ લેવાની. મમ્મી કમાતી નથી એટલે પરમિશન આપી શકે નહીં, પરંતુ હવે મમ્મીઓ કમાવા લાગી છે. તો એ પરમિશન આપવાનો હક પણ ધરાવે છે. આ દેખીતી રીતે નાનકડા બદલાવ છે, પરંતુ એ વ્યક્તિ અને સમાજ બન્નેની સાઇકોલૉજી પર અસર કરે છે.’  

ઈગો હણાય? 

સ્ત્રી કમાય એ શું પુરુષથી ખમાતું નથી? શું એનાથી તેનો ઈગો હણાય છે? એનો જવાબ આપતાં ડૉ. ગૌરાંગ કહે છે, ‘પહેલાંના પુરુષો પત્નીને બહાર કામ નહોતા કરવા દેતા. કમાવા નહોતા દેતા. કહેતા કે મને તારા પૈસાની જરૂર નથી. પણ આ એ જ પુરુષો છે જે દીકરીના બાપ પાસેથી દહેજ લેતા. એ દહેજ તેમને પોતાનો હક લાગતો. આમ તે ત્યારે પણ પત્ની કે પત્નીના ઘરના લોકોના પૈસા પર નિર્ભર રહેતો. ત્યારે પણ તે પોતાનો ઈગો ભારે રાખીને જ વર્તતો. એમ આજનો પુરુષ ભલે તેની સ્ત્રી તેનાથી વધુ કમાય પણ એને કારણે પોતે હીન થઈ ગયો હોય એવું ક્યારેય માનતો નથી. મેં ઘણા સેક્સવર્કર્સ માટે પણ કામ કર્યું છે. એ સ્ત્રીઓના પતિ કોઈ કામ કરતા નથી. એ સ્ત્રી ખુદ શરીર વેચીને ઘર ચલાવતી હોય છે છતાં તેનો પતિ તેને દબાવવા માટે તેને માર મારે છે અને રંડી કહીને બોલાવે છે. આવું ફક્ત લોઅર ક્લાસમાં જ નથી, બધા ક્લાસમાં છે. સ્વરૂપ જુદું છે, પણ પરિસ્થિતિ સરખી છે.’ 

કમાતી વહુ 

આજકાલ પહેલાં જેવું નથી રહ્યું. સાસરાવાળા એવી ડિમાન્ડ કરતા થયા છે કે તેમને કમાતી વહુ જ જોઈએ છે. તો એનો અર્થ તો એ થયોને કે પુરુષો ખુદ જ ઇચ્છે છે કે તેની સ્ત્રી કમાય. આ તથ્ય પાછળનું ગણિત સમજાવતાં સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ, સુરતના પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે, ‘છેલ્લા કેટલાક વખતથી જે વૈશ્વીકરણ થયું છે એને કારણે ઉપભોક્તાવાદ મજબૂત બન્યો છે. એક મિડલ-ક્લાસ પરિવાર પણ ઇચ્છે છે કે તેની પાસે ગાડી હોય, તેની લાઇફ-સ્ટાઇલ ઊંચી હોય. તો એવામાં એક પગારથી કશું થવાનું નથી. એક કમાય અને ચાર ખાય એ પરિસ્થિતિ આજે કપરી છે એટલે કમાતી વહુની ડિમાન્ડ છે. જે સમજદાર પુરુષો છે તેને થોડી નિરાંત છે કે તેના હપ્તા ભરવા માટે, તેના ઘરને ચલાવવા માટે, તેની આર્થિક જરૂરિયાતોને વહેંચવા માટે કોઈ છે. તેની ફરજોનો બોજ તેને કારણે હળવો થયો છે પરંતુ આ નિરાંત હંમેશાંની નથી. એની પાછળ ઘણો ઉત્પાત છે.’

આ પણ વાંચો : કોઈ કાયદાથી લગ્નસંબંધમાં બળાત્કાર બંધ થશે ખરા?

