27 October, 2024 12:25 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
દિવાળીનું પર્વ શુભ-લાભની કામનાઓ સાથે આવી પહોંચ્યું છે. આ પર્વ આશાનું છે, સંબંધોની માવજતનું છે, વીતેલા સમયનું આકલન કરવાનું છે અને સાથે નવા વર્ષની સંભાવનાઓનો પાયો રચવાનું છે. રાજબરોજની અનેક જફાઓ વચ્ચે વિરામ મેળવી સ્મિત રેલાવવાનો આ અવસર છે. આ માત્ર ઉજાસનું પર્વ જ નથી, સમજણનું પર્વ પણ છે. પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ સમજણનો એક તંતુ બાંધે છે...
જે પણ સ્વરૂપે આવી, મેં જિંદગીને માણી
સૂરજ ડૂબી ગયો, તો મેં સાંજને વખાણી
પ્રેમાળ સ્મિત પહેરી બેઠા છે હાથ પકડી
ચહેરો અસલ બતાવે જો દુખતી રગ લે જાણી
સ્મિત આપવામાં પૈસા નથી લાગતા. અમેરિકામાં એકબીજાને ન ઓળખતા પણ એકબીજા સામે સ્મિત કરે. એમાં વ્યવહાર કે કૃત્રિમપણું જરાય ન લાગે. સ્મિત ચહેરાનું ઘરેણું છે. એ પરાણે લવાય તો પરખાઈ જાય. એ સહજ રીતે આવે તો આંતરિક સૌંદર્યનો અનુભવ થાય. ગામડામાં જવાનું થાય ત્યારે કોઈ કારણ વગર પણ ત્યાંના લોકોનો સસ્મિત આવકાર જોઈને થાય કે આપણે શહેરવાસી ખરેખર રીઢા બની ગયા છીએ. આપણા સ્મિતમાં વણાયેલી લુચ્ચાઈને સચ્ચાઈ સુધી લઈ જવાનું કામ આપણે જાતે જ કરવું પડશે. સુરેશ વીરાણી એની સંભવિત અસર દર્શાવે છે...
ખુદની કિંમત જો તમે આંકી શકો
શક્ય છે બ્રહ્માંડને માપી શકો
કાળમીંઢાં કાળજાં કૂણાં પડે
સાવ સાચું સ્મિત જો આપી શકો
બાળકનું સ્મિત જોઈએ ત્યારે ભલભલું દુઃખ ભુલાઈ જાય. વર્ષ ૨૦૧૭માં ગુજરાતી જલસો શ્રેણીના કાર્યક્રમો માટે અમેરિકા જવાનું થયેલું. ત્યારે માનસી અને પાર્થિવ ગોહિલની નાનકી દીકરી નિરવી પણ સાથે હતી. આખી ટીમનું આકર્ષણનું કેન્દ્ર. બધા તેને રમાડવા તલપાપડ અને સમયાંતરે તેને સાચવવાની ડ્યુટી મળે એવી પ્રગટ–અપ્રગટ આશા પણ રાખે. એક કાર્યક્રમ પહેલાં ઓમકારા સંસ્થાના પ્રમોટર પિનાકિન પાઠકના ભાગે એ ફરજ આવી. નિરવીને હાથમાં ઊંચકીને તે ગ્રીન રૂમમાં આવ્યા ત્યારે પાર્થિવ ગોહિલને કહ્યું : તારી દીકરીએ તો મને મિલ્યન ડૉલર સ્માઇલ આપ્યું. એ વખતે મિલ્યનેર ભાવ વાત્સલ્યભાવમાં પલટાઈ ધન્યતા અનુભવતો હતો એ પ્રત્યક્ષ જોયું. ડૉ. નીરજ મહેતા આવી કોઈ સસ્મિત ક્ષણની વાત કરે છે...
પછી એવું થયું કે કંઠમાં જઈ મોર બેઠેલા
પછી એવું થયું કે આવડ્યું એવું ગવાયું પણ
પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું
પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ
જિંદગી જેવી આવડે એવી જીવવાની હોય છે. આ આવડત વિકસતી રહેવી જોઈએ. નવું કશું શીખવાની તૈયારી રાખીએ તો કાટ ન લાગે. સવાલ રસનો છે. જે વિષયમાં રસ હોય એમાં ઊંડા ઊતરીએ તો આનંદ આવે અને સંતોષનું મોતી પ્રાપ્ત થાય. પ્રતિમા પંડ્યા કહે છે એવી અનુભૂતિ થઈ શકે...
ભાર વાતોનો ઊતરતો જાય છે
સ્મિત ચહેરે એટલે અંકાય છે
સ્મિત ચહેરે એટલે અંકાય છે
ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે
સંબંધોમાં પણ ખુશ્બૂ ફેલાય તો પરિવાર ખુશનૂમા બને. રાગદ્વેષની મલિન ગંગા ક્યારેક તો સ્વચ્છ કરવી રહી. વ્યાવસાયિક સ્પર્ધા આવકાર્ય છે પણ હુંસાતુંસી નુકસાનકારક નીવડે છે. કોઈને નીચો પાડી દેવાની રમતથી દૂર રહેવા જેવું છે. આપણી લીટી મોટી કરવા સામેવાળાની લીટી નાની કરવાની જરૂર નથી. સ્વ-વિકાસનો યજ્ઞ યથાશક્તિ અને યથામતિ આહુતિ માગે છે, હાડકા નહીં. જિંદગીનું એક કઠોર સત્ય ઓજસ પાલનપુરી સમજાવે છે...
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ
સૌ વાચકોને દિવાળીની દૈદિપ્યમાન શુભેચ્છાઓ.
મુકુલ ચોકસી સંબંધોની કુમાશ સાથે પ્રકૃતિનો પારાવાર આલેખે છે...
હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઉઘાડી પોપચાં જાગ્યું સજનવા
સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવું સજનવા
લાસ્ટ લાઇન
પળભર ભૂલી જાઓ રુદનને- સ્માઇલ પ્લીઝ
ક્યાં કહું છું આખાય જીવનને- સ્માઇલ પ્લીઝ
કૅમેરા લઈ એક બગીચામાં હું પેઠો
કહી દેવાયું ત્યાંય સુમનને- સ્માઇલ પ્લીઝ
તરત પછી તો સરસ મજાની સુગંધ આવી
જરા અમસ્તું કહ્યું પવનને- સ્માઇલ પ્લીઝ
મેકઅપ બેકપ આભૂષણ બાભૂષણ છોડો
પહેરાવી દો સ્મિત વદનને- સ્માઇલ પ્લીઝ
ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે
કહ્યું હતું જે ક્ષણે સ્વજનને- સ્માઇલ પ્લીઝ
સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર
કઈ રીતે કહી શકશો મનને- સ્માઇલ પ્લીઝ
ફોટોગ્રાફર છે ને સાથે ઇમેજ પણ છે
બેઉ મળીને કહે કવનને- સ્માઇલ પ્લીઝ
- શ્યામલ મુનશી