ઉત્પાત 

સ્ત્રીને પોતાના કરતાં આગળ નીકળતી જોવી પુરુષો માટે સહજ નથી હોતું. એ જે ઉત્પાત છે એ કોઈને કોઈ રીતે બહાર આવે છે એમ સમજાવતાં પ્રો. કિરણ દેસાઈ કહે છે, ‘ક્લાસમાં સૌથી ઠોઠ છોકરાઓ ક્લાસની ટૉપર છોકરીને રંજાડતા હોય છે. આ લગભગ દરેક સ્કૂલનો કિસ્સો છે. ટપરી પર નવરા બેકાર બેઠેલા છોકરાઓ કામે જતી કે કૉલેજ જતી છોકરીઓની છેડતી કરે છે એના મૂળમાં આ જ ઉત્પાત હોય છે. સ્ત્રીઓની છેડતીથી માંડીને ઘરેલુ હિંસા સુધી પુરુષો દ્વારા સ્ત્રીને થતા અન્યાયના મૂળમાં આ ઉત્પાત રહેલો છે. સ્ત્રીની સફળતામાં તેને પોતાની નિષ્ફળતા પ્રતીત થતી હોય છે. તે પોતાને સમજાવે છે. કન્ટ્રોલ કરવાની કોશિશ પણ કરે છે પરંતુ જ્યારે એ નથી કરી શકતો ત્યારે સમાજમાં આ તકલીફો જોવા મળે છે. પહેલાં કરતાં સ્ત્રી વિરુદ્ધના ગુનાઓ વધી રહ્યા છે, જે દર્શાવે છે કે પુરુષોનો ઉત્પાત પણ વધી રહ્યો છે. પણ હા, આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ પરિસ્થિતિ બદલાવનો એક ભાગ છે.’  

જવાબદારીઓ 

મિડલ ક્લાસ અને અપર ક્લાસ વિશે વાત કરતાં મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં સોશ્યોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ ડૉ. ટ્વિન્કલ સંઘવી કહે છે, ‘એ વાત સાચી કે આજનો પુરુષ કમાતી પત્ની જ ઇચ્છે છે પરંતુ એ તેની વ્યવસ્થાનો જ એક ભાગ છે. તે તેના પર્ક્સ ક્યારેય છોડતો નથી. ભલે બંને જણ કમાય પણ ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી અને સામાજિક જવાબદારીઓ તેણે પત્ની પર જ રાખેલી છે. એ અસુરક્ષિતતા તે અનુભવે છે કે મારી પત્ની કમાતી થઈ છે એ બરાબર, પણ એને લીધે આ બધી જવાબદારીઓ મારે ન નિભાવવી પડે. અપર ક્લાસ જ્યારે કમાતી વહુની ડિમાન્ડ કરે છે એની પાછળ પણ એનું સોશ્યલ સ્ટેટસ વધે એ જ ઇચ્છા હોય છે.’ 

જે રીતે ઘરના દરેક નિર્ણયમાં પુરુષ સ્ત્રીને સામેલ કરવા લાગ્યો છે, જીવનના દરેક વળાંકમાં તે તેની સાથે ઊભો રહે છે, ઘરના કામ કે બાળકના ઉછેરમાં પણ રસ લેવા લાગ્યો છે; એક ઉમ્મીદ તો છે કે કમાતી સ્ત્રી કે તેની સફળતાને તે પોતે મોકળા મને સ્વીકારવાની પૂરતી કોશિશ કરી રહ્યો છે. વર્ષોથી સ્ત્રીને સતત દબાવતો પુરુષ આજે સ્ત્રીને બરાબરીનો દરજ્જો આપશે એ આશા મજબૂત પણ એટલે જ થઈ છે કે પુરુષો બદલાયા છે. સત્ય એ પણ છે સામાજિક બદલાવ ખૂબ જ ધીમા હોય છે; કારણ કે રાતોરાત દુનિયા બદલી નથી જતી, રાતોરાત માનસિકતા બદલાતી નથી. તો બધું બદલશે ખરું, પણ સમય લાગશે. આ તર્કને પોતાના તર્ક સાથે પ્રશ્નાર્થ લગાવતાં ડૉ. ટ્વિન્કલ સંઘવી કહે છે, ‘ટેક્નૉલૉજીમાં જે હરણફાળે બદલાવ આવે છે એ 
સ્પીડને આપણે કઈ રીતે સ્વીકારીએ છીએ? નવી-નવી ટેક્નૉલૉજીને અપનાવવામાં આપણને તકલીફ પડે જ છે છતાં અપનાવીએ છીએ. તો સામાજિક બદલાવમાં આટલી વાર કેમ?’

 પુરુષ એ અસુરક્ષિતતા અનુભવે છે કે મારી પત્ની કમાતી થઈ છે એ બરાબર, પણ એને લીધે સમાજની જવાબદારીઓ મારે ન નિભાવવી પડે. અપર ક્લાસ જ્યારે કમાતી વહુની ડિમાન્ડ કરે છે એની પાછળ પણ એનું સોશ્યલ સ્ટેટસ વધે એ જ ઇચ્છા હોય છે. ડૉ. ટ‍્વિન્કલ સંઘવી

columnists Jigisha Jain